વિશ્લેષણ –
ખરેખર જમીની સચ્ચાઈ, જમીની લડાઈ માગે છે
સાચું કે આભાસી અગાશીએથી શેક્યો પાપડે ન ભાંગે, પણ મુદ્દો બદલાતા તાપમાનનો અને ઊઠી શકતા જનજુવાળનો છે, એનું શું.

પ્રકાશ ન. શાહ
પુણેરી યુવજન અભિજિત દીપકેએ બોસ્ટન બેઠા, કંઈક સૃજનાત્મક વ્યંગવિવેક સાથે કોક્રોચ જનતા પાર્ટીની અવકાશી ઘોષણા કીધી ન કીધી અને વાત વાયુવેગે બલકે વડવાનલ પેઠે એવી તો કેમ જાણે પ્રકાશાધિક વેગે પ્રસરી ગઈ કે સત્તાપક્ષના કોઈક આઈ.ટી. અદકપાંસળાએ એમાં પાક સંડોવણી કલ્પવામાં સલામતી જોઈ. પણ, વસ્તુતઃ દેશના અજંપ યુવજનને ચાલુ પક્ષમાળખાં બહારથી જે એક અવાજ અને આતશ અનુભવાયો તે ન તો વિપળવાર પણ વહેલો હતો, ન તો એમાં કોઈ દાવપેચ હતા. અગાઉ અહીં કોક્રોચ ઘટના ચર્ચવાનું બન્યું ત્યારે વાતને વિરામ સોનમ વાંગચૂકના એ ધન્યોદગારથી આપ્યો હતો કે મૈં ભી કોક્રોચ.
અને જુઓ, હવે છઠ્ઠી જૂનના સૂચિત જંતરમંતર જમાવડાના પૂર્વદિવસોમાં વાંગચૂકે વિધિવત જાહેર પણ કર્યું છે કે અભિજિત દીપકેએ પેપરલીક પ્રકરણ સંદર્ભે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું છે એના સમર્થનમાં હું જોડાઈ રહ્યો છું. દીપકે બોસ્ટનની ઊંચી નોકરી ને દોમદોમ દાપાદરમાયાને નકારીને દિલના દોર્યા દેશ પાછા ફરી રહ્યા છે એ તો વાચકોના ધ્યાનમાં હોય જ. દેશે આપણને ઘણું આપ્યું છે, હવે જે આપવાનું છે એ તો આપણે આપવાનું છે, એ દીપકેનો હૃદયભાવ છે.
યુવા હૃદયની આ આહ અને ચાહ સામે સત્તપ્રતિષ્ઠાનનો રવૈયો શો છે એ આપણે જોઈ રહ્યા છીએ. પેપરલીક પ્રકારની પરંપરા એક બાજુ અને સત્તા પર ચીપકી રહેતી જવાબદાર શખ્સિયત બીજીબાજુ, એ રાહે હમણાં સુધી તો સત્તામાનસ પ્રગટ થતું રહ્યું છે.
અદાલતી દરમિયાનગીરીથી લદ્દાખનાં શિક્ષણ સિપાહી પર્યાવરણપટુ સોનમ જેલમાંથી છૂટ્યા તે પછી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર સકસેનાએ એમને મળવા નોતર્યા બાદ રમતા મૂકેલ એકતરફી હેવાલ મુજબ, એમણે સોનમ વાંગચૂકને દેશવિરોધી પરિબળો સાથે જોડાવા સામે ચેતવણી આપી હતી. ઊલટ પક્ષે, વાંગચૂક દંપતીની અધિકૃત રજૂઆત પ્રમાણે ‘લેફ્ટનન્ટ ગવર્નરે’ અમારી પ્રવૃત્તિઓ પરત્વે રસ દાખવી વાત કરી હતી, પણ હવે દિલ્હીના કોઈક સૂબાને રાજી કરવા સારુ અમને ચેતવણી આપ્યાની રીતે પ્રાયોજિત હેવાલનો રાહ લઈ રહ્યા છે.
કોક્રોચ જનતા ઉઠાવની ચર્ચા કરતે કરતે લદ્દાખનો હવાલો, ખાસ તો, એ મુદ્દો ઉપસાવવા વાસ્તે કર્યો છે કે સત્તામાનસ યુવા અજંપાને ન્યાય આપવામાં નાકામ રહી, એને કોઈક રીતે ડામવામાં સાર ને સલામતી શોધી રહ્યું છે. હાલના વડા પ્રધાને 2012ની ગુજરાતની ચૂંટણીફતેહ પછી જે વિજય સંબોધન દિલ્હી ભણી નજર સાથે ધરાર હિંદીમાં કર્યું હતું એમાં એસ્પિરેશનલ મિડલ કલાસ અને એમાંયે યુવાનો વિશે ખાસ નિસબત ને ચિંતાની છાપ આપી હતી.
જો કે દિલ્હી દસકો વિકાસના વરખ તળે કોમી ધ્રુવીકરણ અને રાષ્ટ્રવાદી રંગરોગાનનો રહ્યો છે. પેપર લીક પ્રકરણ એ તો આ એસ્પિરેશનલ યુવજનના સમગ્ર અજંપાનું આ ક્ષણનું એક તત્કાળ નિમિત્ત માત્ર છે. મુદ્દે, વાસ્તવિક પ્રશ્નોના વાસ્તવિક ઉકેલ વગરની – એક પા દૈત્ય તો બીજી પા દરિયો – એવી અનવસ્થા સામેનો રોષ ને અસહાયતા કોક્રોચી વ્યંગને વડવાનલનો વ્યાપ અને તાપ આવે છે.
અલબત્ત, આ ચર્ચા કરતી વખતે એવું નથી કે સહસા કશુંક ચમત્કારિક થઈ ગયું છે અગર થઈ જશે. કનૈયાકુમારે ઠીક જ ટકોર કરી છે કે આભાસી અગાસીએથી ઠેકાઠેક ન ચાલે. જમીની સચ્ચાઇ, જમીની લડાઈ માગે છે. છેલ્લાં વર્ષોમાં એક યુવા ચળવળકાર તરીકે પોંખાયેલ પ્રતિભાનું આ નિરીક્ષણ બિલકુલ ખોટું નથી. પણ જોવા સમજવાનું એ છે – જે કનૈયાકુમારના પણ ખ્યાલ બહાર નહીં જ હોય – કે આ વાત એકદમ પકડાઈ કેમ ગઈ. મુદ્દાસર જનલડાઈમાં એને ફેરવવાની જવાબદારી પક્ષીય-બિનપક્ષીય સૌ નાગરિક કર્મશીલોની છે. હમણાં જે દસકાની જિકર કરી તે પછી જેમ માન્ય. વિપક્ષ શક્ય બન્યો તે પ્રક્રિયા પ્રકાશન્તરે આગળ કેમ ન ચાલી શકે? પ્રશ્ન ભા.જ.પ. વિ. કાઁગ્રેસનો નહીં એટલો સત્તા વિ. જનતાનો છે.
ગુરુવાર, 03 જૂન 2026
Editor: nireekshak@gmail.com
![]()

