Opinion Magazine
Number of visits: 9728728
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

 ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 March 2026

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને  “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી–અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે.

ચિરંતના ભટ્ટ

ખાડી દેશોની ઉપરથી કોઈ મિસાઈલ પસાર થાય છે, ત્યારે વિવિધ રાષ્ટ્રોની રાજધાનીઓમાં એક વ્યૂહરચના તરીકે તેનું વિશ્લેષણ થાય છે. પરંતુ ભારતના મામલામાં, તે અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે, જેમ કે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવો, ફ્લાઇટ્સમાં થતા વિલંબ અને વોટ્સએપ પર આવનારો તમારી સુરક્ષાની પૃચ્છા કરતો મેસેજ. 

ભારત માટે, પશ્ચિમ એશિયા માત્ર કોઈ થિંક-ટેન્કના બ્રીફિંગમાં રહેલો નકશો નથી. તે ખાડી દેશોમાં વસતા 80થી 90 લાખ ભારતીયો છે. આમાંની દરેક વ્યક્તિ કટોકટી વખતે બચાવ કામગીરીના સમાચારની હેડલાઈન બની શકે છે, અને દરેક વ્યક્તિ દેશમાં લાખો પરિવારોનું ગુજરાન ચલાવતી કમાણીની (રેમિટન્સની) જીવાદોરી છે.

પરંતુ, ભારતે પોતાને માટે એક નેરેટિવ બનાવી રાખ્યું છે અને તેમાં અહીંથી જ તિરાડ પડવાની શરૂઆત થાય છે.

ભારત અત્યારના સંજોગોમાં અપનાવેલા નેરેટિવને “વ્યૂહાત્મક સ્વાયત્તતા”(સ્ટ્રેટેજિક ઓટોનોમી)નું છોગું પહેરાવે છે. બીજા લોકો તેને “મલ્ટી-અલાઈનમેન્ટ” કહે છે. આ ભારેખમ શબ્દોની પાછળની સત્તાવાર નીતિ એકદમ સરળ છે: ભારત તમામ ગ્રૂપ્સથી એક સરખું અંતર જાળવશે, ઇઝરાયેલ, ઈરાન અને આરબ મોનાર્કીઝ સાથે સંબંધો જાળવી રાખશે અને માત્ર તણાવ ઘટાડવા પર જ ભાર મુકશે. સૈદ્ધાંતિક રીતે, આ બિન-જોડાણવાદની (નોન-અલાઈનમેન્ટની) પરાકાષ્ઠા જેવું લાગે છે. પરંતુ વ્યવહારમાં, તે એક ભાંગી પડે એવી કલ્પના સાબિત થઈ રહી છે.

ભારત તટસ્થ હોવાનો દાવો કરે છે. પરંતુ તેનાં પગલાં અગાઉથી જ પક્ષ પસંદ કરી ચૂક્યા છે.

એક તરફ, નવી દિલ્હી રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને, વૈશ્વિક ક્રૂડના આંચકાઓ સામે તેને એક કવચ તરીકે વાપરી રહ્યું છે. તો બીજી તરફ, તે ખાડી દેશો અને યુરોપની સાથે મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર(IMEC)ને વેગ આપે છે, જે અમેરિકાનો ટેકો ધરાવતો વ્યાપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂટ છે, જે મૂળ તો ચીન-નિયંત્રિત પ્રોજેક્ટ્સના વિકલ્પ તરીકે તૈયાર કરાયો છે. ભારતનો એક પગ યુરેશિયન ઊર્જામાં છે, તો બીજો અમેરિકા-કેન્દ્રિત વેપાર વ્યવસ્થામાં. આ હવે માત્ર કોઈ સાવચેતીભર્યો બચાવ નથી; તે તટસ્થતાના પેકિંગમાં પીરસવામાં આવતું મનપસંદ જોડાણ છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર, ભારતના સાવચેતીથી બોલાતા શબ્દો અને મતદાનથી અળગા રહેવાની નીતિને બીજા દેશો તટસ્થ વલણ તરીકે નહીં, પરંતુ સંજોગો જેમના તેમ રાખવા માંગતી સત્તાઓ માટેના હળવા સમર્થન તરીકે જોવામાં આવે છે. તટસ્થતા હવે અદૃશ્ય નથી રહી, તેનું અર્થઘટન થાય છે અને ઘણીવાર તેનું ખોટું અર્થઘટન પણ થાય છે. જૂથબંધીમાં વહેંચાયેલા આ વિશ્વમાં, મૌન કોઈ નિર્દોષતાનું પ્રતીક નથી; તે એક એવી ખાલી જગ્યા છે જેને અન્ય લોકો પોતાની મરજી મુજબ ભરી દેશે.

આ જોખમો માત્ર સૈદ્ધાંતિક નથી. ભારતના કુલ રેમિટન્સનો લગભગ 40% હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોના લાખો પરિવારો દુબઈ, દોહા, રિયાધ અને શારજાહથી આવતા પૈસા પર નિર્ભર છે. ખાડી દેશો ભારતના ક્રૂડ ઓઇલનો પણ એક મોટો સ્રોત છે, જે વિશ્વના કેટલાક સૌથી અસ્થિર સમુદ્રી માર્ગો – હોર્મુઝની સામુદ્રધુની અને બાબ-અલ-મંડેબમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં થતા દરેક સંઘર્ષની સફર તેજીલી હોય છે: એ દૂરના સંઘર્ષ ક્યારે લોકલ પરિણામ લાવશે તેની કોઈ સમય મર્યાદા કે ગેરંટી નથી. આ અંતે ઇંધણના વધતા ભાવો, ખોરવાયેલી સપ્લાય ચેઇન અને સમાચારની રાહ જોતા ચિંતિત પરિવારોમાં ફેરવાય છે.

 કટોકટી આવે ત્યારે ભારતે હંમેશાં હિંમત જ દાખવી છે પણ એ સ્થાયી ભાવ નહીં કામચલાઉ ગોઠવણ વધુ હોય છે. 2023માં અચાનક ફાટી નીકળેલા આંતરવિગ્રહને કારણે સુદાનમાં ફસાયેલા અંદાજે 3,500થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું ‘ઓપરેશન કાવેરી’ આનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય વાયુસેના અને નૌકાદળે ઝડપથી પગલાં લીધાં, દૂતાવાસના સ્ટાફે રાત-દિવસ કામ કર્યું અને મોટાભાગના નાગરિકો સલામત પાછા ફર્યા. કોઈપણ માપદંડથી જોઈએ તો, આ એક મોટી સફળતા હતી. આ બધું તાબડતોબ કરવામાં આવ્યું હતું – ફ્લાઇટ્સના રૂટ બદલવા પડ્યા, જહાજોને તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા, અને ભારે દબાણ હેઠળ રિયલ-ટાઇમમાં સંકલન કરવું પડ્યું. આપણે બચાવ કામગીરીની સફળતાની ઉજવણી તો કરી, પણ આપણે એ પ્રશ્ન ન પૂછ્યો: શા માટે આપણે દરેક વખતે છેલ્લી ઘડીએ જ નવી ગોઠવણ કરવી પડે છે? પહેલાં યુક્રેન, પછી સુદાન, અને આ બંનેની વચ્ચે સતત ધૂંધવાતો ખાડી પ્રદેશ. દરેક નવો સંઘર્ષ એક જ પ્રશ્ન ઊભો કરે છે : આપણે કેટલા ભારતીયોને અને કેટલી ઝડપથી બહાર કાઢી શકીશું? આ અંતર જાળવવાની વ્યૂહરચના નથી. આ માત્ર તાત્કાલિક સ્થિતિ થાળે પાડવાની વ્યૂહરચના છે. ટૂંકમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આપણે માહેર છીએ એવું કહી શકાય. 

આ દરમિયાન, ચીન જે કરે છે એ  ભારતે ખૂબ જ ધ્યાનથી જોવાની જરૂર છે. બેઇજિંગે છેલ્લા એક દાયકામાં ખાડી પ્રદેશમાં એવા સંબંધો વિકસાવ્યા છે જેને વિશ્લેષકો બેવડા ઉપયોગવાળા સંબંધો કહે છે. ચીને અહીં બંદરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચલણ અંગેના કરારો અને એવી કૂટનીતિક વ્યવસ્થાઓ ઊભી કરી છે જે શાંતિ હોય ત્યારે વેપારી હેતુઓ પૂરા પાડે છે અને કટોકટી વખતે વ્યૂહાત્મક કામમાં આવે છે. ચીન તટસ્થતાનો દાવો નથી કરતું. તે પોતાની હાજરીનો દાવો કરે છે. તેણે એકસાથે રિયાધ અને તેહરાન બંને સાથે સંબંધો કેળવ્યા, 2023માં સાઉદી-ઈરાન શાંતિ કરાર કરાવવામાં મધ્યસ્થી તરીકે કામ કરીને ચીને પોતાને એક એવા અનિવાર્ય ભાગીદાર તરીકે સ્થાપિત કર્યું છે કે વોશિંગ્ટન કે નવી દિલ્હી પણ હજી એ સ્તરે નથી. કોઈને ચીનની આ પદ્ધતિ ગમે કે ન ગમે, તેનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે: ચીન પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, અંતર નથી જાળવી રહ્યું. આનાથી વિપરીત, ભારત હજુ પણ ‘બધા આપણને પસંદ કરે છે’ એ વાત પર પોતાની પીઠ થાબડી રહ્યું છે, પરંતુ એ હકીકત ચૂકી જાય છે કે જ્યારે આ પ્રદેશમાં સત્તાનાં સમીકરણો બદલાય છે, ત્યારે કોઈ સૌથી પહેલા ભારતને ફોન કરતું નથી. વ્હાલા થવામાં, પીપલ પ્લીઝર થવામાં આપણે નુકસાન વહોરી રહ્યા છીએ. 

એટલે જ ભારતને કોઈ દેખાડા કે માત્ર વલણની નહીં, પરંતુ એક નક્કર સિદ્ધાંતની જરૂર છે.

પહેલી જરૂરિયાત રાજકીય સ્પષ્ટતા છે. ભારતે એવો ડોળ કરવાનું બંધ કરવું જોઈએ કે તેની વર્તમાન સ્થિતિ તટસ્થતાની છે. તેના બદલે તેને એક ઇરાદાપૂર્વકની પસંદગી તરીકે સ્વીકારવી જોઈએ;  તમામ પક્ષો સાથે જોડાણ, પરંતુ કોઈના પણ પક્ષે આંધળું સમર્થન નહીં. આ એક બચાવ કરી શકાય તેવી સ્થિતિ છે. જ્યારે આપણી ઊર્જાની ખરીદી અને વેપાર કોરિડોર કંઈક અલગ જ વાર્તા કહેતા હોય, ત્યારે તેને તટસ્થતા કહેવી એ યોગ્ય નથી.

બીજી જરૂર છે નાગરિક સુરક્ષાને અગ્રિમતા આપવાની ખાતરી. વિદેશમાં વસતા દરેક ભારતીયને માત્ર દૂતાવાસની એક નોંધ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય હિત તરીકે ગણવા જોઈએ. આનો અર્થ છે કે કટોકટીમાં બચાવ માટેનો એક કાયમી સિદ્ધાંત, આપણા વિદેશી મિશનો અને ગુપ્તચર સંસ્થાઓ વચ્ચે વધુ સારું સંકલન, અને ખાડી દેશોના ભાગીદારો સાથે ફોર્મલ ક્રાઇસિસ રિસ્પોન્સ એગ્રીમેન્ટ કરવું જેથી કટોકટી આવે પછી નહીં, પણ પહેલાં જ આપણને ખબર હોય કે આપણા લોકો ક્યાં છે. ઓપરેશન કાવેરીએ સાબિત કર્યું કે દબાણ હેઠળ ભારત શું કરી શકે છે. પરંતુ જો કોઈ યોગ્ય સિદ્ધાંત હશે, તો આવી છેલ્લી ઘડીની કસોટીમાંથી ફરી ક્યારે ય પસાર નહીં થવું પડે. 

ત્રીજી જરૂરિયાત આક્રમક વૈવિધ્યકરણ છે. ભારત માત્ર મુઠ્ઠીભર હાઇડ્રોકાર્બન સપ્લાયર્સ અને ગણ્યાગાંઠ્યા દરિયાઈ માર્ગો પર નિર્ભર ન રહી શકે. તેણે વૈકલ્પિક સપ્લાયર્સ સાથે LPG માટે સંબંધો ગાઢ બનાવવા જોઈએ, નવીનીકરણીય ઊર્જા કોરિડોરનો વિસ્તાર કરવો જોઈએ, અને સ્થાનિક ભંડારો તેમ જ વૈકલ્પિક પરિવહન માર્ગો વિકસાવવા જોઈએ, જેથી પ્રાદેશિક સ્તરે થતો દરેક સંઘર્ષ દેશની સ્થાનિક કટોકટી ન બને. આ માત્ર કિંમતનો સવાલ નથી. આ એવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરનો આધાર ઘટાડવાની વાત છે, જે ભારતને એવા ભૂગોળનું બંધક બનાવે છે જેના પર ભારતનું પોતાનું કોઈ નિયંત્રણ નથી.

આમાંના કોઈ પણ પગલાં માટે ભારતે કોઈ લશ્કરી જોડાણમાં જોડાવાની જરૂર નથી. આપણે કંઈ કરીએ જ નહીં અને પછી સમજું હોવાને દાવો કરીએ તો ન ચાલે. કંઇ ન કરવું એ નિષ્ક્રિયતાની નિશાની પણ છે.

નવી વિશ્વ વ્યવસ્થામાં, મૌન કોઈ વ્યૂહરચના નથી, એક વલણ છે, અને તેના આધારે જ તમારી કસોટી થશે.

 બાય ધી વેઃ 

ભારતને તટસ્થ રહેવાનું પરવડે તેમ નથી જ્યારે તેના લોકો, તેની ઊર્જા અને તેનું અર્થતંત્ર પહેલેથી જ નિશાના પર હોય. તટસ્થતા અને સંતુલન વચ્ચે ફેર છે, તમે તટસ્થ હો તો તમે ક્યાં ય નથી, ન આ તરફ ન પેલી તરફ પણ તમે સંતુલિત અભિગમ અપનાવો તો તમારે સ્ટેન્ડ લેવું પડે, એટલે કે નિર્ણય લઈ તેની પડખે ઊભા રહેવું પડે. ખરી હિંમત એમ કરવામાં દેખાય છે. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2026

Loading

22 March 2026 Vipool Kalyani
← ઍ લાઈફ કમીટેડ – ઍ મેમવા

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—333
  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved