Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાલાઘોડા કાવ્યો

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|1 December 2020

કાલાઘોડા કાવ્યો

(અરુણ કોલાટકર : અંગ્રેજીઃ હેમાંગ દેસાઈઃ ગુજરાતી)

‘કાલાઘોડાં કાવ્યોમાંથી પસાર થતાં પહેલાં પ્રસ્તાવનામાંથી જ બહાર નીકળી શકાયું નહીં. વિચારવા માટેનું ભાથું તો ઠેરઠેર. તે જ પહેલાં જોઈ લઈએ.

“લગભગ ૧૯૭૭માં બેડટાઇમ સ્ટોરીનું લેખનકાર્ય પૂરું થઈ ગયેલું અને પછી તરત જ કટોકટી પાછી ખેંચવામાં આવી. મને થયું કે મારા નાટકની ધાર ખાંડી થઈ ગઈ, ડંખનું ઝેર ઊતરી ગયું. પણ એ મારી ભૂલ હતી. એ ઘડીએ મારું નાટક સૌથી વધારે પ્રસંગાનુરૂપ અને સુસંગત બની રહ્યું, કેમ કે જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા પછી પણ વચનો પાળી ન શકી અને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રક્રિયાને પુનઃસ્થાપિત ન કરી શકી. પરિણામે એ ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધી ફરી એક વાર સત્તારૂઢ થયાં. (કિરણ નાગરકર, ૨૦૧૫ : ૪-૫)”

એ જ રસ્તે ચાલવાનું પછીના શાસકોને ફાવતું પડી ગયું? આપમેળે જ કટોકટી અને પાલન. મેં બોઈ બી’ની ને ચાઈ બી’ની.

“જો આપણે ગેરરીતિઓ, સંવિધાન અને મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન, નિર્દયતા, હિંસા, પૂર્વગ્રહ, દ્વેષ અને અલ્પસંખ્યકોનું દમન પછી દુનિયામાં ગમે ત્યાં એ થતું હોય, વગેરેને ધ્યાનમાં નહીં લઈએ, આ બધાંના વિરોધમાં ઊભા નહીં રહીએ અને સત્તાના કેન્દ્રને આપણો સહિયારો અવાજ સાંભળવા ફરજ નહીં પાડીએ, તો આપણી નિષ્ક્રિયતાનાં વરવાં પરિણામોના જવાબદાર બીજા કોઈ નહીં, પણ આપણે પોતે જ હોઈશું. (નાગરકર, ૨૦૧૫ : ૫ પાનું ૪ અને ૫)”

“વાત એ છે કે કોઈ પણ કૃતિની પ્રાસંગિકતા અને પ્રસ્તુતતા સાબિત/સાબૂત કરવાનું કામ વાચકનું છે, નહીં કે સર્જકનું.”(પાનું ૬)

“સર્જકનું કામ ગર્ભાધાનનો ઉત્તરોત્તર ઘટતો સમય સંભાળવાનું છે. ગર્ભાધાનનું રૂપક એટલે કૃતિના સર્જન માટે હેત, વાત્સલ્ય, કાળજી અને પોતાપણાનાં સંવેદનોને ઉજાગર કરવાનો છે.”

(આ પછી પ્રસ્તાવનાકારે આજના ડિજિટલ અને માર્કેટિંગયુગમાં ખેલાતા ખેલોની લાંબી પ્રસ્તાવના લખી છે, જેમાં તથ્ય છે.)

“લેખક કે સર્જકને માનઅકરામની અપેક્ષા ન હોય તેવા જૂજ તો હોય છે. કોલાટકર એમાંના એક હતા. તેઓ દુર્લભ, વીરલ અને ઉત્કૃષ્ટ સર્જક હતા. એમને પોતાનું સર્જન પ્રકાશિત કરવા બાબતે ઘોર ઉદાસીનતા હતી જે અરુંધતી રૉયમાં પણ જોવા મળે છે.”(પાનુંઃ ૬)

અહીં હેમાંગ પ્રશ્ન કરે છે અને જવાબ પણ શોધે છે કે કોલાટકર કે અરુંધતી પોતાનાં પુસ્તકપ્રકાશન માટે શા માટે વીસ-વીસ વર્ષની રાહ જોઈ શકે છે. કોલાટકરે ક્યારે ય પોતાના સર્જનના પ્રકાશનની ફિકર ન કરી. (એમના અંગત મિત્રો .. વ.પાનું ૮) એની સામે આજકાલ લોકોની માનસિકતા વિશે લખે છે કે માનઅકરામ, વિદેશમુસાફરી, જાહેર કાર્યક્રમો માટે કેવી મહેનત કરાય છે. અન્યાય, શોષણ સામે બડી-બડી ડિંગ હાંકે, પરંતુ લાભ મળે કે એમના હાથમાંથી લાકડી છૂટી જતી હોય છે! આવા સમયે પોલિટિકલી કરેક્ટ ભાષા લાવતા કપટી સર્જકો લોટી આવતા હોય છે. (પાનુંઃ ૮)

ત્યાર પછી કોલાટકરની કૉન્ટ્રેક્ટ વિશેની અવઢવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોલાટકર કે અરુંધતીને બીજા પુસ્તક દ્વારા લાભો મેળવવાનો મોકો  નહીં મળ્યો હોય, આ પ્રશ્ન હેમાંગ કરે છે અને લખે છે કે કોલાટકરે આખી જિંદગી પોતાની પત્ની સુનુ સાથે પ્રભાદેવી, મુંબઈના એક રૂમના એપાર્ટમેન્ટમાં કાઢી. જગ્યાના અભાવે કોલાટકર પુસ્તકો મિત્રોને ત્યાં મૂકી આવતા. આજે હવે એ પુસ્તકો ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કોલાટકર શેલ્ફમાં ઉપલબ્ધ છે. આ વાત પછી હેમાંગ પૂછે છે કે આ સર્જકો કેવી રીતે લોભામણી, ચમકતી, દમકતી દુનિયામાં અડીખમ અને સફળ પ્રતિરોધક રહ્યા છે, અને પોતે જ જવાબ આપે છે કે કળા પ્રત્યેની એમની અખંડ, અવિભક્ત પ્રતિબદ્ધતા. કોલાટકર પ્રકાશનથી વેગળા રહી શકતા એનું કારણ પોતે કવિતા સાથે લાંબો સમય જીવતા એ હતું તેવું એ પોતે માનતા હતા. (પાનું ૧૦) તેઓ પોતાની કૃતિને વારંવાર મઠાર્યા કરતા. ‘કાગડો’ કાવ્ય એવી સર્જનપ્રક્રિયાનું ઉદાહરણ છે. (અહીં હેમાંગે ચીવટાઈ શબ્દ વાપર્યો છે, પણ મૂળ શબ્દ ચીવટ જ છે. પાનું ૧૦) કાગડાનો માળો બાંધવા પસંદ કરવા માટેની સળકડી શોધવાનો ખંત, ચીવટ, ચાનક અને તકેદારી હોય છે એ જ ખંત, ચીવટથી કોલાટકર કાવ્યસર્જન કરે છે. એમના બહોળા સમુદાય માટે નહીં પણ ખુદમાં અને નિકટવર્તી વર્તુળ વાંચે એમાં  જ રસ હોય છે. સર્જન પછીની સંતુષ્ટ, નિરાસક્ત તૃપ્તિ એ જ કાવ્યનું પ્રયોજન. અપરિગ્રહની, વિભાવનાનો રણકો. કોલાટકરની અભિવ્યક્તિની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને ભાવક-ઉપભોક્તાના નિયંત્રિત અને અનિયંત્રિત બજાર વિશે બોર્ડયૂના સાંસ્કૃતિક ઉત્પાદનના પિષ્ટપેષણને અહીં સ્થાન મળ્યું છે કે આ સર્જકો ફક્ત ને ફક્ત પોતાની નિસબત, કલાની સ્વતંત્ર અને સ્વાયત્ત અભિવ્યક્તિને વફાદાર રહે છે. સામી બાજુના સર્જકો બજારના તર્કશાસ્ત્ર, વિચારધારા, સત્તા અને મહત્તાના રાજકારણને ધ્યાનમાં રાખે છે. કોલાટકરનો મોટા પ્રકાશકોની માનસિકતા સાથે મેળ ખાતો નથી. કોલાટકરને એમની પ્રોડક્ટની વિભાવનામાં રસ નથી. સામે પ્રકાશકોને નિસબત, સ્વતંત્રતા, સ્વાયત્તતા જેવી બાબતોમાં રસ નથી! કોલાટકર એવી જમાતના સભ્ય છે, જેમને પોતાની ખુમારી છે, સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટેની જીદ છે. એમને સીધા સંઘર્ષમાં ઊતરવાની ફાવટ છે, એટલે અરુંધતી અને કોલાટકરના મિજાજનો મેળ રહે છે. એમને માનવીય મૂલ્યોના જતનમાં રસ છે, એમને અસંદિગ્ધ ભાષામાં અન્યાય, વિષમતા, શોષણ વિશે લખવા-બોલવાની ફાવટ છે. જેમ કે કોલાટકર (ડેવિડ સસુન, પાનું ૨૧૫) લખે છેઃ

“જાનથી પણ વહાલા શહેરની
આસ્તે-આસ્તે થઈ રહેલી તબાહી.”

આ પંક્તિ સાંપ્રતસમયને કેટલી બધી અનુરૂપ છે અને વાસ્તવિકતાને સુપેરે વ્યક્ત કરે છે!

અહીં ફરી હેમાંગ કોલાટકર અને અરુંધતીની તુલનાત્મક સમીક્ષા કરે છે. એ સ્વીકારે છે કે કેટલાક ભાવકોને વખતે એ ન ગમે, કારણ કે અરુંધતી અન્યાયો વિરુદ્ધ પ્રત્યક્ષ જનઆંદોલનો સાથે સંકળાયેલાં છે, જ્યારે કોલાટકરની હાજરી નહીંવત્‌ છે. છતાં બન્નેને જોડે છે તે સામાજિક નિસબતને પોતાની સાહિત્યિક અભિવ્યક્તિમાં ઉજાગર કરવાની પ્રતિબદ્ધતા.

વિવિધ ઘટના સમયે કોલાટકરના ‘મૌન’ વિશે વિશદ ચર્ચા પછી ફરીથી હેમાંગ ‘કાલાઘોડા પોએમ્સ’ વિશે લખે છે તે પહેલાં નુક્તેચીની કરે છે કે પ્રવર્તમાન અસહિષ્ણુતા અને સેન્સરશિપના કારણે કોલાટકરને પોતાની કૃતિઓના પ્રકાશનમાં ખાસ રસ રહ્યો નથી. જેઝુરીના પ્રકાશન પછી જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે કવિ ઉદાસીન રહ્યા હોય એમ બને. વિવાદો, કોર્ટકેસ, ઉધામાના કારણે કવિ ઉદાસીન રહ્યા હોય પણ સર્જનકાર્ય તો અવિરત ચાલુ રાખ્યું. એમણે પ્રકાશનની જવાબદારી મિત્રો અને ભાવકો પર છોડી અને અશોક શહાણેને કહેલું કે તારે કદાચ ‘બલવંત બુઆ’ને પ્રકાશિત કરવા ત્રીસેક વર્ષની રાહ જોવી પડે કે જ્યારે આ અસહિષ્ણુતા થોડી નરમ પડી હોય! કોલાટકરની ‘બલવંત બુઆ’ એ એવો સબલટર્ન અભ્યાસ છે કે જે બૉમ્બેનો છૂપો ઇતિહાસ છે. એક માણસે કરેલી જાતીય વર્તણૂક અને જીવનમૂલ્યોની મોજણી છે.વર્ષો સુધી કોલાટકરે આ જીવનકથાનું દસ્તાવેજીકરણ કરવા માટે સાધના કરી છે.

આ સાથે કોલાટકરના સમગ્ર કાવ્યસંગ્રહના પ્રકાશન અને કાલાઘોડાના ગુજરાતી અનુવાદમાં ગયેલી સમયાવધિ વિશે હેમાંગ લખે છે કે રાહ જોવી એ કોલાટકરનો સ્વભાવ હતો. અને કદાચ મારો પણ એવો જ ભાવ છે. ગુજરાતી અવતરણનો આ જ સમય નિયતિને મંજૂર હશે એમ માનવામાં મોટું જોખમ નથી. અહીં હેમાંગ આધુનિકવાદ, આધુનિકતા, આધુનિકીકરણ અને બૉમ્બે-મુંબઈ વિશે વિશદ ચર્ચા કરી કોલાટકરની સંકલ્પનાઓમાં રહેલા ગર્ભિત વિવાદ અને જટિલતાને ઉજાગર કરે છે.

પછી એ અનુવાદની પરંપરાગત વિભાવના અને નૂતન પરિમાણોની વિશદ ચર્ચા કરે છે. સાથે કોલાટકરના તુકારામને સંબોધીને લખાયેલા કાવ્યને પ્રસ્તુત કરી પ્રવર્તમાન પરિસ્થિતિનું  શબ્દાંકન કરે  છે.

ત્યાર પછી હેમાંગ કૉલોનિયલ-પોસ્ટ કૉલોનિયલ પ્રવાહની ચર્ચા કરી કોલાટકરના પ્રદાનને મૂલવે છે. સાથે કૉસ્મોપોલિટનનો અર્થધ્વનિ બે રીતે પ્રગટ કરતા લખે છે કે એક અર્થ મુંબઈ જેવા શહેરમાં વસતો સમુદાય જે ધર્મ, સંપ્રદાય, વર્ગ, વર્ણ, જાતિના ભેદભાવ વગર શાંતિથી રહે છે, જે મધ્યમવર્ગ છે, તો બીજો અર્થ સ્વ અને આંતરદ્વંદ્વને પ્રગટ કરે છે.એને બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં યુરોપિયન ઓલ્ટર ઇગો સુધી લઈ જઈ યહૂદી કલાકાર અને બુદ્ધિજીવી વગર યુરોપિયન કૉસ્મોપોલિટનનું પોત શું હોય તે દર્શાવવાની કોશિશ સાથે યુરોપિયન મૉડર્નિટીની વાત પણ કરે છે. અલ્પસંખ્યકની સભાનતા પણ અહીં અભિપ્રેત છે. અહીં હેમાંગ પોતાના, ચૌધરીના અને અન્ય વિદ્વાનોના મંતવ્યને પણ પ્રમાણી વિશદ ચર્ચા કરે છે. તેનું મૂળ છેવટે ઓળખની કટોકટી અને બેઘરપણું, અનિકેત, રોજિંદી ભાષા ભમતારામ સુધી અને સમાંતર બોહેમિયન સંસ્કૃતિના પરિચય સુધી પહોંચે છે, જેને માત્ર ને માત્ર સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે જ નિસબત છે. પછી બિટનિક કવિઓ અને બોહેમિયનના સંબંધને વર્ણવી મૉડર્નિટીનું વર્તુળ પૂરું કરે છે. જે કવિને  પોતીકાપણાથી લઈ સાંસ્કૃતિક મૂળિયા સુધીની ખોજ તરફવાળી સ્વથી સમષ્ટિ સુધી વિચારી સર્જન માટે ઘડતર કરે છે, એટલે જ કોલાટકર પોતે મનપસંદ કવિઓની વાત કરે છે, ત્યારે વિશ્વભરના કવિઓ સાથે નામદેવ અને તુકારામને પણ જોડે છે. એમનું વાચન બહોળું, ગહન અને વૈવિધ્યસભર પણ છે. અહીં હેમાંગ કોલાટકરના દ્વિભાષી સર્જનની વાત કરી તેઓ કેવી રીતે મૌલિકતા અને અનુવાદના અરસપરસ સંબંધોનો છેદ ઉડાડી મરાઠી-અંગ્રેજીમાં એક જ કૃતિનું સર્જન કરી પોતાની નિર્બંધતાનો પરિચય આપે છે, તેનું વિવરણ કરે છે. તો અન્ય ભાષાની કવિતાઓને આત્મસાત્‌ કરી એનું નવસર્જન કરવાની હથોટીનો અણસાર પણ અહીં મળે છે, જેમ કે ઝેકીનાં કાવ્યો. તો વાનગીઓનો શોખ પણ એમને વિવિધ રેસ્ટોરાંથી ભોજનાલયોની મુલાકાતથી કાલાઘોડાના શિરામણનું કાવ્યસર્જન કરવા સુધી લઈ જાય છે. જે કૉસ્મોપોલિટન જીવનને અલગ અંદાજે વર્ણવે છે, તો ભૂખ અને ભોજનનાં સત્યને પણ કલાત્મક રીતે ઉજાગર કરે છે. પરિભ્રમણ, સ્થાપિત, વિસ્થાપિતની પ્રક્રિયાને વર્ણવતાં કાવ્યો સાથે પોતાનું એક રૂમના ઍપાર્ટમેન્ટમાં રહી જાળવેલું અસ્તિત્વ અને એના વૈશ્વિક સંબંધનો અનુબંધ જાળવી રાખી મૉડર્નિઝમ સાથે કાવ્યાત્મક અભિવ્યક્તિ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન થયો છે, તો નવરાધૂપ બની રખડપટ્ટી કરી વર્તમાન નીરખી અલગારી આવિષ્કારની રીતને પણ ઉજાગર કરી છે. ટોળામાં રહેવું અને અલિપ્ત રહેવું અને સઘળું નવ્યદૃષ્ટિથી જોવું – માણવું અને સર્જવું આ બધાં કોલાટકરની સર્જકતાનાં અભિન્ન અંગ છે. હેમાંગ આ બધાં પાસાંને કાલાઘોડાનાં કાવ્યોમાં તપાસવાનો ઉદ્યમ પણ કરે છે.

તો બીજી બાજુ શહેરમાં હાંસિયામાં ધકેલાયેલા, ઘરવિહોણા, વતનવછોયા, ઇતિહાસવિહોણાં, અસ્તિત્વવિહોણા જીવોની અવદશા માટે સંસ્થાકીય રાજકારણને જવાબદાર ઠેરવે છે. આ કાવ્યો બોદલેરના આધુનિક ઘોષણાપત્રનું આબેહૂબ મૂર્તરૂપ છે. એ આ તરછોડાયેલાની વ્યથાકથા અને વાસ્તવને હળવાશ સાથે હૂબહૂ વર્ણવી શકે છે. જેઝૂરી અને કાલાઘોડા પોએમ્સમાં તળથી તળિયે જઈ દેખાતી સૃષ્ટિનાં પાત્રોને મૂર્તિમંત કરે છે જેમાં જૂનું ટાયર પણ હોય અને ચરસ વેચનારી ડોશી પણ હોય, ઘરડી માછણો હોય અને જાહેર શૌચાલયની અટેન્ડન્ટ પણ હોય. કાગડો હોય તો તરબૂચ, ચકરડી, બટાકા છોલનારા પણ હોય. એમને કોઈ પણ વિષય અસ્પૃશ્ય ન હતો. શહેરની ગંદકીને નવેસરથી પરિમાણ આપતા એ શહેરને ગૂ-નગર પણ કહી શકે છે, તો એને દહેજમાં આપેલો ગૂખાડીનો ઘચૂમલ પણ કહી દે છે. શહેર અને તળમાં બોલાતી અનેકાનેક બોલીઓને કાવ્યમાં પ્રયોજી એને સ્થૂળથી અધ્યાત્મચિંતન સુધી લઈ જઈ શકે છે, એટલે જ કચરાને તરછોડાયેલા જનસમુદાય સાથે જોડી શકે છે. દલિતોને સામાજિક ન્યાય માટે રાહ જોતા સમૂહના સ્તરેથી એમને સંકુચિત રાજકારણના ભોગ બનતા સમૂહની માનસિકતા સુધી વર્ણવી શકે છે. એમને વસાવતું એ શહેર જે-જે સંઘરી બેઠું છે તેની અરસપરસની નિર્ભરતા અને ઉદાસીનતાને પણ કવિ શબ્દાંકિત કરી શકે છે. ફાવેલા અને ન ફાવેલા, મેળવી ગયેલા અને મેળવવાની રાહ જોનારા, નગણ્ય અને ગણાયેલા વચ્ચેની ખાઈ છતાં એમના વિનાનું જીવન કેવું અસહ્ય હોય છે, તેની કડવી વાસ્તવિકતા એમનાં કાવ્યોમાં સતત વણાતી રહી છે.

એ સમજવા માટે એક જ કાવ્ય બસ થઈ જશે … (પાનું : ૬૧)

‘આંધ્રપ્રદેશના બંદાનગરમાં કે પછી
ભારતના કોઈ પણ ખૂણે,
તેર ઊંચી જાતના હિંદુઓ
ચાર દલિતોને
અબ્બીહાલ
માનવવિષ્ટા,
સીધેસીધું કહું તો
ગૂ
ખાવા મજબૂર કરી રહ્યા છે.
કારણ પૂછો તો કે’કે
બીજું કંઈ નહીં એ કે
જમીનદારના જુવારનાં ખેતરોમાં
એમણે રેઢાં મૂક્યાં ઢોર.”

(કાળાઘોડા, શિરામણ વેળા, પાનું ૧૬૦-૧૬૧)

બ્રાહ્મણવાદી-મનુવાદી માનસ અને તેનો છેદ ઉડાવી અરસપરસ આક્ષેપ-પ્રતિઆક્ષેપ, આક્રોશ-આક્રંદ, ધ્વંસ-વિધ્વંસના સર્જનની ક્રિયા-પ્રતિક્રિયા પણ હવે તો પરંપરાગત વલણ-લઢણ બની રહી છે. એટલે જ દલિત, નારીવાદી, આદિવાસી, ડાયસ્પોરા એવા ચોકા રચી સાહિત્યસર્જન થઈ રહ્યું છે. આ મુદ્દાની વિશદ છણાવટ હેમાંગે પોતીકી રીતે અને અન્ય વિદ્વાનોનાં મંતવ્ય લઈને કરી છે. તો પણ એટલું તો લખ્યું જ છે કે કોલાટકર મુંબઈની બહુરંગી ઓળખને ડાઘિયા, દલિત, બૉમ્બે જેવી સંજ્ઞાઓમાં પરોવી વિવિધ સીમાઓ વચ્ચેનું  પોએટિક કન્ફ્યુઝન ઊભું કરી ફરી સમરસતા, સરોકાર અને સહવાસની વૈકલ્પિક માનવીય ફિલસૂફીને વાચકો સમક્ષ મૂકે છે. આધુનિક ભારતીય સમાજમાં ઘરની સંકુચિત, કૃપણ સંકલ્પના હવે મુખર બની રહી છે અને એ કડવું સત્ય છે. અરીસાની દીવાલોવાળા આપણા વૈચારિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઘરમાં આપણે ફક્ત પોતાની જ છબી જોવા માટે તૈયાર અને ટેવાયેલા છીએ અને ઘરની જડબેસલાક કિલ્લેબંધી કરી રહ્યા છીએ. નગણ્ય, નિરાશ્રિત, નિર્વાસિત, પરાશ્રિત, દલિત, દરિદ્રનું અહીં સ્થાન નથી. (પાનું ૬૯) કોલાટકર વધતી જતી જાહેર જગ્યાના વ્યવસ્થાપકને સમાજના અન્યને તડીપાર કરવાની કે પતાવી દેવાની મંશા સાથે સંકલિત કરે છે તે બૉમ્બે જેવા શહેરના સંદર્ભે અત્યંત પ્રાસંગિક છે. પછી એને રમખાણોની પશ્ચાદભૂમાં તપાસાયેલ કારણોની વાતથી લઈ કૉસ્મોપોલિટન, મેટ્રોપોલિટનની વાસ્તવિકતાનું વર્તુળ પૂરું કરી મુદ્દો સમજાવવાનો પ્રયાસ દેખીતો બની રહે છે. કોલાટકરની કવિતાઓમાં કચરો-ઉકરડો અને વિસ્થાપિતો-નિરાશ્રિતોની શરણાર્થી છાવણીઓની કડવી, કરુણ વાસ્તવિકતા છતી થાય છે. (શર્મા ૨૦૧૭; સાગર ૨૦૧૭/ પાનું : ૭૦) તો એવો જ અમદાવાદનો જુહાપુરાનો જેફરલાટ અને લાલીવાળાના અભ્યાસનો ઉલ્લેખ પણ હેમાંગ ચૂકતો નથી, જેમાં એ સ્થળો હવે સ્થાનિક બોલીમાં ‘વાઘાબૉર્ડર’ કે ‘પાકિસ્તાન’ના પ્રતિરૂપ ગણાય છે, જેને ઘેટો પણ કહેવાય છે.

પછી પૂરું વિવરણ નફરત, ઘૃણા, દ્વેષના રાજકારણની ચર્ચાથી લઈ એના શમનનો ઉપાય હવે કોની જવાબદારી પર વાત આવીને ઊભી રહે છે અને છેવટે એ આપણી સહિયારી જવાબદારી છે અને એ જ સાચી આસ્તિકતા છે તે સમજાય છે. એનું ઓસડ છે શબ્દ જે ખોવાયો છે પણ નામશેષ થયો નથી. (પાનું ૭૬) છતાં એ હવે કોઈને સ્પર્શતો જણાતો નથી. હવે જે વિમાસણ કે ફિકર છે તેઓ કે સંવેદનશીલ, સમજુ, શાણા બુદ્ધિજીવીઓ ચૂપ થઈ રહ્યા છે કે એમને ચૂપ કરવામાં આવી રહ્યા છે.

(વિલિયમ બકલીને નામ ચોમ્સ્કીએ આપેલી મુલાકાતમાં વિયેટનામ યુદ્ધ પછી આચરાયેલા વૉરક્રાઇમ્સ સંદર્ભે કહેલી વાતનો સૂર : પાનું ૭૮) આપણી રોજબરોજની બોલી અને માનસિકતાનો સંદર્ભ સમજવો જરૂરી છે. એલન ગિન્સબર્ગનું અવતરણ ટાંકીને હેમાંગ કાલાઘોડા પોએમ્સ સંદર્ભે એ મુદ્દો સમજી શકાય તેવી છણાવટ કરે છે. અનુવાદકાર્ય અને માનવભક્ષણનો ઉપક્રમ પણ હરીશ ત્રિવેદી અને સુસન બેસનેટના પોસ્ટ કૉલોનિયલ ટ્રાન્સલેશનના વિવરણ (૧૯૯૯) થકી સમજાવે છે. (પાનું ૮૦) તે જ રીતે ભાષા, માતૃભાષા, બોલી અને ભારતીય વાસ્તવની ચર્ચા માટે તો વાચકે પુસ્તકની પ્રસ્તાવનામાં ઊંડું ઊતરવું જોઈએ.

મને જેણે વધારે અસર કરી છે, તે કોલાટકરનો અડ્ડો હતી અને પછી તોડી પાડવામાં આવી તે રેસ્ટોરાં – વે સાઇડ ઇન, જે.જે. સ્કૂલ ઑફ આર્ટ અને જહાંગીર આર્ટગૅલેરી અને કાલાઘોડાનાં વિવિધ સ્થાનો, જ્યાં કલાકારો, બુ્‌દ્ધિજીવીઓનો અડ્ડો રહેતો, તે વિષયક અણસાર.

અહીં હું કેટલાંક મને સ્પર્શેલાં કાવ્યોની પંક્તિઓ નોંધીશ, જેનું વિવરણ કે અર્થઘટન ઉપર્યુક્ત આલેખનમાં હશે જ, એટલે ફરીથી એ વિશે વિવરણ નહીં કરું.

* હેમાંગે જે અનુવાદ કર્યો તેમાં બોલીપ્રયોગ છે એ દક્ષિણ ગુજરાતનો નથી. આ બોલી-પ્રભુત્વ દાદ માંગે તેવું છે પણ એ ભાઠલી / અનાવિલ બોલી નથી તે નોંધવું રહ્યું. જે મને તો સમજાઈ નથી, એટલે એ કાવ્ય તો હેમાંગે જે વિવરણ કર્યું તેમાં માણ્યું, બાકી ઉપર ગયું! ફક્ત “ચાલુ  દાડે તો, એ લાગઅ બસ એક પારકિંગ પલોટ, પચ્ચી ગાડીયોની ગમોણ હમજી લો.” હમજાયું કે ગૅરેજ નહીં ગમાણ. અને ડાઘિયાનું ચિત્ર તો ગઈમું જ. (પા ૯૦) કાશ! આ કાવ્ય દક્ષિણ ગુજરાતની બોલીમાં હોત! હેમાંગ હાથે ઓરખાણ કાડતી વખતે એણે વૉટ્‌સએપ પર લખેલું, “kala Ghodana Daghia jevo chhe maro itihas”. મને વિચાર આવ્યો કે ક્યાંક બધાંનાં  જ ઇતિહાસને એકાદ લિસોટો ડાઘિયા કૂતરા કે લાલી કૂતરી જેવો હોતો નથી?

* મને ધ્યાનાકર્ષક લાગેલાં કાવ્યો છે પરમેશ્વરી, મીરાં, કાગડાને, ચકરડી, સાઇકલનું જૂનું ટાયર, કેરોસીન, ચરસની ગોળીને, ચોકડીની ઉઘાડપગી રાણી, કાળાઘોડા, શિરામણ વેળાનાં કુલ ૩૧માંથી કેટલાંક કાવ્યો,

* મીરાં ૨ માં “પેલું સરકારી તો બળ્યું સાવ બરડ ને જડ. આ ભાયડાઓને કો’જાણે કેમ વધારે ફાવે એય મૂઆ એવા જને? અડિયલ ને અક્કડ.” (પાનું ૧૦૪ : વાત ઝાડુની છે.)

*  પરિણામ એ કે જેટલું વધારે સાફ કરો બૉમ્બે, એટલું જ વધારે સાફ કરવાનું રહે બૉમ્બે.(પાનુંઃ૧૦૮)

* પ્રભુ સમક્ષ નાચતી મીરાં, કેવું રૂડું નમણું! એકતારો નથી. હાથમાં ઊભી ઝાડુ ઝાલી, આલી રે આલી મીરાં ઝાડુવાલી (પાનુંઃ ૧૦૮)

પગેથી કચરો ગૂંદીગૂંદીને અંતે ચાટે પગનાં તળિયાં અને તરડાયેલી કમાન. મલ્હમ ચોપડે આંટણો પર અને ફૂટી નીકળે આંગળાં વચ્ચેથી વ્યથાના ઝરા સમાન. (પાનું ૧૧૦) કેવી કથા ને વ્યથા!

* સાઇકલનું જૂનું ટાયર : “ના પાડવો હોય ફોડ, તો રાખો મોઘમ. પણ વિચારજો કોઈ દિવસ, મારી ઉંમરે આપની પાછળ પડ્યા હશે, કેટલાક દિલફેંક મજનુ, માય ડિયર મેડમ? (પાનું ૧૩૫)

* કેરોસીન : “ઊપડી એ તો સટાક, એક પરજીવી એની ભઠ્ઠીમાં પણ છે, ઉભાર પરથી સાતેક મહિનાનું લાગે છે. હજી તો વીસનીય નથી થઈ, પણ લાલની સગર્ભા રાણી, લાગ આવે તો દોડે જાણે મૃગલી. (પાનું ૧૪૦)

* ચરસની ગોળીનું તો પૂરું કાવ્ય જ અહીં મૂકવા જેવું છે, એટલે વાંચવાની જ ભલામણ, કારણ કે હવે લેખનું કદ વધી જાય તેમ છે. તો પણ ટૂંક સાર. અફઘાન ખેતરમાં ઊગી અનેક વિટંબણાનો સામનો કરી કૅર વુમન પાસેથી મૂળ ચરસી સુધી પહોંચનાર ચરસની ગોળીની યાત્રાનું વર્ણન અને કૅરિયરવુમનનો મનોવ્યાપાર! (પાનું ૧૪૭)

* ઉંદરમારની જમણવેળામાં – કાવ્યમાં યાદ આવે છે એને :

યાદ છે એને ચાની કુલડી લઈને બેઠેલા એકલ બાબાસાહેબ, કંઈ કેટલાય કાગળ પર

નાચતી નીડર પેન્સિલ થકી નાતજાતથી પર અવિભક્ત સમાજનું સપનું જોતાં આંબેડકર (પાનું ૨૦૪)

પંક્તિ સ્વયંસ્પષ્ટ છે.

*બસ વિવશ આંખે જોયા કરું છું, જાનથી પણ વ્હાલાં શહેરની તબાહી.(પાનું ૨૧૫)

* મેન ઑફ ધ યર (કાવ્ય ૫)

એક કૅલેન્ડરયર તરીકે તો બાકી આપણે ખાસ ઉકાળ્યું નંઈ
એટલે ઇતિહાસમાંથી બાદબાકી પાકી.
ન કોઈ ક્રાંતિ, ન યુદ્ધ, ના નરસંહાર,
કે ન કોઈ આપદા, કુદરતી કે અન્યથા,
રાખવું હોય તોયે કેવી રીતે રાખે યાદ. (પાનું ૨૨૪)

* બીજી બાજુ, એક છે સારા સમાચાર
સ્કૂલનાં છોકરા-છોકરીઓને થયો હાશકારો,
મને યાદ કરવાની ભાંજગડમાંથી મળ્યો છુટકારો.(પાનુંઃ૨૨૫)

શિક્ષણમાં રહેલી વ્યર્થતા પર સીધું નિશાન.

સાચું લખું તો મને કાલાઘોડા કાવ્યોમાંથી પસાર થવું યોગ્ય લાગ્યું છે તો પણ હેમાંગની પ્રસ્તાવના વધારે અસરકારક લાગી છે. એમાં જે સમજ વ્યક્ત થઈ છે, તેના કારણે કાવ્યો વધારે સારી રીતે સમજવાનું દિશાદર્શન સાંપડ્યું છે. કોલટકરના સર્જનમાં સમાજનું વિરૂપ/ કુરૂપ પાસું નજરે ચડે છે. કચરો/ગંદકી, નગણ્યવર્ગની વિડંબના અને વાસ્તવિકતા, એમનું જીવન અને  જીવનશૈલી, એમની બોલી અને અભિવ્યક્તિ, આ કઢંગા, વિવશ, લાચાર જીવનનું વિશ્વરૂપદર્શન, સ્ત્રીઓની દશા-અવદશા – એમની નિજી કથાવટ અને રસ્તા શોધવાની મથામણ, હોશિયારી કે ચાલાકી, સભ્ય સમાજની ઉદાસીનતા, સ્વકેન્દ્રિત વલણ પર પ્રકાશ પાડવાની કોશિશ મુખરિત થઈ છે. એમાં કડવું સત્ય જે રીતે બોલકું બની ગયું છે, તે ક્યાંક મને તો કઠે છે, પરંતુ જેઓ સતત આ જ જુએ છે, વિચારે છે, જીવે છે અને એને મુખર કરવા મથે છે, તેમની અભિવ્યક્તિનું  સ્વરૂપ આવું જ હોય એમ હું તો સ્વીકારું છું.

સમાપનમાં મારે મારો અને હેમાંગનો સંબંધ શું છે, તે વિશે રજૂઆત કરવી જ પડશે, તેથી હું મારી નિસબત પ્રગટ કરી શકીશ. હેમાંગનાં મૂળિયાં વલહાડ અને અનાવલા-ભાઠલાં હાથે (સાથે) ખરાં. એ છાયાનો ભાણજો થાય તેની તો મને છેક હમણાં ખબર પડી! આ બધાંથી ઉપર તો અમે અનુવાદની કોઈ ભૂમિકા પર પણ સંકળાયેલાં છીએ. હું કોઈ વ્યાવસાયિક કે અનુવાદનું શિક્ષણ લઈ બનેલ અનુવાદક નથી પણ મનમરજીની અનુવાદક છું ખરી. સાચું લખું તો જો મેં અનુવાદકલા વિશે લેખો વાંચ્યાં હોત, તો હું કદી અનુવાદકાર્ય કરતે જ નહીં! તે રીતે હું કોઈ વ્યવસ્થિત શિક્ષણ લઈને બનેલ કર્મશીલ પણ નથી. જો એમ કર્યું હોત તો મેં ક્યારેય પણ ‘અસ્તિત્વ’ની સ્થાપના કરી જ ન હોત! જે થયું તે સારું થયું કારણ કે તેથી જ હું કડછીકલેક્ટરમાંથી સીધી જાતજાતનું કાર્ય કરનાર કર્મશીલ, લેખિકા અને શેરીનાટક-નારીવાદી  નાટકો-રંગમંચની જે ગણો તે ચાહક કે સર્જક બની શકી. જો કે સૌથી વધારે આનંદ હેમાંગ સાથે સમાન વૈચારિક તંતુ જોડાયેલ છે તેનો છે. કેટલાક અનાવિલોની તાસીર રહી છે કે તેઓ જમીનદારી અને સત્તા સાથે જોડાયેલ રહેવા છતાં અતિ સંવેદનશીલ રહ્યા છે. એવી પંક્તિમાં મહાદેવ દેસાઈ, નારાયણ દેસાઈ, પદ્મા દેસાઈ, બટુકભાઈ દેસાઈ જેવાં લેખકોને હું જોઉં છું, તેમાં નવી પેઢીનો બુલંદ અવાજ હેમાંગ છે, સાથે એકલવીર છે, એવું મને દિલથી લાગે છે. હું આ ભાવાનુવાદને આવકારું તેમાં કોઈ આશ્ચર્ય નથી. ગુજરાતીમાં અરુણ કોલાટકરનો અરુણોદય વહેલોમોડો પણ કરાવવા બદલ હેમાંગને સાત દરિયા ભરીને ધન્યવાદ.

કાલાઘોડા કાવ્યોઃ અરુણ કોલાટકર – અનુવાદઃ હેમાંગ દેસાઈ – ક્ષિતિજ સંશોધન પ્રકાશનકેન્દ્ર – ઘાટકોપર(પૂર્વ ) મુંબઈ-૪૦૦ ૦૦૭

૫/૭/૨૦૨૦

(વિશેષ નોંધઃ અનાવિલ શબ્દો – વાક્યપ્રયોગોઃ બડફો(૨૦), ઠોયો(૪૯), લબાડ(૫૦), અબબ્બીહાલ(૬૧), ટાયલાં((૭૨), હું અતુ હાહરું ?, ( ૯૧) મેથી ના માર! (૧૨૮), ડો’વાઈ ઊઠે છે મારું પેટ (૧૩૩), સાંખલો- હાંખલો)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 11-14

Loading

1 December 2020 admin
← — અને જેનેટ કૂકે પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો …
બિહાર ચૂંટણીમાં ડાબેરી ઉભાર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved