અમણાં અમણાં ગુજરાતીમાં કૉમેન્ટરી આપવાનું ચાઇલું છે
તેમાં મને હુરતીને હો ચાન્સ આઈલો તે હારુ બધાંનો આભાર …
પણ હાચું કઉં તો મને કૈં બઉ હમજ પડતી નથી
ને જે બોલે છે તેને હો બઉ પડતી ઓય એવું લાગતું નથી
આજ હુધી લોન્ગ ઓન
મિડ ઓફ મિડ વિકેટની મને ખબર પઈડી નથી
સ્લિપની ખબર ખરી
પણ તે તો 'સ્લીપ'ની કરતો ઓઉં તો !
ગુજરાતીમાં બેટ્સમેન સિક્સર મારે તો તેને છક્કો કે'ય તે બરાબર નથી
બઉ થાય તો છગ્ગો કો'
પણ 'છક્કો' તો માણહમાંથી હો કાઢી મેઇલો ઓય એવું લાગે –
તો અ'વે ટાયલાં કરવા કરતાં
કૉમેન્ટરી જ આલું
આ ભૂરા પેન્ટવાળો કૂતરું પાછળ પઇડું ઓય તેમ દોડી રઇલો છે
બોલ લાખવા હારુ
તે દોઇડો ને આ લાઈખો બોલ
ને એની તો હું કઉં અમણાં
જરાકમાં સ્ટમ ટીચાતું રૈ ગિયું
એ તો હારું છે કે વિકેટકીપરે
બોલ પકડી લીધો
ની તો ચાર બાઈ જતે
પણ વિકેટકીપરે ઘરમાં રોકતો ઓય તેમ 'બાઈ'ને રોકી
ને બોલ પાછો બોલર પાંહે મોકઇલો
બીજી બોલ –
બોલર દોઇડો ને કચકચાવીને બોલ એવો લાઈખો
કે મને તો થિયું કે બેટ્સમેનની ખોપરી ટીચી લાખવાનો
પણ બેટ્સમેન ઉસ્તાદ તે
ઉપરથી જતા બોલને બેટથી
ડિંગલી કઇરી ને એની માને –
બોલ હીધો બાઉન્ડરી પર !
ચાર રન બેટ્સમેનના ખાતામાં –
એમ્પાયરે હો ઠૂંઠીયું અ'લાવીને ચારનો ઈશારો કઇરો
આ તીજો બોલ લાઇખો
તે વાઈડ પૈડો
આ ખરું
વાઈડ બોલમાં રન મલે
ને બોલ હો ની ગણાય
આ તો હાળું પોઇરું થાય
ને લગન ની ગણાય એના જેવું છે
નો બોલનું હો એવું જ !
છગ્ગો મારે તો હાત રન હો મલે
કૈં કે'વાય ની
આ બોલ લાઇખો
બેટ્સમેને ઓફ સાઈડ પર ફટકો માઇરો
પણ ફિલ્ડરે અટકાઈવો
નો રન !
બોલ પાછો બોલર પાંહે !
દોડહો કિલોમીટરની ઝડપે બોલ લાઇખો
બેટને હમજ પડે
તે પેલ્લાં તો બોલ વિકેટકીપર પાંહે ગિયો
તે હો ઊંચો તો બઉ થિયો
પણ તેની હો ઉપરથી ગિયો
પાછળ કોઈ ફિલ્ડર ની અતો
તે બોલ ગિયો બાઉન્ડરી પર
આ ફિલ્ડિંગમાં કૈં હવાદ નથી
જાં' બોલ જાય તાં' ફિલ્ડર રાખવા જોઈએ તેને બદલે જાં' બોલ ની જતો ઓય તાં' ફિલ્ડર ઊભા રાખે તે હું
ઘાસ કાપવા હારું?
આટલાં વરહથી આ લોકો મેચ રમે છે
પણ ફિલ્ડિંગ ગોઠવતાં નથી આવડતી
એના કરતાં તો મો'લ્લામાં પોઇરા હારા
બોલ જાય તાં' મકાન તો ઊભાં રાખે
બઉ થાય તો કાચ ફૂટે
પણ રન તો રોકાય !
બેનના ભજિયે ઓવર તો પૂરી હો થઈ ગઈ
બધું મળીને દહેક રન ગિયા ઓહે ઓવરમાં
પાક્કી ખબર નથી
ના, ના ! ઉં તે કૉમેન્ટરી આપું કે સ્કોર લખું?
ને આ ક્લીન બોલ્ડ!
બોલ પાછળથી એવો ઘૂહી ગિયો કે બેટ્સમેનને ખબર જ ની પડી
એ તો હાળો બબૂચકની જેમ ઊભો જ રઇ ગિયો
છેવટે એમ્પાયરે એના કાનમાં કીધું –
આમ ઠોયા જેવો ઊભો હું છે
આઉટ થઈ ગિયો
અવે પેવેલિયન ભેગો થા ને બીજાને રમવા મોકલ!
ત્યારે એ બબડતો ફફડતો ગિયો
નવો ખેલાડી આઈવો
ને બેટ તોડવાનો ઓય તેમ
પીચ પર ઠોકવા લાઈગો
બોલર બદલાયો
આ સ્પિનર છે
એમ્પાયરની બાજુમાં ઊભો રૈને જ બોલ લાઈખો
સ્લાઈટ ટર્ન થિયો
બેટ્સમેને ફટકો માઇરો
બોલ ઊંચે ગિયો
લાગે છે કેચ છે
પણ ફિલ્ડર કોઈ નથી
એક ફિલ્ડર દૂરથી બોલ તરફ દોડે તો છે
પણ બોલ એની રાહ તો ની જુએને!
મેદાન પર પૈડો તેવો જ ફિલ્ડરે
બોલ ઊંચકી લીધો
એને કદાચ એવું ઓહે કે
નીચે પડે પછી પકડે તો હો કેચ ગણાય
હારું છે કે એણે આઉટની અપીલ ની કરી
ની તો અક્કલનું પ્રદર્શન જ થતે જો !
અઈલા બીજો કોઈ કૉમેન્ટરી આપહે કે મારી જ મેથી મારવાના છે બધાં!
કોઈએ કૉમેન્ટરી આલવી ઓય તો આલો ની તો જાવ અમણાં કઉં તેમાં
ઉં તો આ ચાઈલો …
0
e.mail : ravindra21111946@gmail.com