ગયા અઠવાડિયે મેં વાચકોને સલાહ આપી હતી કે આ દુનિયામાં જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, જેમણે અલગ કેડી કંડારી આપી છે એમાં એવા કેટલા લોકો છે જે પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને એનું અભિમાન ધરાવે છે એની એક યાદી બનાવવી જોઈએ. હિંદુ તરીકેની ઓળખ તો ગાંધીજી પણ સ્વીકારતા હતા અને ગર્વ પણ અનુભવતા નહોતા, પણ તેનું અભિમાન નહોતા ધરાવતા. માત્ર હિંદુ નહીં, આ જગતમાં ઉપર કહ્યા એવા પ્રકારના કેટલા લોકો છે જે ખ્રિસ્તી તરીકેની, મુસ્લિમ તરીકેની કે બીજી ધાર્મિક કોમી ઓળખ આગળ કરીને તેનું અભિમાન ધરાવે છે? મેં તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવા હજાર લોકોની યાદી બનાવશો તો એમાંથી દસ જણ પણ એવા નહીં નીકળે જે ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવતા હોય. માત્ર ભારતમાં અને હિંદુઓમાં નહીં, જગત આખામાં અને દરેક ધર્મોમાં. બીજી બાજુ જે લોકો ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવે છે એ લોકો મૌલિક અને મેધાવી નથી નીવડતા. એવા લોકોનું પ્રમાણ પણ હજારે દસનું નહીં મળે!
શા માટે? કાંઈક તો કારણ હશે જ? તમે એમ તો નહીં જ કહો કે રવીન્દ્રનાથ ટાગોરમાં, ક્ષિતિમોહન સેનમાં, રાહુલ સાંકૃતાયનમાં, સત્યજીત રાયમાં, બર્ટ્રાન્ડ રસેલમાં, આલ્બર્ટ આઇન્સ્ટાઇનમાં, ઉમાશંકર જોશીમાં, હજારીપ્રસાદ દ્વિવેદી વગેરે પ્રકારના મૂઠી ઊંચેરા માનવીઓમાં તમારા કરતાં ઓછી બુદ્ધિ હતી અથવા ઓછા દેશભક્ત હતા. આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકોએ આખી જિંદગી ભારતીય વિદ્યાઓનાં ક્ષેત્રો (જેવાં કે ફિલસૂફી, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, વ્યાકરણ, અન્ય પ્રાચીન ભારતીય ભાષાઓ, અન્ય પ્રાચ્યવિદ્યાઓ, ઇતિહાસ, સાંકૃતિક ઇતિહાસ, વગેરે)માં મૌલિક કામ કર્યું છે કે કરી રહ્યા છે એવા લોકોમાં પણ હિંદુ તરીકેનું કોમી અભિમાન જોવા નહીં મળે. તેઓ હિંદુ પ્રાચીન વારસાના વારસદાર તરીકે અને એ રીતે હિંદુ હોવાનો ગર્વ અનુભવતા જોવા મળશે પણ અભિમાન ધરાવતા જોવા નહીં મળે. જે લોકો અભિમાન ધરાવે છે એ લોકોનાં કામમાં એ ઊંચાઈ જોવા નહીં મળે. જે લોકોએ હિંદુ વારસાને અને હિંદુ પ્રજાને જગત આખામાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવ્યું છે એવા લોકો હિંદુ હોવાનું કોમી અભિમાન નથી ધરાવતા જેવું અભિમાન સંઘપરિવારના લોકો અને તેના સમર્થકો ધરાવે છે.

જેમના થકી આપણે જગતમાં રૂડા દેખાઈએ છીએ એવા હિંદુઓ હિંદુ કોમી અભિમાન ધરાવતા હોય એવું જોવા નહીં મળે અને જે લોકો હિંદુ કોમી અભિમાન ધરાવે છે તેમના થકી આજે જગતમાં આપણે બદનામ થઈ રહ્યા છીએ.
શા માટે? શા માટે જે લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થથી સમૃદ્ધ છે એ લોકો ધાર્મિક કોમી ઓળખથી દૂર રહે છે ને જે લોકો કોમી ઓળખને પાળે અને પંપાળે છે એ લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થની બાબતે નાદાર છે. આ હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે, જો હજુ સુધી યાદી બનાવીને તુલના ન કરી હોય તો હજુ કરી લો અને પોતાની જાતે ખાતરી કરી લો.
આનાં કારણો તો હું આપીશ, પણ એ પહેલાં હિન્દુત્વવાદીઓનાં અને તેમના સમર્થક ગણાતા આજકાલના ભક્તોનાં વિચાર, વાણી અને વર્તણૂક ઉપર એક નજર કરી જુઓ. ભગવતગીતામાં ભગવાન કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે એ રાહે તમે હિન્દુત્વવાદીઓનાં સરેરાશ એક સરખાં જોવાં મળતાં સામાન્ય લક્ષણો ઉપર એક નજર કરો. જોઈએ તો ઇસ્લામનું અભિમાન ધરાવતા ઇસ્લામવાદી મુસલમાનો અને તેના સમર્થક મુસલમાનોનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ અને ખાતરી કરી લો કે કોઈ સમાનતા નજરે પડે છે કે કેમ! હજુ વધુ ખાતરી કરવી હોય તો આ પ્રકારના બીજા ધર્મોના અનુયાયીઓનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ.
જગતના તમામ ધર્મોમાં ધાર્મિક કોમી ઓળખ પાળનારા, પંપાળનારા અને તેનું અભિમાન ધરાવનારા લોકોમાં આટલી સમાનતા તમે એક સરખી જોવા મળશે :
૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.
૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.
૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.
૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.
૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.
૬. જૂનવાણી વિચાર અને વર્તણૂક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.
આ છ લક્ષણો તમને જગત આખામાં અને દરેક ધર્મમાં ધાર્મિક કોમી અભિમાન ધરાવનારા લોકોમાં એક સરખાં જોવાં મળશે. માન્યામાં ન આવતું હોય તો ખાતરી કરી જુઓ!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2021
![]()






આપણને ગમે કે ન ગમે આપણી હાલત એક રાષ્ટ્ર તરીકે કોઇક વાર એવી લાગે કે એક સાંધો ત્યાં તેર તૂટશે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે એક રાષ્ટ્ર તરીકે અંધારપટમાં લપેટાઇ જવાની ધારે આવી ગયા હોવાના વાવડ સતત સાંભળ્યા છે. આપણા આખા દેશની બે તૃતિયાંશ જેટલી ઇલેક્ટ્રિસિટી – વીજળી કોલસાથી ચાલતા થર્મલ સ્ટેશન્સમાંથી આવે છે. આપણા દેશનો ઇલેક્ટ્રિક ઉજાસ ૧૩૫ જેટલા થર્મલ સ્ટેશન્સ પર આધાર રાખે છે અને આમાંથી મોટા ભાગનાનો જથ્થો સાવ તળિયા ઝાટક થઇ જવાને આરે છે. આમ તો ત્રીસ દિવસનો એડવાન્સ જથ્થો રખાતો હોય છે પણ આ સંગ્રહ કરેલા પુરવઠામાં એવો ઘટાડો થયો કે ઇંધણ ન હોવાને કારણે અમુક થર્મલ સ્ટેશન્સ તો બંધ જ કરી દેવા પડ્યા. માંડ ચાર દિવસ ઊર્જા પૂરી પાડી શકે એટલો જ કોલસો આ થર્મલ સ્ટેશન્સમાં બચ્યો હોવાની વાત ઊર્જા મંત્રાલયે કરી. જુદાં જુદાં રાજ્યોમાં પાવર-કટના પ્લાનિંગ થવા માંડ્યા જેમ કે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કેટલા કલાક વીજળી બંધ રાખી શકાય તેના પ્લાનિંગ થયા તો દિલ્હીમાં મુખ્ય મંત્રીએ વડા પ્રધાન પાસે મદદ માગી. આર્થિક પાટનગર ગણાતા મુંબઇની હાલત તો દોઢ દિવસમાં તખ્તો સાવ પલટાઇ જાય એવી સ્થિતિમાં આવી કે ત્યાં વીજળી વિભાગે કહ્યું કે ૭૩૦ બિલિયન રૂપિયા નહીં મળે તો આખા રાજ્યમાં અંધારપટમાં આવી જશે. જોવાનું એ છે કે આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર નથી અને કેન્દ્ર સરકારના કોલસા મંત્રીએ તો સાફ કહી દીધું કે વીજળીનાં પુરવઠાને મામલે કોઇ ગરબડ થાય તેવું શક્ય છે જ નહીં, પરિસ્થિતિ કાબૂમાં છે. કોલસાનો સંગ્રહ ખૂટી રહ્યો છે એ જેટલી દૂરની વાત લાગે છે એટલી છે નહીં, કલ્પના કરો કે એશિયામાં ત્રીજા ક્રમાંકે આવતા અધધધ મોટા અર્થતંત્રને અંધારપટ ઘેરી વળે તો શું થાય? એક તરફ ભારત કોલસાના સ્રોત તરીકે વિશ્વમાં પાંચમા સ્થાને છે અને ધારે તો એક સદી સુધી દર વર્ષે પડતી કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ. કોલસાની ઇંધણ તરીકેની માંગ ઑક્ટોબરમાં સૌથી વધુ પડે છે. આટલો બધો સંગ્રહ હોવા છતાં આપણને શું નડ્યું?