
રમેશ ઓઝા
વાહનોનાં થતા અકસ્માત હાથમાંથી વાસણ પડી જાય એવા નિર્દોષ નથી હોતા, તેની પાછળ કોઈકને કોઈક પ્રકારની ખામી કે નિષ્ફળતા કારણભૂત હોય છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ઉડતાની સાથે જ એક મિનિટમાં પડી ગયું એ જેટલી આઘાતજનક ઘટના છે એટલી ખામીજન્ય ઘટના છે. વિમાન બોઇંગ કંપનીનું હતું અને બોઇંગની ડ્રીમલાઈનર તરીકે ઓળખાતી ૭૮૭ સિરીઝના વિમાનનો આ પહેલો અકસ્માત છે. બોઇંગ કંપનીનાં ૭૮૭ સિરીઝનાં ૧,૧૭૦ વિમાનો વિશ્વભરમાં આકાશમાં ઊડી રહ્યાં છે અને તેણે અત્યાર સુધીમાં ત્રણ કરોડ કલાકનું ઉડ્ડયન કર્યું છે અને એક અબજ ઉતારુઓને પ્રવાસ કરાવ્યો છે. બોઇંગની ૭૩૭ મેક્સ સિરીઝની નિષ્ફળતા અને બદનામી પછી આ નવી સિરીઝની સફળતા રાહતરૂપ હતી અને કંપનીએ આ વરસના પ્રારંભમાં તેની ઉજવણી પણ કરી હતી.
પણ એનો અર્થ એવો નથી ૭૮૭ સિરીઝનાં દરેક વિમાન ખામીરહિત હોય. એ ખામી ઉત્પાદનમાં હોઈ શકે છે, પાછળથી પેદા થઈ હોય એવું પણ બને, અમુક કલાકના વપરાશ પછી ખામી પેદા થાય એવી કોઈક ઉત્પાદનમાં જ ખામી હોય એવું પણ બને, એરલાઈન્સ કંપનીના મેઈન્ટેનન્સમાં ખામી હોઈ શકે છે. શક્યતાઓ અનેક છે. આમ તો વિમાનની લાઈફ સરેરાશ ૩૦ વરસની હોય છે અને આ વિમાન ૧૧ વરસ જૂનું છે. તેને નવું ન કહેવાય તો જૂનું ખખડી ગયેલું પણ ન કહેવાય. અહીં એક વાત જણાવવી જોઈએ કે એર ઇન્ડિયા પાસે ૭૮૭ સિરીઝનાં વિમાનો સૌથી વધુ છે. આ વિમાનો માટે એર ઇન્ડિયા બોઇંગ કંપનીનો સૌથી મોટો ઘરાક છે અને એ વિમાનો ત્યારે ખરીદવામાં આવ્યાં હતાં જ્યારે એર ઇન્ડિયા સરકારની માલિકીની હતી. હજુ ૨૦ વિમાનોની ડિલીવરી આવવાની બાકી છે. ટૂંકમાં ખરીદી સરકારી હતી.
વિમાનનો પાયલોટ પણ અનુભવી હતો. ૮,૨૦૦ કલાકના ઉડ્ડયનનો તેને અનુભવ હતો અને સહાયક પાઈલોટ ૧,૧૦૦ કલાકનો અનુભવ ધરાવતો હતો. આમ ભૂલની શક્યતા ઓછી છે, પણ માણસ ભૂલ ન જ કરે એવું તો નથી. માણસ આખરે માણસ છે. ટેઈકઑફ પછી માત્ર ૩૦ સેકંડમાં પાઈલોટ કન્ટ્રોલ ટાવરને “મેડે” એમ કહે છે અને પછી કોઈ જવાબ જ મળતો નથી. વિમાની ઉડ્ડયનમાં મેડેનો અર્થ થાય છે સંકટ. એવું સંકટ જે પાઈલોટના કન્ટ્રોલની બહારનું છે અને મદદની જરૂર છે. આનો અર્થ એ થયો કે સંભવતઃ વિમાનના બન્ને એંજીન કામ કરતાં અટકી ગયાં હતાં અને પાઈલોટ લાચાર હતો. પણ બન્ને એન્જીન એક સાથે કામ કરતાં અટકી જાય અને એ પણ ઉડતાની સાથે ત્રીસ સેકન્ડમાં એવું પણ જવલ્લે જ બને. નિષ્ણાતો કહે છે કે દસ લાખે એક કિસ્સામાં આવું બને. એક અનુમાન એવું છે કે બન્ને એન્જીનમાં પક્ષી અથડાયાં હોય. આવું પણ જવલ્લે જ બની શકે, પણ શક્યતા ખરી. એક નિવૃત્ત પાયલોટે કહે છે કે તેના વખતમાં અમદાવાદના એરપોર્ટ પર પક્ષીઓનાં ઝૂંડ જોવા મળતાં હતાં.
અકસ્માત થવા માટે કોઈ મોટું અને દેખીતું કારણ નજરે પડતું નથી તો અકસ્માત થયો કેમ? ૭૮૭ સિરીઝનાં વિમાનોનો સફળતાનો ઇતિહાસ છે, પાઇલોટ અનુભવી હતો, બન્ને એન્જીન એક સાથે અને એ પણ ત્રીસ સેકન્ડમાં કામ કરતાં અટકી જાય એવું તો જવલ્લે જ બને વગેરે જોતાં અકસ્માત માટે આ સિવાયનાં બે કારણ હોઈ શકે છે.
બોઇંગના ૭૮૭ સિરીઝનાં વિમાનોની બનાવટ જ એવી હોય કે વિમાન ઊડતાં થાય એ પછી બાર-પંદર વરસમાં ખામી પેદા થવા લાગે. અને આવી ફરિયાદ પણ થઈ છે. બોઇંગ કંપનીમાં ૭૮૭ સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલા એક નહીં બે જણાએ ચેતવણી આપતા કહ્યું છે કે બોઇંગ ૭૮૭ સિરીઝના વિમાનોનું એસેમ્બલીંગ જેવી રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. એમાં ઝીણા ઝીણા ખાંચા રહે છે અને એ જતે દિવસે જોખમ પેદા કરી શકે છે. કંપનીએ આ વિમાનો ૨૦૧૧ની સાલમાં માર્કેટમાં મુક્યા હતા. એર ઇન્ડિયાએ આ વિમાન ૨૦૧૪માં ખરીદ્યું હતું. ૧૧ વરસ થયાં. એસેમ્બલીંગમાં રહેલી ખામી હવે જોખમી બનવા માંડી હોય. જો એમ હોય તો બોઇંગ ૭૮૭ સિરીઝનાં વિમાનનો આ પહેલો અકસ્માત હોય અને હવે વધુ અકસ્માત થઈ શકે છે. યોગાનુયોગ એવો થયો કે જે દિવસે અમદાવાદમાં અકસ્માત થયો એ દિવસે જ ટ્રમ્પ વહીવટીતંત્રે બ્રાયન બેડ્ફોર્દની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડા તરીકે નિમણૂક કરી છે અને તેણે કહ્યું છે કે તે બોઇંગને તેનાં ખામીયુક્ત ૭૩૭ મેક્સ વિમાનો બજારમાં મુકવા માટે છોડશે નહીં. એમાં હવે ૭૮૭ સિરીઝનાં વિમાનોની સુરક્ષિતતાની તપાસ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં. એમ કહેવાય છે કે બોઇંગ કંપનીમાં આંતરિક સાઠમારી અને રાજકારણ તેની ચરમસીમાએ છે. કંપની અંદરથી તૂટી રહી છે એમ પણ કહેવાય છે.
બીજું સંભવિત કારણ છે મેઈન્ટેનન્સ. આ જ વિમાનમાં એક મહિના પહેલાં પહેલી મેના દિવસે ખામી સર્જાઈ હતી અને ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી એમ શરદ રાવળ નામના એક લંડન સ્થિત ગુજરાતી ઉતારુ કહે છે. આ વિમાન દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યું હતું. આ વિમાનમાં દિલ્હીથી અમદાવાદનો પ્રવાસ કરનારા એક ઉતારુએ કહ્યું હતું કે વિમાનમાં એ.સી. સરખું ચાલતું નહોતું.
અને ભારતમાં મેઈન્ટેનન્સની સ્થિતિ કેવી છે એ વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ ક્યાં નથી જણાતા! અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજો દેશ છે જ્યાં વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ સૌથી વધુ છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નાગરિક ઉડ્ડયન વ્યવસાયમાં સૌથી ઝડપથી ગ્રોથ થતો હોય તો એ ભારતમાં. આની સામે એરપોર્ટ ઓછાં છે, એરપોર્ટ સુવિધા વિનાનાં છે, નાનાં પડે છે, પર્યાપ્ત રન વે નથી, આકાશમાં વિમાનોનો ભરાવો થાય છે, વિમાનોની મરમ્મત માટે સુવિધા નથી, વિમાન ઊભાં રાખવા માટે વિશાળ એરપ્લેન બૅ નથી, એર લાઈન્સ માત્ર ચાર છે જેમાં ઇન્ડીગો ૬૪ ટકાનો અને એર ઇન્ડિયા ૨૭ ટકાનો માર્કેટ શેર ધરાવે છે (આ બે એર લાઈન્સની એક રીતે ઈજારાશાહી છે), વિમાનો ઓછાં પડે છે અને વધુ કમાવા અનેક રૂટ ખોલ્યાં છે. એક રૂટથી બીજા રૂટ પર જતા વિમાનમાં સફાઈ પણ ન થતી હોય ત્યાં ટેકનીકલ ઇન્સ્પેકશન અને મેઈન્ટેનન્સ તો દૂરની વાત છે. તમારી સીટ સામેના પોકેટમાં આગલા પ્રવાસીનાં પાણીના ગ્લાસ અને નાસ્તાના પડીકા તમે જોયાં હશે અને એર હોસ્ટેસને બોલાવીને હટાવ્યાં હશે. આ આપણો બધાનો રોજનો અનુભવ છે. આ સ્થિતિમાં પેલા બે પ્રવાસીએ આ વિમાન વિષે જે કહ્યું છે તેને લક્ષમાં લેવાની જરૂર છે. ભારતની આવી સ્થિતિ વિષે અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને અનેકવાર ફરિયાદો કરી છે, પણ કશો ફેર પડતો નથી.
જતા દિવસે શું થશે કહું? ભારતનાં મોટાં શહેરોમાં બે એરપોર્ટ જોવા મળશે. એક સાધારણ મધ્યમવર્ગ માટેનાં એસ.ટી. ડેપો જેવાં એરપોર્ટ અને બીજાં શ્રીમંતો માટેનાં એક્ઝીક્યુટીવ એરપોર્ટ. એક્ઝીક્યુટીવ એરપોર્ટ પર તમારી સુવિધા અને તમારાં જીવનની સુરક્ષાની વધારે તજવીજ કરવામાં આવશે. પૈસા ખર્ચો અને જીવ બચાવો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2025