Opinion Magazine
Number of visits: 9839116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત UCCમાં સ્ત્રી  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 May 2026

રવીન્દ્ર પારેખ

24 માર્ચને રોજ ગુજરાત UCC(યુનિફોર્મ સિવિલ કોડ)નું મુખ્ય મંત્રીશ્રીએ બિલ રજૂ કર્યું. આ પ્રકારનું બિલ પાસ થયું હોય એવું ઉત્તરાખંડ પછીનું ગુજરાત બીજું રાજ્ય છે. ગુજરાત વિધાનસભામાં 182માંથી ભા.જ.પ.ના જ 161 મતની જંગી બહુમતીથી બિલ પસાર થયું. પસાર કરાયેલ UCC બિલ સાડા સાત કલાકની ચર્ચા બાદ પસાર કરાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ UCC સંદર્ભે કહ્યું કે પ્રસ્તુત બિલ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે. આ બિલ મુખ્યત્વે લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી પર ભાર મૂકે છે ને જે કોઈ તેમ કરવામાં નિષ્ફળ જશે, તેને 10,000 સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત બળજબરીએ થયેલાં લગ્નને મામલે 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટના આદેશ સિવાયના કોઈ પણ છૂટાછેડામાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ બિલનો મુસદ્દો તૈયાર કરનારી પેનલને 20,00,000 સૂચનો મળ્યાં હતાં ને લાંબા પરામર્શનને અંતે તેનું આખરી સ્વરૂપ ઘડાયું હતું. સરકારનું UCC નક્કી કરવા પાછળનું એક કારણ ફ્રાંસ, જર્મની, નેપાળ, અઝરબૈજાન જેવાં મુસ્લિમ બહુમતી ધરાવતાં રાષ્ટ્રોમાં પણ સમાન કાયદો છે, તે છે, તો ગુજરાતમાં પણ એ શક્ય છે ને એ શક્ય બન્યું.

જો કે, કાઁગ્રેસે સરકાર પર એવો આરોપ મૂક્યો હતો કે ચૂંટણીનો લાભ લેવા બિલ ઉતાવળે લાવવામાં આવ્યું છે. બીજો વાંધો એ પડ્યો કે બિલ ધારાસભ્યોની સમિતિને મોકલવામાં આવ્યું નથી. તે મોકલવામાં આવે તે જરૂરી છે, જેથી તેનો અભ્યાસ થઈ શકે ને ચર્ચામાં તે અભ્યાસની મદદ મળે. ત્રીજો મુદ્દો એ થયો કે UCC બંધારણીય અધિકારો સાથે સુસંગત હોવું જોઈએ જે વિપક્ષને લાગતું નથી. એ સાચું છે કે બધા ધારાસભ્યોને બિલ મોકલાયું હોત તો તેનો અભ્યાસ શક્ય બની શકે. આમ તો બિલ મહિલા સશક્તીકરણ, સમાનતા અને ન્યાય પર કેન્દ્રિત છે. આ બિલ અંતર્ગત મહિલાઓને મિલકતમાં સમાન હક, 18 વરસે લગ્નની લઘુત્તમ વય, ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બાદ 60 દિવસમાં ભરણપોષણ જેવા અધિકારો મહિલાઓને આપવામાં આવ્યા છે. તમામ ધર્મની મહિલાઓ માટે વારસાઈ હકો સમાન કરી દેવાયા છે. UCCમાં મહિલાઓને લગતી મુખ્ય જોગવાઈમાં દીકરીઓને દીકરા જેટલો જ હક મળશે. લગ્નની ઉંમર પુરુષ માટે 21 ને સ્ત્રી માટે 18ની છે ને લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે.

મુસ્લિમોમાં બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મુકાયો છે, એટલું જ નહીં, છૂટાછેડા માટે પણ બધા નિયમો બધા માટે સમાન કરી દેવાયા છે. બિલનું રાજકારણ પણ જોવા જેવું છે. લગ્ન અને છૂટાછેડામાં સમાનતા લાવવાને લીધે ત્રણ તલાકવાળી પ્રથાનો પ્રશ્ન ઉકલી ગયાનું લાગે, પણ આ કાયદાથી લવ જેહાદ અટકી જશે એવું બનવાની શક્યતાઓ ઓછી જ છે. લવ જેહાદનું આખું રાજકારણ એ હિન્દુત્વના રાજકારણનો જ હિસ્સો છે. ભારતમાં જે રીતે ધર્મનું રાજકારણ ઘૂસ્યું છે અને કોમી ધ્રુવીકરણ થયું છે, એ જોતાં મુસ્લિમો આ કાયદા અંગે શંકા ધરાવે છે. તેમનું કહેવું છે કે નાની અમથી બાબતોમાં બુલડોઝર ફેરવતી સરકાર મુસ્લિમ મહિલાઓનું હિત વિચારે એ વાત ગળે ઉતારવાનું મુશ્કેલ છે.

એ ખરું કે 2,500 મહિલાઓના એક સર્વેક્ષણમાં 85 ટકા મુસ્લિમ મહિલાઓ ઇચ્છે છે કે બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવામાં આવે. મુસ્લિમ પતિ બીજા લગ્ન કરે તેની જાણ ક્યારે ય ન કરાઈ હોય એવું 79 ટકા મહિલાઓનું કહેવું છે. 88 ટકા મહિલાઓનું કહેવું છે કે પતિએ બીજા લગ્ન કરતાં પહેલાં, પહેલી પત્નીની મંજૂરી લીધી નથી. એવું પણ બન્યું છે કે 54 ટકા પ્રથમ પત્નીઓને બીજા લગ્ન પછી છોડી દેવાઈ હોય ને તેમને કોઈ આર્થિક સહાય પૂરી પડાઈ ન હોય ને તેમણે માબાપને આશ્રયે રહેવું પડ્યું હોય. છૂટાછેડા બાદ 60 દિવસની અંદર ભરણપોષણના કેસનો નિકાલ લાવવાની જોગવાઈ પણ દાખલ કરાઈ છે.

બિલમાં વિશિષ્ટ લિવ-ઇન રિલેશનમાં રહેતી મહિલાની સુરક્ષા માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. 1 મહિનામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે ને તે ઉપરાંત માતાપિતાને જાણ કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બિલનો હેતુ મહિલાઓને ધર્મ આધારિત ભેદભાવમાંથી બહાર કાઢવાનો અને સમાનતા પ્રદાન કરવાનો છે. જો કે, કેટલાકનું કહેવું છે કે લગ્નનાં રજિસ્ટ્રેશન માટે આપણી પાસે બબ્બે કાયદા છે જ, તો નવા કાયદાની જરૂર ન હતી. તેમનું એમ પણ માનવું છે કે નવું બિલ એટલે લાવવામાં આવ્યું કે હિંદુ અને મુસ્લિમો તથા આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે ભેદભાવ ઊભો થાય. UCCથી મહિલાઓને વારસાઈ હક મળશે તેવી સરકારની વાત સાથે એટલે સંમત થવાય એમ નથી કે ઇસ્લામમાં દીકરીઓને છોડવા પર 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે અને કોઈ પણ યુગલને લગ્નનાં એક વર્ષ સુધી છૂટાછેડા નહીં મળે. UCC લાગુ ત્યારે જ થશે, જો લગ્ન માટે બેમાંથી એક વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોય. ઇસ્લામમાં વારસાઈ અધિકાર ઓલરેડી મળેલો જ છે. બીજું, જો UCC સમાન રીતે લાગુ પડતો હોય, તો આદિવાસીઓને તેમાંથી બાકાત કેમ રાખવામાં આવ્યા છે? ગુજરાતમાં 14-15 ટકા આદિવાસીઓ છે ને સરકારે વોટબેંક સાચવવા આદિવાસીઓને આ બિલમાંથી ઈરાદાપૂર્વક બાકાત રાખ્યા છે.

એક મત એવો પણ છે કે દરેક ધર્મ માટે અલગ અલગ કાયદા ન હોવા જોઈએ. આ બિલ માત્ર મુસ્લિમો માટે નથી, મુસ્લિમો કરતાં પણ અન્ય ધર્મીઓની સંખ્યા સારી એવી છે ને UCC તેમને પણ લાગુ પડે છે. ઘણાનું માનવું છે કે UCC એક હિંદુ એક્ટ છે ને તે મુસ્લિમ કાયદા પર થોપવાનો પ્રયાસ છે. એમ પણ કહેવાય છે કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ છે, પણ એક પત્ની પર કોઈ બીજી પત્ની કરીને કોઈ ત્યકતા કે વિધવાને ટેકો આપવા પરણે તો તેમાં ખોટું શું છે? લિવ ઈનને પણ માન્યતા આપવાનો ઘણાં વિરોધ કરે છે, તે એટલે કે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. એનાથી સમાજમાં વ્યભિચાર વધશે.

UCC બિલ રજૂ થાય તે પહેલાં લાલદરવાજા, અમદાવાદ ખાતે એમ કહીને વિરોધ કરાયો કે UCC સંવિધાન મુજબ નથી, મહિલાઓએ એવો આક્ષેપ કર્યો કે UCC મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે. આ બિલને કોઈ ચોક્કસ જાતિ કે ધર્મની વિરુદ્ધ જોવાને બદલે, એ રીતે જોવાય કે તમામ ધર્મ, પંથ, સમુદાયને સમાન કાયદા લાગુ કરવાને ઈરાદે લાવવામાં આવ્યું છે. ગુજરાત, ઉત્તરાખંડ અને ગોવા સિવાયના અન્ય રાજ્યોમાં સમુદાયો પ્રમાણે અલગ અલગ કાયદાઓ અમલમાં છે. આ બિલથી તમામ સમુદાયો એક જ છત્ર હેઠળ આવે એમ બને.

આ બિલ જરૂરી ખરું? એના વિરોધમાં ને તરફેણમાં બન્ને પ્રકારના મત ચર્ચામાં છે. તો સરદાર પટેલનું એક અને અખંડ ભારતનું સપનું સાકાર કરવા પણ ગુજરાત UCC અનિવાર્ય છે. સમાનતાની વાતો આપણે કરતા હોઈએ તો એક જ રાજ્યમાં સમાન કાયદા ને વિકાસની સમાન તકો હોય તે અપેક્ષિત છે. આ સમાનતાની વાતો કરવાની હોય ત્યારે સરકાર આદિવાસીઓને રાજકીય હેતુ સર બાકાત રાખે તે બરાબર નથી. UCCમાં બધા સમાન હોય. આદિવાસીઓ અપવાદ હોય તો મુસ્લિમોનો ને એમ અન્ય ધર્મીઓનો પણ અપવાદ કરવો પડે ને તો ધર્મ આધારિત અલગ કાયદાઓ છે, તે શું ખોટા છે?

ખરેખર તો કાયદામાં જ સાફસૂફી કરીને એક જ કાયદો લાગુ કરી શકાતો હોય તો તે અંગે વિચારાવું જોઈએ. એક જ વિષયને લગતા અલગ કાયદાઓ હોય જ ને તેમાં બીજો એક કાયદો ઉમેરાય તો ગૂંચ વધશે. અર્થઘટનો બદલાય એમ બને અને કાયદામાં અર્થઘટનને સ્થાન છે, અનર્થઘટનને નહીં !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2026

Loading

10 May 2026 Vipool Kalyani
← વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો
ચલ મન મુંબઈ નગરી—340 →

Search by

Opinion

  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો
  • નકો નકો ચૂંટણી હાજરાહજૂર : લોકશાહીનો સ્વાંગ બરકરાર
  • ફરિયાદ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved