
courtesy : Manjul, "The Mid-Day", 04 June 2021
![]()

courtesy : Manjul, "The Mid-Day", 04 June 2021
![]()
“બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારું હતું. પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયાં તો પણ યાદ આવતાં હજી ય રડી પડાય છે.” મારી સાથે વાત કરતા મંજુબહેનની આંખમાં પાણી ધસી આવ્યાં. ૨૦૦૧માં કચ્છમાં થયેલી કુદરતી હોનારતનો તીવ્ર આંચકો મંજુબહેનના હ્રદયમાં ન પૂરાય તેવી મોટી તિરાડ પાડી ગયો હતો. જે સમયે દેશ-વિદેશથી હજારો લોકો આર્થિક મદદ માટે દાનનો પ્રવાહ મોકલી રહ્યા હતા, તે સમયે ઘટના સ્થળે દોડી જઈને એક નરપિશાચે મદદના બહાના હેઠળ જે દુષ્કૃત્ય આચર્યું હતું તેનો પુરાવો એટલે મંજુબહેનની ખોવાયેલી પુત્રી! એમની કથા-વ્યથાની અમીટ અસર માનવતા પરનો વિશ્વાસ ડગાવી દે છે. કુદરતના કોપથી ઘેરાયેલા ઉદાસીનાં વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક ઝબૂકતી વીજ જેવી આશા પણ ડરથી કાંપતી થઈ જાય છે. આ કંપનમાં મને મંજુબહેનનો ચહેરો દેખાય છે. કચ્છના જે કુદરતી ઉપચાર કેન્દ્રમાં મેં મહિનો ગાળ્યો હતો તે સંસ્થામાં મંજુબહેન મસાજ કરવાનું કામ કરતાં હતાં. સાડા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડિયા શરીરનો સુરેખ બાંધો, નમણો ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતી આ સ્ત્રીની પુત્રી પણ એટલી જ આકર્ષક હશે એમ મંજુબહેનની વાત પરથી લાગતું હતું.
“કેટલી ઉંમર હતી તમારી દીકરીની?” મારા આ પ્રશ્નના જવાબમાં મંજુબહેન કહેવા લાગ્યાં, “તેર વર્ષની મારી શીલા મારા સાસુ ભેગી હોસ્પિટલમાં અમારા એક સગાંની ખબર કાઢવા ગયેલી. મારી તો ના હતી, પણ સાસુ સામે હું કંઈ બોલી શકી નહીં. ધરતીકંપમાં હોસ્પિટલની ઈમારત તૂટી પડી હતી. મારા સાસુ હેમખેમ ઘરે આવ્યાં પણ શીલાનો પત્તો ન લાગ્યો.” મંજુબહેનને મનમાં બે પીડાઓ ભેગી હતી. તે માનતા હતાં કે સાસુ સામે એમનું ચાલ્યું હોત તો એમણે દીકરી ગુમાવવી ન પડત. ધરતીકંપ થશે એવી ખબર તો ક્યાં એના સાસુને પણ હતી. એ દાદીમાની પીડાની પણ ફક્ત કલ્પના જ કરવાની રહી.
“કદાચ એમ બન્યું હોય કે ધરતીકંપની ઊથલપાથલમાં દટાઈ ગઈ હોય.” મારી આ શંકાનો જવાબ આપતાં મંજુબહેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. મારી પીઠ ચોળતાં એમના હાથ ધીમા પડી ગયાં. ગળગળા સાદે કહેવા લાગ્યાં, “મદદ માટે આવેલા વાહનોમાંના એકમાં તેને ચડતી એક ઓળખીતાએ જોઈ હતી. એક બીજા ભાઈએ પણ દોડાદોડીમાં તેને જોઈ હતી. બહુ તપાસ કરી પણ કોની ગાડી હતી અને કઈ દિશામાં ગઈ તે ખબર જ ન પડી. આના કરતાં તો મરી ગઈ હોત તો વધારે સારું હતું,” કહીને એમણે સાડલાના છેડાથી આંસુ લૂછ્યાં.
એક તો હોસ્પિટલ ગામને છેડે હતી, વળી ચારેબાજુ તારાજી! કોઈક ઘાયલ તો કોઈક બેભાન. જે હેમખેમ હતા તે રઘવાયા અને ખોવાયેલા હતા, તેમાં ક્યું વાહન કોને અને કેટલાંને લઈ ગયું તેની નોંધ કોણ લે? જેને જે હાથ લાગ્યું તેમાં બેસીને ભાગવાનો પ્રયત્ન સૌ કરતાં હશે તે કલ્પી શકાય છે.
અમારા ગામમાં થતા હુલ્લડો વખતે લૂંટ અને ચોરીના કેટલા ય કિસ્સા મેં સાંભળ્યા હતા, પણ કુદરતી હોનારતને કારણે અચાનક આવી પડેલી આફતની કરુણાજનક સ્થિતિ વચ્ચેથી આ રીતે કોઈ સગીર કન્યાને ઊઠાવી લઈ જઈ શકે એ મારી ધારણા બહારની વાત હતી.
બની શકે કે શીલાને એમ કહેવામાં આવ્યુ હોય કે તેના પરિવારના બધા જ ધરતીકંપને કારણે મૃત્યુ પામ્યા છે. બની શકે કે મદદને નામે તેને ફોસલાવીને …… ગુમનામ કરી દેવામાં આવી હોય. શીલા ક્યાં હશે અને તેના પર શું વીતી હશે? તેની ધ્રૂજાવી નાખતી કલ્પના જગનિયંતા પરનો વિશ્વાસ ડગાવી દે છે.
(સત્ય ઘટના પર આધારિત. આ સત્યઘટનાનાં પાત્રોનાં નામો કલ્પિત છે)
સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()
વિશ્વ પર્યાવરણ દિવસ 2021

ફોટો : રૂપાલી બર્ક, કુંબલગઢ
મારી વાત અમેરિકી કવિ જૉય્સ કિલ્મરે ‘વૃક્ષો’ શીર્ષકની સુંદર કવિતાના અનુવાદથી માંડવા માગું છું :
વૃક્ષો
મને નથી લાગતું કે ક્યારે ય હું
સુંદર કાવ્ય જોઈ શકીશ વૃક્ષ જેવું.
વૃક્ષ જેનું ભૂખ્યું મોં ચંપાયેલું છે
ધરતીના મધુર વહેતા સ્તને;
વૃક્ષ જે દિવસ આખો ઇશ્વરને નિહાળ્યા કરે
ને એના પાનભર્યા હાથ પ્રાર્થનામાં ઊંચા ધરે;
વૃક્ષ જે પહેરે ઉનાળામાં
રૉબિનનો માળો એના કેશમાં;
જેની છાતી પર બરફ પથરાય
જે હરદમ વરસાદમાં નહાય.
કાવ્યો મારા જેવા મૂર્ખ સર્જે
વૃક્ષ તો માત્ર ઇશ્વર સર્જે.
વિશ્વ પર્યાવરણ દિન ૧૯૭૪થી ઉજવાતો આવ્યો છે. ૧૪૩ દેશોની સરકારો, વેપારી સંસ્થાઓ, વિવિધ સંગઠનો, નાગરિકો પર્યાવરણીય પ્રશ્નો સંદર્ભે અનેક રીતે સક્રિય ભાગીદારી નોંધાવે છે. માનવ પર્યાવરણ સંબંધી સ્ટૉકહોમ કૉન્ફરન્સના પ્રથમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧૯૭૨માં વિશ્વ પર્યાવરણ દિનની જાહેરાતને કારણે અસ્તિત્વમાં આવ્યો. પ્રથમ તબક્કામાં ‘માત્ર એક વિષયવસ્તુ પર આ દિવસ મનાવાતો હતો. ૧૯૮૭થી આ અંગેની પ્રવૃત્તિઓના કેન્દ્રો તરીકે યજમાન દેશોની પસંદગી શરૂ કરવામાં આવી. વર્ષ ૨૦૨૧ માટે યજમાન પાકિસ્તાન છે.
સાચું જ કહ્યું છે કે જંગલ પ્રત્યેનો આપણો વ્યવહાર આપણા પોતાના અને બીજા પ્રત્યેના વ્યવહારનું પ્રતિબિંબ છે. દુ:ખદ બાબત છે કે દર ત્રણ સૅકૅન્ડે એક ફૂટબૉલ પિચ જેવડો અને દર વર્ષે ૪.૭ હૅક્ટર જંગલનો (ડૅન્માર્ક જેટલો વિસ્તાર) ખાતમો થાય છે. માટે આ વર્ષે યુ.એન.ની થીમ છે : ‘Reimagine, Recreate, Restore’.
World Environment Day 2021ની ઑફિશ્યલ વૅબસાઈટ મારફતે #GenerationRestoration ઝુંબેશમાં જોડાઈ શકાય છે. આ દ્વારા પર્યાવરણ અંગે અઢળક માહિતી ઉપલબ્ધ થશે સાથોસાથ તમારા કાર્યો દ્વારા તમે કઈ રીતે યોગદાન આપી શકો છો, એનું માર્ગદર્શન પણ મળશે. સોશ્યલ મીડિયા મારફતે આ ઝુંબેશને વેગ આપવા માટે ખૂબ બધી સામગ્રી પણ મળશે. આપણી નાનામાં નાની પહેલનું મૂલ્ય હશે. ખાસ કરીને બાળકો, તરુણોને આમાં સાંકળીને કોરોનાકાળમાં સરસ પ્રવૃત્તિ પણ પૂરી પાડી શકાય એમ છે. રસ ધરાવતા વડીલો પણ આમાં શામેલ થઈ શકે છે. It is never too late to start anything good. Shall we?
આજના નિમિત્તે ગુગલ પર વિવિધ પોસ્ટરો મૂકેલાં છે એમાં રસપ્રદ અને ચિંતનશીલ કૅપ્શન્સ છે :
Every tree we plant contributes to the air we breathe.
Let us nurture nature so that we can have a better future.
Don’t be greedy, it’s time to be greeny.
Adopt me! They say my parents were killed by something called development.
He that plants trees loves others besides himself.
The earth does not belong to us. We belong to the earth.
We do not inherit the earth from our ancestors, we borrow it from our children.
Save the earth, we have nowhere to go.
ચાલો, આપણાથી જે થઈ શકે તે કરીએ …
~
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

