Opinion Magazine
Number of visits: 9746205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યમાં સ્ત્રી અને સ્ત્રીનું સાહિત્ય : સ્ત્રી સશક્તિકરણ

રવીન્દ્ર પારેખ|Opinion - Literature|27 January 2022

હવે સાહિત્ય, સૂઝે તેમ લખાય છે. સોશિયલ મીડિયામાં જે લખાય છે તેમાં સાહિત્ય શોધવું પડે એવી સ્થિતિ છે. સાહિત્ય વિષે ન જાણવું એ સોશિયલ મીડિયામાં લાયકાત ગણાય છે. અપવાદો બાદ કરતાં મોટે ભાગે તો એ લાઇક્સ અને કોમેન્ટ્સ માટે જ લખાય છે. એમાં પણ વખાણ જ અપેક્ષિત છે. કોઈએ સાચું કહ્યું ને તે પોતાની વિરુદ્ધ જતું લાગે તો તેની જાહેરમાં ધોલાઈ થાય એમ બને. એનો બચાવ કરનારની આખી ટોળકી હોય છે. એ ગ્રૂપ લખનાર કરતાં બધી રીતે અભણ હોય છે અને જે લખે છે તે જાણકાર હોય એવું ખાસ બનતું નથી, એટલે આ આખો વ્યાયામ બે અભણ વચ્ચેનું જ કુરુક્ષેત્ર બની રહે છે. એમાં લખનાર જો સ્ત્રી હોય તો તેની અમીદૃષ્ટિ પોતાનાં પર પડે એ રીતે તેની ભૂરી ભૂરી પ્રશંસા કોમેન્ટ્સ કરનાર કરતો રહે છે. એવું કોઈ લેખક લખે તો મોટે ભાગે મહિલા વાચકો કૈં કહેવાઈ ન જાય એનો ભારે સંયમ રાખે છે. એ સંયમ પણ જ્ઞાનનું પરિણામ જ હોય એવું જરૂરી નથી. ટૂંકમાં, જાણકારી વગર એકબીજાની પીઠ થાબડવાનો ઉદ્યમ કેળવવો હોય તો સોશિયલ મીડિયા ઉપયોગી માધ્યમ બની રહે તેમ છે. એમાં અપવાદો છે જ, પણ તે અપવાદોમાં જ રહે એ રીતે એ તરફ દુર્લક્ષ સેવાય છે.

પણ, જેને ખરેખર સાહિત્ય કહીએ છીએ, એમાં પણ અત્યારે તો દુકાળનું જ વાતાવરણ છે. લખાય છે ઓછું ને વિવેચાય તો છે એનાથી ય ઓછું ! એમાં પણ લખનાર અને વિવેચક વચ્ચે જાતિગત આભડછેટ પણ ક્યારેક જોવા મળે છે. જે કૈં થોડું વિવેચાય છે તેમાં મૈત્રીસંબંધો સચવાય છે. એમાં ય જો લેખિકા સામે હોય તો આરતી ઉતારવાની જ બાકી રહે છે. બીજો દુકાળ છે તે વિવેચન કરવામાં નિષ્ક્રિય રહેતી લેખિકાઓનો છે. સ્ત્રી વિવેચકો બહુ જ ઓછી સંખ્યામાં છે અને તેમાં ય સ્પષ્ટ મત આપવાનું તો ઓછું જ બને છે. આ સ્થિતિમાં સાહિત્યમાં સ્ત્રીનું નિરૂપણ કેવુંક થાય છે તે તપાસવાનું સરળ નથી. એ જ રીતે લેખિકાઓ ગુજરાતી સાહિત્યમાં નથી જ એવું નથી, પણ તે જે લખે છે તે સ્ત્રીને કેટલે અંશે પ્રગટ કરે છે તે પ્રશ્ન જ છે.

સોશિયલ મીડિયામાં કોઈ ધણીધોરી જ નથી, એટલે ત્યાં કોઈ ધારાધોરણનો સવાલ આવતો નથી, પણ કહેવાતાં સાહિત્યિક સામયિકોનાં ઉત્તમ તંત્રી અને સંપાદકો હવે હયાત નથી, કેટલાંક સામયિકો તો બંધ પણ પડ્યાં ને જે ચાલુ છે ને જેમના હાથમાં કારભાર છે એ પણ બહુ જાણતા નથી. એ ગુડવિલ પર ટક્યા છે. એ ગીતને ગઝલ તરીકે અને ગઝલને ગાન તરીકે છાપે છે અને વાચકોના પત્રોમાં પ્રશંસા પણ મેળવે છે. કેટલાક ખરેખર જાણકાર છે, પણ જાણકારી કરતાં તેમનો અહમ્‌ વધારે મોટો છે, છતાં કબૂલવું જોઈએ કે આંગળીને વેઢે ગણાય એવાં સામયિકો ને તંત્રી/સંપાદકો છે જે સુસજ્જ છે ત્યાં સામે કોઈ પણ હોય, મહિમા કૃતિનો જ થાય છે ને એ જ મોટું આશ્વાસન છે.

અહીં કોઈનું નામ દઈને વાત કરવી નથી. તે એટલે કે બેનાં નામ દઇએ ને બેનાં ના દઇએ તો મનદુ:ખ થવાનાં જોખમો છે ને એ વહોરવાની ઈચ્છા નથી. વિગતે વાત કરવાનો ઉપક્રમ પણ અહીં નથી. ઉપરોક્ત વિષય સંદર્ભે વિહંગાવલોકનનો જ હેતુ છે. મધ્યકાલીન સાહિત્યમાં પણ કવયિત્રીઓ ઓછી, પણ છે ખરી. અર્વાચીન સાહિત્યમાં નવલકથા કે વાર્તાનો વિચાર કરીએ તો સ્ત્રી પાત્રોનું નિરૂપણ થયું છે ને એમાં પણ પ્રતાપી સ્ત્રી પાત્રો નિરૂપાયાં છે એની ના નથી, પણ એ તેજસ્વીપણું ખરેખર તો યોગ્ય પુરુષ મળે એ માટે કે એવા જ તેજસ્વી પુરુષનું શરણું મળે એ માટે હોય છે. સ્ત્રીને તેનું આગવું વ્યક્તિત્વ હોય ને તે પરાવલંબી ન બનવા માટે હોય એવું લેખનમાં ઓછું જ થયું છે. લેખકોએ નિરૂપેલાં સ્ત્રી પાત્રોમાં સ્ત્રીત્વનો મહિમા ઓછો અને તેનાં રૂપનો મહિમા વધુ થયો છે. સ્ત્રી છે તેવી નહીં, પણ પોતાને અપેક્ષિત છે તેવી લેખકો દ્વારા નિરૂપાઈ છે. સ્ત્રી, સમાજમાં જ અલ્પ શિક્ષિત અને અબૂધ રહી છે તો દેખીતું છે કે સાહિત્યમાં પણ તે તેવી જ પ્રગટ થાય. એમાં ક્યાંક તેને શિક્ષિત કરવાના પ્રયત્નો થયા હોય તો તેમાં પણ તેનામાં શું ખૂટે છે તે બતાવવાનો કે તેનાં પર ઉપકાર કરવાનો ભાવ કેન્દ્રમાં છે. હળવી કૃતિમાં પણ સ્ત્રીમાં શું ખૂટે છે તેનું ભાન કરાવીને જ લેખકોએ વાચકોનું મનોરંજન કર્યું હોય એવા ઘણાં ઉદાહરણો મળી રહે એમ છે.

આપણી મોટા ભાગની નવલકથાઓ ધારાવાહી સ્વરૂપે લખાઈ છે ને એ લખતી વખતે વાચકોની ઉત્કંઠા વધી પડે એ રીતે પ્રકરણો સમેટાતાં હોય છે. આ કુતૂહલ વધારવામાં પણ, સ્ત્રી પર કેવી રીતે તવાઈ આવે એનું ધ્યાન પણ રખાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે લેખકોએ સાહિત્યમાં જે સ્ત્રી નિરૂપી છે તેમાં સ્ત્રી એ નથી જે તે છે. વારુ, તેનો ઉત્કર્ષ બતાવવા જે પ્રયત્નો લેખકો દ્વારા થયા છે તેમાં નરવી ને ગરવી સ્ત્રી, અપવાદોમાં જ છે. ઘણું ખરું તો તે વરવી વધુ આલેખાઈ છે. તેનું લક્ષ્ય મોટે ભાગે તો પુરુષની પ્રાપ્તિનું કે પુરુષને સમર્પિત થવાનું વધુ રહ્યું છે. આજે એમાં ફેર પડ્યો છે ને લેખકોએ સ્ત્રીને સ્વતંત્ર નિર્ણયો લેતી ને પુરુષ વગર પોતાનાં લક્ષ્યાંકો પાર પાડતી નિરૂપી છે. એમાં આત્યંતિક્તા હોય તો પણ હવે સાચુકલી સ્ત્રી પ્રગટ થતી થઈ છે તે સ્વીકારવું પડે.

સ્ત્રીનું સાહિત્ય એમ કહેવાય છે ત્યારે સ્ત્રીઓ વડે લખાયેલું સાહિત્ય અને તેમના દ્વારા સ્ત્રીઓની કેવી રીતે વાત થઈ છે તે અભિપ્રેત છે. એ પણ ખરું કે લેખિકાઓ વધી છે ને સ્ત્રીઓની જે લાક્ષણિકતાઓ અપ્રગટ રહી હતી, તે હવે પ્રગટ થવા લાગી છે. તેનું સ્થૂળ કે સૂક્ષ્મ રીતે સમાજમાં શોષણ થતું રહ્યું ને એને લેખિકાઓ દ્વારા સ્પષ્ટ અને સોંસરી અભિવ્યક્તિ કેવી રીતે મળી તે તપાસવાનું જરૂરી છે. સ્ત્રીઓ દ્વારા પ્રગટતા સૂક્ષ્મ ભાવો અને સંવેદનોને લેખિકાઓએ અને થોડા લેખકોએ પણ, પક્ષકાર બન્યા વગર અભિવ્યક્તિ આપી જ છે એની ના પાડી શકાશે નહીં. મોટે ભાગની લેખિકાઓ તો લેખકોની અપેક્ષિત નાયિકાઓનો જ પડઘો પાડે છે, છતાં કેટલીક લેખિકાઓ સ્ત્રીને જ્યાં સાચી રીતે આલેખવા મથી છે, ત્યાં તે કોઈ ચળવળનો ભાગ હોવાનું ન બન્યું હોય તો સુભગ પરિણામો આવ્યાં પણ છે. ક્યારેક કોઈ ચળવળનો ભાગ બનવાનું નાયિકાઓએ આવ્યું છે, ત્યાં કલાકૃતિ હાથ લાગવાને બદલે પ્રચાર હાથ લાગ્યો છે ને એટલે અંશે એ કૃતિને વેઠવાનું પણ આવ્યું છે. એટલું થયું છે કે એવા પ્રચારમાં લેખકો બહુ પડ્યા નથી, ત્યાં સ્ત્રી જુદી રીતે ગ્લોરિફાઈ થઈ છે. એટલે સાચી સ્ત્રી તો ત્યાં પણ પ્રગટ થઈ નથી ને લેખિકાઓ જ્યારે સ્ત્રીની પ્રતિમા રજૂ કરવા મથી છે ત્યાં તેની રજૂઆત તારસ્વરે થઈ છે. સ્ત્રીને નાયિકા બનાવવા જતાં નાયકો વામણા ચીતરવા પડ્યા છે. આ બધું ઇરાદાપૂર્વક ન થયું હોય, તો પણ નાયકને મહાનાયક કરવા જતાં જેમ નાયિકા સંકોચવી પડી છે, એવું મહાનાયિકા સર્જવા જતાં નાયકને સંકોચવા જેવું પણ થયું છે.

આજના લેખક, લેખિકાઓમાં બે પ્રકારની નાયિકાઓ જોવા મળે છે. એક ગામડાંની છે ને બીજી શહેરી જીવન આત્મસાત કરીને બેઠી છે. ગામડાંની નાયિકાઓ આજે પણ શોષણનો ભોગ બનતી બતાવાઈ છે. એમાં થોડો ફેર એ પડ્યો છે કે કૃતિને અંતે તે માથું ફેરવીને શોષણનો વિરોધ કરે છે ને પુરુષ અને સમાજને એ ભાન કરાવે છે કે શોષણ કોઈનું પણ, કોઈ પણ સમયે અક્ષમ્ય છે. ત્યાં દહેજ, અસ્પૃશ્યતા જેવા મુદ્દા કવિતા, વાર્તા કે નવલકથામાં પડઘાતા જોવા મળે છે. એમાં પણ લેખક અને લેખિકા દ્વારા થતું સ્ત્રીનું નિરૂપણ જાણ્યે અજાણ્યે કેટલોક ભેદ તો કરે જ છે.

શહેરી નાયિકાઓનાં નિરૂપણમાં એકંદરે ઠીક ઠીક જાગૃતિ આવી છે. લેખિકાઓ કે લેખકો સ્ત્રીઓની સમસ્યાઓનાં વિવિધ પાસાંઓને ધ્યાને લઈને તેને સાહિત્ય કૃતિઓમાં આલેખવામાં આવે છે એને કારણે  દહેજ, બળાત્કાર, મિલકતમાં હક, કેરિયરની સભાનતા જેવી ઘણી બાબતો સાહિત્યમાં સ્થાન પામતી થઈ છે. એમાં પણ ઉપરી અધિકારીઓ દ્વારા થતું શોષણ, તેની અનેક છાયાઓ સાથે કૃતિમાં સ્થાન પામતું રહ્યું છે, એ જુદી વાત છે કે તેમાં તાટસ્થ્ય ક્યારેક લેખક કે લેખિકા હોવાને કારણે જોખમાયું હોય. એ જે હોય તે, પણ ઘણાં લેખકો, લેખિકાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં પોતીકી વાત લઈને આવ્યાં છે ને એમણે એક અંધારા ખૂણાને ઉજાગર કર્યો છે. એ સંદર્ભે થોડી સંતોષની લાગણી પ્રગટ કરી શકાય એમ છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

27 January 2022 admin
← ‘આમુખ’ : નાનું, પણ મહત્ત્વનું પુસ્તક
લૂઝ કનેક્શન શ્રેણી (22) →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved