ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः
पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।
वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः
सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવે છે. શાંતિ દિવસ અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઊજવવો પડે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. હકીકત એ છે કે શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય ત્યારે જ આપણને તેનું મહત્ત્વ સમજાતું હોય છે. પણ આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ છે.
યાદ આવે છે શાંતિ માટે વિશ્વ ભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈન્કાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’
1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આ બધા અનુભવોથી તેમને સામાજિક પરિવર્તન, અહિંસા અને અધ્યાત્મ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવ્યો.
1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમા મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈ પણ દેશના હોય, શાંતિ જ ઈચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’
પછીથી તેઓ ઈંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એક સાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઈંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.
1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'
નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું પહેલું જ વાક્ય છેઃ મહાત્મા ગાંધી વીસમી સદીમાં અહિંસાના સૌથી મજબૂત પ્રતીક સમા છે. એ લેખનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ – નોબેલ પ્રાઈઝને ગાંધીજીની ખોટ સાલે છે. ગાંધી તો કહેતા, ‘વિશ્વ માટે જે શાંતિકાર્યો હું કરી શક્યો એ જ મારો પુરસ્કાર છે.’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે સરસ રીતે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’
શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદના અદ્દભુત શાંતિમંત્રો યાદ આવે:
ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:
સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।
ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
કહે છે, ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’
હજારો વર્ષ પહેલાં આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિ પ્રાર્થના ગાઈએ છીએ તેમાં જે સિધાવી ગયો છે એ આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’
આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’
ભગવાન બુદ્ધે બહુ માર્મિક વાત કરી છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષયમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’ શાંતિ વિના પ્રેમ પણ શક્ય નથી. ઓશો કહે છે, ‘પ્રેમ, આંતરિક શાંતિનો પડછાયો છે. શાંતિ ત્યારે જ મળે જ્યારે તમે અપેક્ષા રહિત થાઓ, એકાંતનો આનંદ લઈ શકો.’
ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભયતાથી ભરેલા હોય છે. તેઓની ક્રિયાઓમાં, વિચારોમાં કે સમજણોમાં સ્થિતપ્રજ્ઞતાનો પ્રભાવ ખૂબ સહજપણે ઝળહળતો હોય છે. સર્વોપરી, સર્વકર્તા અને સર્વશક્તિમાન પરમાત્મસ્વરૂપના ઉત્તમ-નિર્વિકલ્પ નિશ્ચયથી તેમની બુદ્ધિ છલોછલ હોય છે. આથી તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટે ભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ.
સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઈચ્છા કરતા બીજાની ઈચ્છને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કરે કે ‘મારા દ્વારા પ્રભુએ જે ઈચ્છા પૂર્ણ કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’
જે મનુષ્ય સુખની ઈચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે.
અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત્’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 સપ્ટેમ્બર 2021