જે.એન.યુ.ના પૂર્વ પ્રોફેસર અને ઈ.પી.ડબ્લ્યુ.ના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુ કહે છે કે આંબેડકર અને ગાંધી દેખીતા સામસામે હશે ત્યારે પણ સાથે નહોતા એવું નથી: એમના મતે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી

નાસિકના કાલારામ મંદિરની લડાઈ અને ચવદાર તળાવના સત્યાગ્રહમાં ડો. બાબાસાહેબ આંબેડકરની મહત્ત્વની ભૂમિકા હતી
છઠ્ઠી ડિસેમ્બર આવી અને ગઈ : ડો. આંબેડકરે 1956માં એ દિવસે અંતિમ શ્વાસ લીધા હતા એટલે સ્વાભાવિક જ બૌદ્ધ કે નવબૌદ્ધ પરપંરામાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે એનો મહિમા છે. મુંબઈમાં ચૈત્યભૂમિ પર હકડેઠઠ ઉભરાતું લોક, ખાસ કરીને દલિતો, ઉત્તરોત્તર વધતી આંબેડકરી અપીલની એક દ્યોતક બીના છે એમ પણ તમે કહી શકો. બધા જ ફિરકાના રાજકીય પક્ષો પણ આદર ઉપચાર બખૂબી નિભાવે છે.
મુદ્દો એ છે કે ઉત્તરોત્તર વધતી આ સ્વીકૃતિની પ્રક્રિયામાં આંબેડકરને બે ઓળખ સતત વળગતી રહી છે. એમને બંધારણના ઘડવૈયા કહેવાય છે અને દલિત મસીહા તરીકે ય એમનો પાટલો મંડાય છે. નહીં કે આ બે ઓળખ ખોટી છે; પણ તે અધૂરી છે અને પૂરી નથી એ આ વરસોમાં કદાચ આપણે પાધરું સમજ્યા નથી.
બંધારણના ઘડવૈયા એ હતા, જરૂર હતા. એમણે ક્યારેક અકળાઈને પોતાને જાણે કે બીજાએ લખાવ્યું લખવું પડ્યું હોય એવીયે ફરિયાદ અલબત્ત કરેલી છે. પણ મુદ્દાની વાત એ છે કે સહિયારી ચર્ચા-વિચારણા પછી સમાનતા, સ્વતંત્રતા, બંધુતા ભણી ઝૂકતી એકંદરમતીની એ ખોજ હતી અને આ એકંદરમતીને અક્ષરરૂપ આપવાની તેમ તેના આત્માની કાળજી લેવાની જવાબદારી બેનીગલ નરસિંહરાવ વગેરેના સહયોગથી મુસદ્દા સમિતિએ આંબેડકરના નેતૃત્વમાં પાર પાડી હતી.
ગાંધીજીના સૂચનનો મર્મ અને માયનો પકડીને નેહરુ-પટેલે આંબેડકરને નિમંત્ર્યા અને લાંબા વિરોધ ઇતિહાસને ઓળાંડી જઈ કેબિનેટમાં સાથે રાખ્યા તેની પૃષ્ઠભૂ એમની પ્રકાંડ કાનૂની સજ્જતા માત્ર નહોતી. ચવદાર તળાવની ઘટના હોય કે કાલારામ મંદિરની, આંબેડકરે ચળવળનો દોર ચાલુ રાખ્યો હતો. પરિવર્તનની પ્રક્રિયામાં કાનૂનની ભૂમિકા જરૂર છે, પણ કાનૂનની પૂંઠે બંધારણીય રીતે સરકારી સેન્ક્શન હોય તે બધો વખત પૂરતું નથી. આંદોલન અને જાગૃતિ હોવાં જરૂરી છે. આંબેડકરે સાતત્યપૂર્વક એ દોર ચાલુ રાખ્યો હતો તે આપણે બધો વખત યાદ રાખતા નથી.
ગાંધી-આંબેડકર ચર્ચાને આપણે પુણે કરાર પૂરતી ગોઠવીને અટકી જઈએ છીએ. ગાંધીએ કેમ જાણે દલિત મતાધિકાર ઓળવી લીધો કે પછી સંયુક્ત મતદાર મંડળને ધોરણે વધુ અનામત બેઠકો આપી એવી વાત ચાલ્યા જ કરે છે. જે પકડાતું નથી તે એ છે કે આવી સમજૂતીઓ અને એનું કાનૂની (બંધારણીય) સ્વરૂપ લોક ચળવળ વિના ઊણાં અલૂણાં રહે છે.
સાતેક વરસ પર ઈ.પી.ડબ્લ્યુ.ના વર્તમાન તંત્રી ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં સરસ વાત કરી હતી કે ગાંધી-આંબેડકર સંવાદ અને વિવાદને બેઠક સંખ્યા જેવા મુદ્દે સીમિત નહીં કરતા એમણે લીધેલ ને લેવા ધારેલ આંદોલનના રાહની રીતે નવેસર જોવાની જરૂર છે.
લોક આંદોલન અને સુધાર ચળવળ પરનો ગાંધીનો ભાર કેટલો સાચો હતો તે આપણે ‘બીજા સ્વરાજ’ પછી તરતના દસકામાં ગુજરાતમાં ચાલેલ અનામત વિરોધી ઉત્પાતમાં જોયું છે. જેમણે રાજકીય રીતે ન્યાય ને સ્વાતંત્ર્યની લડત લડી, નવનિર્માણ-જે.પી. આંદોલનના દિવસોમાં ગુજરાતમાં, એ સૌ વ્યક્તિગત અર્થમાં નહીં પણ ફિનોમિનન તરીકે સ્વરાજના વિસ્તરણ રૂપ અનામત વિરોધી ઉદ્રેકમાં જાણે જોડાઈ ન ગયા હોય! નવનિર્માણ-જે.પી. નેતૃત્વ અલબત્ત અનામતને સ્વીકારતું સમજતું હતું, પણ તરુણોનાં ધાડિયે ધાડિયાં …. એ જ રીતે, તમને એમ પણ જોવા મળશે કે હિંસ્ર ઉત્પાતના એ દોરમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. બેઉની બીજી ત્રીજી હરોળો ઓછીવત્તી સંડોવાયેલી હશે.
ગાંધી છેડેથી કે આંબેડકર છેડેથી જે પણ કોશિશ ને કામગીરી થઈ એમાંથી ખરું જોતાં એક દલિતની પૂરા કદના નાગરિક તરીકેની પ્રતિષ્ઠા થવી જોઈતી હતી. હિંદુત્વ ચળવળે માનો કે સીમિત અર્થમાં પણ દલિતને તે ‘હિંદુ’ હોવાનો દરજ્જો આપી સુખાભાસ કરાવ્યો હશે પણ સવર્ણ હિંદુ માનસનું શું. ગુજરાતના અનામત વિરોધી આંદોલન વખતે નાગપુરમાં સંઘની કાર્યકારિણીમાં જ્યારે અનામતના સમર્થનની વાત આવી ત્યારે ગુજરાતના પ્રતિનિધિઓએ ‘આપણા ગુજરાતના મિત્રોને માઠું લાગશે’ની તરજ પર વાત કરી હતી. અલબત્ત, તે વખતના સરસંઘચાલક દેવરસે અનામત તરફી મક્કમ વલણ દાખવી ઠરાવ પસાર કરાવ્યો હતો. અહીં મુદ્દો માત્ર એટલો જ છે કે સવર્ણ માનસ દલિત-સમાવેશી અર્થમાં ‘હિંદુ’ બને તે ચાર દાયકા પછી પણ અઘરું હતું.
વાયકોમ સત્યાગ્રહના શતાબ્દી વર્ષમાં આપણને યાદ હોવું જોઈએ કે કાઁગ્રેસમેન પેરિયારને આ લડત મોળી લાગી એથી એ છૂટા પડ્યા હતા. પછીનાં વરસોમાં પેરિયારની પ્રતિભા ઊંચકાતી ગઈ તો બીજી બાજુ કોઈક તબક્કે એમને પક્ષે ગાંધીની કદરબૂજ પણ વધતી ગઈ. એમણે ગાંધીહત્યા વખતે આપેલી અંજલિમાં તે શતધા જોવા મળે છે. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે ગાંધીજીને ભાવથી સંભાર્યા હતા, એ ગોપાલ ગુરુએ સાબરમતી વ્યાખ્યાનમાં ખાસ સંભાર્યું છે. એટલે બે સામસામે હોય ત્યારે પણ સાથે નહોતા એવું નથી.
છઠ્ઠી ડિસેમ્બરના રસમી ને રાજકારણી ઉજવણાં વચ્ચે ક્યાંક તો એ પ્રકારની ચર્ચા ચાલવી જોઈએ જેનો સૂત્રપાત ગોપાલ ગુરુએ કર્યો છે. એમણે સરસ કહ્યું કે આંબેડકરને ગાંધીનો એ ગુણ વસ્યો હતો કે બીજા ઉજળિયાત નેતાઓ જ્ઞાતિપ્રથા ને અસ્પૃશ્યતાવાળી વ્યવસ્થાનો પોતે પણ ભાગ છે એવું સ્વીકારતા નથી પણ ગાંધી આ સ્વીકારે છે અને એને લાંઘી જઈ ‘હરિજન’ બનવા ચાહે છે. એ રીતે આ પ્રશ્ન પરત્વે ‘સત્ય’ને વરેલા અને ઊંચી નૈતિક ભૂમિકાએ જણાય છે. આ સંદર્ભમાં ગોપાલ ગુરુનું એક અવલોકન એ હતું કે આંબેડકરને જે પમાયું હતું તે ઘણા કર્મશીલોને ગાંધી બાબત પકડાતું નથી.
છઠ્ઠી ડિસેમ્બરને વળતે અઠવાડિયે આ થોડાંએક સ્મૃતિ-સ્પંદન!
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 ડિસેમ્બર 2023
![]()


[I]t has been said that democracy is the worst form of Government except all those other forms that have been tried from time to time; but there is the broad feeling in our country that the people should rule, and that public opinion expressed by all constitutional means, should shape, guide, and control the actions of Ministers who are their servants and not their masters.
૧૯૪૫માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો (હિરોશિમા – નાગાસાકી) ઉપર અણુબોંબ નાંખ્યા. આ અત્યંત જઘન્ય કૃત્ય માટે જે દેશ, સરકારો અને (અ)નીતિ ઘડનારાઓનો વિશ્વસ્તરે બહિષ્કાર થવો જોઈતો હતો તેને જગત ફૂલડે વધાવે છે. અમેરિકા અને પશ્ચિમના દેશોએ ધન, સત્તા અને વર્ચસ્વ સ્થાપવા માટે ગુલામોના વેપારથી માંડી રેડ ઇંડિયનોના નિકંદન સુધીનાં પગલાં ભર્યાં છે. ૧૯૪૫ના અણુ-સંહારથી પૂરતો સંતોષ ન પામનાર અમેરિકાએ ૧૯૫૦માં કોરિયાના યુદ્ધમાં ઝંપલાવ્યું. તે પૂરું થતાં ૧૯૫૪માં તે વિયેટનામના યુદ્ધમાં ખાબક્યું.