કેન્સર અને હૃદય તેમ જ ફેફસાંના રોગોનું મુખ્ય કારણ સાબિત થયા પછી 168 દેશોએ તમાકુ ઉત્પાદનો પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂક્યો છે અને તમાકુ નિયંત્રણ કરાર પર સહી કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 1987થી દર 31 મેએ ‘નો ટોબેકો ડે’ ઉજવવાનું નક્કી કર્યું છે. આપણે પણ મોત વેચાતું લેવાનું ને ભ્રામક આનંદમાં રાચવાનું બંધ કરીએ.

સોનલ પરીખ
સુધરેલા સમાજે આદિવાસીઓને ઘણી નુકસાનકારક લત લગાડી છે, પણ તમાકુ એ આદિવાસીઓ દ્વારા સુધરેલા સમાજને વળગેલી લત છે. ઇતિહાસ કહે છે કે સાડાચાર સદી પહેલા અમેરિકાના આદિવાસીઓમાં તમાકુનાં પાન ચાવવાની અને તમાકુની બીડી પીવાની આદત હતી. કોલંબસ આ આદતને પોર્ટુગલ લાવ્યો અને જોતજોતામાં યુરોપમાં ને યુરોપ ભારતમાં આવ્યું તેની સાથે ભારતમાં તમાકુનું વ્યસન પ્રવેશ્યું. ભારતમાં તમાકુ પીવા હોકો બન્યો અને એ પાછો યુરોપમાં ગયો. ભારતમાં તમાકુમાં રસાયણો ઉમેરી ગુટખા બન્યા. આજે તમાકુ દારૂ અને નશીલી ડ્રગ્સ કરતાં વધારે વ્યાપક અને વધારે ખતરનાક નશો મનાય છે. એને ખાઈ શકાય, સૂંઘી શકાય, દાંતે ઘસી શકાય અને ધુમાડો પણ લઇ શકાય. અન્ય વ્યસનના મુકાબલે તેની અસર ધીમી છે, પણ એ ઘાતક છે, શરીરને અંદરથી સતત નબળું બનાવી ખતમ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલા આંકડા મુજબ દુનિયામાં દર વર્ષે આશરે 80 લાખ લોકો તમાકુથી અને 12 લાખ લોકો ધુમ્રપાન કરતાં લોકોના સંપર્ક એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોકથી મૃત્યુ પામે છે. તેમાંના 80% લોકો વિશ્વના મધ્યમ અથવા ઓછી આવક ધરાવતા દેશોના છે.
આમ છતાં ઘણી સદીઓ સુધી ધૂમ્રપાનને ‘તંદુરસ્ત ટેવ’ ગણવામાં આવતી હતી. તમાકુના છોડ નિકોટિઆનાને 16મી સદીમાં ‘પવિત્ર ઔષધિ’ તરીકે ઓળખવામાં આવતો હતો. અમેરિકાની આદિવાસી ટોળીઓ તમાકુની ચલમ બદલી ઝઘડાનું સમાધાન કરતી. એટલે આ ચલમને તેઓ ‘શાંતિની ચલમ’ કહેતા. ડચ મેડિકલ રિસર્ચર ગાઇલ્સ એવેરાર્ડે ૧૫૮૭માં પોતાના એક પુસ્તકમાં લખ્યું હતું કે નિકોટિઆનાનો ઉપયોગ વધશે તેમ તબીબોની ઓછી જરૂર પડશે. પોર્ટુગીઝ સાહસિક પેડ્રો આલ્વારિસ કેબ્રાલ 1500માં બ્રાઝિલ પહોંચ્યા, ત્યારે તેમણે તમાકુના ઉપયોગ અંગે નોંધ ટપકાવી હતી. તમાકુનો છોડ બેટમ નામે ઓળખાતો અને તેનો ઉપયોગ ગાંઠ અને ગૂમડાંની સારવાર માટે થતો. હાલના મેક્સિકો અને તે વખતના ન્યૂ સ્પેનમાં પહોંચેલા ફ્રાન્સિસ્કન મિશનરી બર્નાન્ડિનો ડે સહાગુનને સ્થાનિક વૈદોએ જણાવ્યું હતું કે ગળાની ગાંઠને દૂર કરવા તેમાં કાણું કરીને તમાકુનો ભુક્કો અને મીઠું ગરમ કરીને લગાવી શકાય છે. વિશ્વયુદ્ધોમાં ઘાયલ સૈનિકોને સ્ટ્રેચર પર લઇ જવાતા હોય ત્યારે મોંમાં સિગરેટ આપતા.
હાલમાં ઈ-સિગારેટનું ચલણ પણ વધ્યું છે. તમાકુ પીવાના બદલે બૅટરીથી ચાલતી આ નકલી સિગારેટમાં નિકોટિનની વરાળ લઈ શકાય છે, જેથી ધૂમ્રપાન કર્યાનો સંતોષ મળે. ઈ-સિગારેટ પીવી તેને ‘વેપિંગ’ કહેવામાં આવે છે. ઈ-સિગારેટમાં ટાર કે કાર્બન મૉનોક્સાઇડ જેવા ખતરનાક પદાર્થો ઉત્પન્ન થતાં નથી. પણ ઈ-સિગારેટ પણ તદ્દન નિર્દોષ નથી એમ બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસ જણાવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમાકુને ‘ચેપી’ તેમ જ ‘વિશ્વ સામેનો આજ સુધીનો સૌથી ગંભીર ખતરો’ ગણે છે. તેણે વિશ્વના દેશોને તમાકુનો ઉપયોગ ઓછો થાય તેવી નીતિઓ અપનાવવા અરજ કરી છે. તમાકુની કંપનીઓ જાહેરખબરો કરે છે અને સ્પૉન્સરશીપ લે છે તેને મર્યાદિત કરવા માટે તથા સિગારેટ પર વેરા વધારવા માટેની પણ ભલામણ કરાઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર તમાકુનો ઉપયોગ ઘટી રહ્યો છે. પણ આંતરરાષ્ટ્રીય ધોરણે તમાકુનો ઉપયોગ ઘટાડવા માટે જે લક્ષ્યાંક નક્કી કરાયો છે, તેની સરખામણીએ આ ગતિ ઘણી ધીમી છે. વિશ્વમાં આજે પણ 1.1 અબજ પુખ્ત લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે. ભારત તમાકુનો ઉપયોગ કરનાર દેશોમાં સાતમો છે અને 115 દેશોમાં તમાકુ એક્સપોર્ટ કરે છે. ભારતનું તમાકુનું બજાર દોઢ અબજ ડોલરનું છે – 97 હજારથી વધારે રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ ખેડૂતો તમાકુ પકવે છે.
કોરોના વખતે સૌરાષ્ટ્રમાં તમાકુ ઉત્પાદનો અતિશય મોંઘા ભાવે બ્લેકમાં વેચાયાં ને માવા-ગુટકા માટે રાશનથી પણ લાંબી લાઈનો લાગી એ સમાચર જાણ્યા ત્યારે માવા ખાનારા, છોડવાની વિનંતી કરવામાં આવે ત્યારે ‘કાંય નો થાય’ કહી ડાઘવાળા દાંતે હસનારા, મોઢું પૂરું ખૂલતું ન હોય એટલે અંગુઠો અને પહેલી આંગળીથી કોળિયા ભરનારા ને પછી કેન્સર થવાથી ગુજરી જનારા અનેક પરિચિત ચહેરા આંખ સામેથી પસાર થઈ ગયા હતા. આ કેવું વ્યસન છે? શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ગુટકાના વ્યસન સામે એકલે હાથે વર્ષો સુધી અભિયાન ચલાવનારા એક મિત્રનું નિરીક્ષણ છે કે એક ઉંમરે છોકરાઓ પુરુષ થવા થનગનતા હોય છે. સ્ટાઇલથી માવા ખાતા મિત્રોને જોઈને એમને પણ સ્ટાઇલો મારવાનું મન થાય છે. એ ઉંમર માબાપનું ન માનવાની પણ હોય છે. ઉપરથી હું બધું હેન્ડલ કરી શકું એવો સાચોખોટો વિશ્વાસ અને ફિલિંગ ઑફ એડવેન્ચર. વ્યસન વળગતાં વાર કેટલી?
સૌરાષ્ટ્રમાં માવા-ગુટકા છે અને મહાનગરોમાં અને વિદેશોમાં સિગરેટ. ત્યાં માતાપિતાને સિગરેટ પીતા જોઈને સ્કૂલમાં જ સિગરેટ પીવાનું શરૂ કરતા કિશોરોની સંખ્યા મોટી છે. થોડું શોખથી ને થોડું સ્ટ્રેસ ઓછું કરવાની ઇચ્છાથી 14 વર્ષની મારિયાએ સિગરેટ શરૂ કરી. 16ની ઉંમરથી તે રોજનું એક પેકેટ પી જતી. એ પ્રેગ્નન્ટ થઈ, નિકોટિન ઓવરડોઝને લીધે પ્રસૂતિ બે મહિના વહેલી થઈ અને ઇન્કયુબેટરમાં રાખી જીવાડેલી દીકરી એબ્નોર્મલ રહી ત્યારે તેને ભાન થયું કે સિગરેટ ફૂંકવામાં જિંદગી કેવી ધુમાડો બની ગઈ હતી. એના સિગરેટ-સાથી રોનને 27મા વર્ષે ફેફસાંનું કેન્સર થયું છે. કેમોથેરપી, રેડિએશન, સર્જરી પછી તેની છાતીમાં પીડાદાયક ડ્રેનેજ ટ્યુબ મૂકવામાં આવી છે. આ બંનેએ પોતાની વીડિયો ક્લિપ ઈન્ટરનેટ પર મૂકી હતી. આપણી આસપાસ પણ આવા કેસ જોવા મળે છે.
એકલતાનો ઈલાજ તમાકુમાં શોધનાર લોકો ત્યાં પણ છે, અહીં પણ. 45 વર્ષની માયા લગ્નજીવનના પ્રશ્નોથી પરેશાન હતી. ખટપટ કરી ટ્રાન્સફર મેળવી એ મુંબઈ આવી ખરી, પણ શહેરની જીવનશૈલી અને એકલતાથી પરેશાન થઈ સિગરેટ પીવા લાગી, તેનો ફેવરિટ દેવ આનંદ પણ ‘હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા’ કહેતો એ એની દલીલ. આ પંક્તિ લખનાર સાહિર ઘણી સિગરેટ પીતા અને અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે કે સાહિર મળીને જાય પછી એમની અડધી પીધેલી સિગરેટો એકઠી કરીને પોતે પીતાં. એક આખી પેઢી સિગરેટને રોમાન્સ સાથે જોડતી થઈ ગઈ હતી. માયા પણ પોતાની ઉદાસી અને એકલતાને આવા રોમેન્ટિક એન્ગલથી જોવા લાગી હતી, પણ અંતે એ એકલતા અને વ્યસન બંનેથી કંટાળી અને પતિ પાસે ચાલી ગઈ. સારા નસીબે એ પતિપત્ની તો ઠીકઠાક ગોઠવાઈ ગયાં, પણ બધાંનું નસીબ એટલું સારું નથી હોતું.
પેકેટ પરની ચેતવણી, તમાકુનાં દુષ્પરિણામોની જાણકારી અને જાહેર જગ્યાઓમાં સિગરેટ પર પ્રતિબંધ છતાં લોકો તમાકુ છોડી શકતા નથી કેમ કે નિકોટિન મગજના રિસેપ્ટર્સ પર અસર કરે છે ત્યારે ડોપામાઈન નામનું રસાયણ સક્રિય થાય છે તેથી એક મસ્તી અને હળવાશનો અનુભવ થાય છે. લોહીમાં નિકોટિન લેવલ ઘટે એટલે શરીરમાં ફરી તેની માગ ઊઠે. પછી તો પાવલોવના પ્રયોગની માફક ઘંટડી વાગે અને કૂતરાની લાળગ્રંથિ સક્રિય થઈ જાય તેમ સિગરેટ માણસના ઈમોશનલ કમ્ફર્ટ અને આનંદ સાથે જોડાઈ જાય છે. આ વિષચક્ર છે. પોતાને લાડ કરવા હોય, હળવા થવું હોય, જીવનની ચડઊતરમાં સાથ જોઈતો હોય ત્યારે સિગરેટ યાદ આવે છે
કેન્સર અને હૃદય તેમ જ ફેફસાંના રોગોનું મુખ્ય કારણ સાબિત થયા પછી અનેક દેશોએ તમાકુ ઉત્પાદનો પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂક્યો છે. 2003માં 168 દેશોએ તમાકુ નિયંત્રણ કરાર પર સહી કરી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 1987થી દર 31 મેએ ‘નો ટોબેકો ડે’ ઉજવવાનું નક્કી કર્યું છે. આપણે પણ મોત વેચાતું લેવાનું ને ભ્રામક આનંદમાં રાચવાનું બંધ કરીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 મે 2026
![]()

