“અરે, હાંભળો સો કે …,” કાઠિયાણી સરજુબાએ પતિ વજેસંગને હળવા સાદે ટહુકો કર્યો.
“બોલોને, સમુડીની બા”, વજેસંગે સામો હોંકારો દીધો.
“તમે ય તે હું, આમ ને આમ સમો હાલ્યો જાય સે, ને તમે હાથ જોડીને બેઠા સો”, સરજુબાએ હૈયાવરાળ ઠાલવી.
“સમુડીની બા, હું હંધુ ય હમજુ સુ, પણ પાસતરા બે વરહ કોરાધાકોર ગયા, તે મને થ્યું કે જો આ વરહ મેઘો મંડાય તો આપણી સમુડીના હાથ પીળાં કરી નાખીયે. પણ આ વરહમાં ય કાંઈ હકરવાર નથી. હાળી માઠી બેઠી સે ને કાંય.”
સરજુબા : “ઈ હાચું, પણ સમાને માન તો આપવું જ રીયું ને. સમુડીને હવે અઢારમું બેહી ગ્યુ. ને મારું માનો તો હવે બવ વાર કરવા જેવી નથ. પસી કે’તા ના કે …,”
“વાત તો તમારી સોળાના, સમુડીની બા, પણ વિવામાં પાસો ઘરજોગ દાયજો તો કરવો પડસે ને. ને આપણી પાહેં હવે હમ ખાવા નકરું એક ખેતર રીયું સે. મુખીને કાવડિયા ધીરવા કીધું તો કે હામે હુ મૂકો સો.”
સરજુબા : “તે પસે હુ વિસાર્યું ….? જોઉં સું બીજો કોય વેત થાય ઈમ સે કે નઈ.”
….
પછી તો એ ય ને ઘડિયા લગ્ન લેવાયા, ગીતો ગવાયાં ને લાખેણો દાયજો કરી વજેસંગે વાજતે-ગાજતે સમુડીને વળાવી. ગામ આખું જોતું રહી ગયું.
બીજા દિવસની વહેલી પરોઢે કામથી પરવારી સરજુબા પતિ વજેસંગ સામે જોઈ બોલ્યા, “લ્યો હાલો તંયે હવે ખેતર નથ જાવું?
પત્ની સામે જોઈ વજેસંગ મરક મરક મલકાઈ રહ્યાં ….!!
ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com