ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં પગ મુક્યો એ પહેલાં તેમણે ૧૯૦૯માં લંડનમાં પગ મુક્યો, ત્યારે ત્યાં શું થયું હતું એના ઉપર એક નજર કરવી જોઈએ. એ આજની સ્થિતિને સમજવા માટે પણ ઉપયોગી નીવડે તેમ છે.
દક્ષિણ આફ્રિકામાં મુખ્યત્વે ટ્રાન્સવાલ અને નાતાલના વિશાળ પ્રદેશમાં છૂટાછવાયા રહેતા પચાસેક હજાર જેટલા ભારતીયોને મોહનદાસ ગાંધીએ કેવી રીતે સંગઠિત અને આંદોલિત કર્યા એ અચરજનો વિષય હતો. જે બંગભંગ જેવા પ્રમાણમાં મોટા અને ભાવનાત્મક પ્રશ્ને ભારતમાં શક્ય ન બન્યું, એ દક્ષિણ આફ્રિકામાં કેવી રીતે શક્ય બન્યું એનું આશ્ચર્ય હતું. પ્રજા પણ કેવી? પરચૂરણ, ગરીબ અને છેવાડાની. લડવા જાય તો માલિક કાઢી મૂકે અને છોકરાં ભૂખ્યા મરે. આમ છતાં ય અનેક લોકોએ રસ્તા ઉપર ઊતરીને, પોલીસના માર ખાઈને અને જેલમાં જઇને લડતમાં ભાગ લીધો હતો. આવું તો ભારતમાં પણ નહોતું બન્યું.
આ સિવાય લડતનું સ્વરૂપ પણ અત્યાર સુધી ક્યાં ય જોવા મળ્યું નહોતું એવું જુદું હતું. અમે તમારો કાયદો નહીં માનીએ. અમે તમારો આદેશ નહીં માનીએ. અમે સંગઠિતપણે મારધાડ કરીને તમને નુકસાન પણ નહીં પહોંચાડીએ. અમને માનવીય ન્યાય મળવો જોઈએ અને માનવીય ન્યાય માગવો એ તમારી નજરે જો ગુનો હોય તો સજા કરો. મારો, મારી નાખો, જેલમાં મોકલો જે કરવું હોય એ કરો, પણ તમારી જોહુકમી અમારા ઉપર નહીં ચાલે. અમે હવે ડરીને તાબે નહીં થઈએ અને ડરીને અન્યાય સહન નહીં કરીએ.
દુનિયા અચરજ સાથે દક્ષિણ આફ્રિકામાં એક અજાણ્યા ભારતીય વકીલના નેતૃત્વમાં ચાલતી અનોખી લડત તરફ નજર રાખતી હતી. પણ અચરજ માત્ર એ વાતનું નહોતું કે દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યને મુઠ્ઠીભર ગરીબ પ્રજાએ પડકારી હતી. કુતૂહલ એ લડતમાં કોણ જીતે છે એ વાતનું પણ માત્ર નહોતું. અચરજ એ વાતનું હતું કે જેને તમે મરેલી પ્રજા માનીને હાંસિયામાં ધકેલી દીધી છે એને જગાડી પણ શકાય છે. એની અંદર રહેલા હીરને જગાડી શકાય છે અને આંદોલિત પણ કરી શકાય છે. મોહનદાસ ગાંધીએ આ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો અને તેનું પરિણામ પણ જોવા મળતું હતું.
વિચારકોના મનમાં પ્રશ્ન પેદા થયો હતો કે જો પ્રજા ન્યાય-અન્યાય અને માનવીય-અમાનવીયના મૂળભૂત પ્રશ્નો ઉપસ્થિત કરે તો કોઈ વ્યવસ્થાને તેના શ્રેષ્ઠત્વના નામે કેવી રીતે ટકાવી રાખવી? અત્યાર સુધી તો જે તે વ્યવસ્થાને ધર્મ, વંશ, સભ્યતા, સમાજવાદ, સામ્યવાદ, રાષ્ટ્રવાદ અને અન્ય વિચારધારાઓના શ્રેષ્ઠત્વના નામે જ ટકાવી રાખી છે. એકંદરે આપણે અથવા આપણો વિચાર શ્રેષ્ઠ છે એટલે એમાં રહેલી અધૂરપ તરફ નજર નહીં કરવાની એમ કહેવામાં આવતું હતું અને લોકો એ દલીલ સ્વીકારી લેતા હતા. જેને અન્યાય થતો હતો તેમને અન્યાયનો બોધ જ નહોતો અને જેને એ વાત સમજાતી હતી તેઓ વિશાળ જનહિતમાં થોડાકને થતો અન્યાય સહન કરી લેવો જોઈએ એમ માનતા હતા.
આ કોલમમાં આગળ કહ્યું છે એમ ગાંધીજીને કોઈનું પણ શ્રેષ્ઠત્વ સ્વીકાર્ય નહોતું. શ્રેષ્ઠ માત્ર સત્ય. ન પ્રજા કે ન વિચારધારા. કહેવાતા શ્રેષ્ઠ દ્વારા જો અન્યાય થતો હોય તો શ્રેષ્ઠને પણ પડકારવાનો. ટૂંકમાં દુનિયાએ અત્યાર સુધી સમાજવાદની વકીલાત કરનારા અને તેને માટે લડનારાઓને જોયા હતા, સામ્યવાદ માટે લોકોને લડતા અને દલીલો કરતા જોયા હતા, સામ્રાજ્યવાદ માટે લોકોને દલીલો કરતા અને લડતા જોયા હતા, રાષ્ટ્રવાદ માટે લોકોને દલીલો કરતા અને લડતા જોયા હતા; પણ આ તો દુનિયામાં પહેલી વાર જોવા મળી રહ્યું છે જેમાં કોઈ માત્ર સત્યની વકીલાત કરે છે અને સત્ય માટે લડે છે. માત્ર લડતો નથી, પ્રજાને સત્ય સમજાવે છે, અંતરાત્મા જાગ્રત કરે છે અને પ્રચંડ શક્તિશાળી સામ્રાજ્ય સામે ઊભી કરી દે છે. સત્ય જો કહેવાતા શ્રેષ્ઠત્વને નકારે તો શ્રેષ્ઠત્વના દાવાના પાયા ઉપર ઊભેલી સમૂળગી વ્યવસ્થા જ પડી ભાંગે. સત્ય તકલાદી ન હોઈ શકે, શ્રેષ્ઠત્વ તકલાદી હોઈ શકે છે.
અચરજ આ વાતનું હતું. માટે જગતના પ્રવાહો ઉપર નજર રાખનારાઓ ગાંધીજી ઉપર નજર રાખતા હતા.
બન્યું એવું કે ૧૪મી ઓક્ટોબર ૧૯૦૮ના રોજ ગાંધીજીને ૨૫ પાઉન્ડનો દંડ અને દંડ ન ભરે તો બે મહિનાની સખત મજૂરીની સજા કરવામાં આવી. ગાંધીજીએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું. બીજા દિવસે ગાંધીજીને જે શહેરની જેલમાં પૂરવામાં આવ્યા હતા એ વૉક્સરસ્ટ શહેરના રસ્તાઓના સમારકામની મજૂરી કરાવવામાં આવી. આની જગતને જાણ થઈ અને મોટો ઊહાપોહ થયો. સમાચાર છપાયા એના બીજા દિવસે લંડનમાં સર મંચેરજી ભાવનગરીના પ્રમુખપણા નીચે એક સભા યોજાઈ જેમાં લાલા લાજપત રાય અને બિપીનચન્દ્ર પાલ વક્તા હતા. લાલ-બાલ-પાલની ક્રાંતિકારી ત્રિપુટીમાંથી બે લંડનમાં હતા. લોકમાન્ય તિલક માંડલેની જેલમાં હતા. એ સભામાં લાલા લજપત રાયે કહ્યું હતું કે આફ્રિકામાં મિ. ગાંધી ઇતિહાસ રચી રહ્યા છે. બિપીનચન્દ્ર પાલે કહ્યું હતું કે મિ. ગાંધીનો એક એક હથોડો સામ્રાજ્યના ભૂકા બોલાવવાની ક્ષમતા રાખે છે.
એ સભામાં બે ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા જેમાંના એક ઠરાવને વિનાયક દામોદર સાવરકરે અનુમોદન આપ્યું હતું અને બીજા ઠરાવને જાણીતા વિદ્વાન અને કલામર્મજ્ઞ આનંદ કુમારસ્વામીએ અનુમોદન આપ્યું હતું.
હવે થોડા મહિના પછી ગાંધીજી લંડન આવવાના હતા જ્યાં તેમની સાવરકર અને બીજા ભારતીય મિત્રો સાથે ભારત વિશે, ભારતીય રાષ્ટ્ર વિશે, આધુનિક સભ્યતા વિશે ચર્ચા થવાની હતી. ત્યારે રચાયેલા બે ધ્રુવો આજે પણ કાયમ છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 સપ્ટેમ્બર 2020