અશોક અને આશાનાં લગ્નને અઢાર વર્ષ થઈ ગયાં હતાં, બધી રીતે સુખી સંસાર. તેર વર્ષનો દીકરો ને અગિયાર વર્ષની દીકરી પણ છે. બન્ને છોકરાં તંદુરસ્ત અને ભણવામાં હોશિયાર છે.
અશોક કૉલેજ ગ્રેજ્યુએટ છે. બાપાની ફેકટરી સંભાળી લીધી છે. રાજકોટના વેપારી વર્ગમાં જાણીતું, પ્રતિષ્ઠિત નામ ગણાય. કંપનીની બે ગાડીઓ ને ડૃાયવર છે. નોકર ચાકર અને રસોઈયો પણ છે. જાહોજલાલી છે. આશા પાસે માસ્ટર્સ ડિગ્રી છે, પરંતુ ઘર અને કુટુંબ સંભાળે છે. નજર લાગી જાય એવું એમનું લગ્ન જીવન અને સંસાર છે.
આશાના મોટાભાઈએ મુકેલી ‘ઇમિગ્રેશન’ ફાઈલ હમણાં ખૂલી અને આશાને, અશોકને તથા બે છોકરાંને ‘ગ્રિનકાર્ડ’ મળી ગયું. સ્વર્ગનું બારણું ખોલવાની ચાવી જાણે મોટાભાઈએ આખા કુટુંબના હાથમાં મૂકી દીધી હોય એટલો આનંદ અને થનગનાટ બધાંને થયો.
બહુ ઉત્સાહથી નક્કી થયું કે હવે હમણાં તો એક મહિના માટે આખા કુટુંબે અમેરિકા જઈને બને એટલું બધે ફરીને જોઈ-જાણી લેવું. પાછા આવીને કાયમ માટે જાવની તૈયારી કરવી. આખું કુટુંબ એક મહિના માટે અમેરિકાની ધરતી ઉપર મોટાભાઈને ઘરે આવી ગયું.
એક એકર જમીન ઉપર બંધાયેલા મોટાભાઈના મકાનની અદ્યતન સગવડો, આગળનો પાછળનો બગીચો, ફળઝાડોની લીલોતરી, સ્વીમીંગ પુલ, બે સુંદર રમતિયાળ કૂતરા … આ બધી ભવ્યતા જોઈને આશા અને છોકરાં અંજાઈ ગયાં. પૈસા ખર્ચતાં પણ દેશમાં ના મળે એવાં ફળફળાદિ અને ખાદ્ય પદાર્થો તરફ આશાનું ધ્યાન ગયું. રસ્તાઓ ઉપર કે ક્યાં ય ગંદકીનું નામ નિશાન નહીં. સ્વચ્છતા અને આરોગ્યનું આ ધોરણ પણ દેશમાં કદી મળી શકે નહીં. આશાના મનમાં અમેરિકન જીવન ધોરણ અને દેશના જીવન ધોરણની − quality of lifeની − સરખામણી સતત થવા લાગી.
બહેન-બનેવી આવ્યાંના માનમાં મોટાભાઈએ એક રવિવારે સાંજે પોતાના મિત્રમંડળને બોલાવી મોટી પાર્ટી આપી. જેટલા પણ મહેમાનો આવેલા એ બધા અમેરિકામાં આવીને શ્રીમંત થયેલા આસામી હતા. મોટાભાઈ અશોકને બધાને ઓળખાણ કરાવતા હતા.
અશોકને બધા પાસેથી એક જ મંત્ર સાંભળવા મળતો હતો … ‘Welcome to America નરી opportunitiesના દેશમાં આવ્યા છો. હજુ જુવાન છો. બે પાંચ વર્ષ સખત મહેનત કરશો એટલે બરાબર જામી જશો. કોઈ પણ કામ કરવામાં શરમ સંકોચ રાખશો નહીં.’
•••
મહિનો પૂરો થતાં આખું ફેમિલી રાજકોટ પાછું પહોંચી ગયું. એક સવારે ચાનાસ્તો કરતાં આશાએ અશોકને યાદ આપી.
‘અશોક, ફેકટરીએ જતાં રસ્તામાં સ્કૂલના પ્રિન્સિપાલને મળીને એમનાં સર્ટિફિકેટ અને બીજા જરૂરી કાગળિયાંની નકલ લેતા આવજો. મોટાભાઈ ત્યાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં અગાઉથી એમના એડમિશનની વ્યવસ્થા કરવા માગે છે. આપણી પણ હવે તૈયારી કરવી પડશે ને ?’
અશોકે કોઈ જવાબ ના આપ્યો. ચૂપચાપ ચા પીતો રહ્યો.
‘અશોક, મેં કહ્યું તે તમે સાંભળ્યું ?’
‘સાંભળ્યું, આશા. અહીંનો બધો કારોબાર અને વૈભવ છોડીને કાયમને માટે અમેરિકા જવાની મારી ઈચ્છા નથી. બૉસ મટીને હું ત્યાં કોઈની નોકરી નહીં કરી શકું. અને અહીં આપણે શું ઓછું છે ? એટલે કાયમ માટે અમેરિકા જવાની ધૂન તું તારા મગજમાંથી કાઢી નાખ … પ્લીઝ.’ અશોકે બ્રિફકેસ ઉપાડી અને ડૃાઈવરને ગાડી લાવવા બૂમ પાડી.
‘અશોક, તમે અચાનક આ…’
‘આશા, મેં અચાનક નિર્ણય નથી લીધો. બાપુજી અને મોટાભાઈ સાથે વિચારણા કરીને નિર્ણય લીધો છે. જોઈએ તું છોકરાંને લઈને જા. એમની સ્કૂલની અને રહેવાની વ્યવસ્થા કરવા ચારછ મહિના રહેવું પડે તો ત્યાં રહેજે. ખર્ચની ચિંતા ના કરીશ. બધું ગોઠવાઈ જાય પછી નિરાંતે પાછી આવજે.’ ડૃાઈવર ગાડી લઈને આવી ગયો. અશોક ચાલ્યો ગયો.
અશોકના શબ્દો સાંભળીને આશાને જાણે ચક્કર આવી ગયા. પોતે બેભાન થઈને પડી જશે એવું લાગ્યું. જીવનમાં આગળ વધીને પોતાનો વિકાસ કરવાની સોનેરી તકને આ માણસ ઠુકરાવી દે છે !! આશાને જાણે પોતાના શ્વાસ રુંધાતો લાગ્યો. બાળકોનાં ઉજ્વળ ભાવિ માટે અશોકને કેવી રીતે સમજાવવા ? મારાં બાળકોનું ભાવિ, મારાં સપનાં, મારી ઈચ્છાઓ … આ બધાંનું કંઈ જ નહીં ! ‘Wisdom of Marriage’ ક્યાં ગયું ? હવે હું શું કરું ? ગુસ્સે થઈને કકળાટ કરું કે ચૂપચાપ મારાં સપનાંને સળગાવીને અશોકની ઈચ્છા સ્વીકારી લઉં ?
બે મહિના વીતી ગયા. બાળકોને લઈને આશા મોટાભાઈને ત્યાં અમેરિકા આવી. અવારનવાર અશોક સાથે ફોન ઉપર વાત થતી. અમેરિકા આવવા માટે અશોકની સ્પષ્ટ ના હતી. આશાની વિનવણીઓ, કાલાવાલા બહેરા કાને અથડાતાં હતાં. આશાની હાલત કફોડી થઈ ગઈ હતી. અશોકના નિર્ણયથી જીવનનો આનંદ અને ઉત્સાહ જાણે સુકાઈ ગયાં હતાં. અનેક જાતના વિચારોનાં વાવાઝોડાંથી એનું મગજ ફાટફાટ થયા કરતું. અશોક સાથે અમેરિકામાં રહેવાનાં બધાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં !
ડામાડોળ હાલતમાં આમે ને આમ બે વર્ષ વીતી ગયાં. અંતે આશાએ નિર્ણય લીધો. રજીસ્ટર્ડ પોસ્ટથી અશોકને પોતાનો નિર્ણય જણાવવા એ ઑફિસની લાઈનમાં ઊભી રહી. હાથમાં મોટું કવર હતું. હૈયું ધડક ધડક થતું હતું. આંખો વારંવાર ભીની થઈ જતી હતી. કવરમાં વકીલ દ્વારા તૈયાર કરેલા ડિવોર્સનાં કાગળિયાં હતાં. અશોક ગુસ્સે થઈને કાગળિયાં ફાડી નાંખશે કે ‘બલા છૂટી’, એમ કરીને તરત સહી કરીને પાછાં મોકલી આપશે ! ડિવોર્સમાં પોતાને અશોક પાસેથી એક પૈસો પણ જોઈતો નથી, એ સ્પષ્ટતા તો લખી જ દીધી હતી. લાઈનમાં એનો નંબર આવ્યો. રજીસ્ટર લેટરની રિસીટ લઈને પાર્ક કરેલી ગાડીમાં આવીને બેઠી. ધ્રૂસકે ધ્રૂસકે ક્યાં ય સુધી રડી. આ બધું શું થઈ ગયું ?! એને કંઈ સમજાતું નહોતું. ગ્રિનકાર્ડની આ કિંમત ?
e.mail : gunjan_gujarati@yahoo.com
![]()







૨૦૦૫માં લંડન પર આત્મઘાતી હુમલો થયો તેના પ્રતિભાવરૂપે દાઉદભાઈએ ‘ઓપિનિયન’ને લાંબો પત્ર લખ્યો. આ કટોકટીના પ્રસંગે લંડનના નાગરિકોએ વિચાર, વાણી અને વર્તનનું જે ‘સંતુલન’ જાળવ્યું તેને પત્રલેખક ‘હેરતંગેજ’ કહે છે. આ ‘પ્રમાણભાન’ના મૂળમાં બ્રિટિશ પ્રજાની ‘આંતરિક તાકાત’, જે એની મૂલ્યનિષ્ઠામાંથી જન્મે છે. આ છે લંડનની ચેતના, લંડનની આગવી ઓળખ. દાઉદભાઈના શબ્દોમાં આ મહાનગરની ‘લંડનિયત’(Londonness). વિલાયતની આ આન, બાન, શાનને સલામ કર્યા પછી પત્રનું સમાપન આ વાક્યથી થાય છે, ‘તારી એ વિલાયતનો એકાદ અંશ મારા હૃદયમાં સંઘરી હવે હું ભારત પાછો જઈશ.’ આ પત્રમાં દાઉદભાઈના વ્યક્તિત્વનાં બે પાસાં બરોબર ઊપસે છે : ગુણદર્શન અને ગુણગ્રહણ. એ આ મૂલ્યોને આત્મસાત્ કરવા ચાહે છે, એનો અર્થ એ કે દાઉદભાઈ આજીવન શિક્ષક જ નહીં, આજીવન વિદ્યાર્થી પણ ખરા. આમાં બ્રિટનના ગુજરાતી સમાજ માટે પણ સંદેશ છે. દાઉદભાઈએ જે મૂલ્યોની કદર બૂઝી તે આ સમાજનાં કેટલાંકને દેખાતાં નથી. કારણ એ કે, દાઉદભાઈને બ્રિટન સાથે, તેની મૂલ્યનિષ્ઠા સાથે ‘દિલનો નાતો’ છે, જ્યારે આમને માત્ર ‘પાઉન્ડનો નાતો’ છે. જે લોકો આ મૂલ્યનિષ્ઠ સમાજરચનાને લીધે અહીં તાગડધિન્ના કરે છે તે જ લોકો ભારતમાં આ મૂલ્યોનું રોજેરોજ હનન કરતાં તત્ત્વોનો અહીં બેઠાં જયજયકાર કરે છે, આરતી ઉતારે છે. અહીં એમને જોઈએ સમાનતા, અને ત્યાં ઊંચનીચ ચાલે. સાચી દેશદાજ એ કે, આ માનવતાવાદી મૂલ્યોની એન.આર.આઈ. સમાજ ભારત ખાતે નિકાસ કરે જેથી ત્યાં મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બને, તેને બદલે ત્યાંનાં અનિષ્ટોની અહીં આયાત કરનારા ય પડ્યા છે.