Opinion Magazine
Number of visits: 9682811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રળિયામણું, રંગીલું રાજકોટ ???

આશા બૂચ|Opinion - Opinion|16 February 2026

દર બે-ત્રણ વર્ષે યુનાઇટેડ કિંગ્ડમથી રાજકોટ આવવાનું થાય. મારું વતન ખરું ને, એટલે.

હવે એને ‘રળિયામણું રાજકોટ’ કે ‘રંગીલું રાજકોટ’ તરીકે ઓળખાવીને ગૌરવ લેવાય છે.

દરેક સફરમાં શહેરની લંબાઈ-પહોળાઈ વધતી જોવા મળે અને છાતી ગજ ગજ ફૂલે. આસપાસનાં ગામડાઓમાં ‘પ્રવેશ’ (કે પગપેસારો?) કરીને સો ગામના નહીં, તો વીસ-પચીસ ગામના ધણી થઇ બેઠા છે, આ રાજકોટ વાસીઓ. પેલો ‘વિકાસ’નો વાયરસ બીજા શહેરોની માફક રાજકોટને પણ ભરખી રહ્યો છે એટલે વર્ષે એક ના હિસાબે ફ્લાય ઓવર બને, જાત જાતના નામાભિધાન વાળા ‘હાઈટ્સ’ (એટલે કે બહુમાળી રહેઠાણો – કહોને કે વિદેશોમાં મરઘી જેવાં પક્ષીઓ માટે ઉપરાઉપરી બખોલ જેવાં પિંજર બનાવે છે તેવાં જ ઘર), આધુનિક શોપિંગ મોલ (જેના નામ મોટે ભાગે અમેરિકન કે યુરોપિયન સુપર માર્કેટ પરથી પડેલા હોય છે) અને ગણ્યા ગણાય નહીં એટલાં રેસ્ટોરન્ટ્સ અને આઈસ્ક્રીમ પાર્લર જોઈને છક્ક થઇ જવાય, હોં ભાઈ.

અહીં એક આડવાત કરી લઉં. એક દિવસ એક ‘હાઈટ્સ’નું બાંધકામ જોવા કુતૂહલવશ જઈ ચડી, જોયું, તો દસ દસ ફ્લેટ્સના પાંચ સાત ટાવર, સુંદર મજાની લોન, નીચલા માળમાં દુકાનો, માફ કરજો ‘શોપિંગ મોલ્સ’, મોટો કમ્યુનિટી હોલ, બાળકો અને મોટાં માટે ફિલ્મ, ટી.વી. જોવા માટે મોટો ખંડ વગેરેનું આયોજન જોઈને મારું નામ એક ફ્લેટ ખરીદવા માટે નોંધાવા ગઈ, પણ હાય ભાગ્ય! યુનાઇટેડ કિંગ્ડમમાં રહેનારને એ ફ્લેટ ન પોસાય, એટલે દ્રાક્ષ ખાટી છે એ ન્યાયે ‘મને શહેરથી આટલે દૂર રહેવું ન ફાવે’ કહીને નીકળી ગઈ. બહાર નીકળતાં મેં જોયું કે એ આલીશાન ઇમારતો બાંધનારાં સ્ત્રી પુરુષોનાં બાળકો ગંદા કપડાં પહેરેલાં, વાળ ઓળ્યા વિનાના અને નાહ્યા પણ ન હોય એવી દશામાં રમતાં હતા, અને એ મજૂર વર્ગ એક નાનીશી ઝૂંપડપટ્ટી વસાવીને પેટ ભરવા કાળી મજૂરી કરતો હતો. શું એમને કોઈ દિવસ વિચાર નહીં આવતો હોય કે આ ઇમારતો અમે ચણીએ છીએ, તો અમને એવા ઘરમાં રહેવા ક્યારે મળશે? અમને એ અધિકાર કેમ નથી? મારાં બાપ-દાદા પણ રસ્તા પર સૂતાં અને મારાં બાળકો પણ આવી  ‘હાઈટ્સ’ની છાયામાં જીવતર પૂરું કરશે?

અરે, એટલો વિકાસ પૂરતો ન હોય તેમ શહેરના કેટલાક વિસ્તારો તો હોસ્પિટલ્સ, દવાખાના અને કેમિસ્ટની દુકાનો માટે મશહૂર થઇ ગયા છે. હવે હાર્ટમાં સ્ટેન્ટ મુકાવવા, બાયપાસ કરાવવા કે સ્ટ્રોક આવે તો સારવાર માટે અમદાવાદ કે મુંબઈ દોડવાની જરૂર નહીં, બધું અમારા રાજકોટમાં થાય! પણ એ જોઈને સવાલ એ થાય કે ‘રંગીલું રાજકોટ’ કહેવામાં જોડણીની ભૂલ તો નહિ હોય? ‘રોગિષ્ટ રાજકોટ’ લખવાને બદલે ‘રંગીલું’ લખાઈ ગયાનો વહેમ થાય. વિચાર કરતાં ખ્યાલ આવે કે એ તો પેલા વિકાસના વાયરસના ફેલાવાના પરિણામો છે.

એમ તો ગુજરાતમાં સહુથી મોંઘા શહેરનું બિરુદ પણ રાજકોટને મળ્યું છે એ કેટલા લોકો જાણે છે? મુંબઈ, પુણે, દિલ્હી જેવાં શહેરોમાં હવે મકાનના ખરીદ-વેચાણમાં માત્ર ‘વ્હાઇટ મની’ જ હાથ બદલે, પણ ના, રાજકોટ એવા રંગભેદમાં નથી માનતું, ત્યાં ‘બ્લેક મની’ સિવાય ઘર વેંચાય કે ખરીદાય નહીં. છે ને કમાલ?

હજુ એક વિશેષતા ઊડીને આંખે વળગે. આ શહેરમાં બે પગાળાં માનવીમાં હું, મારા પતિ અને બે ચાર વિદ્યાર્થીઓની ગણતરી નોંધાઈ છે, એટલે કે 20,92,000માંથી દસ બાદ કરો એટલા લોકો પાસે સ્કૂટર, રીક્ષા અથવા કાર હોય, અને એ બધાનો રસ્તાઓની માલિકીમાં ભાગ. સફર શરૂ થાય ત્યારથી પૂરી થાય ત્યાં સુધી સતત હોર્ન વાગતાં રહે, એટલે એકલતાનો જરા પણ અનુભવ ન થાય. જરૂર હોય કે ન હોય, પગ બ્રેક ઉપર અને હાથ હોર્ન ઉપર, એમ જ વાહન ચાલે! હું રસ્તો ઓળંગવા રાહ જોતી હોઉં ત્યારે કોઈ રીક્ષા ચાલક આવીને ચાર ઇંચ છેટે રહે અને આંખ ઉલાળે (એનો મતલબ ‘ક્યાં જવું છે?’ એમ પૂછવાનો હોય) અથવા કહે ‘બોલો’. મને શું બોલવું એ સમજ ન પડે એટલે એને રસ્તો આપવા તેના માર્ગમાંથી એક બાજુ ખસી જાઉં!

રાજકોટ વાસીઓ ઉત્સવ પ્રિય છે એ પણ જાણીતું છે. નવરાત્રીમાં ફૂલ બ્લાસ્ટ ડી.જે. ગરબા માટે જાણીતું. આ વખતે નવેમ્બર મહિનાથી સતત ફટાકડાના અવાજોએ રાત્રે પણ સાથ આપ્યો. એના કારણોની વિવિધતા પણ રળિયામણી. લગ્ન, મકરસંક્રાંતિ, વગેરે વગેરે. વળી કોઈને ઘેર કથા કે પારાયણ હોય ત્યારે શેરીમાં મંડપ બંધાય અને આપણને વગર ખર્ચે કથા, ભજન ધૂન સાંભળવા મળે (રાત્રે મોડે સુધી હો!), લોકો કેટલા પરગજુ હોય છે?!

એક વાતનો મને આનંદ છે કે હવે રખડતાં ઢોર જોવા નથી મળતાં. એનો શો ઉપાય કર્યો છે એ શોધી કાઢવાનું રહી ગયું છે. જાણ થયે કદાચ મારો આનંદ ઓસરી જાય એ ભય પણ છે. પરંતુ પાનનો માવો ખાઈને થૂંકીને રસ્તા પર રંગોળી કરવાનું બંધ નથી થયું, વધતું જાય છે. કેટલાક ‘સુજ્ઞ જનોને પૂછતાં મને જ્ઞાન લાધ્યું કે રાજકોટમાં લગભ 90% લોકો ‘માવા’ના વ્યસની છે (કદાચ હોસ્પિટલના ગુણાકારમાં એનો ફાળો હોઈ શકે). માવો=સોપારી+ચૂનો+તમાકુ. એ ચાવીને ખાઈ જવાની વસ્તુ નથી, થૂંકવું જ પડે. એ એનો કોડ ઓફ કંડક્ટ છે. હું ચાલતી હોઉં અને જો કોઈને થૂંકવાની પ્રેરણા થતી જોઉં તો હાથથી થોભવાની વિનંતી કરું, અથવા ક્યારેક ઉદારતા દર્શાવી એમનો ઉભરો ઠલવાય ત્યાં સુધી દૂર રહીને રાહ જોઉં. આપણે બધા એક શહેરના નાગરિક ખરા ને, એટલે માન તો આપવું પડે! આ રીતે રસ્તા પર થૂંકની રંગોળી દૂર કરવા માટે એક ઉપાય સૂઝે છે. એક જમાનામાં હરિજનોને પોતાની કમરે સાવરણો બાંધીને ચાલવાની અને ‘પોઈસો, પોઈસો’ બોલીને ‘સવર્ણો’ ને ચેતવવાની ફરજ પડતી. તો હવે સ્કૂટર, રીક્ષા અને કારના વ્હિલમાં પાણી છાંટીને સાવરણાથી સફાઈ કરે તેવું એક ઉપકરણ બેસાડવાની અને નાના માઈક પર ‘વ્યસની આવે છે, છેટા રહેજો’ એવું બોલે એવું સાધન બનાવવાની જરૂર છે.

હજુ એક આશ્ચર્ય પેદા કરે એવા દૃશ્યોની વાત કરું. હવે દરેક નાગરિક – પાંચથી માંડીને 95 વર્ષના દરેક માટે એક મોબાઈલ એક અનિવાર્ય ઉપકરણ થઈ પડ્યું છે. સ્કૂટર સવાર ખભા અને કાન વચ્ચે મોબાઈલ દબાવીને ભાગતા હોય, રીક્ષા ચાલકો એક હાથે રીક્ષા ચલાવે એ તો ઠીક, એમની નજર પણ મોબાઈલ પર હોય! દરેક કારમાં ‘ટચ ઓફ અ બટન’થી કોઈની પણ સાથે વાત કરવાની સુવિધા થઈ ગઈ એટલે જોર જોરથી સંગીત ન વાગતું હોય તો કોઈની સાથે વાતો થતી જ હોય. ડ્રાઇવિંગ પર ધ્યાન રાખવું એટલું મહત્ત્વનું નથી હોતું. અરે, ભૂલથી જો કોઈ રાહદારી મળી જાય તો એ લોકો પણ મોબાઈલના સ્ક્રીન પર જ નજર રાખીને ચાલતા હોય છે. કોણ કહે છે, માત્ર આપણા પૂર્વજો જ અષ્ટાવધાની અથવા શતાવધાની હતા? Gen 3 તો એમને પણ હરાવી દે તેવી છે!

હવે રોજ કચરા ગાડી આવે ત્યારે આધુનિક ભારતના નાગરિક હોવાનું ભાન થાય. ઉપર લખ્યું હોય, ‘લીલો કચરો’, ‘સૂકો કચરો’, પણ આપણી જ નજર તળે તમામ વસ્તુઓ એક વાનમાં ઠલવાય. ઘર કચરા મુક્ત થાય અને એ કચરો શહેરના કયા વિસ્તારને શણગારવા લઇ જતા હશે એ જોવાનું આવતી સફરમાં રાખ્યું છે. જો કે શહેરના કેટલાક ખૂણાઓને સફાઈ કામદારો પોતાના પિતા પાસેથી વારસામાં મળેલો ગણતા હશે કે રામ જાણે, પણ ત્યાં એક શેરીમાંથી એકઠો થયેલો કચરો (કે ‘માલ’?) બીજી શેરીમાં ઠલવાતો જોયો છે. આ રહી એની સાબિતી. (અરે, અહીં ‘સેલ્ફી’ લેવાનું રહી ગયું!)

હું એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહું છું, ત્યાં શેરીના એક ખૂણે ઉપલું દૃશ્ય જોવા મળે. મારા પડોશીઓ અંદર અંદર વાત કરે કે હવે આશાબે’ન આવ્યાં એટલે ફરી આ કચરો જોઈને મ્યુનિસિપાલિટીને હેરાન કરશે.

ઈ.સ.1928માં સ્થપાયેલી રાજકોટની કન્યાઓ માટેની એક જાણીતી સ્કૂલ કોટક ગર્લ્સ સ્કૂલ, બરાબર એ વિદ્યાધામની બહાર કચરાનો આ ઢગ.

ઈ.સ. 1920માં વિદેશી શિક્ષણ અને અર્થવ્યવસ્થાનો વિકલ્પ પૂરો પાડવા રાજકોટમાં રાષ્ટ્રીયશાળાની સ્થાપના કરવામાં આવેલી, જ્યાં અનેક રચનાત્મક કાર્યો અને ગૃહોદ્યોગ ચાલતા હતા. તેના પછવાડેના રસ્તા પર ફરી રાજકોટની જનતાની બેવકૂફીનું પ્રદર્શન જોવા મળ્યું, જે નીચેની તસ્વીરમાં ઝડપ્યું.

હજી વધારે શરમજનક પુરાવો આપું. 30 જાન્યુઆરીએ હું ક.બા. ગાંધીના ડેલામાં પ્રાર્થના કરવા ગઈ (રાજકોટમાં અને ખરું પૂછો તો ભારતમાં આ સ્થળ વિષે ભાગ્યેજ કોઈને જાણકારી છે. વિદેશીઓ અને થોડા પરપ્રાંતીય લોકો આ સ્થળની મુલાકાત લેતા હોય છે; તેઓ રાજકોટવાસીઓને શિક્ષિત કરે તો પણ કોઈને એ વિષે રસ પડે એ આ સદીમાં સંભવ નથી જણાતું). ત્યારે એ પવિત્ર સ્થળની શેરીના ખૂણે જે જોયું એ માટે મારી પાસે કોઈ શબ્દો નથી.

71abuch@gmail.com

Loading

16 February 2026 Vipool Kalyani
← માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન →

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …
  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved