Opinion Magazine
Number of visits: 9449065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિલ ડ્યુરાં : અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 November 2024

પુસ્તક નિર્દેશ  

અસાધારણ ગ્રંથરાશિ રચનારા ઇતિહાસકાર અને તત્ત્વવેત્તા વિલ ડ્યુરાં(Will Durant)નો આજે જન્મ દિવસ છે.                         

એંશી વર્ષ પાર કરી ચૂકેલા સક્રિય સાહિત્ય રસિક  ઑટોમોબાઇલ એન્જિનિયર નિરંજન શાહનું વિલ ડ્યુરાં (5 નવેમ્બર 1885 – 7 નવેમ્બર 1981) પરનું પુસ્તક ગુજરાતીમાં થયેલું એક ખૂબ મૂલ્યવાન કામ છે. 

‘વિચારવલોણું’ની વિચારસમૃદ્ધ પ્રકાશનશ્રેણી હેઠળ બાસઠ પાનાનું આ પુસ્તક ઑક્ટોબર 2021માં પ્રસિદ્ધ થયું છે, અને સંભવત: અત્યાર સુધી તે એકમાત્ર છે. 

નિરંજનભાઈને ડ્યુરાં વિશે લખવાની પ્રેરણા આ જ્ઞાનસાધકના The Pleasures of Philosophyના વાચનથી થઈ. તેઓ લખે છે : ‘ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારથી માંડીને આજ સુધી વખતોવખત એનો વાચન ઉપરાંત કેટલા ય લેખો લખવા માટે, કેટલા ય વિષયોની ચર્ચામાં વિષયોની વધુ સમજ  કેળવવા માટે, વ્યક્તિગત જીવન તેમ જ વૈશ્વિક પ્રવાહોનું આપણા સ્તરેથી ઉપયોગ કર્યો છે. પુસ્તકના સંમોહનમાંથી હજુ છૂટી શકાયું નથી.’ 

વિલ ડ્યુરાંનું નામ The Story of Civilization નામની ગ્રંથશ્રેણીનો પર્યાય છે. વિશ્વનો આ ઇતિહાસ ડ્યુરાંએ ‘ભગવદ્દગોમંડલ’ના કદના અગિયાર ખંડોમાં લખ્યો જે 1934થી લઈને ચાર દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયો છે. દરેક ખંડ એક હજાર જેટલા પાનાંનો છે. સાતમા ખંડથી સહલેખક તરીકે વિલનાં પત્ની એરિયલ (મે 1898 – 25 નવેમ્બર 1981) છે. 

એરિયલ બે સંતાનોનાં માતા હોવાં ઉપરાંત વિલના સચિવ, સંશોધન સહાયક અને સહલેખક પણ હતાં. ગત કાળના સંશોધન માટે એરિયલ અને વિલે ભારત સહિત દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. 

તેમનો જીવનપ્રવાસ પણ દુનિયાની દૃષ્ટાન્તરૂપ દામ્પત્યકથાઓમાં સ્થાન પામે છે. એરિયલે સવા ચારસો પાનાંમાં લખેલી આત્મકથાનું નામ પણ A Dual Autobiography (1978) છે.

વિલને આખરી માંદગીમાં હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરિયલે ખાવાનું છોડી દીધું અને જીવનસાથીના અગિયાર જ દિવસ પહેલાં દેહ છોડ્યો. 

વિલ-એરિયલ વિશે કૉલેજના પહેલાં વર્ષમાં કોઈક મરાઠી લખાણમાં પહેલવહેલું વાંચ્યું. પછી વિલનું ખૂબ જાણીતું પુસ્તક The Pleasures of Philosophy જોવા મળ્યું. 

ત્યાર બાદ ઘણું કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ(જેમાં ભણ્યો)ની લાઇબ્રેરીમાં Civilizationના ખંડો જોવા મળ્યા. સાત-આઠ વર્ષ પહેલાં આદરણીય જયંત મેઘાણીએ આખી ગ્રંથશ્રેણી અમૂલ્ય ભેટ તરીકે આપી છે. 

આ ગ્રંથો વાંચવાની ક્ષમતા તો મારી પાસે ભાગ્યે જ છે. પણ તેના રચનારા વિશે જાણવાનું કુતૂહલ હંમેશાં રહ્યું છે. ઇન્ટરનેટ પહેલાંના જમાનામાં પણ મારા કોઈ વિશેષ પ્રયત્નો ન હતા. જીવનચરિત્ર લખાયું નથી એટલું જાણવા મળ્યું. પછી ઘણાં વર્ષે એક ગ્રંથાલયમાંથી Dual Autobiography મળી, અધૂરીપધૂરી વંચાઈ, જે પૂરી કરવી રહી. 

ત્યાર બાદ ઘણાં વર્ષે અચાનક નિરંજન શાહની પુસ્તિકા વિશે ઘણું કરીને ‘ભૂમિપુત્ર’માં રજનીભાઈ દવેના પુસ્તક-નોંધોના વિભાગમાં વાંચવા મળ્યું. તેના થોડા સમય બાદ મુનિભાઈ દવેના ઘરે જઈને આ પુસ્તક મેળવી લાવ્યો ત્યારે ખૂબ આનંદ થયો.

‘વિલ ડ્યુરાં: અનોખું દામ્પત્ય, અનોખું જીવન, અનોખું ચિંતન’ પુસ્તિકા નિરંજન શાહે ‘સંક્ષિપ્ત પરિચય’ તરીકે લખી છે. એમાં એમના જીવન વિશેની માહિતીનો રસપ્રદ સ્રોત ડ્યુરાંનું પોતાનું Transition (1927) નામનું 352 પાનાંનુ પુસ્તક છે. લેખકે પેટાશીર્ષકમાં તેને A Mental Autobiography ગણાવ્યું છે. તેમાં તેમના જીવનના પહેલાં ચાળીસ વર્ષનો આલેખ નવલકથાના આછાં આવરણ હેઠળ મળે છે. તેનો સાર નિરંજનભાઈએ અઢાર પાનાંમાં આપ્યો છે. 

પુસ્તકના બીજા હિસ્સામાં તેમણે વિલના ‘ઊંડાણભર્યા ચિંતનના નમૂનારૂપે’ The Plesures of Philosphy ના ‘બે અગત્યના પ્રકરણનો સારાનુવાદ’ મૂક્યો છે. 

ડ્યુરાંના ચોવીસ પ્રકરણોમાંથી Reconstruction of Charater નામનું સત્તર પાનાનું બારમું  પ્રકરણ ‘ચારિત્ર્યનું પુન:નિર્માણ’ નામે ચોવીસેક પાનાંમાં આવે છે. About Childhood : A Confession નામનું ચૌદેક પાનાંનું અગિયારમું પ્રકરણ ‘બાળકો વિશે – એક કબૂલાત’ તરીકે લગભગ તેટલાં જ પાનાંમાં મળે છે. 

નિરંજનભાઈએ સારલેખન મહેનત અને સમજથી કર્યું છે. એનો એક દાખલો Elements of Characters મથાળું ધરાવતાં કોષ્ટકમાં તેમણે યોજેલા ગુજરાતી શબ્દો છે. જેમ કે, વૃત્તિઓ (instincts), પલાયન (flight), પરિગ્રહ (acquisition), જાતીય સંકોચ (blushing), બાળસંભાળ (parental care) વાત્સલ્ય (parental love).

આ પ્રકરણમાં દરેક વૃત્તિ સાથે જોડાયેલી લાગણી વિશેનો એક ફકરો છે, જેને નિરંજનભાઈએ એ જ સ્વરૂપે ગુજરાતીમાં મૂકવાને બદલે કોષ્ટક તરીકે મૂકીને વધુ વાચનીય બનાવ્યો છે. ધોરણસરના સંક્ષેપના આવા દાખલા અગિયારમાં પ્રકરણમાંથી પણ આપી શકાય. 

અલબત્ત, નીવડેલા સંપાદક ગદ્યને વધુ વાચનીય બનાવી શકે. જો કે, દેખિતી રીતે ટેક્નોલોજિ જેમનું વ્યવસાયક્ષેત્ર છે તેવા નિરંજનભાઈની આવા પડકારરૂપ કામ માટેની રુચિ અને તેની પાછળનો તેમનો વ્યાસંગ આદરપાત્ર છે. 

ડ્યુરાંનાં છવ્વીસ પુસ્તકોની યાદી પણ અહીં મળે છે. પહેલાં પરિશિષ્ટ તરીકે વિલ ડ્યુરાંના નેવુંમા જન્મદિને ‘ધ ન્યુયૉર્ક ટાઇમ્સે’ આ જ્ઞાનવૃદ્ધ ઉમા-મહેશ્વરની રૂબરૂ મુલાકાતને આધારે પ્રસિદ્ધ કરેલો  લેખ ગુજરાતીમાં રજૂ થયો છે. 

બીજું પરિશિષ્ટ વધુ મહત્ત્વનું છે. તેનું મથાળું છે ‘The Case for Indiaનું પૂરોવચન : લેખકના શબ્દોમાં’. ડ્યુરાંનું The Case for India નામનું પુસ્તક 1932માં તેમણે ઇતિહાસલેખન માટેના સ્વાધ્યાયના ભાગ રૂપે ભારતની જે મુલાકાત લીધી તેને આધારે લખાયું. 

ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ પ્રવાસમાં બારેક શહેરો અને કેટલાક પ્રદેશોની દૃશ્યાવલિઓએ ડ્યુરાંને સમજાયું કે બ્રિટિશ શાસકોએ ભારતને અત્યંત દારૂણ હાલતમાં ધકેલ્યો છે. 

આઘાતથી હચમચી ઊઠેલા ડ્યુરાંએ અંગ્રેજોએ કરેલી ભારતની દુર્દશા વિરુદ્ધ અને લોકશાહી સ્વાતંત્ર્ય માટેની તેની જરૂરિયાતની તરફેણમાં પોતાની વાત દુનિયામાં સમક્ષ મૂકવા માટે The Case for India નામનું દોઢસો પાનાનું પુસ્તક લખ્યું. 

તેના માટે તેમણે ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને તેનાં સામજિક આર્થિક પાસાંનો અભ્યાસ કર્યો. તે  પુસ્તકમાં કરવામાં  વિષયના  વિવરણ  ઉપરાંત તેની સંખ્યાબંધ વિસ્તૃત નોંધોમાં પણ મળે છે. 

આ પુસ્તક મહેન્દ્ર ચોટલિયા ‘એક  મુકદ્દમો : ભારતની તરફેણમાં’ નામે આપણે ત્યાં લાવ્યા છે. તેનું પ્રકાશન ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘે (અમૂલ-GMFF) 2008માં કર્યું છે. અનુવાદકને ધન્યવાદ આપવાની સાથે આ પુસ્તક વિશે પણ ક્યારેક લખવાનું મનમાં રાખ્યું છે. 

જ્ઞાનની દુનિયાના એક શિખર સમા ડ્યુરાં દંપતીનો વાચનીય પરિચય આપતું પુસ્તક ગુજરાતી ભાષાને આપવા બદલ નિરંજન શાહને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.         

[આભાર : મુનિ દવે]

5 નવેમ્બર 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 November 2024 Vipool Kalyani
← અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન
સત્તાનો કબજો અને રાજ્યનો કબજો એ બંને અલગ છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved