Opinion Magazine
Number of visits: 9733300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોલીસ બળમાં સમાન મહિલા ભાગીદારી : મંઝિલ ઘણી દૂર છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 August 2022

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં મહિલાઓની વસ્તી ૪૮.૪૬ ટકા છે. પરંતુ  ૨૦૨૧માં દેશની અર્ધી આબાદી એવી મહિલાઓની ભારતના પોલીસ બળમાં ટકાવારી માત્ર ૧૦.૪૯ ટકા જ છે ! દેશના કુલ્લે ૨૦,૯૧,૪૮૮ પોલીસકર્મીઓમાં ૨,૧૫,૫૦૪ જ મહિલા છે. દર દસ પોલીસે એક જ મહિલા પોલીસ છે અને દર સો પોલીસ અધિકારીમાં સાત જ મહિલા અધિકારી છે. દેશના એકતાળીસ ટકા પોલીસ થાણામાં એક પણ મહિલા પોલીસકર્મી નથી. અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા પોલીસ કર્મચારીઓ પાંચ ટકાથી પણ ઓછા છે. સમગ્ર દેશમાં ૨૦૦૬માં તો ૩.૩ ટકા અને ૨૦૧૦માં ૪.૨૫ ટકા જ મહિલાઓ પોલીસમાં હતી. છેલ્લા એક દાયકાના પોલીસના સંખ્યાબળમાં બત્રીસ ટકાના વધારા સામે મહિલાઓનો વધારો છ ટકાનો  અર્થાત લગભગ સવા પાંચ ગણો ઓછો છે.

પરતંત્ર ભારતમાં, ૧૯૩૮માં, મહિલાઓનો પ્રથમવાર પોલીસમાં પ્રવેશ થયો હતો. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ૧૯૭૨માં દસ મહિલાઓની ઇન્ડિયન પોલીસ સર્વિસમાં પસંદગી થઈ હતી. પણ પોલીસના કુલ સંખ્યાબળમાં જે દસેક ટકા મહિલા પ્રમાણ જોવા  મળે છે તે પણ મુખ્યત્વે તો મહિલા કોન્સ્ટેબલનું છે. જાણે કે મહિલાઓ માટે શિક્ષિકા, નર્સ, રિસેપ્સનિસ્ટ અને એનાઉન્સરના વ્યવસાયો જ અનામત રખાયા હોય તેવો માહોલ છે. એટલે શારીરિક બળની કામગીરીનું ક્ષેત્ર મનાતી પોલીસની નોકરીમાં આઝાદીના અમૃત કાળે મહિલાઓનું પ્રમાણ ઘણું અલ્પ છે.

કેન્દ્ર અને રાજ્યોની ઘણી સરકારી નોકરીઓની જેમ પોલીસમાં પણ ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ છતાં મહિલાઓનું આટલું ઓછું પ્રમાણ હોવા અંગે ઘણાં કારણો જવાબદાર છે. ભારતના પિતૃસત્તાક સમાજે પોલીસની કામગીરીને બાહુબળ સાથે જોડીને મહિલાઓ શારીરિક અને માનસિક રીતે પુરુષ કરતાં નબળી છે તેવી છાપ ઊભી કરીને તેને પોલીસની નોકરીથી વંચિત રાખી છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ ભેદભાવ અને મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે મહિલાઓને પોલીસની કામગીરીથી દૂર રાખવામાં આવે છે.

ઘણા અવરોધોને વળોટી મહિલાઓ પોલીસની કામગીરીમાં જોડાય છે ત્યારે કાર્યસ્થળે તેના માટે સમસ્યાઓ ઊભી જ હોય છે. પોલીસની કામગીરી માટેના હથિયારો અને સાધનો પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તે આકાર અને વજનની દૃષ્ટિએ મહિલાઓને માફક આવે તેવાં નથી. પોલીસનો ગણવેશ, જૂતાં, ટોપી જ નહીં બુલેટપ્રુફ જેકેટ પણ મહિલા પોલીસને ધ્યાનમાં રાખીને બનાવ્યા નથી. અલગ મહિલા શૌચાલય, ચેન્જિંગ રૂમ, મહિલાકર્મીનાં નાનાં બાળકો માટે ફિડિંગ પ્લેસ કે ઘોડિયા ઘર જેવી પાયાની સુવિધાનો અભાવ, ગ્રામીણ પરિવેશના પુરુષ કર્મચારીઓનું મહિલા વિરોધી વલણથી માંડીને મહિલા માટે કાર્યસ્થળે પ્રતિકૂળ માહોલને કારણે પણ મહિલાઓ પોલીસમાં ભરતી થતાં અચકાય છે.

કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય હોઈ પોલીસની નિમણૂક બદલી બઢતીની સત્તા રાજ્યો હસ્તક છે. એટલે પોલીસમાં મહિલાઓનું પ્રમાણ વધે તે માટે ભારત સરકારે રાજ્યોને વારંવાર વિનંતીપત્રો લખ્યા છે. ગૃહ મંત્રાલયે ૨૦૧૩માં રાજ્યોને જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૧૦ મહિલા કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ સબ ઈન્સપેકટરમાં એક મહિલા હોય તેવું સુનિશ્ચિત કરો. પરંતુ તેનું ધાર્યું પરિણામ ન મળતા કેન્દ્રે રાજ્યોને પોલીસના આધુનિકીકરણ માટેની કેન્દ્રિય ગ્રાન્ટ આપશે નહીં કે તેમાં કાપ મૂકશે તેમ પણ જણાવ્યું છે.

બીમારુ અને મહિલાઓના મામલે રૂઢિવાદી ગણાતા બિહારમાં ૨૦૧૦માં માત્ર ૨ ટકા જ મહિલાઓ બિહાર પોલીસમાં હતી. સરકારના સઘન પ્રયત્નોને કારણે ૨૦૧૯માં તેની ટકાવારી વધીને ૨૫ ટકા થઈ છે. ૨૦૨૦માં તમિલનાડુ પોલીસમાં ૧૯.૪ ટકા, ગુજરાતમાં ૧૬ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૧૩.૫ ટકા મહિલાઓ છે. જમ્મુકશ્મીરમાં ૩.૩૧, તેલંગાણામાં ૮, મધ્ય પ્રદેશમાં ૬.૬, અરુણાચલમાં ૬.૩ ટકા છે. વળી તેમાં મોટા ભાગે તો નીચલા સ્તરની જગ્યાઓએ જ મહિલાઓ ની ભરતી થઈ છે. કુલ મહિલા પોલીસકર્મીઓમાં મધ્ય પ્રદેશમાં ૬૪ અને બિહારમાં ૪૧.૮ મહિલાઓ કોન્સ્ટેબલ છે. આ સ્થિતિ લગભગ તમામ રાજ્યોમાં છે. જમ્મુકશ્મીરમાં ૨, કેરળમાં ૩, હિમાચલમાં ૪, બિહારમાં ૬ અને તમિલનાડુમાં ૨૦.૨ ટકા જ મહિલાઓ પોલીસ અધિકારી છે.

કેટલાક રાજ્યોએ મહિલા પોલીસ ભરતીમાં શારીરિક યોગ્યતાની લાયકાતમાં, ખાસ તો ઊંચાઈ અને વજનમાં, છૂટછાટ આપી છે. તો પણ પોલીસમાં ૩૩ ટકા મહિલા પ્રતિનિધિત્વ સુધી પહોંચતા અનેક રાજ્યોને વરસો લાગશે. નમૂના દાખલ બિહારને ૮, દિલ્હીને ૩૧, ઓડિશાને ૪૨૮, મિઝોરમને ૫૮૫ ને ૪૨૮ વરસો લાગશે. એટલે પોલીસમાં મહિલાઓના યોગ્ય પ્રતિનિધિત્વ અને સમાન ભાગીદારીની મંઝિલ ઘણી દૂર છે. રાજ્યોને મહિલાઓના ઉચિત પ્રતિનિધિત્વની તાકીદ કરતી કેન્દ્ર સરકાર પણ લક્ષ્ય સિદ્ધિમાં ઘણી પાછળ છે. કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પાંચ મહિલા બટાલિયનનું કેન્દ્રને ઉચિત ગૌરવ છે પણ બી.એસ.એફ. અને સી.આર.પી.એફ.માં મહિલાઓનું પ્રમાણ ૩.૬૮ ટકા જ છે !

જો દેશની વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું હોય તો રોજગારનાં ક્ષેત્રમાં પણ તેનું પ્રમાણ તેટલું હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ પોલીસની લોકવિરોધી અને મહિલાવિરોધી છાપ ભૂંસવા પણ જરૂરી છે. પોલીસનું  કામ માત્ર દંડો ઉગામવાનું, ખતરનાક અને જોખમી કામગીરીનું જ નથી તે દિલ અને દિમાગનું પણ છે તે મહિલા પ્રતિનિધિત્વથી સાકાર થઈ શકશે. સંચાર કૌશલ અને લોકો સાથે સંવાદની ભૂમિકા ઊભી થઈ શકશે. હિંસા અને સંઘર્ષને નિયંત્રિત કરી શકાશે. પોલીસનો બળપ્રયોગ ઘટશે. મહિલા સલામતીની ખાતરી માટે પણ વસ્તીના પ્રમાણમાં પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓના હોવાથી પોલીસ થાણાનો પરિવેશ ભયરહિત બનવાની સંભાવના રહેલી છે.

ભારતના પોલીસ બળમાં મહિલાઓનું સીમિત પ્રતિનિધિત્વ ચિંતાનો વિષય છે. પરંતુ જેમ મહિલાઓને કમજોર માની તેને આ કામગીરીથી અળગી રાખી છે તેમ તેની સામેલગીરી પછી તેની શક્તિને ઓછી આંકી ઊતરતી કક્ષાની કામગીરી આપી તેને સમાન ભાગીદારીથી વંચિત રાખવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે. કાગળ પર લક્ષ્ય હાંસલ કરવાથી કે સંખ્યાબળ વધારી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. મહિલાઓના સંખ્યાબળમાં વૃદ્ધિથી મહિલા સમાનતા અને મહિલાઓની સમાન ભાગીદારી થઈ શકશે નહીં. તે પણ સમજી લેવું પડશે. પોલીસમાં મહિલાઓની ભરતીનો સવાલ સ્ત્રી-પુરુષ સમાનતાનો તો છે જ તે કાર્યસ્થળને સમાન અને સમાવેશી બનાવવાનો પણ છે. પોલીસમાં મહિલાઓના પ્રવેશથી મહિલાસલામતીનું પરિદૃશ્ય બદલાવાની અને પોલીસનો ચહેરો વધુ સંવેદનશીલ તથા માનવીય બનવાની પણ શક્યતા છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

25 August 2022 Vipool Kalyani
← હિંદુ રાષ્ટૃનું સાફલ્ય ટાણું કે પછી કસુવાવડ ?
વિપક્ષ નડે તો નાબૂદ થાય, પણ પક્ષ જ માથું ઊંચકે તો શું કરવાનું? →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved