તિર્યકી
બ્રોકલી : આમ તો હું જ ફૂલ જેવી દેખાઉં છું તો પછી મને કેમ પેલો ઊંચો દરજ્જો નહીં? હું કમળની નજીક નથી ?
ફ્લાવર : ના, કારણ કે ફૂલ જેવી ભભક મારી છે, તારી નહીં. મારો તો રંગ પણ શ્વેત, સ્વચ્છ અને પવિત્ર, વળી મને તો ઘણાં કહે છે ય ફૂલેવર, અર્થાત્ ફૂલોમાં વર, એટલે કે શ્રેષ્ઠ!
બ્રોકલી : જા, જા, એ તો કોઈને બોલતાં ન આવડે એમાં !
ફ્લાવર : એમ તો એમ, છતાં છું તો ફૂલથી નજીકને ? તું તો પરભોમની, અહીંની સંસ્કૃતિ અને સંસ્કારમાં તું શું સમજે?
બ્રોકલી : તને ય એવી કંઈ ખાસ ખબર નથી, અમસ્તી જ ડંફાસ હાંકે છે તે.
ફ્લાવર : આ લોકો ડ્રેગનફ્રૂટને હવે કમલમ્ કહેવાના છે એમ સાંભળ્યું. આમ તો આ નામ કર્ણપ્રિય છે, પણ એવા રાજકીય સંદર્ભો ખૂલે છે એટલું તો સાચું.
બ્રોકલી : તે ભલેને ખૂલતા, એમાં આપણે શી લેવાદેવા?
ફ્લાવર : એમ નહીં, માનો કે કોઈ ડ્રેગનફ્રૂટ બગડેલું નીકળ્યું, કોઈ બેસ્વાદ નીકળ્યું, કોઈમાં સડો લાગ્યો કે કોઈ ગંધાઈ ગયું તો …
બ્રોકલી : ફળ છે ભ’ઈ! આવું બધું તો ફળની નાતમાં ઘણું કૉમન ગણાય. સાવ કુદરતી.
ફ્લાવર : બરાબર, પણ હવે એને માટે જે નવું નામ વાપરવાનું છે તે મૂકીને, એટલે કે ડ્રેગન-ફ્રૂટને ખસેડીને ગોઠવીને વાક્ય બનાવ. ……માં સડો પેઠો, …….માંથી વાસ આવે છે, આ …… સાવ ફેંકી દેવા જેવું છે… પછી? શું થશે એનું ભાન છે?
બ્રોકલી : ઓ માયગૉડ ! યુ હેવ અ પૉઇન્ટ! આ તો જબરી મુસીબત. જો ડ્રેગનફ્રૂટ ચલણમાંથી સાવ નીકળી જાય એને ઠેકાણે કમલમ્ કમલમ્ થઈ જાય તો તો …
ફ્લાવર : બસ, એ જ મારી ચિંતા છે. બગડેલાં ફળ માટે તમારાથી એક હરફ સુધ્ધાં નહીં બોલાય, બોલ્યાં તો માથે પસ્તાળ પડશે, તમે દેશદ્રોહી ઠરશો, જેલના સળિયા ગણવા પડશે, ત્યારે શું કરશો ?
બ્રોકલી : જરા થોભ. જો ડ્રેગનફ્રૂટ માટે નવો શબ્દ હોઈ શકે તો બગડેલાં ડ્રેગનફ્રૂટ માટે ય નવીનક્કોર અભિવ્યક્તિ ના હોય ? ભેજું લડાવ તારું.
ફ્લાવર : એમ અધ્ધર વાત નહીં કરવાની. દાખલો આપ.
બ્રોકલી : આપુંને ! જેમ કે આ …… સ્વાદમાં હટકે છે, વિશિષ્ટ છે, કદાચ એની ઍક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે, અથવા આ ….. ઉદાર છે, એની અંદર જીવજંતુઓએ ઘર બનાવ્યું છે, છતાં વિરોધ નથી કરતું, અથવા તો આ ….. સાવ ફિક્કું છે, એમાં એનો દોષ નથી, કદાચ રસહીન ધરા થઈ છે અને …. આગળ છેને કશુંક? મને યાદ નથી તમારી એ પંક્તિઓ, આ તો મારી બાજુમાં શેરડીના સાંઠા પડ્યા રહેતા, એ લોકો પાસેથી સાંભળેલું.
ફ્લાવર : બધી માથાકૂટ છોડીને ડ્રેગનફ્રૂટની ખેતી જ બંધ કરી દેવા જેવી છે. કાયદો લાવી દેવાનો ફટ દઈને, પ્રતિબંધિત ફળ ગણો એને, ના રહે ફળ અને ના રહે એનું નામનિશાન. કાયદો લાવ્યા પછી તાકાત શી છે ડ્રેગનફ્રૂટની કે …? જે ખાય કે ખરીદે, એના પર કેસ ઠોકી દો.
બ્રોકલી : તે તારી વગ હોય તો સમજાવ ટોચ પર જે બેઠેલા છે એમને. મને તો એ બધી માથાકૂટ ફાવતી નથી. અને પારકી ગણાઉં એટલે કોઈ સાંભળે નહીં. બોલીબોલીને કરમાઈ જઇશ, અને લીલીછમ મટીને કાળી ઠીકરી જેવી થઈ જઈશ તોયે મારી વાત પહોંચાડી નહીં શકું! છે તારી કોઈ વગ-ઓળખ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 16