Opinion Magazine
Number of visits: 9909679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—345 

દીપક મહેતા|Opinion - Opinion|14 June 2026

એક પુલ, દો માલી : એક ફ્રેંચ, એક ફ્રેરે      

તુઝે સૂરજ કહું યા ચંદા,

તુઝે દીપ કહું યા તારા?

૧૯૬૯માં આવેલી ફિલ્મ ‘એક ફૂલ દો માલી’નું પડદા પર બલરાજ સાહની ગાતા એ ગીત આજે આટલે વરસે યાદ આવવાનું કારણ? હા, જી. અમને ખબર છે: સુજ્ઞ વાચકો વિમાસણમાં પડ્યા હશે કે મુંબઈના બ્રિજ વિષે વાત કરતાં કરતાં આજે આ ભાઈ ફિલ્મી ગીતને રવાડે કેમ ચડી ગયા? કારણ આજે આપણે મુંબઈના એક બ્રિજનાં બે નામ અંગેની આવી જ વાત કરવાની છે. મુંબઈ પર ક્યારે ય ફ્રેંચ શાસન હતું? ના. તો પછી મુંબઈના એક જાણીતા બ્રિજનું નામ ‘ફ્રેંચ બ્રિજ’ કેમ છે? જવાબ : અંગ્રેજ સરકારના એક અધિકારી, જે પછીથી BBCI રેલવે કંપનીની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા ચેરમેન બન્યા હતા. તેમની યાદગીરીમાં આ બ્રિજનું નામ પાડવામાં આવેલું. એમનું આખું નામ લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ. જન્મ ૧૮૦૫માં, અવસાન ૧૮૯૦માં. આ રેલવે કંપનીના ચેરમેન બન્યા તે પહેલાં તેઓ ૧૮૪૧-૧૮૪૨ દરમિયાન ‘અપર સિંધ’ના પોલિટિકલ એજન્ટ હતા. ૧૮૪૪માં રાજસ્થાનના જોધપુર ખાતે તેમણે એક્ટિંગ પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. પછી થોડા વખત માટે તેઓ મુંબઈ શહેરના ‘ટાઉન મેજર’ બન્યા અને ૧૮૫૧માં બન્યા વડોદરા રાજ્યના રેસિડન્ટ. ૧૮૫૫માં BBCI રેલવે કંપની શરૂ થઈ ત્યારે તેના પહેલા અધ્યક્ષ બન્યા. 

ચાલો, એક આંટી તો ઉકેલાઈ ગઈ. ના, ના. વધુ ગૂંચવાઈ છે. કારણ મુંબઈની મ્યુનિસિપાલિટીના અને રેલવેના જૂના દફતરોમાં આ બ્રિજ ‘ફ્રેંચ બ્રિજ’ તરીકે નહિ, પણ ‘ફ્રેરે બ્રિજ’ તરીકે નોંધાયેલો છે! આજે પણ મુંબઈની મ્યુનિસિપાલિટીનો Mumbai Legacy Project આ બ્રિજને ‘ફ્રેરે બ્રિજ’ તરીકે જ ઓળખાવે છે, ફ્રેંચ બ્રિજ તરીકે નહિ. અને ગૂગલ દેવતાનો નકશો ઉઘાડો તો તેમાં પણ નામ મળશે ‘ફ્રેરે બ્રિજ. તો આ ‘ફ્રેરે’ વળી ક્યાંથી ટપકી પડ્યો? એ હતો કોણ? 

લેફ્ટનન્ટ કર્નલ પેટ્રિક થિયોડોર ફ્રેંચ

જનમેજય કહે સુણો રાજન! ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓ શ્રી. આખું નામ સર હેન્રી બાર્ટલ એડવર્ડ ફ્રેરે, પહેલા બેરોનેટ. ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે જન્મ. ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે અવસાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કોલેજનો અભ્યાસ પૂરો કરી ૧૮૩૪માં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને બોમ્બે પ્રેસિડન્સીની મુંબઈ ખાતેની ઓફિસમાં એક સાધારણ ‘રાઈટર’ (ક્લાર્ક) તરીકે જોડાયા. એ વખતે બોમ્બે પ્રેસિડન્સીની સરકારમાં જોડાનાર દરેક અંગ્રેજ માટે ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા જાણવાનું ફરજિયાત હતું. મરાઠી ભાષાની પરીક્ષા પસાર કર્યા પછી તેમની નિમણૂક ૧૮૩૫માં પૂણેના અસિસ્ટન્ટ કલેકટર તરીકે થઈ. સરકારી સીડીનું એક એક પગથિયું ચડતાં ચડતાં છેવટે ૧૮૬૨માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. હિન્દુસ્તાનમાંની કંપની સરકારની રાજવટ પૂરી થઈ તે પછી ગ્રેટ બ્રિટનના ‘તાજ’ દ્વારા નીમાયેલા તેઓ પહેલવહેલા ગવર્નર.

હતા તો સરકારી નોકર, પણ કામ કરવાની રીત સરકારી નોકર જેવી નહિ. લોકોના હિત માટે પોતાને જે સાચું અને સારું લાગે તે કરવાનું. વળી રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : કોટ, અને બહાર કોટ. તેમાં બહાર કોટમાં એક મકાન. ગવર્નર ફ્રેરેએ નોંધ્યું કે દર બે-પાંચ મહીને મકાનમાં એક-એક માળ વધતો જતો હતો અને હવે તો તે પાંચ માળનું બની ગયું હતું. ગયા મકાન માલિકને મળવા. ‘આ વખતોવખત મકાનમાં નવા માળ કેમ બાંધો છો?’ ‘શું કરીએ સાહેબ! મકાન છે કોટ ફરતી ખાઈની બાજુમાં. તેમાં બારે માસ ગંધાતું પાણી રહે. ગંદકીનો પણ પાર નહિ. મારાં ત્રણ છોકરાં મરી ગયાં, રોગનો ભોગ બનીને. એટલે ખાઈની ગંદકીથી બચવા નવા નવા માળ ઉમેરું છું.

બીજે દિવસે ગવર્નરસાહેબે બધા લાગતાવળગતા અમલદારોની મીટિંગ બોલાવી. કહે : ‘એક જમાનામાં દુ:શ્મનોના આક્રમણથી બચવા કોટ જરૂરી હતો. પણ આજે હવે, ૧૮૫૭ પછી, કોઈની મગદૂર નથી કે મુંબઈ પર નજર બગાડે. એટલે હવે કોટ નકામો થઈ ગયો છે. વહેલામાં વહેલી તકે તેને તોડવાનું કામ શરૂ કરો.’ અમલદારો તો ડઘાઈ ગયા. જરા વારે હિંમત કરી બોલ્યા : ‘પણ સાહેબ! આવા મોટા કામ માટે તો લંડનથી પરવાનગી મેળવવી પડે. એ વગર તાજના પૈસા આપણે વાપરી કઈ રીતે શકીએ?’

‘તાજનો એક સેન્ટ પણ આપણે વાપરશું નહિ. કિલ્લો તોડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, જે જમીન છુટ્ટી થશે તે બજાર ભાવે વેચશું. તેમાંથી જે આવક થશે તે કોટ તોડવાના ખરચ કરતાં ઘણી વધુ હશે.’ અને પછી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તૂટ્યો, અને એ પણ એવી રીતે કે એની એકાદ ઈંટ પણ યાદગીરી રૂપે સચવાઈ નહિ. આ ગવર્નર સાહેબના નામનો એક રસ્તો પણ મુંબઈમાં હતો, ફ્રેરે રોડ. આઝાદી પછી તેનું નામ બદલીને પી. ડીમેલો રોડ કરવામાં આવ્યું. તેઓ એક જમાનામાં જાણીતા સમાજવાદી મજૂર સંગઠનના નેતા હતા. 

સર બાર્ટલ ફ્રેરે 

પણ હજી પેલો કોયડો તો ઉકેલાયો નહિ. ફ્રેરે બ્રિજ કઈ રીતે બન્યો ફ્રેંચ બ્રિજ? ૧૯૧૭માં પ્રગટ થયેલા પુસ્તક Bombay Place-names and Street-namesમાં Samuel T. Sheppard જણાવે છે કે ફ્રેરે બ્રિજ ૧૮૬૬માં બંધાયેલો. પણ આ સાલ સ્વીકારવી મુશ્કેલ છે. કારણ BBCI રેલવેના ગ્રાન્ટ રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે થયું. એ કંપનીનું મુંબઈનું આ પહેલવહેલું ટર્મિનસ. એટલે કે એ વખતે એ કંપનીના ટ્રેનના પાટા ગ્રાન્ટ રોડથી આગળ જતા નહોતા. તો પછી પાટા ઓળંગવા માટે ૧૮૬૬માં બ્રિજ બાંધવાની જરૂર જ શા માટે પડે? તે પછી ચર્ની રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૮ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયું. અને મરીન લાઈન્સ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૯ના જૂનની ૧૯મી તારીખે થયું. બ્રિજ બાંધવાની જરૂર પડે એટલી હદે ટ્રેનોની આવનજાવન વધતાં થોડાં વરસ તો લાગ્યાં જ હોય. ત્યાં સુધી ફાટકથી કામ ચાલ્યું હોય. એટલે બોમ્બે સિટી ગેઝેટિયર (ભાગ ૧, પાનું ૫૦૯) ફ્રેંચ કે ફ્રેરે બ્રિજ બંધાયાની સાલ ૧૮૮૬ આપે છે તે વધારે યોગ્ય લાગે છે. આ બ્રિજ ખાસ્સો લાંબો છે. લેમિંગ્ટન રોડ અને ગ્રાન્ટ રોડના નાકા આગળથી શરૂ થઈને આ બ્રિજ નાના ચોક આગળ પૂરો થાય છે. નાના ચોક આગળ છ રસ્તા ભેગા થાય છે. એટલે વાહનો અને રાહદારીઓની જબરી ભીડ. એ દૂર કરવા માટે આ બ્રિજના નાના ચોકના છેડા પર છ રસ્તાને જોડતો સ્કાઈ વોક બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૧૪ના જુલાઈની ૨૩મી તારીખે થયું હતું. એ દિવસે ભારતીય જનતા પાર્ટીના ‘સ્વયંસેવકો’એ કાળા વાવટા ફરકાવીને આ બ્રિજનો વિરોધ કર્યો હતો. કેમ? તો કે એ બ્રિજની નીચે આવેલા જગન્નાથ શંકરશેઠના પૂતળાને યોગ્ય રીતે શણગારવામાં આવ્યું નહોતું એટલે! આજે આપણને માનતાં વાર લાગે, પણ ૫૮૫ મીટર લાંબો આ લંબગોળ બ્રિજ બાંધવા પાછળ ૫૦.૪ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. પણ હકીકતમાં આ બ્રિજ બાંધવાનો ખર્ચ તેના કરતાં ઓછો થયો હતો, ૪૩.૧૨ કરોડ રૂપિયા! 

લંબગોળ સ્કાઈ વોક, નાના ચોક 

અસલ ફ્રેરે  બ્રિજ જૂનો પુરાણો થઈ જતાં ૧૯૨૧માં તેને ફરી બાંધવામાં આવ્યો. આ કામ કરેલું BBCI રેલવેએ, અને એટલે તે વખતે રેલવેએ તેનું નામ બદલીને રાખ્યું ફ્રેંચ બ્રિજ. ૧૯૨૧માં જ્યારે તે બંધાયો ત્યારે તે વખતની અદ્યતન ટેકનોલોજી પ્રમાણે બંધાયો હતો. અને તેના પરથી ટ્રામ પણ પસાર થતી હતી. આ લખનાર ન્યૂ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે વરસો સુધી આ બ્રિજ પરથી પસાર થતી ટ્રામમાં બેસીને ગોવાળિયા ટેંક ઊતરીને સ્કૂલે જતો. 

આ બ્રિજની આસપાસનો વિસ્તાર એક જમાનામાં ગુજરાતી અને મરાઠી સંસ્કૃતિની પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. લેમિંગ્ટન રોડ એટલે આજે કમ્પ્યુટર બજાર. એક જમાનામાં એ બુક બજાર હતું. ગુજરાતી અને મરાઠી છાપખાનાં, નાટકશાળાઓ, સુધારાની પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થાઓ, તથા કેટલીક જાણીતી શિક્ષણ સંસ્થાઓ તેની આસપાસના વિસ્તારમાં આવી હતી. આઝાદી માટેની ચળવળની પણ ઘણી મહત્ત્વની ઘટનાઓનો આ બ્રિજ સાક્ષી બન્યો હતો. ૨૦૧૯માં આ પુલ જોખમી જણાતાં તેને તોડવાને બદલે સમારકામ કરવામાં આવ્યું. કેટલાંક કટાઈ ગયેલાં ગર્ડર બદલવામાં આવ્યાં જ્યાં ચણતરકામ ખવાઈ ગયું હતું ત્યાં ફરી કરવામાં આવ્યું અને ૨૦૨૦માં આ બ્રિજ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. 

આ બ્રિજનું નામ ફ્રેરે બ્રિજ, કે ફ્રેંચ બ્રિજ? આપણા મરાઠીભાષી બહેન-ભાઈઓ કહે તેમ ‘ગમ્મત કાય ઝાલી આહે’ કે પાક્કા મુંબઈગરા તો આ બ્રિજને નથી ઓળખતા ફ્રેંચ બ્રિજ તરીકે, કે નથી ઓળખતા ફ્રેરે બ્રિજ તરીકે. તેમને માટે તો એ છે ‘ગ્રાન્ટ રોડનો બ્રિજ.’ કારણ એ આવ્યો છે ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક.

૧૯૫૫માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નાગ દેવતા’માં ગીતા દત્ત અને પિનાકિન શાહે ગાયેલું: ‘કોઈ રે ઉકેલો આંટી, જેની પડે ન પાઈ રાતી.’ આજે બ્રિજના નામની આંટી તો ઉકલી, પણ હવે પછી આપણે ઉકેલવાની છે એક આંટી નહિ, પણ એક જબરી ગૂંચ. મુંબઈની સૌથી વધુ જાણીતી બે-પાંચ જગ્યાઓમાંની એક જગ્યાના નામ અંગેની ગૂંચ.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 મે 2026

Loading

14 June 2026 Vipool Kalyani
← आप लोकतंत्र के योग्य हैं कि नहीं  
સ્ત્રી એટલે રોકાણ સામે વળતર? :  370 રૂપિયાની બિરયાનીનું બિલ, માનસિકતાનું દેવાળું →

Search by

Opinion

  • સ્ત્રી એટલે રોકાણ સામે વળતર? :  370 રૂપિયાની બિરયાનીનું બિલ, માનસિકતાનું દેવાળું
  • आप लोकतंत्र के योग्य हैं कि नहीं  
  • બુદ્ધ વિના પ્રબુદ્ધ નહીં થવાય : ટાગોર
  • કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 
  • જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved