ભારતમાં નવજાગૃતિની, ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત રાજા રામમોહન રાય દ્વારા થઈ. સતીપ્રથાનો અંત આણનાર આ દિગ્ગજ સમાજસુધારકની પ્રતિભા આશ્ચર્ય થાય એટલી વિરાટ અને સમય કરતાં ખૂબ આગળ હતી. ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી જેવી પ્રતિભાઓ પર પણ તેમનો પ્રભાવ હતો.
રેનેસાં (નવજાગૃતિ) શબ્દ સાથે ૧૪મીથી ૧૬મી સદી દરમિયાન યુરોપમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન અને વિચારધારામાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનનો ઇતિહાસ તાજો થાય. ભારતમાં નવજાગૃતિની, ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત ૧૮મી સદીમાં બંગાળમાં આધુનિક ભારતના જનક ગણાતા રાજા રામમોહન રાય દ્વારા થઈ. સતીપ્રથાનો અંત આણનાર આ દિગ્ગજ સમાજસુધારકની પ્રતિભા આશ્ચર્ય થાય એટલી વિરાટ અને સમય કરતાં ખૂબ આગળ હતી. ગુરુદેવ ટાગોર અને મહાત્મા ગાંધી જેવી પ્રતિભાઓ પર પણ તેમનો પ્રભાવ હતો. ૨૧ મેએ એમનો જન્મદિન છે. પૂરી નમ્રતા અને પૂરા આદર સાથે એમને ઓળખવાનો પ્રયત્ન કરીએ.
ત્યારે ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં બ્રિટિશ શાસન હતું. એનું મોટું કારણ એ હતું કે રેનેસાં સાથે આવેલા ઔદ્યોગીકરણનો બ્રિટને સૌથી પહેલા સ્વીકાર કર્યો હતો. પણ બીજા દેશોની જેમ ભારતમાં પણ બ્રિટનની નીતિ દેશને પછાત અને પરંપરામાં જકડાયેલો રાખવાની રહી કેમ કે એને એમાં જ ફાયદો હતો. આવા ભારતમાં જન્મેલા રામમોહન રાયને ‘રાજા’નો ખિતાબ મોગલ બાદશાહ અકબર બીજાએ રાજદ્વારી મુલાકાત માટે એમને બ્રિટન મોકલ્યા ત્યારે આપ્યો હતો.
૧૭૭૨માં એમનો જન્મ. બાર વર્ષની ઉંમરે રામમોહને અરબી-ફારસીનું શિક્ષણ મેળવ્યું, સોળમા વર્ષે કાશી જઈ પ્રાચીન વિદ્યાઓ શીખવા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તિબેટ જઈ બૌદ્ધ ધર્મનું જ્ઞાન મેળવ્યું. પાછા આવીને અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધું. ખ્રિસ્તી ધર્મના મૂળ સ્રોતોનો અભ્યાસ કરવા હિબ્રૂ, ગ્રીક તથા લૅટિન ભાષાઓ શીખ્યા. તેમના ત્યાર પછીના સક્રિય જીવનની આમ સુંદર પૂર્વતૈયારી થઈ. પછીના બે દાયકા અનેકવિધ પ્રવૃત્તિઓના હતા. જેમ આધુનિક પશ્ચિમી રાજકીય ચિંતનના ઇતિહાસનો પ્રારંભ એરિસ્ટોટલથી થયો છે તેમ આધુનિક ભારતીય રાજકીય ચિંતનની શરૂઆત રાજા રામમોહન રાયથી થાય છે.
એમણે જોયું કે તાર્કિક અને વૈજ્ઞાનિક શિક્ષણથી જ દેશ વિશ્વમાં યોગ્ય સ્થાન મેળવી શકશે. તેમણે ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન તથા રાજનીતિને લગતા વ્યવહારુ જ્ઞાનના વિસ્તરણ માટે બંગાળી ભાષામાં ‘સંવાદ કૌમુદી’ અને ફારસી ભાષામાં ‘મિરાત-ઉલ-અખબાર’ સામયિકો શરૂ કર્યાં. વ્યાકરણ, ભૂગોળ, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર જેવા વિષયો માટે બંગાળી ભાષામાં પાઠ્યપુસ્તકો લખ્યાં. પશ્ચિમી વિજ્ઞાનોના તથા સાહિત્યના અભ્યાસ માટે કોલકાતામાં અંગ્રેજી ભાષાના માધ્યમથી શિક્ષણ આપતી પહેલી કૉલેજ શરૂ કરી. કોલકાતામાં પશ્ચિમી શિક્ષણ માટે ‘ધ પેરેન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂશન’ની અને હિન્દુ તત્ત્વજ્ઞાનના શિક્ષણ માટે ‘વેદ વિદ્યાલય’ની સ્થાપના કરી.
૧૮૨૩માં ‘કાઉન્સિલ ઑફ એજ્યુકેશન’એ શિક્ષણના વિકાસ માટે મોટી રકમ ફાળવી ત્યારે રાજા રામમોહન રાયે ગવર્નર જનરલ લૉર્ડ એમહર્સ્ટનને ભારપૂર્વક જણાવ્યું કે આ રકમનો ઉપયોગ ભારતના લોકોને ભૌતિક વિદ્યાઓ, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે વિષયો શીખવવા માટે તેમ જ તે માટે વિદ્વાન અધ્યાપકોની નિમણૂક માટે થવો જોઈએ. માગણી સ્વીકારાઈ નહીં, પણ એ સૂચક છે કે ઇંગ્લૅન્ડમાં કેમિસ્ટ્રીની કૉલેજ સ્થપાઈ તેના તેર વર્ષ પહેલા અને લંડન યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી શરૂ થઈ તેના સાડત્રીસ વર્ષ પહેલા આર્ષદૃષ્ટા રામમોહન રાયે આ પ્રકારના અભ્યાસક્રમો ભારતમાં શરૂ કરવાની માગણી કરી હતી.
એ વખતે દેશમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસાર વેગ પકડી રહ્યા હતા. લોકોને હિંદુ ધર્મનો સાચો ખ્યાલ આપવા અને મૂર્તિપૂજા-અંધશ્રદ્ધા-કુરિવાજોને દૂર કરવા એમણે ઉપનિષદોના બંગાળી ભાષામાં અનુવાદ કર્યા, ‘વેદાંતસાર’ પુસ્તિકા આપી. પણ તેઓ ખ્રિસ્તી ધર્મના ટીકાકાર ન હતા, ઈશુને પૂજનીય માનતા અને બાઈબલનો બંગાળી અનુવાદ આપ્યો એથી એમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રલોભનો અપાતાં, જે એમણે કદી સ્વીકાર્યા નહીં.
૧૮૨૮માં તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. ધર્મોના તુલનાત્મક અભ્યાસની પહેલ કરી અને માનવધર્મ-વિશ્વધર્મનો વિચાર આપ્યો. બ્રહ્મોસમાજના જ્ઞાતિપ્રથાનો વિરોધ, આંતરજ્ઞાતીય લગ્નની તરફેણ, ધર્મ-સહિષ્ણુતાની ભાવના અને અસ્પૃશ્યતાને ડામવા માટે કરેલા પ્રયાસોએ ભાવિ સમાજસુધારકો તથા રાજકીય ચિંતકો માટેનો માર્ગ મોકળો કર્યો.
તે સમયે સ્ત્રીઓનું જીવન દયનીય હતું. બ્રહ્મોસમાજે સમાજમાં વ્યાપેલાં બાળલગ્નો, વિધવાનું શોષણ, કન્યાવિક્રય, બહુપત્નીપ્રથા, કન્યાઓને દૂધપીતી કરવી, સતીપ્રથા જેવાં ભયાનક દૂષણોનો અંત આણવા પુષ્કળ પ્રયત્નો કર્યા. રાજા રામમોહન રાય દૃઢપણે માનતા કે આર્થિક સ્વાતંત્ર્ય હોય તો જ સ્ત્રીની સ્થિતિ સુધરે. ‘મૉડર્ન એન્ક્રોચમેન્ટ ઑન ધી એન્શ્યન્ટ રાઇટ્સ ઑફ ફિમેલ્સ એકૉર્ડિંગ ટુ ધ હિંદુ લૉ ઑફ ઇનહરિટન્સ’ પુસ્તિકામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પતિના મૃત્યુ પછી વિધવાને મિલકતનો હિસ્સો મળવો જોઈએ.
૧૮૫૮થી ૧૮૧૮ દરમિયાન કંપની સરકારે મૂકેલાં નિયંત્રણો છતાં અઢી હજારથી વધારે વિધવાઓને પતિના શબ સાથે જીવતી સળગાવી દેવામાં આવી. હિંદુ ધર્મશાસ્ત્રો, માનવતા અને કુદરતી હક્કોનો હવાલો આપી રાજા રામમોહન રાયે આ હત્યારી પ્રથા વિરુદ્ધ જોરશોરથી ઝુંબેશ ચલાવી. સનાતનીઓના પુષ્કળ વિરોધ છતાં ૧૯૨૯માં લૉર્ડ બૅન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કર્યો.
તેઓ વિચાર-સ્વાતંત્ર્ય તથા વર્તન-સ્વાતંત્ર્યના હિમાયતી હતા. બ્રિટિશ શાસનમાં હિંદુઓએ ગુમાવેલા રાજકીય અધિકારો પાછા મેળવવા માટે તેમણે સતત પ્રયત્નો કર્યા. અખબારોના માધ્યમથી વૈચારિક ક્રાંતિની પરંપરા શરૂ કરી જે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે એક શક્તિશાળી પરિબળ તરીકે ઉપસી આવી. ગવર્નર જૉન આદમે અખબાર-સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તેઓ સર્વોચ્ચ અદાલત અને પ્રિવી કાઉન્સિલ સુધી લડ્યા. એમની અરજીમાં રજૂ થયેલાં દલીલો અને વિચારો એટલાં પાયાનાં હતાં કે તેને બ્રિટિશ કવિ જૉન મિલ્ટને ઇંગ્લૅન્ડમાં અખબાર-સ્વાતંત્ર્યની હિમાયત માટે રચેલા ‘એરિયોપેજિટિકા’ ગ્રંથ સાથે સરખાવી તેને ‘ભારતીય એરિયોપેજિટિકા’ તરીકે સ્વીકારવામાં આવી છે.
વ્યક્તિ-સ્વાતંત્ર્ય, વ્યક્તિવિકાસ અને તથા સામાજિક કલ્યાણ વચ્ચે સુમેળ સાધવામાં તેઓ માનતા. તેમણે કહેલું કે પ્રગતિશીલ નીતિઓનો અમલ કરી ભારતને સ્વતંત્રતા આપવી એ બ્રિટનના હિતમાં છે. દુનિયામાં થતા સ્વાતંત્ર્ય માટેનાં તમામ આંદોલનોનું તેમણે સમર્થન કર્યું હતું.
૧૮૨૭માં બ્રિટિશ પાર્લમેન્ટનો જ્યુરીને લગતો કાયદો ભેદભાવભર્યો હોવાથી એમણે તેનો ખૂબ વિરોધ કર્યો, પરિણામે જ્યુરીના સભ્યોમાં ભારતીયોની નિમણૂક થવી શરૂ થઈ. ઉપરાંત તેમણે પૂરતી સંખ્યામાં તેમ જ યોગ્ય લાયકાતો ધરાવતા ન્યાયાધીશોની નિમણૂંક કરવાની અને ખેડૂતોના હક્કો અને હિતો જાળવવાની માગણી કરી હતી. તેઓ માનતા કે શિક્ષિત, ચારિત્ર્યવાન અને સંપન્ન બ્રિટિશરોને જ ભારતમાં વસવાટ કરવાની મંજૂરી હોવી જોઈએ. એમણે સૂચવેલું કે શિક્ષિત ભારતીયોની વહીવટી હોદ્દાઓ પર નિમણૂક થવી જોઈએ તેમ જ કારોબારી તથા ન્યાયતંત્ર એકબીજાંથી અલગ-સ્વતંત્ર હોવા જોઈએ.
દેશમાં લોકશાહી શાસન સ્થપાશે અને એ માટે થનારી લડત મધ્યમવર્ગ દ્વારા ચલાવાશે એવી એમને શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા કેટલી સાચી ઠરી, ઈતિહાસ તેનો સાક્ષી છે. તેમણે લોકોમાં રાજકીય જાગૃતિ આણવા અથાક પ્રયત્નો કર્યા. આર્થિક ક્ષેત્રે મુક્ત વ્યાપારની હિમાયત કરી અને મીઠાના વેપાર પરના કંપની સરકારના ઇજારાનો વિરોધ કર્યો. આ વિચારને પાછળથી દાદાભાઈ નવરોજીએ સિદ્ધાંત તરીકે વિકસાવ્યો હતો.
રાજા રામમોહન રાયે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું, બંગાળી ગદ્યમાં તેમણે આણેલા ક્રાંતિકારી પરિવર્તનનો આવિષ્કાર બંકિમચંદ્ર ચૅટરજી અને ટાગોરના ઉત્કૃષ્ટ બંગાળી ગદ્યમાં જોવા મળે છે. વેદાંત પરના તેમના પુસ્તક ‘એન એબ્રિજમેન્ટ ઑફ વેદાંત’ની સમીક્ષા ઇંગ્લૅન્ડના જાણીતા સામયિકોમાં થઈ હતી. રાજકીય ચિંતક જર્મી બેન્થમ અને યુટોપિયન સોશ્યાલિઝમના પ્રણેતા રૉબર્ટ ઓવન સાથે તેમનો વિચારવિમર્શ ચાલતો.
તેમના આંતરરાષ્ટ્રીય મિત્રતા, આંતરરાષ્ટ્રીય સહકાર તથા આંતર-રાષ્ટ્રીયવાદના વિચારો આજે પણ પ્રસ્તુત છે. રાષ્ટ્રો વચ્ચે મતભેદ પડે ત્યારે તે આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ રજૂ થવા જોઈએ એવી કલ્પના તેમણે ૧૮૩૧માં કરી. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો છેક ૧૯૪૫માં સ્થપાયું. તમામ કાયદા અને સામાજિક નિયમો લોકકલ્યાણ માટે હોવા જોઈએ એવો તેમનો વિચાર એરિસ્ટૉટલના હેડોનિઝમને મળતો આવે છે.
૧૮૩૩માં બ્રિસ્ટલમાં ૬૧ વર્ષની ઉંમરે રાજા રામમોહન રાયનું નિધન થયું. ત્યાં સેવાપ્રવૃત્તિઓ દ્વારા તેમની પુણ્યતિથિ ઊજવાય છે. એક રસ્તાને એમનું નામ આપવામાં આવ્યું છે. તેમની એક પ્રતિમા પણ છે. ૧૯૮૮માં, શ્યામ બેનેગલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત દૂરદર્શન સીરિયલ ‘ભારત એક ખોજ’માં રાજા રામમોહન રાય પર એક આખો એપિસોડ હતો.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 મે 2026
![]()

