Opinion Magazine
Number of visits:
10166573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરુણવયે રવીન્દ્રનાથે ઇંગ્લંડ-પ્રવાસ દરમિયાન કેટલાક પત્રો લખેલા એમાંનો આ ભાભી કાદંબરીદેવીને લખેલો

જયંત મેઘાણી [અનુવાદક]|Opinion - Literature|15 April 2020

ગ્રીષ્મ ઋતુ છે. સૂરજનો સુંદર પ્રકાશ વેરાય છે. બપોરના બે વાગ્યા છે. આપણા દેશમાં શિયાળાની બપોરે હોય એવી મીઠી લહેરખી છે. વાતાવરણ કેટલું ખુશનુમા છે, ને છતાં મારું મન કેવું ઉદાસ છે એ સમજાવી નહીં શકું. ઊર્મિલ પ્રકૃતિનાં બધાં લક્ષણો મારું ચિત્ત પાથરી રહ્યું છે : મારું શ્વાસતંત્ર ધીમું છે, હું મૌન ધરીને બેઠો છું, રીતભાતે ગંભીર છું, વગેરે વગેરે. આના જેવી સલૂણી બપોરે કોઇ મને કવિ કહી બેસે એવું છે, કારણ કે ચોપાસ વિસ્તરેલી વૃક્ષરાજિ મારા ચિત્તને પુલકિત કરે છે, વાસંતી વાયરો વાઇ રહ્યો છે, અને પંખીગાન ચાલે છે. વસંતઋતુ આ દેશમાં સાચો અવતાર ધરીને આવી છે. આપણા દેશમાં તો વસંત જ ક્યાં છે? છે માત્ર ચારે ય તરફ વસંતનો મહિમા કરતાં અને દખણાદા વાયરાએ એમનાં પ્રાણમાં પ્રેમાગ્નિ ફૂંક્યો છે એવી મિથ્યા વાતો કરતાં વિયોગી પ્રેમીજનો. એવું કેમ ન બને? ફાગણના વાયુ તો સાવ ભોળા લોકને પણ અગનઝાળમાં લપેટે છે – એ તો એમનો સિલસિલો છે!

દરિયાકાંઠાના ટોર્ક્વે નામે ગામમાં અમારો નિવાસ છે. ચારેય બાજુ ટેકરીઓ છે. સ્ફટિક-શો સ્વચ્છ દિવસ છે – વાદળાંનું નામ નહીં, ધુમ્મસ નહીં, અંધકાર નહીં. ચોપાસ વૃક્ષો છે, પંખીડાંનાં કૂજન છે, ફૂલબિછાત છે. હું ટર્નબ્રિજ વેલ્સમાં હતો ત્યારે વિચાર આવેલો કે કામણ-દેવ મદન અહીં આવે તો ઝાડીઝાંખરામાંથી બે-ચાર પણ જંગલી ફૂલ તેના બાણને શોભાવવા માટે ન મળે. પણ દર મિનિટે એક સાથે હજાર પુષ્પ-બાણ ફેંકી શકે એવું આયુધ મદન મહાશય શોધી કાઢે, અને દિવસ ને રાત બાણ વરસાવ્યા કરે તો પણ અહીંનો ફૂલભંડાર ખૂટે તેમ નથી. જ્યાં પગ મૂકો ત્યાં ફૂલો જ ફૂલો છે. અમે રોજ ડુંગરાઓમાં રખડવા જઇએ છીએ. બધે ગાયો ને ઘેટાં ચરતાં જોવા મળે. કેટલેક ઠેકાણે ચડાણ એવાં હોય કે ચડવું-ઊતરવું આકરું બને છે. તો ક્યાંક વળી કેડા સાંકડા, ને બેઉ બાજુથી ઝાડવાં ઝૂકીને અંધારું પાથરતાં હોય, અને છોડવાં ને વેલા રસ્તો રોકીને ઊગ્યાં હોય. સૂરજદેવનો પ્રકાશ મધુરો છે. હૂંફાળી હવા હિંદુસ્તાનની યાદ આપે છે. આ થોડીક ઉષ્મા પણ પ્રાણીમાત્રમાં સુસ્તી સીંચે છે. ઘોડાંની ચાલ નિરાંતવી છે, તો લોકને પણ ક્યાં ય જવાની ઉતાવળ નથી – તમામ જીવ જાણે ટહેલી રહ્યા છે. અને હું અત્યારે તો પ્રમાદવિદ્યાની તપસ્યા કરી રહ્યો છું; પત્રલેખન માટે ભાગ્યે જ ક્ષણો બચે છે. દરરોજ ત્રણસો બગાસાં તો ખાતો હોઇશ. કોઇ ચોપડી ઉઘાડું, ને અરધા કલાક માટે નજર દોડાવું, પછી બે કલાકના આંખ-બિડામણમાં જંપી જાઉં. કલમને શાહીમાં બોળું તો એ ભગીરથકાર્ય બની જાય છે, અને આંખોના પલકાર માટે કે શ્વાસ લેવા માટે જહેમત પડે છે. આના જેવું કોઇ સ્થળ નહીં હોય : રળિયામણો નદીતટ, લહેરાતાં ખેતરો, વાંચવાનાં સરસ પુસ્તકો, ગોષ્ઠી માટે સમયની મોકળાશ, ગાવા માટે એકાંત, અને જરી ગપ્પાબાજી માટેના અવસર!

આ સાગરતીર મને બહુ ગમે છે. ભરતી ટાણે કાંઠા પરની તોતિંગ શિલાઓ ગરક થઇ જાય છે, માત્ર ટોપકાં પાણીબહાર દેખાય છે – જાણે નાના ટાપુડા. દરિયાકાંઠે નાનામોટા ટેકરા છે. મોજાંની થપાટો ટેકરીઓમાં ગુફાઓ કોરી કાઢે છે. ઓટ આવે ત્યારે ક્યારેક અમે ગુફાઓના એકાંતમાં જઇને બેસીએ છીએ. બહાર અફાટ સમુદ્ર ઘૂઘવે છે. દૂરદૂર નાનકી નૌકાઓ સરકતી દેખાય છે. સૂર્યપ્રકાશનો તોટો નથી. કર્મશૂન્યતાની આ ઋતુ ગાળવા આથી વધુ સારી જગ્યા હશે? કોક દિવસ હું ટેકરીઓ પર જાઉં, ઘાસ અને ખડકોથી ઘેરાયેલું કોઇ એકાંતધામ શોધીને ત્યાં પુસ્તક વાંચું. પણ ના, ચોપડીનાં પાનાંમાં ખોવાઇ જવાની આ જગ્યા નથી. અહીંની નિરાંત-ઉત્તેજક શાંતિમાં વાચનની એકાગ્રતા શક્ય નથી. આ નીલરંગી સાગર અને સ્વચ્છ આકાશમાંથી ઊતરતી તડકી શા કામનાં? એકાદ-બે લીટી વાંચીએ, ઘૂઘવતા દરિયાને થોડીવાર નીરખીએ, અને પછી સેંકડો વિચારોની અટવીમાં અટવાઇ જઇએ. જો કે, ધ્યાન ચૂકીએ તો વિચારો આવે છે તેનો પણ ખ્યાલ ખોઇએ. બસ, ત્યારે પછી હાથમાં પકડેલું પેલું પુસ્તક સાંભરે, અને એ વાંચવાનો દૃઢ નિશ્ચય કરીએ. પણ બીજી લીટીના અલ્પવિરામે પહોંચતાંવેંત ચિત્ત આપણું ધ્યાન ચુકાવીને કહ્યાબહાર છટકીને કદી ધારી ન હોય એવી જગ્યાએ પહોંચી જાય છે. મનજીબંધુ દિવસભર આવી સંતાકૂકડી રમ્યા કરે છે અને અઢી દિવસમાં દોઢ પાનું જ વાંચી શકાય છે.

પણ, આ બધો મારો બકવાસ છે. એક હજાર વિચારો મનમાં ઘૂમરાયા કરે છે, પણ એ બધા ડાહ્યાડમરા થઇને નથી આવતા; બધા શબ્દો, વેરવિખેર અને અસંબદ્ધ, ધક્કામુક્કી કરતા મારા ચિત્તના સરિયામ રસ્તે ભટકે છે પણ એકબીજાને ઓળખતાય નથી. અને, તો પછી, વિચારોનાં ચીંથરાંની થીગડથાગડ જેવો આ પત્ર વાંચવા જેવો ખરો?

['રવીન્દ્ર-પત્રમધુ' પુસ્તકમાં]

(રવીન્દ્રનાથના પત્રો : સંપાદન અને અનુવાદ – જયંત મેઘાણી; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; કિંમત – રૂ. 280)

https://www.facebook.com/jayant.meghani.5/posts/10222398310093374

Loading

15 April 2020 admin
← ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે
ઘરબંધી માટે ઘર ક્યાં ? હાથ ધોવા પાણી ક્યાં? →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—357
  • The Times of India, ફડિયા ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ – આવજો, ટાટા, બાય બાય! 
  • વૃદ્ધાશ્રમ
  • બોલ કાન્હા ….
  • થેપલાં ગુજરાતીઓના જીવનમાં ક્યારથી વણાઈ ગયાં? શું છે ઇતિહાસ?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved