સ્વતંત્રતા એ જ મારું સુખ છે. વિશ્વ મારું વતન છે. સચ્ચાઈ મારો ધર્મ છે. જે અધિકાર મને મળવા જોઈએ તે અન્યને પણ મળવા જ જોઈએ એ મારી જીદ છે. મને ખબર છે કે તાનાશાહી પર વિજય મેળવવો મુશ્કેલ છે. પણ આપણી પાસે એક આશ્વાસન છે : સંઘર્ષ જેટલો કઠિન, જીત એટલી જ ભવ્ય.
— થોમસ પેઈન
આ લેખ વાચકમિત્રોના હાથમાં આવશે ત્યારે સતત યુદ્ધસમાચારો વચ્ચે 98મા એકેડમી એવોર્ડ્સના સમાચારના સમાચાર ચમકી ચૂક્યા હશે. પંચાવનમા ઓસ્કાર્સ વખતે આઠ ઓસ્કાર જીતેલી ‘ગાંધી’ ફિલ્મ યાદ છે ને? આ ફિલ્મના સર્જક રિચર્ડ એટનબરોને પૂછવામાં આવ્યું, ‘નેક્સ્ટ પ્રોજેક્ટ?’ એમણે તરત કહ્યું, ‘મારે થોમસ પેઈન પર ફિલ્મ બનાવવી છે.’ એમની વધતી ઉંમર અને ઘટતી શક્તિઓને કારણે એ પ્રોજેક્ટ પૂરો થયો નહીં, પણ તેને માટે તેમને વર્ષો સુધી સંશોધન કરતા જોઈને કોઈએ પૂછ્યું, ‘થોમસ પેઈન પાછળ આટલી બધી મહેનત શા માટે કરો છો?’ ઉત્સાહથી ચમકતા ચહેરે એટનબરોએ કહ્યું, ‘ઇતિહાસે તેને ન્યાય નથી કર્યો, વર્તમાને તેને વિસારે પાડ્યો છે, પણ જરા વિચારો, જે માણસે વિશ્વના ઇતિહાસની બે બે ભવ્ય ક્રાંતિઓની ચિનગારી પેટાવી હોય તેનું જીવન, તેનું વિચારવિશ્વ કેવું અદભુત હશે!’ આ બે ક્રાંતિઓ એટલે અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધ અને ફ્રેંચ ક્રાંતિ.
આજથી અઢીસો વર્ષ પહેલા તેમનો જન્મ. ભુલાઈ ગયેલા, હાંસિયામાં ધકેલાઇ ગયેલા હોવા છતાં થોમસ પેઈનમાં આજે પણ આપણા લોહીમાં બહાદુરીનો અને મગજમાં મુક્ત વિચારોનો નવો વેગ લાવી શકે તેવું સામર્થ્ય છે.
આજથી સાડાત્રણસો વર્ષ પહેલા અમેરિકામાં યુરોપની વસાહતો હતી. એમાંની તેર વસાહતોએ જ્યોર્જ વૉશિંગ્ટનની આગેવાની નીચે ગ્રેટ બ્રિટન સાથે યુદ્ધ કરીને સ્વતંત્રતા મેળવી અને તેર રાજ્યોનું બનેલું યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અસ્તિત્વમાં આવ્યું. આ પાઠ આપણે ઇતિહાસમાં ભણ્યા છીએ. આ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું હતું. 1776માં અમેરિકા સ્વતંત્ર થયું. સ્વાતંત્ર્યની એની ઘોષણામાં બે મહત્ત્વની બાબતોને સ્વયંભૂ સત્ય તરીકે સ્વીકારવામાં આવી હતી. એક તો એ કે દરેક માનવ સમાન છે. અને બીજું એને જીવનનો, સ્વતંત્રતાનો અને સુખને શોધવાનો અબાધિત અધિકાર છે. અમેરિકાના આ ‘ડેક્લેરેશન ઑફ ઇન્ડિપેન્ડન્સ’ પર તમામ 13 વસાહતોના 56 સભ્યોની સહી હતી જેમાં સૌથી નાના સભ્ય હતા 26 વર્ષના એડવર્ડ રટલિજ અને સૌથી મોટી ઉંમરના સભ્ય હતા 70 વર્ષના બેન્જામિન ફ્રેન્કલિન. અનેક રાષ્ટ્રોએ તેના પરથી પ્રેરણા લઈને પોતાની સ્વાતંત્ર્યઘોષણા બનાવી છે.
અમેરિકાના આ સ્વાતંત્ર્યસંગ્રામ પાછળની મૂળભૂત પ્રેરણા થોમસ પેઈનની છે. તે ટોમ પેઈન તરીકે પણ ઓળખાતા. પોતે બ્રિટિશર હોવા છતાં તેમણે બ્રિટિશ રાજસત્તા સામે પડકાર ફેંક્યો અને અમેરિકન ક્રાંતિના જનક બન્યા. તેમણે આમ કર્યું કારણ કે તેઓ માનવઅધિકારોના જબરદસ્ત પુરસ્કર્તા હતા. અમેરિકાના ઇતિહાસને ભવ્ય વળાંક આપવામાં જે બે પુસ્તકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો તેમનું એક થોમસ પેઇનનું ‘કોમન સેન્સ હતું. બીજું પુસ્તક તે હેરિયટ સ્ટોવનું ‘અંકલ ટોમ્સ કેબિન’.
‘કોમન સેન્સ’ ખરું જોતાં એક નાનકડી પુસ્તિકા છે. જાન્યુઆરી 1776માં તે પ્રગટ થઈ અને ત્રણ જ મહિનામાં તેની એક લાખ નકલો ખપી ગઈ. જોતજોતામાં આ આંકડો પાંચ લાખ પર પહોંચ્યો. વસાહતોની કુલ વસ્તી પચીસ લાખ હતી, તેના પ્રમાણમાં આ ફેલાવો વિક્રમજનક ગણાય. જાહેર સભાઓમાં તેનું વાચન થતું. જ્યોર્જ વોશિંગ્ટન સૈન્યનો ઉત્સાહ વધારવા માટે ‘કોમન સેન્સ’ વાંચી સંભળાવતા. તેમાં લખ્યું હતું, ‘બ્રિટનનું શાસન આપખુદ છે. અમેરિકાને અકારણ યુરોપિયન યુદ્ધોમાં ઘસડાવું પડે છે. બ્રિટન પોતાને મધર કન્ટ્રી કહે છે પણ કોઈ મા પોતાના સંતાન સાથે ક્રૂર કે અન્યાયી ન થઈ શકે તે ભૂલી જાય છે. બ્રિટન પોતાનાં હિત સાચવે છે ને વસાહતોમાં એક નાનો સુધારો અમલમાં લાવતાં વર્ષો કાઢે છે. અમેરિકાની વસાહતો પર અમેરિકાએ જ બનાવેલો કાયદો ચાલવો જોઈએ. એકહથ્થુ સત્તાની તરસ એ બ્રિટિશ સામ્રાજ્યને વળગેલો કાયમી રોગ છે. અધિકારો મેળવી લેવાના હોય, તેને માટે અરજી ન કરાય. એક ખોટી વસ્તુ લાંબો સમય ચાલે પછી એ સાચી હોવાનો ભ્રમ ઊભો થાય છે. સંખ્યાબળમાં નહીં, સાચી શક્તિ એકતામાં છે. વિશ્વ સામે એકલા ઊભા રહેવાની તાકાત તમારામાં છે.’
ગ્રેટ બ્રિટન પાસેથી સ્વતંત્રતાની ખુલ્લેઆમ માગણી આ રીતે પહેલી વાર થઈ હતી. ટોમના શબ્દોએ અમેરિકનોને પડકારીને એવાં ઊભા કર્યા કે પછીથી અમેરિકાના બીજા પ્રમુખ જ્હોન એડમ્સે કહ્યું, ‘વિધાઉટ ધ પેન ઑફ ધ ઓથર ઑફ કોમન સેન્સ, ધ સ્વોર્ડ ઑફ વોશિંગ્ટન હેઝ બિન રેઇઝ્ડ ઇન વેઇન’ – કોમન સેન્સના લેખકની કલમ વગર જ્યોર્જ વૉશિંગ્ટનની તલવાર નકામી પુરવાર થઈ હોત. ત્યાર પછી લખાયેલ ‘અમેરિકન ક્રાઇસીસ’ના લેખોએ યુદ્ધ દરમિયાન સૈનિકો અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાવી.
થોમસ પેઈન જેવા સ્વાતંત્ર્ય અને માનવઅધિકારોના પુરસ્કર્તા તેવા જ પ્રખર બુદ્ધિવાદી. અમેરિકા સ્વતંત્ર થયું તે પછી તેઓ ફ્રાન્સ ચાલ્યા ગયા. 1790ના દાયકામાં તેઓ ફ્રેંચ ક્રાંતિમાં સક્રિય હતા. તેમનું પુસ્તક ‘રાઇટ્સ ઑફ મેન’ ફ્રેંચ ક્રાંતિ પાછળના સિદ્ધાંતોને સમજાવે છે. ‘એગ્રેરિયન જસ્ટિસ’, ‘ધ ક્રાઈસિસ’, ‘એજ ઑફ રિઝન્સ’ જેવાં મુક્ત વિચારની હિમાયત કરતાં તેમનાં પુસ્તકો આજે પણ પ્રેરણા આપે તેવાં છે. તેમણે કહ્યું હતું, ‘તાનાશાહી પર વિજય મેળવવો મુશ્કેલ છે. પણ આપણી પાસે એક આશ્વાસન છે સંઘર્ષ જેટલો કઠિન, જીત એટલી જ ભવ્ય.’
ચર્ચની લોકો પરની પકડ તેમને ન ગમતી. ‘હું કોઈ ચર્ચમાં નથી માનતો. મારું મન એ જ મારું ચર્ચ.’ અને ‘બાઇબલ, ઈશ્વરપુત્ર ઇસુ, સ્વર્ગ વગેરે જગત પર ઠોકી બેસાડાયેલી વિભાવનાઓ છે.’ જેવા વિચારોએ તેમને અળખામણા બનાવ્યા. તેમને જેલ થઈ. 1820માં તેઓ ફરી અમેરિકા ગયા, પણ ત્યાં પણ એ જ બહિષ્કાર. સાથીઓ છોડી ગયા, લોકો તેમના પ્રદાનને ભૂલી ગયા, પોતે ગરીબી-નિંદા-ટીકાનો ભોગ બન્યા, છતાં સ્વાતંત્ર્યના એ અડગ યોદ્ધા એકલા ઝઝૂમતા રહ્યા. જેઓ તેમના અંતની રાહ જોતાં હતા તેમને સત્ય સમજાવવાની નિષ્ફળ કોશિશ કરતા રહ્યા. જે આખી દુનિયાનો મિત્ર હતો તે મિત્રવિહોણો બન્યો. પોતાને નિર્ભય અને સ્વાતંત્ર્ય-અભિમુખ બનાવનાર થોમસ પેઈન તરફ પીઠ ફેરવી અમેરિકાએ ઠંડી ક્રૂરતાથી તેનો ખલાસ થઈ જવાનો તમાશો જોયો. 1809માં તેમનું મૃત્યુ થયું ત્યારે બે નિગ્રો મળીને છ જ વ્યક્તિએ તેની ઉત્તરક્રિયામાં હાજરી આપી. હોવાર્ડ ફાસ્ટે લખેલી તેમની જીવનકથા ‘સિટીઝન ટોમ પેઈન’ વાંચીએ તો સમજાય કે પોતાના સમયથી બે સદી આગળ હોવાની કેટલી મોટી કિંમત થોમસ પેઈને ચૂકવી હતી.
ઓગણીસમી અને વીસમી સદીના યુરોપ-અમેરિકાના વિચારપ્રવાહો પર થોમસ પેઈનનો મોટો પ્રભાવ છે. અબ્રાહમ લિંકન જેવા માનવવાદીથી માંડી એડિસન જેવા સંશોધક તેમ જ રેનેસાં, વ્યક્તિસવાતંત્ર્ય, નારીવાદ, સમાજવાદ, રેશનાલીઝમ વગેરે પર એમનાં લખાણોની જબરી અસર છે. પોતાના સમયથી આગળ હોય તેવી વ્યક્તિઓ દુનિયાના દુર્વ્યવહાર છતાં શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી લોકોની ઊંઘ ઉડાડવા મથતી રહે છે કારણ કે તેઓ ઇચ્છે છે કે માણસ પોતાની કેદમાંથી મુક્ત થાય.
આકાશને જોઈ લેનાર સળિયાઓ વચ્ચે કેવી રીતે જીવે? સ્વતંત્રતા અસ્તિત્વને ફૂટેલી પાંખો છે. પોતાના આકાશમાં વિસ્તરવાની તેની જીદ પ્રાણ સાટે પણ પૂરી કરવી પડે છે. તેમણે કહ્યું છે, ‘સ્વતંત્રતા એ જ મારું સુખ છે. વિશ્વ મારું વતન છે. સચ્ચાઈ મારો ધર્મ છે. જે અધિકાર મને મળવા જોઈએ તે અન્યને પણ મળવા જ જોઈએ એ મારી જીદ છે.’
અમેરિકન સ્વાતંત્ર્યસંગ્રામના બીજા એક હીરો પેટ્રિક હેનરીનું પ્રખ્યાત વિધાન થોમસ પેઈનને બરાબર લાગુ પડે છે, ‘ગિવ મી લિબર્ટી ઓર ગિવ મી ડેથ !’ આ વાક્ય તેણે આજથી 251 વર્ષ પહેલાંની 23મી માર્ચે કહ્યું હતું. સદીઓ પહેલાના આ પૂર્વજો આપણી આજની દુનિયા કરતાં ક્યાં ય આગળ છે એમ નથી લાગતું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 માર્ચ 2026
![]()

