ભાજપે 2014-24માં માત્ર 4 હજાર ઘુસપેઠિયાને હાંકી કાઢ્યા છે
એળે નહીં તો બેળે, પણ કોમી ધ્રુવીકરણનું રાજકારણ આપણા જાહેર જીવનનો કેડો મેલતું નથી એ દુર્દૈવ વાસ્તવ ક્યારે સમજાશે, ન જાને. કોમી રાજકારણ વાટે શત્રુખોજના વ્યૂહથી ઊંચે ઊઠવું જરૂરી છે.

પ્રકાશ ન. શાહ
જેમ જેમ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભા.જ.પ. અને તેમાં ય એના સ્ટાર પ્રચારક જેવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેટલાક ખાસ મુદ્દા ઉછાળી લોકમતને પોતાની તરફે વાળવા પ્રયાસ કરતા માલૂમ પડે છે. એમનો એક (કેટલીક વાર તો જાણે કે એકનો એક) પ્રિય મુદ્દો ઇન્ફિલટ્રેટર્સ ઉર્ફે ઘુસપેઠિયાનો છે.
આ મુદ્દો એમને દૂઝણી ગાય જેવો વહાલો જણાતો હોય તો એનું રહસ્ય ખાસ તો એ હકીકતમાં પડેલું છે કે હિંદુ વિ. મુસ્લિમ એવી ધ્રુવીકરણની રાજનીતિ એમને માફક આવી ગયેલી છે. આસામ અને પશ્ચિમ બંગાળ જેવા કિસ્સામાં બાંગલાદેશી ઘુસપેઠિયાનો મુદ્દો ઉછાળવામાં સહેજે મળી રહેતી સગવડ આ કોમી ધ્રુવીકરણની રાજનીતિની દૃષ્ટિએ એ છે કે તમે ‘મુસ્લિમ’ને ટીકાનિશાન બનાવવા માટે ‘બાંગલાદેશી’ એ પ્રયોગ દેખીતો તટસ્થ છે, અને સીમાપારથી આપણે ત્યાં આવનાર અંગે સજગ હોવું ને રહેવું એ કોઈ પણ શાસનની સીધી જવાબદારી પણ છે.
ભા.જ.પ.નો એ સતત ટીકામુદ્દો રહ્યો છે કે આવી ઘુસપેઠ બાબત કાઁગ્રેસનો રવૈયો શિથિલ છે, જ્યારે અમે એ બાબતે સક્રિય ને સન્નધ્ધ છીએ.
આ પ્રકારની ઘૂસણખોરી આગળ ચાલતાં ચૂંટણીપરિણામ પર પણ અવળી અસર પાડી શકે એ ભા.જ.પ.નું નિત્યગાણું છે. અને ખરું જોતાં કાઁગ્રેસ કે કોઈ પણ પક્ષ તત્ત્વતઃ એની સાથે અસંમત પણ ન જ થઈ શકે.
સ્વતંત્ર ભારતમાં 2014થી શાસન સંવત બદલાઈ એવી ભૂમિકામાં કેટલોએક પ્રજાવર્ગ રાચે છે ત્યારે એ જોવું તપાસવું રસપ્રદ થઈ પડશે કે 2014 પૂર્વે અને ત્યાર પછી જે તે શાસનની આ મોરચે (ઘુસપેઠિયાની હકાલપટ્ટીને મોરચે) કેવીક કામગીરી રહી છે.
કેન્દ્ર સરકાર અને એના સંબંધિત અંગ તરફથી મળેલા સત્તાવાર આંકડા પરથી મળતું ચિત્ર ભા.જ.પ. તરફે જે ગર્જનતર્જનની રાજનીતિ જોવા મળે છે તેની સામે વિરોધી ચિત્રરૂપ જણાય છે. મનમોહનસિંહને મૌનમોહનસિંહ તરીકે ખાસા વગોવાયા પણ એમના શાસનમાં ઘુસપેઠિયાને તારવીને કાઢવાની કામગીરી કોઈ પ્રકારનો વાજોગાજો નહીં એમ ચાલી અને 2005થી 2013નાં વરસો દરમિયાન 88 હજારથી વધુ ઘૂસણખોરોને ઓળખી કાઢી રવાના કરવામાં આવ્યા હતા. સામે પક્ષે, 2014થી 2024ના મોદીકાળમાં ઘણી શક્તિ ‘ઘુસપેઠિયા’ પરિબળની તેમ એમને ‘સાચવતા’ વિપક્ષની ટીકામાં વપરાઈ હશે એટલે 10 વરસમાં આખા 3,500થી 4,000 લોકોને ઓળખીને હાંકી કઢાયા છે. તો, મુદ્દો ઘૂસણખોરોના વાસ્તવિક પ્રમાણનો છે કે પછી એક પક્ષ તરીકે પોતાની ખાસ ઓળખ બનાવવા માટે તેમ જ કોમી રાજકારણ વાસ્તે ખાણદાણ તરીકે તેના ઉપયોગનો છે, એમ જો કોઈ ભા.જ.પ.ને પૂછે તો એ પ્રશ્ન ખોટો નહીં ગણાય. ઊલટ પક્ષે, અઠ્ઠાસી હજાર સામે આખા ચાર હજારના આંકડા પરથી એવીયે દલીલ લડાવી શકાય કે મનમોહન તંત્રે મોટી સંખ્યામાં ઘૂસણખોરોની હકાલપટ્ટી કરી તેથી હવે ઓછા જ હાથમાં આવે ને. જો સરકાર તરફે કોઈ આવી દલીલ લડાવે તો પ્રજાપક્ષે સામો પ્રશ્ન પણ પૂછી શકાય કે તમે આ સંજોગોમાં આટલો ગોકીરો શા માટે મચાવો છો.
સરહદી સીમાલ્લંઘન ખાળવાની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સ કહેતાં બી.એસ.એફ.ની છે, જે સ્વાભાવિક જ કેન્દ્ર સરકાર હસ્તક છે. અમને વાયરિંગ વાસ્તે તેમ જ બી.એસ.એફ.ને તૈનાત કરવા માટે પશ્ચિમ બંગાળની સરકાર જરૂરી જમીન આપતી નથી એવી કેન્દ્રની ફરિયાદ છે. (હવે જો કે, કલકત્તા હાઇકોર્ટે રાજ્ય સરકારને જરૂરી આદેશ આપ્યો છે. ) પણ મુદ્દો એ છે કે કેન્દ્ર સરકાર પોતે પણ આ હેતુસર જમીન એકવાયર કરવા સક્ષમ હતી અને છે. એણે જવાબદારીનો ગાળિયો આ સંદર્ભમાં રાજ્ય સરકાર પર નાખવાનું અનિવાર્ય તો નહોતું ને નથી. ગમે તેમ પણ, કોમી રાજકારણ વાટે શત્રુખોજના વ્યૂહથી ઊંચે ઊઠવું જરૂરી છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 ઍપ્રિલ 2026
![]()

