કોઈ સોજ્જો, ગંભીરપણે વિચારી શકતો ને તટસ્થ રાજકીય વિશ્લેષક અગર તો આઝાદ કલમનો ધણી બિન-ગોદી પત્રકાર ચાહે તો પણ આજની પરિસ્થિતિ અને એમાંથી ઉભરતા ભયો બાબતે એટલી વિશદતાથી લખી શક્યો ન હોત જેટલી વિશદતાથી દિલ્હીના એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ પોતાના ૧૪ પાનાંના આદેશમાં લખ્યું છે. ખરું જોતાં એનું સ્થાન રાજકીય વિશ્લેષકો અને પત્રકારોના પાઠ્યક્રમમાં હોવું જોઈએ. બૅંગલુરુની બાવીસ વરસની દિશા રવિને જામીન પર છોડતાં રાણાસાહેબે જે પણ વાતો જે રીતે લખી છે તે હમણેનાં વરસોમાં અદાલત તરફથી આપણી સમક્ષ આવેલ શાનદાર બંધારણીય દસ્તાવેજ છે. આપણી સર્વોચ્ચ અદાલતના તથાકથિત ન્યાયમૂર્તિઓ એમાંથી કંઈક શીખી શકે તો એમનું આજકાલ જે મૂર્તિવત અસ્તિત્વ દીસે છે એમાંથી છૂટી શકે.
કહેવામાં તો એવું આવે છે કે જામીનનો હુકમ બને એટલો ટૂંકો હોવો જોઈએ કેમ કે મુકદમો હજુ તો ખૂલવાનો હોય છે, અને ત્યાર પછી સ્તો વાદી-પ્રતિવાદી-જજ વગેરેને સવિસ્તર પોતપોતાની વાત મૂકવાનો મોકો મળતો હોય છે. પણ દેશ આખામાં જે જડતાએ ઘર ઘાલ્યું છે એમાં આ વાત નકરી પોથીમાંનાં વેંગણ જેવી બની રહે છે. આપણા બંધારણની વિશેષતા એ સ્તો છે કે એનું બરાબર પાલન ને સન્માન કરવામાં આવે તો એના કોઈ પણ સ્થંભે ઝાઝું કહેવાકરવાની જરૂર પડતી નથી. લોકશાહી જ્યારે રાષ્ટ્રજીવનની રગ રગમાં પ્રવહમાન હોય ત્યારે બંધારણની યથોચિત વ્યાખ્યા પળે પળે સ્વતઃ થયા કરતી હોય છે. પણ જ્યારે લોકશાહીને નકરો જુમલો બનાવી દેવાય છે અને એના સઘળા સ્થંભ આપણાં મેલાં કપડાં ટાંગવાની ખીંટીમાં ફેરવાઈ જાય છે ત્યારે કોઈ એસ. મુરલીધરન અગર કોઈ ધર્મેન્દ્ર રાણા પૂરા કદનું બોલે એવી જરૂર પડે છે. ગૂંગા જજસાહેબો હસ્તક બંધારણ પણ પોતાની શ્રી ગુમાવી બેસે છે.
દિશાના જગજાહેર મામલા વિશે અહીં ઝાઝું કહેવાની જરૂરત નથી. (જુઓ રામચંદ્ર ગુહાનો લેખ.) માત્ર, એટલું જ કહેવાની જરૂર છે કે એની ગિરફતારી કેવળ ગેરબંધારણીય જ નહોતી પરંતુ સત્તાધીશોના ઈશારે દિલ્હી પોલીસ હસ્તકની એ એક આતંકવાદી કારવાઈ હતી. ન્યાયમૂર્તિ રાણાએ કહ્યું છે કે દિલ્હી પોલીસ અમારી સમક્ષ એવી એક પણ પુખ્ત દલીલ અગર સાબિતી નથી રજૂ કરી શકી જેમાંથી તાણીતૂસીને પણ એવું તારણ કાઢી શકાય કે દિશા અગર એનું ‘ટૂલકિટ’ હિંસાને ઉશ્કેરનાર હોય, કે પછી ૨૦૨૧ની ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા પાછળ એની ઉશ્કરેણી હતી. દેખીતી રીતે જ આવું વિધાન કરતી વેળાએ રાણાસાહેબ જાણેઅજાણે પણ દિલ્હી પોલીસ અને એમના આકા (ગૃહ મંત્રી) બેઉને એક સાથે ‘અયોગ્યતા’નું પ્રમાણપત્ર આપી રહ્યા હતા. દિશાની ગિરફતારીનું ઔચિત્ય જે રીતે દિલ્હીના પોલીસ વડાએ અને ખુદ ગૃહ મંત્રીએ ટી.વી. પર આવી બોલી બતાવ્યું હતું તે પછી એટલું બેલાશક જરૂરી હતું કોઈ મોટો ચીસોટો પાડીને અને આંગળી તાકીને એ બધું કહે જે રાણાસાહેબે કહ્યું છે. જ્યાં પણ, જ્યારે પણ બંધારણ બોલે છે, નકલી ચહેરા આમ જ બેનકાબ બની જતા હોય છે.
દિશાની ગિરફતારી બેબુનિયાદ અને ગેરબંધારણીય હતી એવી ટિપ્પણી સાથે રાણાસાહેબે એને જામીન આપી દીધા એ જરૂર એક મોટી વાત થઈ પણ એને માથે શગ ઘટના તો એમણે કરેલ એ સ્થાપનામાં છે કે “કોઈ પણ લોકશાહી દેશમાં જનતા સરકારના અંતરાત્માની રખેવાળ હોય છે,” અને તમે કોઈને પણ “કેવળ એટલા વાસ્તે સળિયા પાછળ નથી ધકેલી શકતા કે તે રાજ્યની નીતિઓ સાથે સહમત નથી.” વળી “કોઈ સરકારી મુખવટાના સળ છૂટા પડી જાય એટલા માત્રથી તમારા પર ૧૨૪-એના અન્વયે દેશદ્રોહનો અપરાધ મૂકી શકાતો નથી.” તે સાથે એમણે ઘૂંટેલો મુદ્દો એ પણ છે કે “કોઈ સંદિગ્ધ (શંકાસ્પદ) વ્યક્તિ સાથેના સંપર્ક માત્રને તમે બારોબાર અપરાધ ઠરાવી શકતા નથી. તપાસવું તો એ જોઈએ કે એની છૂપી ગતિવિધિ સાથે આરોપી જોડાયેલ છે કે કેમ. ખાસી છાનબીન પછી હું એ તારણ પર પહોંચ્યો છું કે આરોપી પર આવો કોઈ આરોપ લગાવી શકાય તેમ નથી.” તે પછી એમણે એ વાત સંભારી કે દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રી બેઉ દિશાએ ‘ટૂલકિટ’ વાટે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની છબી બગાડી છે એટલું જ નહીં પણ દેશ વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચ્યું છે એમ કહ્યું હતું. આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતના કેટલાયે ફેંસલાઓનો હવાલો આપીને રાણાસાહેબે કહ્યું કે બંધારણની ૧૯મી કલમ અસહમતિના અધિકારને ભારપૂર્વક સ્થાપિત કરે છે અને “બોલવાની ને અભિવ્યક્તિની આઝાદીમાં, આ અભિવ્યક્તિ માટે દુનિયાભરમાંથી સમર્થન માગવાની આઝાદી પણ સમાવિષ્ટ છે.” ઋગ્વેદમાંથી ટાંકતા રાણાસાહેબે કહ્યું કે આપણી પાંચ હજાર વરસ પુરાણી સંસ્કૃતિના ઋષિએ ગાયું છે કે ચારે કોરથી કલ્યાણકારી વિચારો આવો. ચોફેરથી એટલે કે દુનિયાના ખૂણેખૂણેથી. જો ત્યારે આ ‘આદર્શ’ હતો તો આજે આપણે એને ‘અપરાધ’ કેવી રીતે કહી શકીએ?
રાણાસાહેબ ઇતિહાસમાં પાંચ હજાર વરસ પાછા ન ગયા હોત અને હજુ ૭૦ વરસ પર જ એમને આપણા આધુનિક ઋષિ મહાત્મા ગાંધી પણ મળી ગયા હોત જેમણે કહ્યું હતું : હું ઈચ્છું છું કે મારા ખંડનાં સઘળાં બારીબારણાં ખુલ્લાં રહે જેથી વિશ્વભરના વાયરા આવતા રહે. પણ તે સાથે મારા પગ મજબૂતીથી મારી જમીન પર એવા ખોડાયેલા હોય કે કોઈ મને ઉખેડી લઈ જઈ ન શકે. પરંતુ, જો કે, અહીં તો સવાલ એ લોકોનો છે જેમનું અસ્તિત્વ બહારથી કોઈ નવી રોશની ન આવે એટલા વાસ્તે ચિત્તનાં બારીબારણાં બંધ રાખવા પર જ ટકેલું છે. આ સૌ અંધકારજીવી પ્રાણી છે, અને રાણાસાહેબે એમના એ અંધારમન પર પણ ચોટ કરી છે.
એકદમ બુનિયાદી સવાલ છે આ તો. લોકશાહીમાં મતભિન્નતા તો રહેવાની જ અને એ સ્તો એને વાસ્તે પ્રાણવાયુ છે. પણ, તે સાથે, એ લોકતંત્રનું અનુશાસન છે કે ભિન્નમતને કદાપિ અપરાધ લેખી શકાતો નથી. બંધારણ આ જ વાત ડંકેકી ચોટ કહે છે અને એને સારુ જ તે ન્યાયપાલિકા નામનું તંત્ર બનાવે છે, જેનું એકમાત્ર ઔચિત્ય એ હકીકતમાં છે કે તે (ન્યાયપાલિકા) બંધારણ માટે જીવશે, ને મરશે. પણ ન તો એવું થયું છે, ન તો થઈ રહ્યું છે. બંધારણ માટે આટલી પ્રતિબદ્ધતા પુરસ્સરની ન્યાયપાલિકા આપણે ન બનાવી શક્યા હોઈએ તો એનું કારણ એ છે કે આવી ન્યાયપાલિકા પરત્વે પ્રતિબદ્ધ સમાજ બન્યો નથી. આજની ઘડી જો સૌથી અંધારી ઘડી હોય તો એ કારણે કે અહીં હર કોઈ પોતાને માટે તો લોકશાહી વાંછે છે, પણ બીજા કોઈના લોકશાહી અધિકારોનું સમ્માન કરતા નથી. આવા નાગરિકોને તો, પછી તો, એવી જ ન્યાયપાલિકા મળે ને જે બંધારણના થોથાની એસીતેસી કરીને સરકારના સંકેતે બોલાવ્યું બોલે અને તોલાવ્યું તોલે.
દિશા રવિના પ્રકરણમાં રાણાસાહેબે ફરીથી એક વાર એ રેખા અંકિત કરી આપી છે જે લોકને તંત્રનું નિશાન બનતા રોકે છે. હર કોઈ લોકશાહી સમાજની દિશા, અંતે તો, એ જ હોઈ શકે કે તે લોકતંત્રની નવી દિશાઓ ખોલતી ચાલે.
ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 01-02
![]()


વડાપ્રધાને તાજેતરમાં જ ખાનગીકરણની જોરદાર હિમાયત કરતાં કહ્યું છે કે સરકારે ધંધામાં ન રહેવું જોઈએ. એમ લાગે છે કે સરકાર હવે બધું ખાનગી કરવા માંગે છે. જો કે, ગુજરાત સરકાર તો ઘણી વહેલી ખાનગીકરણને રવાડે ચડેલી છે, ખાસ કરીને શિક્ષણને મામલે. ગુજરાત સરકાર વડા પ્રધાનના નિર્ણયને ઘણી વહેલી પામી ગઈ હોય તેમ ખાનગી સ્કૂલોને ઉત્તેજન અને લાઇસન્સની લહાણી કરતી આવી છે ને સરકારી સ્કૂલો બંધ કરતી ગઈ છે. સરકારને બીજી ઘણી જવાબદારીઓ છે એટલે તે સ્કૂલો ખોલવા કરતાં બીજા ધંધામાં પડે તો વધારે નફો કરી શકે તે સમજી શકાય તેવું છે. સરકાર એ પામી ગઈ છે કે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક સ્કૂલો પોતે ચલાવે એના કરતાં ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપે તો એ પણ બે પાંદડે થાય. એમાં બીજો લાભ એ કે અંગ્રેજી માધ્યમની કે ઈવન ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવાની ને તેને ચલાવવાની ટાઢે પાણીએ ખસ જાય.