બંધ બારીબારણાં
ફડફડી રહ્યાં છે.
કદાચ
બહારનાં તોફાની પવનથી
અંદર
ફેફસાંને ખતમ કરી નાખતી
નરી રૂંધામણ છે
ટેવવશ
સ્ટૉપર ખોલવા
ઊંચો થયેલો હાથ
એકાએક
અધ્ધર રહી જાય છે-
બારણે ટકોરા સંભળાય છે,
કોઈ અજ્ઞાત ચહેરો
આદેશ ફરમાવે છે,
બારીબારણાં ખોલવાં નહીં,
અંદર જ રહો
બહાર બધું સલામત છે!
ફુવારા પાસે, લુણાવાડા.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 07
![]()


ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.
થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.