ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ–સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી. આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ–ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને સરકારી સેન્સરશીપ છતાં હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો …
સ્વાતંત્ર્યસેનાની, કવિ, લેખક અને ઇતિહાસકાર હઝારાસિંહે રોલેટ એક્ટના વિરોધમાં મહાત્મા ગાંધી અને બી.જી. હૉર્નીમનનું સાથે હોવું બહુ સમજપૂર્વક આલેખ્યું છે, ‘ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ-સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી.’

બી.જી. હૉર્નીમન
આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ-ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને લખ્યું, ‘આવા રાક્ષસી કૃત્યથી ઇંગ્લેન્ડની સંસ્કારી પ્રજાને ઊંડો ખેદ થયો છે.’ સરકારે સેન્સરશીપ મૂકી હતી છતાં તેમણે હત્યાકાંડ વિરુદ્ધ લેખો લખ્યા, સાક્ષીઓની મુલાકાતો છાપી અને તસવીરો સાથે વિગતો બ્રિટનમાં પણ પહોંચાડી ને લખ્યું કે ‘ડાયરના આ કૃત્યને લીધે લોકોની બ્રિટિશ શાસન પરની શ્રદ્ધા બહુ ખરાબ રીતે ડગી ગઈ છે.’ ત્યાંના ‘ડેઇલી હેરાલ્ડ’માં આ બધું છપાયું. અન્ય અખબારોએ પણ વખોડી કાઢતી નોંધ લીધી. આમ બી.જી. હૉર્નીમને જલિયાંવાલા હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો. આપણને ખબર છે કે મુંબઈના પ્રખ્યાત હૉર્નીમન સર્કલનું નામ આ બહાદુર, ન્યાયપ્રેમી, એન્ટિ-બ્રિટિશ અંગ્રેજના નામ પરથી છે?
2019માં જલિયાંવાલા હત્યાકાંડને સો વર્ષ પૂરાં થયાં. ઇતિહાસકારો કહે છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતમાં અંગ્રેજી શાસનના અંતની શરૂઆત હતી. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટન તરફથી લડવા માટે ભારતના સાડાબાર લાખ સૈનિકો મોકલાયા હતા., જેમાંના 60,000થી વધારેએ પ્રાણ ગુમાવ્યા. અંગ્રેજ સૈન્ય યુદ્ધ લડતું હતું અને તેને માટે અનાજ, નાણાં અને હથિયારોનો જંગી જથ્થો ભારતથી મોકલાતો હતો. ભારતને આશા હતી કે આ મદદની કદર થશે, પણ યુદ્ધ પૂરું થયા બાદ અંગ્રેજોએ સ્વાતંત્ર્યની માગણી કરતા નેતાઓને કેદ કર્યા. ઉપરથી રોલેટ જેવો અન્યાયી કાયદો ઠોકી બેસાડ્યો. એપ્રિલની શરૂઆતમાં પંજાબમાં આનો વિરોધ થયો ત્યારે પંજાબના ગવર્નર ઑડવાયરે જનરલ રેજિનોલ્ડ ડાયરને તે શમાવવાની કામગીરી સોંપી. અમુક ઇતિહાસકારો માને છે કે જલિયાંવાલા બાગમાં શું કરવાનું છે તે પહેલેથી નક્કી હતું.
જનરલ ડાયર અમૃતસર આવ્યા પછી તરત પોલીસ પ્રતિબંધ છતાં જલિયાંવાલા બાગમાં એક સભા ભરાઈ હતી. દસેક હજાર માણસો ભેગા થયા હતા. બધા નિ:શસ્ત્ર હતા અને એમાં આસપાસનાં ગામોમાંથી વૈશાખી ઊજવવા આવેલા ખેડૂતો પણ સામેલ હતા. જલિયાંવાલા બાગ વિશાળ ખુલ્લી જગ્યા છે. તેની ત્રણ બાજુ ઊંચી દીવાલ છે. બહાર નીકળવાનો માર્ગ સાંકડો છે. આ સાંકડા માર્ગ પર જનરલ ડાયરે પોતાના હથિયારબંધ સિપાઈઓને ગોઠવ્યા અને કશી ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. રાઈફલના 1,650 રાઉન્ડ છૂટ્યા, લાશોના ઢગલા થયા, કેટલા ય માણસો નાસભાગમાં કચડાઈ મર્યા. ગોળીથી વીંધાયેલી દીવાલો પર મોડી રાત સુધી ઘાયલોના ચિત્કાર પડઘાતા રહ્યા.
દસ જ મિનિટમાં પતી ગયેલા આ કાંડના પડછાયા ખૂબ લાંબા હતા. બીજા દિવસે જનરલ ડાયરે ખુલ્લી ધમકી આપી, ‘હું સૈનિક છું. ચોખ્ખા શબ્દોમાં વાત કરું છું. તમારે લડવું હોય તો સરકાર તૈયાર છે, પણ જો શાંતિ જોઈતી હોય તો મારા હુકમો માનવા પડશે.’ આટલું જ નહીં, પોતાના કૃત્યને ‘જરૂરી’ અને વ્યાપક અસર પાડનારું ગણાવી જનરલે કહ્યું કે ‘વધારે ગોળીઓ હોત તો મેં ગોળીબાર ચાલુ રખાવ્યા હોત.’ પંજાબના ગવર્નરે હત્યાકાંડને ટેકો આપતાં માર્શલ લૉ જાહેર કર્યો. દિવસો સુધી ઘરની બહાર નીકળે તેને 200 વાર સુધી પેટે ઘસડાઈને ચાલવાની શિક્ષા થતી. ડૉક્ટરો કે દૂધ-શાક જેવી જરૂરી ચીજવસ્તુઓ વેચનાર પણ તેમાંથી બાકાત ન હતા. ઔપચારિક રીતે 400 મૃત્યુ અને 1,200 ઘાયલની જાહેરાત થઈ, પણ સાચો આંકડો ઘણો મોટો હતો.
વાઈસરૉય ચેમ્સફર્ડે હત્યાકાંડની ટીકા કરી. સ્ટેટ સેક્રેટરી મોન્ટેગ્યુએ બનાવની તપાસ માટે સ્કૉટિશ જજ લોર્ડ હન્ટરના નેતૃત્વમાં હન્ટર કમિશન બેસાડ્યું. ડાયરને નિવૃત્ત કરી યુરોપ મોકલી દેવાયા. રુડયાર્ડ કિપલિંગે ડાયરને યુરોપનું કલંક કહ્યા તો ચર્ચિલે ડાયરને ભારતના રક્ષક કહ્યા અને તેમણે માટે 26,000 પાઉન્ડનું વિશેષ ભથ્થું એકઠું કરાવ્યું જેની ભારત અને યુરોપમાં ઘણી ટીકા થઈ. ટાગોર અને દેશબંધુએ આ ઘટનાને ‘ભીષણ કૃત્ય’ તરીકે વર્ણવી. ગાંધીજીએ કહ્યું, ‘આ થોડાં શરીરો પરનો નહીં, દેશના આત્મા પરનો હુમલો છે.’
ઑડવાયર અને ડાયરનો કાળ બ્રિટિશ ગેરવહીવટનો કાળ મનાય છે. ભારતની ધૈર્યવાન જનતા અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર વિશ્વાસ રાખતી હતી. જલિયાંવાલા હત્યાકાંડથી આ વિશ્વાસ તૂટ્યો. લોકોનું લોહી ઊકળી ઊઠ્યું. રાષ્ટ્રપ્રેમ પ્રજ્વલિત થયો. ઠેર ઠેર હડતાળો પડી. વિદ્રોહી ક્રાંતિકારીઓની સક્રિયતા વધી ગઈ. પછીના વર્ષે મહાત્મા ગાંધીએ પહેલો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કાઁગ્રેસ છોડી. ભાગલાનું બી વવાયું.
1920 પછી બ્રિટિશ શાસનના પાયા ડગમગવા લાગ્યા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડ અને સ્વતંત્રતાની સતત માગણીએ સરકારના નાકે દમ લાવી દીધો. સરકારે નાના નાના બંધારણીય સુધારા આપી આપીને બધું ઠંડું પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ સુધારા એટલા ઓછા, એટલા અપૂરતા હતાં કે કાઁગ્રેસ કે મુસ્લિમ લીગને તેનાથી સંતોષ થયો નહીં ને કોમી હિંસા પણ અટકી નહીં. બીજા વિશ્વયુદ્ધ પછી સદીઓથી શાસન કરતાં અંગ્રેજોએ વિદાય લીધી. ભારતે આંતરવિગ્રહ, સામૂહિક હિજરત અને ભાગલા સાથેનું લોહિયાળ સ્વાતંત્ર્ય મેળવ્યું.
ડાયરને પોતે જે કર્યું તેનો અફસોસ તો ન હતો, પણ તેની ગંભીરતા પણ કદાચ છેક સુધી સમજાઈ ન હતી. 1921ની 21 મી ફેબ્રુઆરીએ ‘ગ્લોબ’માં પ્રગટ થયેલા એક લેખમાં એમણે લખ્યું હતું, ‘ભારતીયોમાં સ્વતંત્રતાને સમજવાની કે ફ્રી પ્રેસ અને ફ્રી સ્પીચનો અધિકાર વાપરવાની બુદ્ધિ નથી. ભારતને એક કડક સરમુખત્યારની જરૂર છે. ગાંધી અંગ્રેજ સરકારનો વિરોધ કરે છે, પણ તેનામાં સક્ષમ સરકાર ઊભી કરવાની તાકાત નથી. બ્રિટિશ શાસન ચાલુ રહે તેમાં જ ભારતનું ભલું છે.’
1927માં ડાયરનું મૃત્યુ થયું. શીખ ક્રાંતિકારી સરદાર ઉધમસિંહે ઓડવાયરની હત્યા કરી અને પોતે ફાંસીએ ચડી ગયો. ગાંધીજીએ એ કૃત્યને અવિચારી કહ્યું, પણ ઉધમસિંહની શહાદતથી ભારતમાં નવી ઊર્જા આવી.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર જલિયાંવાલા હત્યાકાંડને બ્રિટિશ શાસનનું કાળું પ્રકરણ કહે છે. 1997માં રાણી એલિઝાબેથ અમૃતસર આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘જલિયાંવાલા બાગમાં જે થયું તે નહોતું થવું જોઈતું, પણ ઇતિહાસને ફરી લખી શકાતો નથી.’ એમના પતિ પ્રિન્સ ફિલિપે આખા બનાવને ‘અતિશયોક્તિભર્યો’ કહી વિવાદો નોતરી લીધા હતા. થોડાં વર્ષ પહેલા ભારતની મુલાકાતે આવેલા તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરુને કે જલિયાંવાલા બાગ શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે 1919નો હત્યાકાંડ શરમજનક અને રાક્ષસી કૃત્ય હતું.
કવિ અંશુલ ગુપ્તા લખે છે, ‘તમારી ગોળીએ મારા બાળકનો પ્રાણ લીધો. તમારી તરસ સંતોષાઈ ન હોય તો મારો જીવ પણ લો. ગમે તેટલું લોહી વહાવશો, મારી માભોમને સ્વતંત્ર થતાં નહીં રોકી શકો. મારો દેશ આઝાદ થશે, માનવતાનું સંતાન બનશે. નહીં ગોળી હોય, નહીં બૉમ્બ. સૌ સરખા હશે, બધે શાંતિ હશે – ધેટ ઈઝ અવર ડેસ્ટિનેશન, સચ વિલ બી માય ફ્રી નેશન …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઍપ્રિલ 2025