Opinion Magazine
Number of visits: 9458370
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નવા યુગનો નાંદી’ અને ‘પ્રાણવંતો પૂર્વજ’ વીર કવિ નર્મદ 

સોનલ પરીખ|Opinion - Opinion|17 September 2022

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા [એટલે કે 24 ઑગસ્ટ 2022ના રોજ] જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. વાત કરીએ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમની, એમની જિંદગીની …

માતૃભાષાની મીઠાશથી મહેકતો ‘વિશ્વ ગુજરાતી દિવસ’ ત્રણ દિવસ પહેલા જ ગયો. મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો, સુન્દરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહેતા, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશી જેને ‘નવા યુગનો નાંદી’ ગણે છે; નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ, સુધારાનો સેનાની એવાં એવાં વિશેષણોથી જેને નવાજવામાં આવે છે એ વીર કવિ નર્મદનો એ દિવસે જન્મદિન હતો. પણ આ બધાં બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ હતી, એમની જિંદગી હતી. કહેતા, ‘ઝટ્ટ ડોળી નાખો રે મનજળ થંભ થયેલું’ સાહિત્ય, સમાજ, શિક્ષણ, ધર્મ, જીવન તમામ ક્ષેત્રે સ્થગિતતા અને બંધિયારપણાનો સતત વિરોધ કરનાર નર્મદ, અર્વાચીન ગુજરાતી ભાષા આમ તો દલપતરામથી પ્રગટી ગણાય, છતાં અર્વાચીનોમાં આદ્ય ગણાય છે, કેમ કે નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂર્ણ અર્થમાં પ્રગટી છે.

પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. જન્મ 1833માં, મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ પહેલાં. જન્મ સુરતમાં અને ભણતર સુરત અને મુંબઈમાં. મુંબઈમાં તેઓ ઘણું રહ્યા, મુંબઈના પ્રવાહો ઝીલ્યા, પોતે પણ ખીલ્યા-ઊઘડ્યા-વિસ્તર્યા, મગજ મુંબઈની હવાથી છલોછલ રહ્યું, છતાં દિલ ભરીને ચાહ્યું તો સુરતને જ – ‘મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી’ ‘ભટનું ભોપાળું’ના સર્જક અને વિવેચક નવલરામ (જન્મ – 1836) અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર (જન્મ – 1835) નર્મદના સમકાલીનો – સહાધ્યાયીઓ પણ હોઈ શકે.

શિક્ષણ દરમ્યાન ધીરા ભગતની કાફીઓ વાંચી નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા મળી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પણ પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈમાં અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી મળવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ છપાવીને પ્રગટ કર્યું અને આમ ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.

1852માં નર્મદ રાંદેરની એક શાળામાં શિક્ષક હતા. સર્જનસાધના ચાલુ જ હતી. એક કડિયો એક દિવસ છંદોબદ્ધ ગાન ગાતો હતો. નર્મદે એને અટકાવીને પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ ‘મારી પાસે એક પુસ્તક છે, છંદરત્નાવલિ.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું એ કોઈને આપતો નથી. મારે ઘેર આવીને જોવું હોય તો જોજો.’ ‘પણ મારે એમાંથી નોંધો કરવી હોય તો?’ ‘તે કરજો ને. પણ ઘેર લઈ જવા નહીં દઉં.’ નર્મદે એના ઘેર જઈ પુસ્તક વાંચ્યું, ફરી ફરી વાંચ્યું અભ્યાસ કર્યો. એમાંથી શબ્દોમાં રસ પડી ગયો અને ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર કર્યો.

પહેલું પુસ્તક ‘અલંકારપ્રવેશ’ 1857માં પ્રગટ થયું, છેલ્લું ‘ધર્મવિચાર’ 1886માં. આ ત્રણ દાયકામાં એમણે સોએક જેટલાં પુસ્તકો આપ્યાં. યુનિવર્સિટી અને છાપખાનાં તાજાં શરૂ થયાં હતાં એનો ભરપૂર લાભ નર્મદને સાહિત્યસર્જન અને સમાજસુધારો આ એની બન્ને પૅશન સંદર્ભે પુષ્કળ મળ્યો.

1856માં નર્મદે ‘તત્ત્વશોધક સમાજ’ની સ્થાપના કરી. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહુકાહુ થાય’ એવી નોકરી 1858માં કોઈને જણાવ્યા વિના છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ અને ‘ડગલું ભર્યું કે ના હઠવું.’ ‘કન્યાકેળવણી’ ગ્રંથ લખ્યો, હિંદુ ધર્મમાં વ્યાપેલા કુરિવાજો જોઈ નર્મદે ‘હિંદુઓની પડતી’ ગ્રંથ લખ્યો જે સુધારાનું બાઈબલ ગણાયો. વિધવાવિવાહને ઉત્તેજન તો આપ્યું, પણ દાખલો બેસાડવા પોતે એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં.

સુધારાના વિચારોને વાચા આપવા નર્મદે 1864માં ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. પહેલા અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકી હતી: અમારા નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમાં વસ્તી દીપકની ને બહાર ડાંડિયો હોય; ડાંડીની મહેનતથી ધજાડાંડી સોહાય, દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય …’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયા’ના લેખોએ જ નર્મદને ‘સુધારાના સેનાની’નું બિરુદ અપાવ્યું. નર્મદ એના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની તે નર્મદે એનાથી વર્ષો પહેલાં સેવી હતી.

‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો હતો. ‘વીરસિંહ’ને તે મહાકાવ્ય તરીકે રચવા માગતો હતો. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. આ જ છંદમાં અન્ય કાવ્યો રચાયાં : ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો બાગે, યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે’ જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત’ આજે પણ મન મોહી લે.

મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી નર્મદે કાવ્યનાં અનેક સ્વરૂપે લોકો સમક્ષ ઉઘાડ્યાં. ગુજરાતી ગદ્યને ઘડવામાં એનો સિંહફાળો છે. રસપ્રવેશ, અલંકારપ્રવેશ, પિંગળપ્રવેશ, નર્મદ વ્યાકરણ જેવાં એમનાં કાવ્યશાસ્ત્રનાં પુસ્તકોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’ લખી નર્મદ મહાત્મા ગાંધીના સમર્થ પુરોગામી બન્યા છે. ‘આ તો બસ એક ખરડો છે જે હું લોકો સમક્ષ મૂકું છું.’ એવી નમ્રતા દાખવનાર નર્મદ ગુજરાતી ભાષાના માનસન્માન માટે અત્યંત જાગૃત હતા અને એને માટે બેધડક લડતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા પણ તેને અંગત માનસન્માનનો વિષય ન બનાવવા સજાગ રહ્યા. એમના ઘરનું નામ ‘સરસ્વતીમંદિર’ હતું.

પશ્ચિમના અંગ્રેજી કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યોનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતાઓ ગણાય. નર્મદ ખૂબ પ્રવાસ કરતા. પરદેશ ગયા નહોતા, પણ મહીપતરામ પરદેશ જવા માગતા હતા એમને ખૂબ મદદ કરી. પણ એ જ મહીપતરામે પાછા આવી નાત આગળ નાકલીટી તાણી પ્રાયશ્ચિત કર્યું ત્યારે એની ખૂબ ટીકા કરી. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઈ એમણે ‘બ્રહ્મગિરિ’ નામનું સુંદર કાવ્ય રચ્યું હતું : ‘ચોપાસ બધું સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જૌં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.

આર્થિક મુશ્કેલીઓ ખૂબ તાવતી. પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાળદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી સ્વીકારવી પડી ત્યારે નર્મદની આંખોમાં આંસુ હતાં. સંકલ્પ તોડ્યાના આઘાતમાં ત્યાર પછી બહુ જીવ્યા પણ નહીં. 1866માં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયમાં સુધારાની પ્રવૃત્તિ છોડી તેઓ ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા. 

‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના અવસાન સંદર્ભે આપણી ભાષાના કોઈ કવિએ આવી વાણી ઉચ્ચારી નથી. સંદેશ છે, ‘નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક’ રસિકડા સંબોધન નર્મદ જ કરી શકે – કહે છે, ‘હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી’ અને ‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી …’ પોતાના વીરત્વ, સત્ય, રસિકતા, સર્જન અને ટેક વિશે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો નર્મદનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.

ગુજરાતી ભાષાની થતી ઉપેક્ષા અને ભાષાગૌરવના અભાવને જોઈ નિરંજન ભગતે લખ્યું છે, ‘ક્યાં તુજ જોસ્સો કૅફ, ક્યાં આ જંતુ માણહાં; માથા પરની રૅફ, નર્મદ સહેજ ખસી ગઈ’ નામર્દાઈનું આ મહેણું વાગે એવું છે, પણ ખોટું નથી. ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની સુગંધ છે, એની માટીની મહેક છે. એ ન ભૂલીએ. પણ ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમનો અર્થ અન્ય ભાષાનો બહિષ્કાર એવો ન કરીએ. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે એનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

છબીસૌજન્ય : ‘વિકિપીડિયા’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 ઑગસ્ટ 2022

Loading

17 September 2022 Vipool Kalyani
← ગૈરફિલ્મી ગુલઝાર : કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં
અરુણાચલમાં સૂર્યોદય →

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved