 ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ – ટોટલ પોએટ્રી; એક સુસમ્પન્ન સૃષ્ટિ – ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. કવિએ પોતે ‘સમગ્ર કવિતા’ શીર્ષક આપ્યું છે. શીર્ષક ઔપચારિક નથી, એમાં કાવ્યશીલ સમગ્રતાનો પણ સંકેત છે.
ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ – ટોટલ પોએટ્રી; એક સુસમ્પન્ન સૃષ્ટિ – ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. કવિએ પોતે ‘સમગ્ર કવિતા’ શીર્ષક આપ્યું છે. શીર્ષક ઔપચારિક નથી, એમાં કાવ્યશીલ સમગ્રતાનો પણ સંકેત છે.
એનું પ્રકાશન ૧૯૮૧-માં. ૧૯૩૧-થી ૧૯૮૧ લગીના ૧૦ કાવ્યસંગ્રહોનો એ સર્વસંગ્રહ છે : “વિશ્વશાન્તિ” – ૧૯૩૧; “ગંગોત્રી” – ૧૩૪; “નિશીથ” – ૧૯૩૯; “પ્રાચીના” – ૧૯૪૪; “આતિથ્ય” – ૧૯૪૬; “વસંતવર્ષા” – ૧૯૫૪; “મહાપ્રસ્થાન” – ૧૯૬૫; “અભિજ્ઞા”- ૧૯૬૭; “ધારાવસ્ત્ર” – ૧૯૮૧; અને “સપ્તપદી”- ૧૯૯૧.
ઉમાશંકરના કવિવ્યક્તિત્વની પહેલી આકર્ષકતા એ છે કે એમણે કશીપણ દિલચોરી વિના એ સર્વસંગ્રહમાં પોતાની તમામ રચનાઓ રજૂ કરી છે. તેમાં એક જાતનો સન્માન-ભાવ પણ છે – પોતે લખ્યું, કાવ્ય નામે પ્રકાશિત કર્યું, તે સમગ્રને વિશેના સન્માનનો ભાવ. એમાં, આત્મશ્રદ્ધા અને ‘સરજ્યું તે બધું આ રહ્યું’ પ્રકારની વિરતિ એકમેકમાં ઓતપ્રોત છે.
૧૯૩૧-થી ૧૯૮૧ લગીનાં ૫૦ વર્ષ, એટલે કે કવિનાં ૭૦ વર્ષના આયુષ્યનો લગભગ પૉણો ભાગ, કાવ્યલેખનમાં કેમ ખરચાયો અને કેવો તો ફળ્યો તેનું એ સર્વસંગ્રહ ધીંગું નિદર્શન છે. એનાં ૮૦૦-થી પણ વધુ પાનાં પલટાવતાં લાગે કે એમાંની ઘણી બધી રચનાઓને આપણે ભૂલી ગયા છીએ, પરન્તુ ૫૦ વર્ષ લગી કવિતાને વિકસાવતા રહેવાની આ સ્વનિયુક્ત પ્રવૃત્તિએ કવિમાં જ એક ઇતિહાસ રચ્યો છે. મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે પણ છે.
મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે છે કે એમણે એ કાવ્યપુરુષાર્થને ઍકમ્પ્લીશ કર્યો છે, પોતાની કવિતાની એક પ્રકારની આશાયેશ અનુભવી શકાય તેવી સમ્પૂર્તિ રચી છે. શબ્દસૃષ્ટિની એવી સમ્પૂર્તિ બહુ ઓછાઓમાં હોય છે : કાલિદાસમાં છે, શેક્સપીયરમાં છે; રવીન્દ્રનાથમાં છે; બૅકેટમાં છે. એક પ્રકારે ગોવર્ધનરામ, મુનશી અને રાજેન્દ્ર શાહમાં પણ છે.
••••
એમની સમગ્ર કવિતાની આ લાક્ષણિક સમ્પૂર્તિ મારા આ લેખનનું કેન્દ્રવર્તી વિષયવસ્તુ છે. મારા અધ્યયનને પરિણામે હું ૩ તારણો પર આવ્યો છું :
૧ : ઉમાશંકરે પોતાની કાવ્યસર્જનાનું કેન્દ્ર શોધી લીધું છે. એ કેન્દ્રને સ્વકીય ધૉરણોથી દૃઢ કર્યું છે, પોતાની જમીન બનાવી છે, કવિ તે પર ઊભા છે, કવિ તે ભૉંય પર ટકેલા કવિ છે.
૨ : મુખ્યત્વે એમનામાં કવિકર્મની સમ્પૂર્તતા છે. તેઓ અમુક અને આટલુંક સરજીને બેસી નથી રહ્યા, કાવ્યના તરીકા, કસબ, બદલી બદલીને વિકસ્યા છે. કેન્દ્ર વિસ્તરતું રહેતું વર્તુળ બન્યું છે. કવિ કાવ્યધનસમ્પન્ન થયા છે, કાવ્યસત્તાધીશ થઈ શક્યા છે. એમની સિસૃક્ષા એમના કવિકર્મથી શક્યતમ આવિષ્કૃત થઈ છે. ‘મંગલ’ શબ્દથી શરૂ થયેલી સર્જનયાત્રા ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ એવા વિરામ પાસે પૂર્ણ થઈ છે, અથવા અટકીને ટકી છે.
૩ : એક નૈષ્ઠિક કવિ કે કલાકાર આપી આપીને મનુષ્યજાતિને શું આપી શકે? એક તુલ્યબળ કલ્પન કે વૅલમેડ મૅટાફર. ઉમાશંકરને જગત સામે ધરવા સમું સાવયવ કલ્પન લાધ્યું છે અને તેને તેઓ શબ્દમાં મૂકી શક્યા છે. લેખન જો મૅટાફર છે, તો એવો મૅટાફર તેઓ રચી શક્યા છે.
એ સંદર્ભમાં, “સમગ્ર કવિતા”-ને હું ૩ વર્તુળમાં મૂકું છું :
૧: જીવન-સ્વીકૃતિ
૨ : જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન
૩ : સમ્પૂર્તિ – એક જાતનું સમાધાન, મનમનાવણ કે ઠરણ.
દરેક વર્તુળમાં કર્નલ સ્પોટ કહેવાય તેવી રચનાઓ છે. કર્નલ સ્પૉટ એટલે, કોર, ઇસેન્સ, વસ્તુનો ગર્ભ ભાગ; વિમાનમાંથી નીચે જોતાં જે મુખ્ય હોય એ જ દેખાય, સંલગ્ન બધું આવૃત થઇ ગયું હોય; તે. બીજા શબ્દોમાં કહીએ તો પરાકોટિ-રૂપ રચનાઓ, જેમાં તે કોટિની અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ ગયો હશે એમ કલ્પી શકાય.
(ક્રમશ:)
(24 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
 



