Opinion Magazine
Number of visits: 9893706
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલ નીનો

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 June 2026

રવીન્દ્ર પારેખ

વિશ્વનું અને ભારતનું હવામાન પૂરી રીતે ખોરવાઈ ચૂક્યું છે. ભારતની જ વાત કરીએ તો થોડાં વર્ષો પર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ સ્પષ્ટ રીતે અલગ પડતી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી બદલાયેલાં હવામાને ઋતુઓની સેળભેળ કરી નાખી છે. ઘણીવાર તો એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ ભારતમાં થાય છે અને એક જ દિવસમાં સ્વેટર, પહેરણ અને રેઈનકોટ પહેરવાં પડે એવી હાલત પણ થાય છે. હમણાં થોડા દિવસથી તાપ અને વરસાદનો એક સામટો અનુભવ થાય છે. ક્યાંક તો કરા પડ્યાના સમાચાર પણ છે. ટૂંકમાં, ભારતમાં ઋતુચક્ર ખોરવાયું છે ને તે વૈશ્વિક હવામાનમાં આવેલા પલટાનું પરિણામ છે. હમણાં ચોમાસું ક્યારે બેસશે એ અંગે પણ દ્વિધા છે. કેરળમાં બે’ક દિવસ પર ચોમાસું બેસવાના સમાચાર હતા, પણ એ તો આગાહીઓ છે ને તે સાચી ન પણ પડે એમ બનવાનું. પણ, હવેની વૈશ્વિક હવામાનની ઘણી આગાહીઓએ દુનિયાને ડરાવી દીધી છે. ધારો કે આગાહીઓ પ્રમાણે થાય છે તો અનેક જીવો પર સંકટ ઊભું થાય એમ બને. જાનમાલનાં અનેક પ્રકારનાં નુકસાન માટે દુનિયાએ તૈયાર રહેવું પડે.

ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) તો આગાહી કરી જ છે, તેમાં વિશ્વ હવામાન સંસ્થા (ડબ્લ્યુ.એમ.ઓ.)એ એવી ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલાં દરિયાઈ પાણીને કારણે ‘અલનીનો’ની સ્થિતિ ફરીથી વકરી રહી છે. માત્ર ભારતે જ નહીં, દુનિયાએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડે એમ છે. ભારતમાં ઋતુઓનું ચક્ર તો ખોરવાયું જ છે, તેમાં અલનીનોનો ઉત્પાત વેઠવાનું વધશે તે નફામાં !

આ અલનીનો વિષે એટલો ખ્યાલ ઘણાંને હશે કે પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં દરિયાઈ પવનો નબળા પડે છે, ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયા કાંઠાનું પાણી કલ્પના બહાર ગરમ થવા લાગે છે. પાણીની આ ગરમીને જ ‘અલનીનો’ કહે છે. આ કુદરતી ઘટના છે, પણ તે માનવ સર્જિત નથી જ એમ કહી શકાશે નહીં. આ વૈશ્વિક પવનો વાદળોની નિર્ધારિત ગતિને બદલીને વિશ્વભરનાં હવામાનને વેરવિખેર કરી દે છે.

ડબલ્યુ.એમ.ઓ.ના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સમુદ્રનાં નીચલાં સ્તરનું પાણી સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધારે જોવા મળ્યું તે ચિંતાજનક છે. સમુદ્રમાં જમા થયેલી વધારાની આ ગરમી સમુદ્રની ઉપલી સપાટીને ગરમ કરી રહી છે અને તે વિશ્વ આખાં પર અનેક જોખમો ઊભાં કરી શકે એમ છે.

સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)ની હવામાન એજન્સીના મતે જૂનથી ઓગસ્ટના ત્રણ મહિના દરમિયાન અલનીનો બનવાની આશંકા 80 ટકા છે, જયારે નવેમ્બર 2026 સુધી અલનીનોનાં ચાલુ રહેવાની શક્યતા 90 ટકા કે તેથી વધુ છે. આગાહી તો એવી પણ છે કે અલનીનો ઓછામાં ઓછી મધ્યમ તાકાત ધરાવતો હશે, જે આગળ જતાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે. અલનીનો સુપર અલનીનો થવાનાં ચાન્સ નથી જ એવું નથી. અલનીનોથી બીજા દેશો કરતાં ભારત વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ છે. અલનીનોથી ભારત ઉપરાંત વિશ્વભરમાં દુષ્કાળ, રેલ, દરિયાઈ અને જમીની હીટવેવ તથા હવામાનનાં આત્યંતિક સ્વરૂપો જોવા મળે એમ બને. આમ પણ વિશ્વ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે એ સ્થિતિમાં અલનીનોનો તાપ ઉમેરાય તો વાત ક્યાં જઈને પહોંચે તેની કલ્પના કરવાની રહે છે. આ પહેલાં 2023-‘24માં અલનીનોની તીવ્ર અસરો ઇતિહાસની પાંચ સૌથી શક્તિશાળીઓમાંની એક હતી. આ અલનીનોએ 2024માં વૈશ્વિક તાપમાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ને અનેક સ્તરે વિનાશ વેર્યો હતો. હવે પછી પણ તેની શક્યતાઓ છે જ, તો તેની ચિંતા કરીને ઉપાયો વિચારવાના રહે.

અલનીનોની સીધી અસરોમાં ચોમાસું નબળું પડે એ વાત મુખ્ય છે. ચોમાસું બગડે તો દુષ્કાળનો સામનો કરવાનો આવે ને ઉનાળો લાંબો ચાલે, એટલે દેશના ઘણાં વિસ્તારોમાં લૂ લાગવાની ઘટનાઓ વધે. વરસાદ ઘટે તો ખેતી પણ બગડે ને તે સંજોગોમાં અનાજ, શાકભાજી, અન્ય ખાદ્ય પદાર્થો મોંઘાં થાય. નબળાં ચોમાસાને લીધે સિંચાઇની અછત સર્જાય ને તેને લીધે પાક બગડે એ પણ ખરું. વળી ખેડૂતોની ખેતી બગડે એ ઉપરાંત અન્ય આર્થિક મુશ્કેલીઓનો પણ પાર ન રહે. ભારતનાં લગભગ 70 ટકા જળ સંસાધનો ચોમાસું પાણી પર નિર્ભર છે, તે સ્થિતિ અલનીનોનાં પરિણામો સમજાવવા માટે પૂરતી છે.

ડબલ્યુ.એમ.ઓ.ના જણાવ્યા પ્રમાણે અલનીનો હોવા છતાં, ભારતમાં ચોમાસું સચવાઈ જાય એમ છે. એને માટે બે પદ્ધતિઓ સક્રિય હોવી ઘટે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ (આઈ.ઓ.ડી.). તે હિન્દ મહાસાગરના અલનીનો તરીકે પણ ઓળખાય છે. જો તેનો ક્રેઝ પોઝિટિવ હોય તો તે અલનીનોનાં દુષ્કાળના પ્રભાવને બધી રીતે ખતમ કરીને આખા ભારતમાં સારો વરસાદ લાવી શકે છે ને એ રીતે ચોમાસું બચે એમ બને. બીજી પદ્ધતિ છે – મેડન જુલિયન ઓસિલેશન (એમ જે ઓ ). આમ તો આ પવનો અને વાદળોનું એક વૈશ્વિક ચક્ર છે. તે ભારત પરથી પસાર થાય છે, ત્યારે નબળા ચોમાસામાં પણ ભારે વરસાદનો તબક્કો લઈને આવે છે. આ બે પદ્ધતિઓ સક્રિય રહે તો ચોમાસું બગડતું અટકે.

એ તો થાય ત્યારે ખરું, અત્યારે તો આફતના અણસાર વર્તાઈ રહ્યાં છે. આને થોડું વિગતે જોવા જેવું છે. એટલાન્ટિક વાવાઝોડાની ઋતુ જૂનથી નવેમ્બર સુધી ચાલે છે, જેમાં સપ્ટેમ્બરના મધ્યમાં તોફાનની ગતિવિધિઓ ટોચ પર પહોંચે છે. અલનીનો એ મધ્ય અને પૂર્વીય પેસેફિક મહાસાગરમાં દરિયાની સપાટીનાં તાપમાનમાં સમયાન્તરે થતો વધારો છે. જે વરસાદની નિયમિતતાને પ્રભાવિત કરે છે ને તેને  પરિણામે પૂર, દુષ્કાળ અને ગરમીમાં વધારો થઈ શકે છે. આ બધાંને લીધે સરેરાશ વૈશ્વિક તાપમાન વધે છે.

અલનીનો જેવી ઘટનાઓ દર બેથી સાત વર્ષે થાય છે ને તેની અસર 9થી 12 મહિના રહે છે. આમ તો અલનીનો પેસેફિક મહાસાગરમાં ઉદ્ભવે છે, પણ તેની અસરો દુનિયાભરમાં વર્તાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા દક્ષિણ અને મધ્ય આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ અને એમેઝોન બેસિનમાં ભારે ગરમીનો અનુભવ થાય છે ને જંગલોમાં આગ પણ લાગી શકે છે. ભારતની વાત કરીએ તો વરસાદ ને પાક ઘટી શકે છે ને ગરમી પણ અસહ્ય બની શકે છે. આમ પણ ભારતમાં તાપમાન વધી જ ગયું છે, એમાં અલનીનો જીવવાનું વધારે અઘરું બનાવશે એમ લાગે છે.

આમ તો આવા સંકટોમાં મનુષ્ય દયાને પાત્ર લાગે, પણ આ પરિસ્થિતિમાં મુકાવાનું એક કારણ તે પોતે પણ છે. તેણે પ્રકૃતિનો ભારે અપરાધ કર્યો છે. મકાનો, રસ્તાઓ જરૂરી છે એ સાચું, પણ અમર્યાદ સંપત્તિની લાલચે ને સગવડે માણસ પ્રકૃતિનો દોષી છે. તેણે વત્તે ઓછે અંશે પંચ તત્ત્વ સાથે જ ચેડાં કર્યાં છે. તેણે જંગલોનો વિનાશ કર્યો છે, નદીઓને અકુદરતી વિકાસ માટે ભ્રષ્ટ કરી છે, આકાશ અભડાવ્યું છે, વાયુને વિકૃત કર્યો છે, ધરતીનાં રસકસ છીનવ્યાં છે, અગ્નિ તત્ત્વ સાથે છેડછાડ કરી છે. એમ મૂળ તત્ત્વો સાથે જ રમત કરી હોય તો તે નિર્દોષ કઈ રીતે હોય?

ટૂંકમાં, પંચતત્ત્વને નષ્ટભ્રષ્ટ કર્યાં છે, તો પ્રકૃતિ પણ બધું પંચમહાભૂતમાં કેમ ન મેળવે? યાદ રહે, પ્રકૃતિ કશું પણ ભૂલતી નથી. તે ઈર્ષાળુ છે ને થયેલા અન્યાયનો બદલો લીધા વગર કોઈને છોડતી નથી. વિકૃતિથી બચી શકાય, પણ પ્રકૃતિથી બચવાનું અશક્યવત છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જૂન 2026

Loading

5 June 2026 Vipool Kalyani
← પથ્થર – એક અવલોકન
માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન →

Search by

Opinion

  • માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન
  • પથ્થર – એક અવલોકન
  • બાઅદબ, બા મુલાહિજા હોશિયારઃ જંતરમંતરે કોક્રોચ ફોજ ખાબકશે
  • ઝૂમતી ચલી હવા, યાદ આ ગયા કોઈ …
  • સ્વરોજગાર વધ્યા પણ કમાણી વધી નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved