પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.
એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર …!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું!
રૂડા દીસો છો, રાજેશ્વર ….
જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.
ભક્તિમાત્રમાં, અને પુષ્ટિમાર્ગમાં તો ખાસ, એવા અનન્યભાવનું ઘણું મૂલ્ય છે. દયારામ સ્પષ્ટ કહે છે,
… … …
વૈકુંઠમાં જીવ-શિવ એક થવાનો મોટો સંભવ છે, પણ તેથી શું? એટલે, શ્રીજીને પોતે સીધું જ પૂછે છે : ‘શું કરું શ્રીજી! હું સાયુજ્ય પામી?’ અને, પ્રેમભક્તિયુક્ત દ્વૈતની અનર્ગળ પ્રતીક્ષાના માર્યા કવિ કહે પણ છે : ‘એકતામાં તમો ના રહો સ્વામી!’
એવી હઠ છે, એવી અનન્યતા છે, એવી પ્રતીક્ષા છે, માટે હવે, એ અનન્યને પ્રાર્થના શરૂ થાય છે, ‘દર્શન દોની રે દાસને મારા ગુણનિધિ ગિરિધારીલાલ!’ એમ છે માટે, હવે, આવું બધું તો વ્યર્થ લાગે છે, કહે છે : ‘જપું નહીં અજપા રે જાપ, ન ગમે સૂણવો અનહદ નાદ; યજ્ઞસમાધિ રે ના ગમે, ન ગમે સ્વર્ગમુક્તિના સ્વાદ.’ એવાંતેવાં કોઇ સાધન ગમતાં નથી, ‘ફીક્કાં’ લાગે છે. એક જ વિનતી છે, ‘સમૂળ અવિદ્યા’ ટળે, જો હરિજી હાથ ઝાલે. અને તે કાજે એટલે લગી કહે છે, ‘દાસી કરી રાખો નિજ પાસ.’
એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’
… … …
‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે. ‘વ્હાલાજી’-ને કવિ કહે છે કે પોતે તો ‘પળપળનો અપરાધી’ છે, ‘જેવોતેવો તો યે છું તમારો, આધાર અવર નહિ મારો રે’, ‘પાણિ ગ્રહ્યો છે તો નિભાવો મારો દાસપણાનો દાવો રે !’ ‘પાવલે લાગું ! દામોદર !’ – એ ધ્રુવ ઉદ્ગારમાં ભક્તહૃદયનું નર્યું આર્જવ ઘુંટાય છે. છેવટે, છેલ્લી વિનંતી તો એ કરી કે, ‘મારે અંતસમય અલબેલા! મુજને મૂકશો મા! મારા મદનમોહનજી! છેલા! અવસર ચૂકશો મા!’
કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.
કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’
પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’
આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’
… … …
એમને થયું છે કે હવે વ્યાપકથી વાતો કરવાનો સમય નથી રહ્યો. એના મિથ્યાત્વનો પોતાને અંદાજ છે. તેથી પૂછ્યું છે, ‘અંતર્યામી અખિલમાં છે તેથી, કહો, કોનું દુ:ખ જાય?’, ‘પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટ્યે શી પેરે શીત શમાય?’, ‘પૃથ્વી ચાટ્યે તૃષા ટળે નહિ, અંતરજળ શ્રુતિ થાય’. ટૂંકમાં, ‘વ્યાપકથી વાતો નવ થાયે, તે વિના જીવ અકળાય …’ સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.
… … …
દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે …’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.
મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.
એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર…!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું! જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.
… … …
એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’ કવિને જાણ છે કે ખળ, અમિત કુકર્મી, જૂઠો – એવો જે કોઇ શરણે પડે, તેની શ્રીરણછોડ હમેશાં લાજ રાખે તેવા ‘દુ:ખદુષ્કૃતહારી’ છે, ‘અવગુણ’ ઉર ન લાવનારા છે, ‘આર્તબંધુ, સહિષ્ણુ અભયકર’ છે, ‘શરણાગતવત્સલ’ છે. એવા પ્રભુને, ‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે.
… … …
કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.
કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’
પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’
આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’
એ મન કલુષિત છે, ભયભીત છે, દૂષિત છે; શુદ્ધ નથી, ચિન્તિત છે. જાત વિશે કવિએ કેવું તો કઠોર વચન પ્રયોજ્યું છે – ‘હેડલો હેડેરડો મોરો માન્યો નહીં, થયું હરાયું …’ ને તેથી, ‘હાવાં હું તો હાર્યો!’ એવા ઢણકેલ ઢોરને માટે ‘ગોપાળ’-ને બરાબર કહ્યું કે એને ‘સાધુપણું શીખવી વૃંદાવન ચારજો …’
… … …
સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.
પોતાનો નિશ્ચય છે કે અન્તર્યામી બીજે ક્યાં ય નથી, મારા અન્તરમાં છે. સમજો કે કવિને એમ પોતાના એ લાડીલા વ્હાલમાનું ખરું ઠેકાણું ભળાઇ ગયું છે. સરસ રીતે વીગતવાર સરનામું લખ્યું છે : ‘સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! વિરહતાપપોળીઆને મળી મહોલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે!’ જરૂર હવે, માત્ર કૃતનિશ્ચયને વળગી રહેવું એ છે; જરૂર હવે, વિવશતા ખંખેરીને દીનતાપાત્રમાં મનમણિ મૂકી ભગવંતજીને ભેટ ધરાવવી એ છે; જરૂર હવે, હુંભાવપુંભાવ નોછાવર કરવો એ છે.
… … …
દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સ રે…’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.
મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે.
(ક્રમશ:)
(5 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર