1907, સુરત અધિવેશનમાં મહર્ષિ અરવિંદ અને ડાબી બાજુ બાળ ગંગાધર તિલક
1885-2025 : એકસો ચાલીસ વરસના પ્રલંબ પટ પર 8-9 એપ્રિલના કાઁગ્રેસ અધિવેશન પૂર્વે અમદાવાદમાં 1902 અને 1921માં મળેલાં અધિવેશનોની આછેરી ઝલક ઉતાવળે આવી એ ખરું, પણ આવતે અઠવાડિયે અધિવેશન મળે તે પૂર્વે અમદાવાદ સિવાયનાંયે અધિવેશનોની એક ઝલક ભલે ઉતાવળે પણ કાં નવ મેળવીએ.
બે અધિવેશનો તરત સાંભરે છે જેની તરાહ ને તાસીર કંઈક ન્યારી હતી : 1907માં સુરતમાં રાસબિહારી ઘોષના પ્રમુખપદે મળવાનું થયું અને 1938નું અધિવેશન પ્રમુખપદે નેતાજીની વરણી સાથે કંઈક જુદાં જ પરિમાણ લઈને આવ્યું હતું. ત્યારે પ્રાંતિક કાઁગ્રેસનું પ્રમુખપદ દરબારસાહેબ પાસે હતું. એ દરબાર ગોપાળદાસ, જેમણે ઢસા ને રાયસાંકળીની જાગીરો રાષ્ટ્રીય લડતમાં હોમાવા દીધી હતી. કાઁગ્રેસ ત્યારે સર્વાંગી અને સર્વાગ્ર સમાજ નિર્માણનું ઓજાર હતી એનો નમૂના દાખલ ખયાલ એ રૂડી હકીકત પરથી આવશે કે દરબારસાહેબે વસોમાં મેડમ મોન્ટેસરીને નિમંત્રીને નવ્ય બાળશિક્ષણ હિલચાલ શરૂ કરી હતી- અને આપણા એકના એક ગિજુભાઈને નવા શિક્ષણનો પહેલો સંસ્કાર કદાચ ત્યાંથી જ મળ્યો હતો.
1921માં સ્વાગત પ્રમુખનો હવાલો સોહાવનાર વલ્લભભાઈ પણ આયોજનમાં પૂરેવચ હોય જ. હવે 1938માં એ અમદાવાદ સુધરાઈના પ્રમુખ નહીં પણ બારડોલીના સરદાર હતા. હરિપુરામાં સુભાષબાબુની અધ્યક્ષતાનો ઓચ્છવ રંગેચંગે મનાવાયો હતો અને વાંસદાના મહારાજાનો રથ એકાવન શણગારેલા બળદોથી ખેંચાતો નેતાજીના પ્રમુખપદે પ્રતિષ્ઠા કરતો નીસર્યો હતો – છાઈ ગયો હતો. જવાહરને પ્રિય એક જે નવો વિચાર, પ્લાનિંગ બોર્ડનો, તે નેતાજીની પણ અગ્ર પસંદગી હતી અને આ અધિવેશન પછી સ્વરાજ લડતમાં ને સ્વાતંત્ર્યોત્તર દાયકાઓમાં પ્લાનિંગનો મુદ્દો કેન્દ્રવર્તી બની રહેવાને નિરમાયેલો હતો. અને હા, આજે ભુલાઈ ગયેલ એક વિલક્ષણ કચ્છી માડુ ખુશાલ તલકશી કહેતાં કે.ટી. શાહનો આ જદ્દોજહદમાં સિંહહિસ્સો હોવાનો હતો.
નેતાજી અલબત્ત જહાલ લેખાતા અને 1938ના અધિવેશન પછી વળી એક વાર કાઁગ્રેસ પ્રમુખપદે ચૂંટાયા ન ચૂંટાયા અને દેશ બહાર સશસ્ત્ર સંગ્રામનો મોરચો ખોલવાના હતા. છતે મતભેદે એમની કાંટેકોર સમજ મુજબ ગાંધીજી રાષ્ટ્રપિતા હતા તે હતા. આઝાદ હિંદ ફોજના ઇતિહાસપર્વમાં સીમા બહારથી એમણે ‘રાષ્ટ્રપિતા’ પ્રયોગ પ્રયોજ્યો ને એ સ્થાયી બની ગયો. દેશમાં કાર્યરત કાઁગ્રેસથી મતભેદ હતા – જરૂર હતા, પણ આઝાદ હિંદ ફોજમાં નેહરુ બ્રિગેડ ન હોય એ નેતાજીને સૂનું લાગતું. ભગતસિંહને મળવા જેલમાં જઈ શકતા નેહરુએ, એક અંતરાલ પછી કાળો ડગલો ચડાવી ધુંવાધાર બેરિસ્ટર ભુલાભાઈ સાથે આઝાદ હિંદ ફોજના બચાવમાં ઐતિહાસિક લાલ કિલ્લાની અદાલતમાં ઇતિહાસનું નવું પાનું આલેખ્યું હતું. જયહિંદ અને જન ગણ મન (રવીન્દ્રનાથ વાયા સુભાષ) એ આ નવા ઇતિહાસનો શંખધ્વનિ હતો.
વાત કરતે કરતે આપણે જો કે આગળ, ખાસા આગળ નીકળી ગયા! 1938 પર મચી પડ્યા તે મચી જ પડ્યા અને 1907ની વાત બાજુએ જ રહી ગઈ. આ કાઁગ્રેસ, ઇતિહાસ કહેતી હતી. બે છેડેથી પ્રમુખનાં નામ ચાલ્યાં હતાં. જહાલ અગર ઉદ્દામ પક્ષ તિલક કે લાજપતરાય માટે હતો. વિનીત અગર લિબરલ મંડળી રાસબિહારી ઘોષ માટે હતી. સુરત ત્યારે મુંબઈ પ્રાંતમાં લેખાતું હોઈ એ જ પ્રાંતના તિલકને પ્રમુખસ્થાને ન બેસાડી શકાય એ સંજોગોમાં લાજપતરાયનું નામ વિચારાયું હતું.
નર્મદ તો નહોતા – એ તો 1883માં ગયા. પણ એમના મિત્ર ખાપરડે ઉદ્દામ છેડે સક્રિય હતા. જો કે, જોડો ઉછળ્યો. સંચાર સંભવત: અરવિંદ પક્ષે હતો અને બાજી બદલાઈ ગઈ. 1,400થી વધુ વિનીત પ્રતિનિધિઓ સામે 1,100 જેટલા જહાલ પ્રતિનિધિઓનું કદાચ ન ચાલ્યું. મુનશીએ ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથામાં સુરતના ભંગાણનું જીવંત ચિત્ર આપ્યું છે. એમણે સ્વયંસેવક દળના વડા તરીકે મોહનનાથ કેદારનાથ દીક્ષિતનો ઉલ્લેખ કર્યો છે.
અધિવેશન વિખરાઈ ગયું. રાસબિહારી ઘોષની અધ્યક્ષતામાં અધિવેશન મળ્યું ન મળ્યું ને સૌ છૂટા પડ્યા. જો કે કાઁગ્રેસે ઉદ્દામ ને વિનીત મિલીજૂલી તાસીરથી દરમ્યાનમાં એક સ્થિતિસ્થાપકતા ને ગતિ હાંસલ કરવા માંડી હતી. સુરત પછી પકડાયેલા તિલક છ વરસે છૂટીને આવ્યા ત્યારે ગાંધીપ્રવેશનો તખ્તો ગોઠવાવા લાગ્યો હતો. જહાલો વચ્ચે મવાળ અને મવાળો વચ્ચે જહાલ ગાંધી એક જમાતજુદેરી શખ્સિયત હતા અને 1920-21 આવતે આવતે એમણે સૌને લગભગ એકસૂત્ર કર્યા. બંગભંગ રોકી શકાયાથી હિંદુ બંગાળ રાજી હતું. જો કે, બંગાળની મુસ્લિમ બહુમતીના મુદ્દે એને અસુખ પણ હતું. રાજધાની કલકત્તેથી દિલ્હી ગઈ, કંપનીબહાદુરના ઓછાયામાંથી મુઘલિયા માહોલમાં ગઈ તેનો પણ એમાં ફાળો હશે.
કાઁગ્રેસના વીસમી સદીના પહેલા ચાર દાયકાની તવારીખ પર આ સરસરી નજરથી જે સમજાય છે તે એ કે એમાં ક્યારેક ગજવાની સ્થિતિસ્થાપકતા હોઈ શકતી હતી. 1961ના ભાવનગર અધિવેશનના કેટલાક પ્રશ્ન કે કાઁગ્રેસના ભાગલા વખતે અમદાવાદ-ગાંધીનગરમાં નિજલિંગપ્પાની અધ્યક્ષતામાં મળેલ સંસ્થા કાઁગ્રેસનું વિરાટ અધિવેશન સામે આવે અને એક નવ પડકારનો દોર શરૂ થાય તે આપણે 1975-77માં જોયું છે. પ્રશ્ન એ છે, કાઁગ્રેસ એની સર્વસમાવેશી તાસીર ખીલવી ભા.જ.પ.ને નમાવી શકે છે, જેમાં ઈન્દુલાલ સામેથી સાથે આવી શકે. થોભો અને રાહ જુઓ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઍપ્રિલ 2025