Opinion Magazine
Number of visits: 9449591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીના આર્થિક સિદ્ધાંતો વિષે ઈ.એફ. શુમાકરનું મંતવ્ય 

લેખક : સુરૂર હોડા [અનુવાદક: આશા બૂચ]|Gandhiana|25 September 2024

સુરૂર હોડા

(સુરૂર હોડા (05 May 1928 – 02 June 2003) ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના (International Transport Workers’ Federation (ITWF)) નાગરિક ઉડ્ડયન વિભાગના આંતરરાષ્ટ્રીય મંત્રી હતા. તેઓ લંડન સ્થિત ઇન્ડિયા ડેવલપમેન્ટ ગ્રુપના મુખ્ય સંચાલક પણ હતા. લોકશાહી સમાજવાદી હોવાને કારણે તેમણે લંડનમાં 1960માં ઇન્ડિયા સોશિયાલિસ્ટ ગ્રુપની સ્થાપના કરી અને સોશિયાલિસ્ટ ઈન્ટરનેશનલના સક્રિય સભ્ય પણ રહ્યા હતા. 1980ના દાયકામાં તેમણે ગાંધી ફાઉન્ડેશન લંડનની પણ શરૂઆત કરી. હેતુ હતો, ગાંધીના વિચારોની જાણકારીને પ્રોત્સાહન આપવાનો, તેમ જ તેનો હિંસા, સામાજિક અન્યાય, પર્યાવરણનો નાશ અને જાતિ આધારિત તેમ જ સાંસ્કૃતિક સંઘર્ષો સાથે અનુબંધ  જોડવાનો.) 

“તારીખ 1 એપ્રિલ 2016ના રોજ સત્યાગ્રહ ફોઉંડેશનની વેબસાઈટ https://www.satyagrahafoundation.org પર સુરુર હોડાના Economic Theory વિભાગમાં પ્રકાશિત થયેલ આ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

આઝાદી મળ્યા બાદ સાત દાયકા દરમિયાન સાધેલા ‘વિકાસ’ બાદ ભારતની સામાજિક, આધ્યાત્મિક અને નૈતિક પરિસ્થિતિ જે હાલતમાંથી પસાર થઇ રહી છે તેની પાછળ દેશની આર્થિક નીતિ કેટલે અંશે જવાબદાર હોઈ શકે એ સમજવા માટે ગાંધીજીના આર્થિક સિદ્ધાંત વિશેના શુમાકરના મંતવ્યો જાણવા ઉપયોગી થઈ પડે એમ માનું છું. સ્વ. સુરૂર હોડાની કલમે એ વિચારોને સુપાચ્ય બનાવ્યા છે.”

— આશા બૂચ 

•••

સુરૂર હોડા – ગાંધીજીની પ્રતિમા પાસે ટાવીસ્ટોક સ્કવેર, લંડન WC1H 9EZ

ગાંધીજીની ગ્રામ સ્વરાજ્યની વિભાવના સ્વાયત્ત, છતાં પરસ્પર આધારિત વિકેન્દ્રિત અને નાના પાયાના આર્થિક માળખા સાથેની ગ્રામ્ય સ્તરની પ્રજાની ભાગીદારીવાળી લોકસત્તાની હતી. તેમના આ વિચારને કારણે તેઓ ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસમાં અને તેની બહાર રહીને જે લોકો ભારતને આધુનિક ઔદ્યોગિક રાષ્ટ્ર બનાવવા ઇચ્છતા હતા તેમની સાથે સામેના પલ્લામાં મુકાઈ ગયા. ગાંધીના મતે રાજકીય સ્વતંત્રતા તો માત્ર સાત લાખ ગામડાંઓ માટે સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા મેળવવા માટેનું પ્રથમ ચરણ હતું. તેમણે કહેલું, “જો ગામડાં નાશ પામશે તો ભારત નાશ પામશે.” પરંતુ મોટા ભાગના સૈદ્ધાંતિક તાલીમ પામેલા શિક્ષિત અને આધુનિક અર્થશાસ્ત્રીઓએ એ દૃષ્ટિકોણને પ્રતિગામી ગણાવ્યું. કેટલાક અંતિમ મંતવ્યો ધરાવનારાઓએ તેને ‘પ્રતિક્રિયાત્મક’ અથવા ‘પ્રતિક્રાંતિકારી’ માન્યું અને ગાંધી ઘડિયાળનો કાંટો ઊંધો ચલાવવા માગે છે તેવો આરોપ મુકેલો.

અર્નસ્ટ એફ. શુમાકર

જેઓ ગાંધીજીનો આદર કરતા હતા તેઓએ રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવાની કુશળતાને કારણે તેમનું રાજકીય નેતૃત્વ સ્વીકારવાની કિંમત પેટે તેમના આર્થિક દૃષ્ટિકોણને નામરજી હોવા છતાં સહન કરી લીધા હતા. તેઓ સર્વે મોટા પાયાના શહેર કેન્દ્રિત ઔદ્યોગિકરણ અને જથ્થાબંધ ઉત્પાદનના વિચારથી આકર્ષિત થઇ ગયા હતા. તેઓ ગાંધીજીની અર્થકારણની  સૂક્ષ્મદૃષ્ટિ સમજવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીકા કરતાં કહેવા લાગ્યા કે “ગાંધીનું રાષ્ટ્રપિતા તરીકે ગમે તેટલું મૂલ્ય આંકીએ, પરંતુ તેઓ અર્થકારણ વિશે કશું જાણતા નથી.”

આમ છતાં જર્મનીમાં જન્મેલા અર્થશાસ્ત્રી ઈ.એફ. શુમાકર ગાંધીની હત્યાને પા સદી વીત્યા બાદ ગાંધીઅન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ – વારાણસી ખાતે ઈ.સ. 1973માં ગાંધી મેમોરિયલ લેક્ચર આપતાં ગાંધીને ‘સૌથી મહાન પ્રજાના અર્થશાસ્ત્રી’ તરીકે વર્ણવે છે. પ્રવચનના પ્રારંભમાં તેમણે આ કિસ્સો કહી સંભળાવેલો : જર્મનીના પ્રખ્યાત સંગીતજ્ઞને તમે કોને સહુથી વધુ મહાન સંગીત રચનાકાર ગણો છો તેમ પૂછવામાં આવ્યું. તેમનો જવાબ હતો, “બિથોવન, એમાં સવાલ જ નથી,” પછી તેમને પૂછવામાં આવ્યું, “તમે મોત્ઝાર્ટની તેમાં ગણતરી ન કરો?” તેમણે ઉત્તર આપતાં કહ્યું, “માફ કરજો. મેં ધાર્યું કે તમે તેમના સિવાય બીજાનો ઉલ્લેખ કરવા માંગતા હતા.” આ વાતની સરખામણી કરતાં શુમાકરે કહ્યું, ‘સહુથી મહાન અર્થશાસ્ત્રી કોણ છે? એમ મને પૂછવામાં આવે તો “કેન્સ (Keynes) બેશક” એવો જ જવાબ મળે, અને તરત પૂછવામાં આવે કે “તમે ગાંધીની ગણતરી ન કરો?” તો મારો  ઉત્તર હશે, “માફ કરો, તમે તેમના સિવાય બીજા મહાન અર્થશાસ્ત્રી છે કે નહીં તેમ પૂછવા માંગો છો એમ હું સમજ્યો.”

શુમાકરનું અત્યંત પ્રભાવક પુસ્તક ‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ:  સ્ટડી ઓફ ઇકોનોમિક્સ એઝ ઇફ પીપલ મેટર્ડ’ છે.

એ પુસ્તકમાં તેઓ ગાંધીને ‘પ્રજાના અર્થશાસ્ત્રી’ ગણાવે છે, જેનો સિદ્ધાંત અધ્યાત્મ સાથે વધુ સુસંગત છે. શુમાકર “ગાંધીએ જાણે પ્રજાનું કોઈ મહત્ત્વ નથી એવું વલણ ધરાવતા અર્થશાસ્ત્રનો ઇનકાર કર્યો હતો.” ગાંધી આખા સમાજની નાડ બરાબર પારખતા હતા, તેથી જ્યારે કોઈ તેમને કહેતું કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત ન સમજે તેવા ધર્મનો કોઈ અર્થ નથી, તો ગાંધી સામે દલીલ કરતા કે જે અર્થશાસ્ત્ર નૈતિકતા અને ગરીબાઈને નજર અંદાજ કરે તેનો કોઈ મતલબ નથી. આથી શુમાકરે ગાંધીના અર્થશાસ્ત્રનું પ્રજાના અર્થશાસ્ત્ર તરીકે અર્થઘટન કર્યું અને સાધન-સંપત્તિ આધારિત અર્થશાસ્ત્ર કે જે ભૌતિક અર્થકારણીય વિચારધારા ધરાવે છે તેનો પ્રજા કેન્દ્રિત અર્થશાસ્ત્ર વચ્ચેનો ભેદ સમજાવ્યો.

શુમાકરે વધુ વિગતવાર સમજાવતાં જણાવ્યું કે ભૌતિક સાધન-સંપત્તિ પર આધારિત અર્થકારણને માત્ર વિકસિત ટેકનોલોજી, વૈજ્ઞાનિક માહિતી અને આધુનિક ઉપકરણોની મદદથી પુરવઠો વધારવા સાથે જ નિસબત હોય છે. આ વિચારધારાને મધ્ય નજર રાખનારા માને છે કે ઉદ્યોગો મોટા પાયાના જ હોવા જોઈએ, અત્યાધુનિક હોવા જોઈએ, ખૂબ મૂડીરોકાણ ધરાવતા અને મજૂરી બચાવનારા હોવા જોઈએ, અને તે પણ સંપૂર્ણ સ્વયંસંચાલિત સાધનોના ઉપયોગની વડે ચાલતા હોવા જોઈએ. ‘માલ’ પેદા કરવાની નીતિના  દૃષ્ટિકોણથી જોતાં કામદારો જથ્થાબંધ માલ પેદા કરવા માટે આદર્શ મજૂરવર્ગ નથી કેમ કે એ લોકો ભૂલ કરી શકે, વધારામાં તેઓ ઢીલ કરવાની આદત ધરાવનાર, સામે દલીલ કરવાની શક્તિ ધરાવનાર અને ટ્રેડ યુનિયનમાં જોડાઈને હક માગી શકે તેવા હોય છે. આથી માનવીનું ઘટક બાદ કરી નાખવું એ જ આદર્શ છે.

જો કે ગાંધીની વિચારધારા મુજબ જો અર્થશાસ્ત્રના વિકાસનો સ્રોત પ્રજા હોય તો આપણે જરૂરિયાતમંદ લોકો પર ધ્યાન આપવું જોઈએ અને એ લોકો શા માટે ગરીબ છે તે પૂછવું જોઈએ. એ લોકોની ઉત્પાદન કરવાની શક્તિ શૂન્યવત છે માટે તેઓ ગરીબ છે? અને જો એમ હોય તો એને કઈ રીતે ઊંચી લાવી શકાય? બેરોજગારીનું નિવારણ કરવું એ સહુથી વધુ મહત્ત્વનું હતું. શુમાકર માનતા હતા કે વિકાસ પામતા દેશોની વ્યાકુળ કરી મૂકે તેવી હકીકત એ છે કે લાખો અને કરોડો લોકો બેકાર હોય છે અથવા નજીવી આવક પર ગુજારો કરતા હોય છે. આ લોકો પોતાની જાતને મદદ કરી શકે તે માટે તેમને કેવા પ્રકારની સહાય આપી શકાય? આ મુદ્દાને લક્ષમાં લઈને ગાંધીએ ‘જથ્થાબંધ ઉત્પાદન’ને સ્થાને ‘મોટા જન સમૂહ દ્વારા થતું ઉત્પાદન’ કરવાની હાકલ કરી. બેરોજગારીના રોગને નાબૂદ કરવા માટે ઔષધિ અને ઉપચાર બતાવતાં રાષ્ટ્રને સંબોધન કરતી વેળા તેમણે કહ્યું, “ભારતની મુક્તિ તેના ગામડાં અને તેમાં વસતા નિર્ધન લોકોની મુક્તિ વિના અશક્ય છે.”

ગાંધીનો આર્થિક સમસ્યાઓ માટે ઔષધ નિર્દેશ :

શુમાકરને પૂછવામાં આવ્યું કે ગાંધી આજે હયાત હોત તો આઝાદી મળ્યા બાદ ત્રણ દાયકામાં ભારતની સાંપ્રત પરિસ્થિતિ વિશે તેમનું શું મંતવ્ય હોત? શુમાકરે કહ્યું કે ભારતમાં ધનવાન અને અતિ ધનવાન લોકોની સંખ્યામાં વધારો થયો છે, સાથે સાથે અત્યંત નિર્ધન લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. ભારતની આ પરિસ્થિતિ સમગ્ર દુનિયાની હાલતનું પ્રતિબિંબ છે અને ગાંધી એને આપણી સરાસર નિષ્ફળતા ગણાવતા હોત એ નિઃશંક છે.

શુમાકરે શ્રોતાઓ સમક્ષ સવાલ એ મુક્યો કે, “લાખો બેકાર અને અર્ધ બેકાર લોકોને ગરીબીમાંથી છુટકારો મેળવવા માટે તેઓ પોતાની જાતને જ સહાયભૂત થઇ શકે એવી યોજના ઘડવાનું કેમ સંભવ ન બન્યું?” તેમણે વધુમાં કહ્યું કે તેનો ઉત્તર એ છે કે માલના ઉત્પાદનને કેન્દ્રમાં રાખીને ઊભી કરાયેલી અર્થવ્યવસ્થા રોજગાર પૂરો પાડવા માટે રચનાત્મક વ્યવસ્થા પૂરી પાડી શકે એ શક્ય નહોતું એ હકીકત આ આર્થિક સમસ્યાના મૂળમાં છે. ગાંધીને આ માળખું સમજવામાં મુશ્કેલી નડી હોત. શુમાકરે આગાહી કરી કે આઝાદી હાંસલ કરી ત્યારે ભારતે વિકાસનો પશ્ચિમી દેશોના પ્રગતિના માળખાને અનુસરવાનો જે રાહ અપનાવ્યો છે તે, જો આગામી 25 વર્ષ દરમિયાન ચાલુ રહેશે તો ગરીબ પ્રજાનું ભાવિ માત્ર ધૂંધળું જ નહીં, અત્યંત નિરાશાજનક સ્થિતિમાં પરિણમશે. (શુમાકરની આગાહી આજે તદ્દન સાચી પડી એ કેવી કરુણતા!)

પશ્ચિમનો ઉલ્લેખ કરતા શુમાકરે કહેલું, “હવે એ હકીકત સર્વમાન્ય બની ગઈ છે કે હાલના પ્રસ્થાપિત માળખાને આધારે કરવામાં આવતા વિકાસને એક મર્યાદા છે, તેથી બધા ઈચ્છે તો પણ છેલ્લાં 25 વર્ષમાં પ્રગતિ કરવાની રીત ઘડી કાઢી છે તે યથાવત ચાલુ નહીં રાખી શકાય એવી પૂરેપૂરી સંભાવના છે. એવા વિકાસ માટે આવશ્યક ભૌતિક સંસાધનો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે જ નહીં, અને આપણી આસપાસની પ્રાકૃતિક સંપત્તિ આ ભાર સહન કરી શકે તેમ જ નથી. ગાંધી આ હકીકત જાણતા હતા અને સમૃદ્ધ દેશો હવે આનાકાની કરતા કરતા પણ સ્વીકારવા માંડ્યા છે કે એ લોકોની સમૃદ્ધિ પૃથ્વીને સંપદા વિહોણી કરી દેવા પર આધારિત છે. પૃથ્વીની 5.6% જનસંખ્યા ધરાવતો દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દુનિયાના 40% સ્રોતનો વપરાશ કરે છે, મોટા ભાગના ફરીથી વાપરી ન શકાય તેવા હોય છે. આવી જીવન પદ્ધતિ આખી દુનિયામાં પ્રસરાવી ન શકાય. વાસ્તવમાં હવે ભાન થયું છે કે આ દુનિયાને અમેરિકા પોસાય તેમ નથી, માત્ર અમેરિકા જ નહીં, યુરોપ, વત્તા જાપાન અને વત્તા બીજા અતિ ઔદ્યોગિકરણ સાધેલા દેશો પણ દુનિયાને પોસાય તેમ નથી. પૃથ્વી રૂપી અવકાશ યાન વિશે આપણને પૂરતી જાણકારી નથી કે જેથી આપણને ખ્યાલ આવે કે તેના પ્રથમ વર્ગના ઉતારુઓ એવી માગણીઓ કરે છે કે જે સતત પૂર્ણ કરવી એ અવકાશયાનનો નાશ કર્યા વિના શક્ય નથી.

શુમાકરે ભારત અને ખરું જોતા સારાયે વિશ્વના ઉદ્ધાર માટે કેટલીક ઔષધિઓનો નિર્દેશ આપ્યો હતો જેનો સાર નીચે મુજબ છે :

  • તમામ અર્થકારણીય વિચારણા જનતાની મૂળભૂત જરૂરિયાતોના પાયા પર શરૂ કરો અને નિર્ધન લોકો ગરીબીમાંથી છુટકારો મેળવવા તેઓ પોતાની જાતે જ પોતાના સમૂહને સહાય કરતા થાય તે માટે મદદ કરો.
  • માત્ર ખેત ઉદ્યોગ જ નહીં પરંતુ ખેતી ઉપરાંત તમામ ઉત્પાદક ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ઉદ્યોગો, જેવા કે કુંભાર, વણકર, ચમાર, સુથાર અને વણકરના વ્યવસાયોને  પુનર્જીવિત કરીને તેનું સંવર્ધન કરો.
  • ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં સ્થળાંતરિત થતા લોકોની સંખ્યા પર રોક લગાવીને મોટા શહેરોમાં કેન્દ્રિત થતી જનસંખ્યા અટકાવો.
  • ઉત્પાદન માટે અનિવાર્ય એવા સ્રોત – જેમાં માનવ સ્રોત સહુથી મોટું પરિબળ છે – તેને અંગે પ્રાપ્ત માહિતીને આધારે એક પદ્ધતિસરની નીતિ ઘડી કાઢો.

શુમાકરના મતે ઉપરોક્ત દર્શાવેલ ઔષધનિર્દેશને અનુસરવાથી જ ભારત જેવા વિકાસ પામતા દેશો લાખો લોકોને ખોરાક, વસ્ત્ર, આવાસ અને જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાની આશા પૂરી પાડી શકે.

તેમણે ગાંધી વિચારધારા મુજબના આર્થિક સિદ્ધાંતોના પાંચ મૂળભૂત આધાર સ્તંભ દર્શાવ્યા :

  1. અહિંસક
  2. સાદગીને વરેલ
  3. નાના પાયા પર રચાયેલ
  4. મૂડી બચાવનાર
  5. ગ્રામ આધારિત (સ્વ નિર્ભર અને રોજગાર કેન્દ્રિત)

શુમાકરે એ દરેક સિદ્ધાંતને એક પછી એક સૂક્ષ્મ રીતે સમજાવ્યા હતા.

અહિંસક આર્થિક પ્રણાલી : 

આધુનિક જગત જે કઠણાઈઓમાંથી પસાર થઇ રહ્યું છે અને પર્યાવરણીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા શુમાકરે કહ્યું કે કેટલાક લોકોને આ આપત્તિ અને આઘાતજનક પરિસ્થિતિ આશ્ચર્યજનક લાગે છે અને અચાનક આવી પડી હોય તેમ લાગે છે. તથાપિ ગાંધી, કે જેમણે આધુનિક શહેરીકરણ આધારિત ઔદ્યોગિક સભ્યતાને શોષણ યુક્ત અને હિંસક પદ્ધતિ તરીકે પિછાની હતી તેમને આ બાબતની જરા પણ નવાઈ ન લાગી હોત. ગાંધીને આ તારણ સુધી પહોંચવા માટે કોઈ કમ્પ્યુટરની જરૂર નહોતી પડી. પોતાની સામાન્ય સમજણે તેમને કહ્યું હતું કે પશ્ચિમી ઢબનું ઔદ્યોગિકરણ મૂળે હિંસક છે અને એ કોઈ રીતે સમગ્ર માનવજાત માટે ઉપયોગમાં લાવી શકાય તેમ નથી. ‘એ આખી દુનિયાના સ્રોતને તીડનાં ટોળાંની માફક સફાચટ કરી નાખશે.’ ગાંધીએ આ કહેલું અને ચેતવ્યા પણ હતા કે : ‘ભારત માટે આવા ઔદ્યોગિકરણને સ્વીકારવું એ વિનાશને નોતરવા સમાન છે.’

ગાંધીને ઔદ્યોગિક સભ્યતા સામે સખ્ત નારાજગી હતી કેમ કે એ ફરીને ઉપયોગમાં લઇ ન શકાય તેવા સ્રોતના નિર્દયી શોષણ પર આધારિત છે. એ સભ્યતાએ શારીરિક અને ભૌતિક સુખને જ જીવનનું અંતિમ ધ્યેય બનાવી દીધું, જે માનવીને એક હોશિયાર પ્રાણી સિવાય વધુ કશું બનાવી ન શકે. ભારતીય સભ્યતા અને તત્ત્વજ્ઞાનની તાસીર એ હતી કે એ માનવીને જેવો હોય તેનાથી ઉત્તરોત્તર સારો બનાવે; ભારત વિકાસનો અલગ માર્ગ અપનાવે તેવું ગાંધી ચાહતા હતા. આજે લોકો, ખાસ કરીને યુવાન લોકો, ધનિક અને ગરીબ દેશોમાં પણ માત્ર આ બાબતનો જ ખ્યાલ કરે છે : અલગ પ્રકારનો વિકાસ, જુદા પ્રકારનો સમાજ, એક વિશિષ્ટ જીવન પદ્ધતિ.

ગાંધીજીના અહિંસાના ખ્યાલને સમજાવવા તેનો વ્યાપ વધારતા શુમાકર આધુનિક જીવન પદ્ધતિ માનવીની માનવી પ્રત્યેની જ હિંસા માત્ર નહીં, પરંતુ માનવીની તેની આસપાસ અસ્તિત્વ ધરાવતી તમામ જીવસૃષ્ટિ અને ધરતીના માર્યાદિત તથા સીમિત કુદરતી સ્રોત પ્રત્યે આચરવામાં આવતી હિંસાનો પણ સમાવેશ કરે છે એ હકીકત તરફ આપણું ધ્યાન ખેંચે છે. ખેતી વિષયક થતા સંશોધનોનો જ દાખલો આપતા શુમાકર કહે છે, એ તમામ સંશોધનો હિંસા પર આધારિત હતા : જંતુનાશક દવાઓ, ન જોઈતી વનસ્પતિઓ તેમ જ  ફૂગ વિનાશક દૃવ્ય, રાસાયણિક ખાતર અને વનસ્પતિઓ તેમ જ પ્રણીઓની કૃત્રિમ પેદાશ એ બધામાં હિંસા છુપાયેલી છે. પરિણામે પ્રકૃતિની નાજુક છતાં અસાધારણ કાર્યક્ષમ પદ્ધતિ સાથે કાળજીપૂર્વક તાલ મેળવીને કામ કરવાને બદલે આધુનિક કૃષિ વિદ્યા જાણે કુદરત સામે મોટી લડાઈનું સ્વરૂપ લઇ બેઠી છે. જીવવિજ્ઞાનના નિયમોના ચુસ્ત પાલન પાર આધારિત સજીવ ખેતી કરવી, સજીવ પદાર્થોને પદ્ધતિસર પુનઃ વપરાશમાં લેવા, વિકેન્દ્રિત ઉત્પાદન વ્યવસ્થા અપનાવવી, વિવિધ પાક લેવા અને ઉત્તમ પ્રકારની કૃષિ વિકસાવવાના કાર્યને કોઈ પ્રકારનો ટેકો કે ધ્યાન આપવામાં નહોતું આવતું. અને છતાં સસ્તી અને ફરીને ઉપયોગમાં લઇ ન શકાય તેવા ખનીજ તેલ જેવા પદાર્થો પર આધારિત કૃષિ પદ્ધતિ ભવિષ્યમાં ટકી શકવાની નથી એ વિષે કોઈ અસહમતી ન હોઈ શકે. પરંતુ શહેરમાં વસતા લોકો દ્વારા જ મોટે ભાગે જેનો અમલ થતો હોય તેવી સભ્યતા આવી પાયાની બાબતને વિસરી જાય એ ભય હંમેશાં રહેતો જ હોય છે.

શુમાકરે કહેલું, “જે હકીકત કૃષિ ક્ષેત્ર માટે સાચી છે, તે જ હકીકત બીજા ઉદ્યોગો અને જીવનના અન્ય પાસાંઓ માટે પણ એટલી જ લાગુ પડે છે. આધુનિક જગતની ત્રિ-પરિમાણીય કટોકટીનો હલ શોધવા માટે આપણે હજુ પણ વિકાસ પામતી અહિંસક પદ્ધતિની પૂર્ણતા તરફ ધ્યાન આપવું જોઈએ. એ ત્રણ કટોકટી છે : સંસાધનોની કમી, જીવસૃષ્ટિ અને પર્યાવરણ અંગેની કટોકટી અને માનવીની એકબીજા પ્રત્યે ઊભી થયેલી જુદાઈ તેમ જ આત્મવિસ્મૃતિની પરિસ્થિતિ. સત્ય અને અહિંસાની વિભાવનામાંથી પ્રેરણા મેળવીને જે રીતે ગાંધીએ કાર્ય કર્યું હતું એ કાર્ય પદ્ધતિની અહીં જરૂર છે.”

2. સાદગીને વરેલ આર્થિક પ્રણાલી : 

સાદી જીવન પ્રણાલી એ ગાંધીનું વિશેષ લક્ષણ હતું. મૃત્યુ સમયે તેમની મૂડીમાં માત્ર ચાખડી, એક ખિસ્સા ઘડિયાળ, ચશ્માં અને બે ધોતી હતા. ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ એ મુદ્રાલેખને અનુસરીને જીવનના મોટા ભાગના વર્ષોમાં તેમણે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી. ગાંધીના વિચારોને ટાંકતા શુમાકર કહે છે કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો ખૂબ જ સાદી હોય છે, અને તેથી  સુપર સોનિક પ્રવાસના સાધનો જેવી ક્ષુદ્ર અને બેહદ ખર્ચાળ સગવડતાઓ જરૂર જટિલ હોવાની. એવી જટિલ જીવન પદ્ધતિ વિકાસ નહીં પણ નિષ્ફળતાની નિશાની તરીકે જોવી જોઈએ. તેને પરિણામે અત્યંત વિશિષ્ટ કુશળતાનું હોવું આવશ્યક બન્યું જેથી માણસ ‘ખંડિત’ થતો ગયો, એટલો બધો વિશેષજ્ઞ થતો ગયો કે ડહાપણ મેળવવા શક્તિમાન ન રહ્યો. શુમાકરનું માનવું હતું કે પૂર્વીય દેશોમાં પેદા થયેલા બધા પયગંબરો અને તત્ત્વજ્ઞાનીઓ સાદું જીવન જીવનારા હતા. આ મુદ્દા પર ભાર મૂકતાં શુમાકરે ઉમેર્યું કે આધુનિક સભ્યતા આર્થિક ક્ષેત્રે અત્યંત જટિલ અને અપાર મૂડીવાદી જીવનની દિશામાં વધુ ને વધુ ઝડપથી આગળ ધપી રહી છે, જેનો એક માત્ર ઉદ્દેશ દેશનો ઉત્પાદન આંક, વિકાસનો દર અને વ્યક્તિની કુલ માથાદીઠ આવક વધારવાનો જ રહ્યો છે.

3. નાના પાયા પર રચાયેલ આર્થિક પ્રણાલી : 

પોતાના પુસ્તક ‘Small Is Beautiful’નો ઉલ્લેખ કરતાં શુમાકરે કહ્યું કે ગાંધીએ જ્યારે ‘જથ્થાબંધ ઉત્પાદન નહીં, પરંતુ જનસમૂહ દ્વારા થતું ઉત્પાદન’ એમ કહેલું ત્યારે અથવા તો તેઓ જ્યારે ‘વિકેન્દ્રિત અને ગ્રામ આધારિત સ્વ-નિર્ભર અર્થવ્યવસ્થાની વાત કરતા, કે પછી જ્યારે તેમણે ‘ઉત્પાદન અને વપરાશનું ફરીને અનુસંધાન થવું જોઈએ’ તેવી માંગ કરેલી ત્યારે તેઓ ‘Small Is Beautiful’ની પરિભાષામાં જ વાત કરતા હતા.

માનવનું કદ નાનું છે અને એ સુંદર છે – અથવા સુંદર હોવું જોઈએ. હજુ સુધી તો ગાંધીનાં સ્વપ્નનાં કદની અર્થવ્યવસ્થા જ સહુથી વધુ બંધબેસતી છે એમ શુમાકરનું માનવું છે. ઉત્પાદન કરનારું એકમ જેટલું મોટું હશે તેટલું જરૂરિયાત કે વપરાશ કરતાં એ વધુ અંતર ધરાવનારું હશે. ઉત્પાદન અને વપરાશ વચ્ચે પુનઃ અનુસંધાન તો જ શક્ય બને, જો ઉત્પાદક એકમો નાનાં હોય, અને પરિણામે તેનું સંચાલન કરવામાં સુગમતા રહે તથા સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે. નાના પાયા પરના ઉત્પાદન અને વપરાશના એકમોનો એક સહુથી મોટો ફાયદો છે, તેની હેરાફેરીની ન્યુનતમ જરૂરિયાત. એક જગ્યાએ થતું જથ્થાબંધ ઉત્પાદન અનિવાર્યપણે પરિવહનમાં વધારો  રહે, જેનાથી એ વસ્તુઓની કિંમત વધે, પરંતુ એની ગુણવત્તામાં કશો ઉમેરો નથી થતો હોતો.

આધુનિક અર્થશાસ્ત્રની વિચારધારા ખૂબ ઝડપથી અને જથ્થાબંધ ઉત્પન્ન થતા માલ અને તેની અતિ ઝડપી હેરાફેરીને માનવ જાતની સિદ્ધિ ગણે છે, તેનો જશમ મનાવે છે અને તેને દેશની કુલ ઉત્પાદક ક્ષમતાનો આંક ગણીને તેને જ આર્થિક વિકાસ તરીકે ઓળખે છે. શુમાકરના મતે અનુ આધુનિક વિચારધારા આ પ્રકારની પરિવહનની અનિવાર્યતાને નકારાત્મક સિદ્ધાંત તરીકે રજૂ કરશે અને માલની હેરાફેરીને નિષ્ફ્ળતાના નિર્દેશક તરીકે જોશે કેમ કે એનાથી સાબિત થાય છે કે જે તે માલનું ઉત્પાદન ખોટી જગ્યાએ કરવામાં આવ્યું છે. ફેકટરીનું આયોજન કરનારા અને ઉત્પાદન કંપનીના આડતિયાઓ ફેક્ટરીની અંદર ઓછામાં ઓછી હેરાફેરી કરવા માટે માલને માત્ર એકથી બીજા સ્થળે ફેરવવા ખાતર જ જટિલ માળખું રચવાની તરફેણમાં નહોતા. આ વિચારસરણી આખા સમાજને પણ લાગુ પડે છે, અને તે એ છે કે શક્ય હોય તો જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ વસ્તુઓનું ઉત્પાદન થવું જોઈએ. ગાંધીના શબ્દોમાં કહીએ તો, “ઉત્પાદન અને વપરાશનું પુનઃ અનુસંધાન થવું જોઈએ”, અથવા એમનો બીજો વાક્ય પ્રયોગ ઉપયોગમાં લઈએ, “કામને લોકો પાસે લઇ જાઓ, લોકોને કામનાં સ્થળે ન ખસેડો.” અને શુમાકર પૂછે છે તે મુજબ, “આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો આટલી હદે ઉપયોગ કરી શકીએ?” આપણે વૈજ્ઞાનિકો અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનના નિષ્ણાતોને તેઓ પોતાનું જ્ઞાન અને અસાધારણ કૌશલ્યનો ઉપયોગ કરીને ઉત્પાદનના એકમોને વધુ ને વધુ વિશાળ ન બનાવવાનું અને આર્થિક માળખું આટલું મહાકાય ન બનાવવાનું કહી શક્યા હોત, અને તેને બદલે તેઓ નાના પાયાના સંકુલ બનાવે જેથી ગ્રામ્ય વિસ્તારમાં અને નાના સમૂહમાં રહેતા લોકો ધનિક અને શક્તિશાળી લોકો તેમને રોજગારી પૂરી પાડે એ સ્થિતિ પર આધારિત રહેવાને બદલે ફરીને ઉત્પાદન કરતા થાય. “કદાવર અર્થતંત્ર વીસમી સદીની એક કપોળ કલ્પના છે.” એમ શુમાકરનું માનવું હતું.

4. મૂડી બચાવનાર આર્થિક પ્રણાલી :

ગાંધીના અર્થકારણનો મુખ્ય સ્તંભ હતો મૂડીનો બચાવ કરવો, અથવા ઓછા મૂડી રોકાણવાળા ઉદ્યોગો સ્થાપવા. શુમાકરે કહ્યું કે એ ખેદજનક હકીકત છે કે દુનિયા વધુ ને વધુ ઝડપથી મોટા પાયા પરના અને અત્યંત જટિલ પ્રકારના ઉત્પાદક માળખા તરફ ગતિ કરી રહી છે, જેમાં ભારે મોટી મૂડીના રોકાણની અનિવાર્યતા રહે છે. વળી આવા મોટા ઉદ્યોગો માનવ હિતના પરિબળનો વિચાર નથી કરતા હોતા, એટલું જ નહીં પણ આ પ્રકારની ઉત્પાદન પદ્ધતિ માનવ જાતને જીવિત રહેવા માટે કટોકટી સર્જનાર બની રહે છે. ગાંધી મૂડી કેન્દ્રિત અને જટિલ યંત્રો આધારિત વ્યવસ્થાનો વિરોધ કરતા હતા તેના અનેક કારણોમાંનું એક કારણ એ હતું કે એ પદ્ધતિ મોટી સંખ્યાના માનવોને ‘મશીન ચાલક’માં રૂપાંતરિત કરી દે છે. આવી ઉત્પાદન પદ્ધતિ કારીગરોના વ્યક્તિત્વના વિકાસમાં કશો ફાળો નથી આપતી, અને વધારામાં એ કારીગરોની ક્રિયાશીલ શક્તિ છીનવી લે છે. ઉપરાંત, મૂડીમાં રૂપાંતરિત થયેલી, આધુનિક, જટિલ અને મહાકાય ટેક્નોલોજી જગતની સમસ્યાઓ હલ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઇ છે. શુમાકર કહે છે, “આપણા પૂર્વજોમાંથી જો કોઈ આજે આપણી મુલાકાત લે તો એ લોકોને સહુથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય? દાંતના ડોક્ટરોની કુશળતાની નવાઈ લાગે કે આપણા સડેલા દાંતની? આપણા વાહનોની ઝડપની, કે નોકરીના સ્થળે જવા માટે લાગતો સમય અને સહેવી પડતી અગવડની? દવાઓની શોધમાં થયેલી પ્રગતિની કે હોસ્પિટલમાં દાખલ થતા સંખ્યાબંધ દર્દીઓની? ચંદ્ર પર માનવીના ઉતરાણની આપણી શક્તિની કે જેને રોજગાર જોઈએ છે તેને કામ પૂરું પાડવાની આપણી અશક્તિની? મશીનોની કાર્યક્ષમતાની કે આપણા વ્યવસ્થાતંત્રની અક્ષમતાની?”

ગાંધીની પરિસ્થિતિનું તારણ કાઢવાની શક્તિની સરાહના કરતાં શુમાકરે ઉમેર્યું, “ગાંધી જાણતા હતા કે પૂંજી આધારિત અર્થવ્યવસ્થા ભારતની બેકારીનો હલ ક્યારે ય નહીં શોધી શકે. તેનું ઉદાહરણ આપતાં તેઓએ કહ્યું કે એક રોજગાર કેન્દ્ર ચાલુ કરવા માટે 1,00,000 રૂપિયાની જરૂર પડે, અને જેની પાસે 1,00,00,000 રૂપિયા હોય, તે માત્ર 10,000 રોજગાર કેન્દ્રો ચાલુ કરી શકે. જો લાખો અને કરોડો લોકો માટે રોજગારીની સમસ્યા હલ કરવી હોય તો ભારત જેવા ગરીબ દેશને કેવી સમસ્યાનો સામનો કરવો પડે તે સમજી શકાય.”

બીજું ઉદાહરણ આપતાં શુમાકરે કહ્યું કે તેઓ એક ગામડાના કુંભારને મળ્યા, જે પોતાની કારીગરીમાં અત્યંત કુશળ હતો, પણ તેની પાસે માત્ર 50 રૂપિયાનું તદ્દન પુરાણું સાધન હતું. પછી એ શહેરમાં ગયો, જ્યાં એક કુંભાર બેલ્જીયમથી આયાત કરેલા 5,00,000 રૂપિયાના મશીન પર કામ કરતો હતો. અલબત્ત પેલા કારીગરને એવું મશીન ખરીદવું પોસાય જ નહીં, એટલે પોતાનો વ્યવસાય ચાલુ રાખવા મુંબઈ જેવા મહાનગર, કે જ્યાં સેંકડો-હજારો બેકાર લોકો જઈને વસ્યા હોય છે, ત્યાં જવાની તેને ફરજ પડે છે. આ ઉદાહરણનું તારણ એ છે કે, મોટી સંખ્યાની પ્રજાને રોજગાર પૂરો પાડવાનું તો જ સંભવ બને, જો ગાંધીના ઔષધ નિષેધનું અનુસરણ કરવામાં આવે – જેમ કે એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ રચવામાં આવે જે હાલમાં પ્રાપ્ત પૂંજી અને મજૂરી સાથે સુસંગત હોય. પોસાય તેવા દરથી મળતાં નવાં ટેકનિકલ સાધનો બધાને ઉપલબ્ધ થાય તો જ વ્યવસ્થિત પ્રગતિ શક્ય બને.

5. ગ્રામ આધારિત (સ્વ નિર્ભર અને રોજગાર કેન્દ્રિત) આર્થિક પ્રણાલી :

ગાંધીના મનથી રાજકીય સ્વતંત્રતા ખરા ‘સ્વરાજ્ય’ – એટલે કે ભારતના સાત લાખ ગ્રામવાસીઓ, કે જે તેના ગામ અને શહેરો કરતાં નિરાળા છે તેમના સામાજિક, આર્થિક અને નૈતિક સ્વાતંત્ર્ય માટેનું માત્ર ‘પહેલું ચરણ’ હતું. એમના ‘છેલ્લા વસિયતનામા’માં ગાંધીએ ગ્રામોધ્ધાર માટે ‘સર્વોદય’ના પથને અનુસરવાનો અનુરોધ પોતાના અનુયાયીઓને કર્યો હતો. તેમણે લખેલું, “ફેક્ટરી પર ચણાયેલી સભ્યતા ઉપર તમે અહિંસક સમાજની રચના ન કરી શકો. મારી કલ્પનાની અર્થવ્યવસ્થામાં શોષણ વર્જિત છે, કેમ કે શોષણ હિંસાનું મૂળ છે. અહિંસક બનતા પહેલા તમારે ગ્રામાભિમુખ બનવું પડે.”

શુમાકરે ગાંધીને ‘અહિંસક સામાજિક ક્રાંતિકારી’ તરીકે ઓળખાવતાં કહેલું, “ગાંધીની કલ્પના મુજબના અને તેમના અનુયાયીઓએ જેનું અનુસરણ કર્યું એ સર્વોદય આંદોલનનું મુખ્ય લક્ષ્ય સમાજનું ધરમૂળથી પુનઃ નિર્માણ કરવાનું હતું. એનો અર્થ એ કે રાજકારણ, અર્થ વ્યવસ્થા અને સામાજિક માળખાનું પ્રાથમિક એકમ ગામડું બને. આવા એકમમાં કૃષિ મુખ્ય ઉદ્યોગ બની રહે, પરંતુ માનવીની જરૂરિયાતો સાથે સંઘર્ષમાં ન આવે તેવા બીજા નાના પાયાના ઉદ્યોગો અતિ આધુનિક પ્રૌદ્યોગિક વિજ્ઞાનની સહાયથી વિકસી શકે. ટૂંકમાં, ગાંધીનું સ્વપ્ન હતું વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસાવવાનું, જેમાં દરેક એકમ ખોરાક, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા સ્વ નિર્ભર હોય.” જો કે ભારત દુનિયાની દસમા નંબરની આર્થિક સત્તા બનવાની દિશામાં આગળ ધપી રહ્યું હતું. શુમાકર એમ ધારતા હતા કે ભારત મુખ્યત્વે ગ્રામ આધારિત કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા જ ધરાવતું હતું. ભારતના 80% લોકો ગામડાઓમાં જ વસતા હતા એ હકીકત જાણતા હોવા છતાં એક પછી એક કેન્દ્ર તેમજ રાજ્ય કક્ષાએ વહીવટ કરતી સરકારોએ ગ્રામ્ય પ્રજાનું જીવન ધોરણ સુધારવા કે તેમને માટે રોજગારીની તકો ઊભી કરવા પાછળ નહીંવત ધ્યાન આપ્યું. પરિણામે ગામડામાંથી રોજગારીની તકોની શોધમાં મોટે પાયે શહેરો ભણી સ્થળાંતર થવા લાગ્યું, જેનાથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. આ પ્રવાહને સવળી દિશામાં વાળવા અને ભારતના ગામડાંઓને નષ્ટ થતાં અટકાવવાનો એક માત્ર ઉપાય હતો, પ્રજાની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ગ્રામ વિસ્તારમાં પ્રાપ્ત કુદરતી સંસાધનો અને માનવ સંસાધનોને સાનુકૂળ હોય તેવી ટેક્નોલોજીની મદદથી લઘુ ગ્રામોદ્યોગની રચના કરવી.

મોટાં શહેરોમાં સ્થપાયેલા ઉદ્યોગો અને જથ્થાબંધ ઉત્પાદન પદ્ધતિએ ગ્રામજનોની ઉત્પાદક શક્તિ હણી નાખી અને તેમના હાથમાંથી રોજગારીના સાધનો ઝુંટવી લીધાં. શુમાકર કહે છે : “એક સમયે ગામડાઓમાં ઉગાડવામાં આવતા ચોખા હાથથી છડવામાં આવતા હતા, અને ગામના લોકો જ તેનો ઉપભોગ કરતા હતા, વધે તેટલો માલ નજીકના ગામ, અથવા જ્યાં તેની અછત હોય તેવા પ્રદેશમાં મોકલવામાં આવતા હતા. પરંતુ હવે, ચોખાનો તમામ પાક સુધરેલા વાહન વ્યવહારના સાધનો મારફત મોટા શહેરમાં ચોખાની મિલમાં લઇ જઈ છડવામાં આવે છે, અને ફરી જાત જાતના કીટાણુઓથી અસરગ્રસ્ત થયેલા ચોખા ફરીને ગામડામાં મોકલવામાં આવે છે. ગામડાનાં કારીગરોએ પોતાનો વ્યવસાય ગુમાવ્યો અને અંતે પરિણામ તો તેમના હિતમાં ન જ આવ્યું. તેને બદલે વધુ સક્ષમ એવા ચોખા છડવાના સાધનો ગામડામાં પૂરા પાડવાની જરૂર હતી. સશક્ત સ્ત્રી અને પુરુષોને ગામડામાં જ ઉત્પાદક શ્રમમાં રોજગારી નહીં આપીએ તો ભારતને ભયંકર ગરીબીમાંથી બહાર કાઢવું અસંભવ બની જશે.”

ગાંધીએ લખ્યું હતું, “આપણે બધા પ્રાપ્ત સંસાધનો શોધીને એકત્ર કરીશું તો મને ખાતરી છે કે આપણે ફરીથી ધનવાન બની શકીશું, કે જે મને લાગે છે કે આપણે એક સમયે હતા. આપણે જો નવરાશના લાખો કલાક જેટલા સમયનો સમજપૂર્વક ઉપયોગ આપણા લાભમાં કરીએ તો એ પરિસ્થિતિને ફરીથી દોહરાવી શકીએ.” શુમાકરને વિચારતાં લાગેલું કે ભારત જેવા દેશ માટે લાખો લોકોને નવરાશના સમયમાં પ્રવૃત્ત રાખવા એ બહુ મોટો પડકાર હતો. કોઈ દેશ પોતાની પ્રજાને કામ ન કરવા દઈને કોઈ રીતે પ્રગતિ ન સાધી શકે. કોઈ પણ વ્યક્તિ માટે આજીવિકાની તક પ્રાપ્ત ન થવી એ સહુથી મોટી હાનિકારક સ્થિતિ હોય છે. એમણે હજારો અને લાખો લોકો જેને અનુસરે છે એ તત્કાલીન શિક્ષણ વ્યવસ્થા ચાલુ રાખવા પાછળ કયું શાણપણ રહેલું છે એ વિશે સવાલ ઉઠાવ્યો કેમ કે તેને અંતે એ શિક્ષિત વર્ગ પાસે કંઈ કામ હાથમાં નથી આવતું. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાખો લોકોના નવરાશના સમયને ઉપયોગમાં લેવાનો એક જ ઉપાય હતો, સ્વાવલંબી યોજના.

એવી યોજનાનું ઉદાહરણ આપતાં શુમાકરે કહ્યું, “ભારતના મહાન ગુરુઓમાંના એક ભગવાન બુદ્ધે તેમના ઉપદેશમાં દરેક બૌદ્ધજન પાંચ વર્ષ સુધી દર વર્ષે એક વૃક્ષ રોપે અને તેનું જતન કરે એ વાતનો સમાવેશ કરેલો. બુદ્ધિપૂર્વક કરેલા આવા પ્રકારના કાર્યનું પરિણામ એક પંચવર્ષીય યોજના કરતાં આર્થિક રીતે વધુ ફળદાયી નીવડી શકે. એ વૃક્ષો ખોરાક પૂરો પાડી શકે, તેમાંથી નીકળતા રેસાનો ઉપયોગ થઇ શકે, તેમાંથી મકાન બાંધકામની સામગ્રી મળી શકે, તેનાથી છાંયડો અને પાણી અમલી શકે; અરે, ખરેખર તો જે જોઈએ તે બધું મળી રહે. અને આ બધું જ કોઈ વિદેશી નાણાંની મદદ વિના અને ખૂબ જ ઓછા મૂડી રોકાણથી કરી શકાય.”

શુમાકર માનતા હતા કે ગાંધી પોતાની જાતને ભારતના લાખો ભૂખ્યા લોકોમાંના એક ગણતા હતા અને એ લોકોની જિંદગી સુધારવા માટે જીવનભર મથ્યા હતા. એની સાબિતી તેમણે પોતાના અનુયાયીઓને આપેલી સલાહમાં મળે છે, જે આજે તેમણે આપેલ તાવીજ તરીકે પ્રખ્યાત થઈ છે : જ્યારે તમારા મનમાં શંકા પેદા થાય, અથવા પોતાનું અહમ વધી જાય, ત્યારે આ કસોટીનો અમલ કરજો : તમે જોયો હોય તેવા ગરીબમાં ગરીબ માણસનો ચહેરો નજર સમક્ષ ખડો કરજો, અને પોતાની જાતને પૂછજો, તમે જે પગલું ભરવાનો વિચાર કરી રહ્યા છો તેનાથી એ માણસને કોઈ ફાયદો થવાનો છે? તેનાથી એ સ્ત્રી કે પુરુષના જીવન કે નસીબમાં કોઈ બદલાવ આવવાનો છે? બીજા શબ્દોમાં, ભૂખ્યા અને રખડતા લાખો લોકો માટે સ્વરાજ મેળવવામાં તમારું એ પગલું મદદ કરશે? ત્યારે તમારો શક અને અહમ ઓગળી જતો અનુભવશો.”

આજે ભારતની પ્રજાના હિત માટે નીતિ ઘડનારા તમામ નિર્ણાયકો માટે આ સહુથી મોટો પડકાર છે.

(સૌજન્ય : સત્યાગ્રહ ફાઉન્ડેશન)
e.mail : 71abuch@gmail.com

Loading

25 September 2024 Vipool Kalyani
← … ને વાર્તા કહીશું પૉર … !
જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved