Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પી.એમ. કેર્સ’ નિધિ : અપારદર્શિતાનો અને સત્તાના દુરુપયોગનો અદાલતમાન્ય ઉપક્રમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 September 2020

ભારતમાં કોરોના મહામારીનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં ‘પી.એ.મ કેર્સ’(PM CARES)નો વિવાદ મહત્ત્વનું પ્રકરણ હશે.

કોવિડ-૧૯ના આરંભે જ રચાયેલા ‘પી.એમ. કેર્સ’ = ‘પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન’ (PM CARES) નિધિમાં જે પ્રકારની ગોપનીયતા રાખવામાં આવી રહી છે, અને અપારદર્શિતા જોવા મળે છે તેને કારણે તે અનેક શંકાઓ અને વિવાદો જન્માવે છે. વડાપ્રધાનના પ્રમુખસ્થાને રચાયેલા આ કહેવાતા સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ્રની નોંધણી તા. ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ હેઠળ કરવામાં આવી. બીજા દિવસે સરકારી મીડિયા એજન્સી પી.આઇ.બી. (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) દ્વારા તેની જાહેરાત થઈ હતી.

વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રના ગૃહ, સંરક્ષણ અને નાણા ખાતાના કેબિનેટ મંત્રીઓને હોદ્દાની રૂએ ટ્રસ્ટ્રી તરીકે સામેલ કરતા ‘પી.એમ. કેર્સ’ની રચનાની ઘોષણા થઈ કે તુરત જ, સૌથી પહેલાં, તેમાં દાનની જાહેરાત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં, વડાપ્રધાનનો ટી.વી. પડદે અ-રાજકીય ઈન્ટરવ્યૂ  લેનાર, ફિલ્મી નટ અક્ષયકુમારે કરી ! અને તે પછી તો ધડાધડ દાનની જાહેરાતો થવા માંડી. સ્થાપનાના પહેલા પાંચ જ દિવસમાં ‘પી.એમ. કેર્સ’ને રૂ. ૩,૦૭૬.૬૨ કરોડનું માતબર ફંડ મળ્યું અને તેમાં દેશના જાહેર ક્ષેત્રના ૩૮ એકમોનો ફાળો રૂ. ૨,૧૦૫ કરોડ જેટલો મોટો હતો. અખબારી અહેવાલો હાલમાં પી.એમ. કેર્સમાં રૂ. ૬,૩૦૦ કરોડ જમા હોવાનું જણાવે છે.

પી.એમ.નો કે ‘પી.એમ. કેર્સ’નો પ્રભાવ એટલો કે સુપ્રીમ કોર્ટના તેત્રીસ જજોએ તુરત વ્યક્તિગત રીતે રૂ. પચાસ હજાર આ ફંડમાં જમા કરાવ્યા. સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રાર રાજેશકુમાર ગોયલે  સુપ્રીમ કોર્ટના વર્ગ-૧ના ગેઝેટેડ અધિકારીઓને ત્રણ દિવસનો, વર્ગ-૨ના અધિકારીઓને બે દિવસનો અને અન્ય નાના કર્મચારીઓને તેમના માર્ચ મહિનાના પગારમાંથી એક દિવસનો પગાર જમા કરાવવા પરિપત્ર કર્યો. તેમાં એમ પણ જણાવાયું હતું કે જે કોઈ પોતાના માર્ચ મહિનાના પગારમાંથી ‘પી.એમ. કેર્સ’માં ફાળો કપાત કરાવવા ના માગતા હોય, તેમણે ૩૧મી માર્ચની સવારે દસ વાગ્યા સુધીમાં જાણ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી વખતે અને જાહેર માધ્યમોમાં ‘પી.એમ. કેર્સ’ને બંધારણ સાથેની છેતરપિંડી કહેનારા સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ દુષ્યંત દવેએ પણ પચાસ લાખ રૂપિયાનું દાન ‘પી.એમ. કેર્સ’માં કર્યું છે ! દેશની કેટલીક અદાલતોએ જામીનની રકમ પી. એમ. કેર્સમાં જમા કરાવવા આદેશો કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ તા. ૧૩મી એપ્રિલ ૨૦૨૦ના રોજ ‘પી.એમ. કેર્સ’ વિરુદ્ધની એડવોકેટ એમ.એલ. શર્માની જાહેર હિતની અરજીને રાજકીય બદઈરાદાવાળી ગણાવી હતી અને જો તે પરત ન ખેંચાય તો વકીલને દંડ કરવાનું વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ‘પી.એમ. કેર્સ’ની કાયદેસરતા સામેની રીટ નકારીને આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં પ્રશાંત ભૂષણની સંસ્થા સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને કેટલાક નવા મુદ્દા સાથે સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી હતી. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં (૧૮મી ઓગસ્ટ ૨૦૨૦) તેની વિરુદ્ધમાં ચુકાદો આપીને તેના અગાઉના વલણની પુષ્ટિ કરી તેનાથી કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ.

વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષ

દેશમાં ૧૯૪૮થી વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ (પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ – PMNRF) અમલમાં છે. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ભાગલા પછીના વિસ્થાપિતોને મદદ કરવા તેની રચના કરી હતી. આ ફંડનો ઉપયોગ કુદરતી આફતો, અકસ્માત, દુર્ઘટના વગેરેમાં દેશવાસીઓને મદદ કરવા થાય છે. વર્તમાન સરકાર પણ અત્યાર સુધી તેનો જ ઉપયોગ કરતી હતી. ‘પી.એમ. કેર્સ’ની જેમ PMNRF પણ પબ્લિક ટ્રસ્ટ છે. આવકવેરા કાયદો, ૧૯૬૧ની ધારા ૧૨-એ હેઠળ ૧૯૭૩માં તેનું પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું હતું. ૧૯૮૫માં મેનેજિંગ કમિટીએ ફંડનો સંપૂર્ણ વહીવટ વડાપ્રધાનને સોંપ્યો હતો. ટ્રસ્ટમાં કૉંગ્રેસ પ્રમુખ ઉપરાંત તાતા કંપની અને ઉદ્યોગપતિઓની સંસ્થા ‘ફિક્કી’ના પ્રતિનિધિઓ ટ્રસ્ટ્રી છે. આ ફંડને પણ માહિતી અધિકારનો કાયદો લાગુ પડતો નથી અને તેનું કોઈ સરકારી ઑડિટ પણ થતું નથી.

છેલ્લા દસ વરસોમાં એટલે કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૮-૧૯ સુધીમાં વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષમાં રૂ. ૪,૭૧૩.૫૭ કરોડ જમા હતા. તેમાંથી રૂ. ૨,૫૨૪.૭૭ કરોડ જ ખર્ચ થયો હતો. અર્થાત્‌ ૫૩.૫૬ ટકા નાણાં જ રાહત પેટે અપાયાં હતાં. ભાજપ શાસનનાં પાંચ વર્ષ, ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯માં, આ ફંડમાં જમા રકમ રૂ. ૩,૩૮૩.૯૨ કરોડ હતી. તેમાંથી માત્ર ૪૭.૧૩ ટકા (રૂ. ૧,૫૮૪.૭૮ કરોડ) જ ખર્ચાયા છે. ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૩,૮૦૦.૪૪ કરોડ જમા છે.

વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષ પણ અપારદર્શી અને ગોપનીય છે. પરંતુ જ્યારે ઉત્તરાખંડમાં પૂરથી ભારે તબાહી થઈ ત્યારે આ કોષમાંથી જે ખર્ચ થયો, તેના હિસાબોના સરકારી ઑડિટનો તેણે સ્વીકાર કર્યો હતો. ‘પી.એમ. કેર્સ’ અને PMNRFના હેતુઓ લગભગ સમાન છે. જૂના કોષમાં મોટું ફંડ જમા છે, તેમ છતાં નવું ‘પી.એમ. કેર્સ’ ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું છે તે સમજવું અઘરું છે. જો કૉંગ્રેસ પ્રમુખ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષના ટ્રસ્ટી છે તેનો વાંધો હોય, તો ગયાં છ વરસોમાં કૉંગ્રેસ-પ્રમુખના ટ્રસ્ટી હોવાના કારણે આ ટ્રસ્ટના વહીવટમાં સરકારને શું મુશ્કેલી પડી તે જાહેર કરવું જોઈએ.

નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ ૪૬(૧)માં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) નામક એક રાહત ફંડની રચનાની જોગવાઈ છે. રાષ્ટ્રીય આફતના ટાણે રાહત પહોંચાડવાનો તેનો ઉદ્દેશ છે. સંસદના કાયદાથી તેની રચના થઈ છે. તે સરકારી ફંડ હોવાથી તેના હિસાબોની આર.ટી.આઇ. હેઠળ માહિતી માગી શકાય છે અને તેનું ઑડિટ પણ ‘કેગ’ કરે છે. આ કારણથી આ ફંડ વધુ વિશ્વસનીય છે. તેના હિસાબોની માહિતી જાહેર કરવી પડે છે અને સરકારી ઑડિટના નિયમો તેને લાગુ પડે છે. તેથી ‘પી.એમ. કેર્સ’ જેવા અપારદર્શી નિધિ કરતાં NDRFમાં દાન કરવું વધુ સલામત, યોગ્ય અને વિશ્વસનીય છે.

પરંતુ આવી માગ ઊઠી ત્યારે જ દેશને જાણવા મળ્યું કે પંદર વરસ પહેલાં રચના થયા છતાં કેન્દ્રની યુ.પી.એ. અને એન.ડી.એ. સરકારોએ NDRFની વિધિવત્ રચના જ કરી નથી ! તેને થોડું સરકારી ફંડ મળતું હતું. પરંતુ લોકો પાસેથી કોઈ ડોનેશન મળે તેવી વ્યવસ્થા જ સરકારોએ આટલાં વરસોથી ઊભી થવા દીધી નહોતી. હવે છેક જૂન મહિનામાં ભારત સરકારે NDRFનું બજેટ હેડ માગ્યું છે અને દાનની પ્રક્રિયાને મંજૂરી આપી છે.

પી.એમ. કેર્સ

બિનસરકારી PMNRF અને સરકારી NDRF જેવાં બે રાહત ફંડ અસ્તિત્વમાં હોવા છતાં ‘પી.એમ. કેર્સ’ નામક નવું જાહેર ધર્માદા ટ્રસ્ટ કોરોના મહામારીના આરંભે ઊભું કરવામાં આવ્યું ત્યારે તેની જરૂર કેમ ઊભી થઈ તે બાબતે ભારે ઊહાપોહ થયો હતો. ‘પી.એમ. કેર્સ’ની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, તેની રચનાનો ઉદ્દેશ કોઈ પણ પ્રકારની આપાતકાલીન – કટોકટી કે સંકટની સ્થિતિને પહોંચી વળવા સમર્પિત રાષ્ટ્રીય નિધિની જરૂરિયાતને ધ્યાનમાં લઈને, તેનાથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવાનો છે. સંકટની સ્થિતિ, કુદરતી હોય કે બીજી, તેનાથી પ્રભાવિત લોકોની પીડા ઓછી કરવા, પાયાની માળખાગત સુવિધાઓ અને ક્ષમતાઓને થયેલું નુકસાન નિયંત્રિત કે ઓછું કરવા માટે આ ફંડમાં મળેલાં નાણાનો ઉપયોગ કરવાની નેમ પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે.

વડા પ્રધાન કાર્યાલયના સરનામે ‘પી.એમ. કેર્સ’ની નોંધણી થઈ છે. તા ૨૩ એપ્રિલ, ૨૦૨૦ની ટ્રસ્ટ્રીઓની બીજી બેઠકમાં જુદાં જુદાં ક્ષેત્રોની ત્રણ વ્યક્તિઓનો સમાવેશ ટ્રસ્ટ્રી મંડળમાં કરવાની સત્તા વડા પ્રધાનને આપવામાં આવી છે. આ બેઠકમાં વડા પ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ તેના વહીવટમાં માનદ્ સેવા આપશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. ’પી.એમ. કેર્સ’નો સમાવેશ માહિતી અધિકારના કાયદામાં થતો નથી અને અગાઉ જણાવ્યા પ્રમાણે, તેનું સરકારી ઑડિટ સંસ્થા ‘કેગ’ મારફત ઑડિટ કરાવવામાં આવતું નથી. ત્રણ વરસ માટે ‘પી.એમ. કેર્સ’નું ઑડિટ ખાનગી ઑડિટર દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાર્ક એસોસિયેશન દ્વારા કરાવવામાં આવશે. આ ઑડિટર વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષનું પણ ઑડિટ કરે છે.

‘પી.એમ. કેર્સ’માં મળેલા દાન ગુપ્ત રાખવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી જાહેર કરાતી નથી. આર.ટી.આઇ. એકટ પણ તેને લાગુ પડતો નથી કે સરકારી ઑડિટ થઈ શકતું નથી. બીજી તરફ તેને ધડાધડ સરકારી ફાયદા મળે છે. આવકવેરા કાયદા ૧૯૬૧ની ધારા ૮૦-જી હેઠળ ‘પી.એમ. કેર્સ’ને મળેલા કોઈ પણ દાનને તરત જ આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. કંપનીઓએ ‘પી.એમ. કેર્સ’ને આપેલ ડોનેશનને  કંપનીઝ એકટ ૨૦૧૩ હેઠળ  કોર્પોરેટ સોશ્યલ રિસ્પોંન્સિબિલિટી (સી.એસ.આર.) માનવામાં આવશે, તેવો કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. તાતાએ રૂ. ૧,૫૦૦ કરોડ અને વિપ્રોએ રૂ. ૧,૧૨૫ કરોડનું માતબર દાન ‘પી.એ.મ કેર્સ’માં કર્યું છે. તે ઉપરાત રિલાયન્સ, બજાજ, એલ. એન્ડ ટી., અદાણી, ટોરેન્ટ, ઈન્ફોસિસ, એરટેલ અને પતંજલિએ પણ મોટાં દાન કર્યાં છે. કદાચ આ બધાં દાન સી.એસ.આર. તરીકે ગણાઈ શકે છે.

‘પી.એમ. કેર્સ’ અંગેનો અદાલતી વિવાદ

સર્વોચ્ચ અદાલતે ‘પી.એમ. કેર્સ’ની અસ્તિત્વની કાયદેસરતા પડકારતી રિટ કાઢી નાંખી, તે પછી સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જનહિત અરજીમાં કોવિડ-૧૯ના મુકાબલા માટે, આપત્તિ પ્રબંધન અધિનિયમની ધારા-૧૧ મુજબ, એક નવી રાષ્ટ્રીય યોજના બનાવવા અને અવિશ્વસનીય, ગોપનીય તથા અપારદર્શી એવા બિનસરકારી ‘પી.એમ. કેર્સ’ ફંડનાં નાણા સરકારી રાહતકોષ NDRFમાં તબદિલ કરવા સરકારને આદેશ કરવા દાદ માગવામાં આવી હતી.

જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડી અને એમ.આર. શાહની ખંડપીઠે પંચોતેર પાનાંના ચુકાદામાં ‘પી.એમ. કેર્સ’ના નાણાં NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગણી ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે આ બંને ફંડ અલગ છે. ‘પી.એમ. કેર્સ’ સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ છે. એટલે તેમાં એકત્ર થયેલી રકમ સરકારી ફંડ એવા NDRFમાં તબદિલ થઈ શકે નહીં. સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટને આર.ટી.આઇ.ના દાયરામાં પણ લાવી શકાય નહીં કે તેનું ‘ કેગ’ મારફત ઑડિટ પણ થઈ શકે નહીં. અદાલતના આ ચુકાદાને ‘પી.એમ. કેર્સ’ના તરફદારો અને ખુદ સરકાર મોટો વિજય ગણે છે. ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી નડ્ડાએ ૧૯મી ઓગસ્ટે અંગ્રેજી-હિદી અખબારોમાં લેખ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ‘ખાન માર્કેટ ગેંગ’ અને ‘પી.આઇ.એલ. લૉબી’ સામેનો વિજય ગણાવ્યો હતો.

ચુકાદો જાહેર થયો કે તુરત જ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જાહેર કર્યું હતું કે ‘પી.એમ. કેર્સ’માંથી રૂ.૨,૦૦૦ કરોડ ૫૦,૦૦૦ વેન્ટીલેટર્સ માટે, રૂ.૧,૦૦૦ કરોડ સ્થળાંતરિત કામદારો માટે અને રૂ. ૧૦૦ કરોડ કોવિડ-૧૯ની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. જો કે રૂ.૩,૧૦૦ કરોડની આ ફાળવણીની વિગતવાર માહિતી આપવામાં આવતી નથી.

‘પી.એમ. કેર્સ’ સામેનો વિવાદ સમાપ્ત થઈ જશે ?

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ‘પી.એ.મ કેર્સ’ વિરુદ્ધનો સઘળો વિવાદ હવે સમાપ્ત થઈ જશે એમ લાગતું નથી. હા. હવે તેની સામેનો અદાલતી ન્યાયનો માર્ગ કદાચ બંધ થઈ ગયો છે. અદાલત કહે છે અને તે સાચું પણ છે કે ‘પી.એમ. કેર્સ’ એક ચૅરિટેબલ ટ્રસ્ટ છે અને તેને સરકાર સાથે કોઈ સંબંધ નથી. પરંતુ શું કોઈ ટ્રસ્ટ્રનું સરનામુ દિલ્હીના પ્રધાનમંત્રી કાર્યાલયનું હોઈ શકે ? આટલો વિશેષાધિકાર કોઈ અન્ય ટ્રસ્ટને મળી શકે ખરો? જો ‘પી.એમ. કેર્સ’ને સરકાર સાથે સંબંધ ન હોત તો તેની રચનાની જાણ કરતી પ્રેસનોટ સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફોરમેશન બ્યૂરો દ્વારા માધ્યમોને મળી શકે ખરી? દેશનાં કેટલા ટ્રસ્ટોને આવી સગવડો મળે છે? જો ‘પી.એમ. કેર્સ’માં કશું છૂપાવવા જેવું નથી તો તેની કાર્યપ્રણાલીમાં આટલી ગોપનીયતા શા માટે છે? ‘પી.એમ. કેર્સ’ને જે ઝડપે આવકવેરામાંથી મુક્તિ અને એફ.સી.આર.એ. નંબર મળ્યો છે, તેનું ડોનેશન સી.એસ.આર. ગણાશે તેવો તત્કાલ કાયદામાં સુધારો થયો છે તે જ દર્શાવે છે કે તેને સરકાર સાથે સીધો સંબંધ છે.

‘પી.એમ. કેર્સ’ને કંપનીઓ દ્વારા મળનારું દાન કંપનીઝ એકટ, ૨૦૧૩માં સુધારો કરીને સી.એસ.આર. પેટે ગણવામાં આવે છે. સી.એસ.આર.ની જોગવાઈ સંસદના કાયદા દ્વારા કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ પ્રોજેકટ વિસ્તારના વિકાસ કાર્યો માટે કરવાનો હોય છે. તેને ‘પી.એમ. કેર્સ’ ડોનેશન બનાવી દેવામાં આવ્યું છે ‘પી.એમ. કેર્સ’ને લગતી તમામ કામગીરી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જ થાય છે. ‘પી.એમ. કેર્સ’માં દાન માટેનો પ્રચાર સરકારી મશીનરી દ્વારા કરવામાં આવે છે. વડા પ્રધાન કાર્યાલયના બે અધિકારીઓને માનદ્ ધોરણે તેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ બાબતો સ્પષ્ટ કરે છે ‘પી.એમ. કેર્સ’ સરકારી કામગીરીનો એક ભાગ છે. પરંતુ તેની અપારદર્શિતા જાળવી રાખવા જાહેર ટ્રસ્ટનો મુખવટો ઓઢાડવામાં આવ્યો છે. આર.ટી.આઈ.ના દાયરાથી મુક્ત અને પબ્લિક ઓથોરિટી ન ગણાવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ગણાવાય છે.

NDRF જેવું સંપૂર્ણ પારદર્શી અને જવાબદેહ સરકારી રાષ્ટ્રીય ફંડ દેશમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને બાજુ પર મૂકીને નવું ‘પી.એમ. કેર્સ’ ફંડ ઊભું થાય તે શંકા અને વિવાદ જન્માવે જ. હાલ તો ‘પી.એમ. કેર્સ’નું ઑડિટ અન્ય ટ્રસ્ટોની જેમ ખાનગી રાહે કરાવવાનું છે. પણ ટ્રસ્ટે વિવાદ કે શંકામુક્તિ માટે નહીં, પોતાની જવાબદેહિતા અને પારદર્શિતા પુરવાર કરવા માટે ‘કેગ’ના ઑડિટ અને માહિતી અધિકાર કાયદાનો દાયરો સ્વીકારી લેવો જોઈએ કે પછી NDRFના હેતુઓમાં સુધારા કરીને તેને મજબૂત કરવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 14 સપ્ટેમ્બર 2020; પૃ. 03-06

Loading

28 September 2020 admin
← દલિતો અને બહુજનોએ સત્તાના ’લાઇફ-જેકેટ’ની ભૂમિકા નકારી દેવી જોઈએ
‘કેગ’નો અહેવાલ આવ્યો, ભોપાળાંની કથા લાવ્યો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved