
સુમન શાહ
જેના કેન્દ્રમાં કૃષ્ણ-ગોપી છે એ ‘મોહનમાં મોહિની’-થી માંડીને ‘ડહાપણ રાખોજી!’ લગીની રચનાઓને મેં પહેલા વર્તુળમાં મૂકી છે. એની વિશેષતા એ છે કે દરેક રચના ગોપીમુખે રજૂ થઇ છે. ગોપી, ક્યાં તો સ્વગત બોલે છે અથવા તો કૃષ્ણને સમ્બોધે છે, કે પછી, એ બન્નેની વચ્ચે નાનકડો સંવાદ થાય છે.
ત્રણ બાબતો ખાસ વર્ણવાઇ છે : કૃષ્ણનું અપ્રતિમ સૌન્દર્ય, ગોપીને થયેલું તેનું અમોઘ આકર્ષણ, અને તેના વિરહની અસહ્ય વેદના.
‘મોહનમાં મોહિની’, ‘ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ!’, ‘ઘટઘટમાં ઘર કીધું’ – એ ત્રણ રચનાઓ જુઓ :
ગોપીને કૃષ્ણસૌન્દર્યનો આમ તો, રમ્ય ઘા વાગ્યો છે. એ સુખને કેવા સંતાડી રાખેલા આનન્દથી કથે છે – ‘કિયે ઠામે? મોહિની ન જાણી રે ! મોહનજીમાં કિયે ઠામે?’, એ નક્કી નથી કરી શકાતું. એમ લાગે કે જાતને પૂછે છે, જાતને કહે છે. અથવા એમ પણ લાગે કે બીજાને પૂછે છે, બીજાને કહે છે. કહેવું તો એમ છે કે મોહિની કૃષ્ણ સમગ્રમાં છે, એમના અખિલમાં છે, પણ ‘કિયે ઠામે’-નો પ્રશ્ન કરીને કૃષ્ણસૌન્દર્યની આછી છતાં તીવ્ર અને સમ્મોહક સંદિગ્ધતા સૂચવે છે, અને સાથોસાથ, પોતાની અસમંજસ મૂંઝવણ પણ રજૂ કરે છે.
એમ પૂછવું-કહેવું ગોપી માટે હકીકતમાં તો સુખદ નીવડ્યું છે, પણ રચનાનો અભિવ્યક્તિ-ઢાળો એ જાણે કશી વેદના ન હોય એવો રખાયો છે. છેલ્લે તો એને એ જ કહેવું છે કે (દયાના) પ્રીતમ સ્વયં મોહિનીસ્વરૂપ છે. પણ એ સામાન્ય વિધાન પર પ્હૉંચવાને એણે ભ્રૂકુટિ વાણી કેશ વેશ મોરલી મુખ એમ કૃષ્ણનાં તમામ આકર્ષણ-કેન્દ્રોને ગાઇ-ભજી લીધાં છે. સૌન્દર્યવર્ણનનો ગોપી અને દયારામે અપનાવેલો એ કીમિયો રચનામાં બધી રીતે આસ્વાદ્ય નીવડ્યો છે.
એવા મોહિનીસ્વરૂપ કૃષ્ણને એ બિહારીલાલ કહી સમ્બોધે છે ને કહે છે, ‘તમ માટે મેં ગાળી છે જાતડી … ફટકારીસરીખી હું ફરું છું … વિકળતાની વાત કહે ના બણે … ઘરમાં જાઉં ને આવું આંગણે … પ્રીતડી કીધી છે તો હવે પાળીએ બિહારીલાલ.’ આવા બિહારીલાલને ગોપી કહે છે, ‘તેં તો ઘટઘટમાં ઘર કીધું, વ્હાલમ ! વરણાગિયા રે !’ વળી કહે છે, ‘દયાપ્રીતમપ્રીત કરી ન ફાવી, વણવેપારે જોખમ આવી, કહ્યું ના માને પ્રાણ થયા અનુરાગિયા રે …’
જો કે ‘પનઘટ પર’ રચનામાં કવિએ ‘દયાના પ્રીતમ પ્રભુ પાતળા રે લોલ’ કહીને એટલી જ આહ્લાદક અને નિરલંકાર પંક્તિ પણ આપી છે.
કૃષ્ણ મોહિનીસ્વરૂપ કે મદનમોહન તો છે જ, પણ એમ કહેવા જતાં, વાત જાણે સર્વસાધારણ બની જાય છે. ‘આંખનાં કામણ’, ‘શ્યામની શોભા’, ‘કાળજ કોર્યું તે કોને કહીએ?’ અને ‘કામણગારો કાનુડો’ રચનાઓમાં ગોપી કૃષ્ણસૌન્દર્યના સ્વાનુભવને સવિશેષે વ્યક્ત કરે છે.
કૃષ્ણનું ખરું કામણ તો એમની આંખનું ન કહેવાય? એથી તો કોણ નથી ઘવાયું? એટલે ગોપી જાણે સ્પષ્ટતા કરી નાખે છે : ‘કામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!’ મોહિની ‘કિયે ઠામે’ પ્રશ્નનો એમાં જરા જુદો પણ નજીકનો એક ઉત્તર તો આવી જાય છે, કે ‘આંખમાં’. વળી ‘દીસે છે’ કહે છે તેથી આંખમાં આંખ પરોવીને જ કહેતી હશે! મજાની એ વાત એવી તાદૃશતાથી તો જામી જ છે, પણ પછી ઠીક ઠીક વિસ્તરી છે. એ રીતે કે કૃષ્ણને ગોપી ભોળું ભાખવાની ય ના પાડે છે, કેમ કે એવા ભોળામાં ય એને કામણ દીસે છે.
એક અન્ય રચનામાં, ‘વાંકું મા જોશો’ કહેનારીને, જુઓ ને, એવું પણ કહેવું પડ્યું છે ! રચનામાં કૃષ્ણની વાણીને એણે ‘વ્હાલભરી’ અને ‘રસવરણી’ કહી છે તે ધ્યાનમાં લેવા જેવું છે. સખીને એણે કહ્યું, ‘શોભા સલૂણા શ્યામની તું જોને સખી ! શોભા સલૂણા શ્યામની … કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફીક્કી પડે છે કળા કામની … સદ્ગુણસાગર નટવરનાગર! બલિહારી હું એના નામની! તું જોને સખી!’
છતાં, એમાં પ્રાસાનુપ્રાસની રીતે જ કહેવાયું છે; એટલે, કવિ એની પાસે શ્યામને ‘સલૂણા’ કહેવરાવે છે. એમાં આપણને કવિ દયારામનો જુદો જ પરચો મળે છે. એટલું જ નહીં, ઝાઝી પંચાત છોડીને ગોપી અને દયારામ ટૂંકી વાત આટલી કરે છે : ‘જે ઓળખે તેને તો છે સાર સર્વનો, બીજી વસ્તુ નથી કામની …’
ભક્તરસિકની એ કૃષ્ણઓળખ, અને એટલે ઊભી થતી એ લાક્ષણિક અનન્યતાનો દયારામમાં અપાર મહિમા છે. એટલે તો કવિએ એને પોતાની ‘જીવનમૂળી’ કહી છે. એવી મૂળીની સુગન્ધથી દયારામનું જીવન અને કવન બે ય છલોછલ છે.
આવો છેલછબીલો કાનુડો કાળજ ન કોરે, કામણગારો ન લાગે, તો જ નવાઇ. જો કે ‘કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ!’ -નો લટકો, તરત, એ નવાઇને કાવ્યમાં પલટી નાખે છે : પેલા ઘાને ગોપી હવે સૂચક બનાવે છે : ‘સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે!’ ‘સૉડનો ઘાવ’-ની વ્યંજકતા પર દયારામની ચોખ્ખી છાપ જોઇ શકાય છે.
‘કોને કહીએ રે’-ની વિમાસણ ઓધવને કહી બતાવી. કેમ કે ઓધવ ઘાયલ ગોપીનો ઉત્તમ શ્રોતા ગણાય, કેમ કે એ જ્ઞાની હતો અને ભક્તહૃદયની આવી વાસ્તવિક સ્થિતિનો સમુચિત પરિચય એને સાંપડે એ જરૂરી હતું.
આટલી તો થઇ કૃષ્ણની વારતા. ગોપીને થાય છે, પોતાનું શું?
(ક્રમશ:)
(14 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર