અંગ્રેજી રાજની રીત હતીઃ ભાગલા પાડો ને રાજ કરો. વર્તમાન રાજની પદ્ધતિ છેઃ ધ્રુવીકરણ પ્રેરો ને રાજ કરો. નાનામાં નાના મુદ્દે પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જવા જોઈએ. તેમાંથી સરકારતરફી લોકોને પોતાની અસીમ શ્રદ્ધા કે વડાપ્રધાનના ટીકાકારો પ્રત્યેનો અભાવ ટકાવી રાખવાના મુદ્દા મળતા રહેવા જોઈએ. ટીકાકારોના વિવિધ પ્રકારની – પ્રકારભેદની પરવા કરવાની જરૂર નથી — તેમની ટીકામાં તથ્ય હોય તો પણ નહીં.
ઉપેક્ષા ફક્ત ટીકાની જ થતી નથી. ચિંતાની વાત એ છે કે આરોગ્ય અને અર્થતંત્રથી માંડીને સરહદ સુધીના ગંભીર મુદ્દા સળગ્યા છે અને સરકાર બીજા કોઈ, સમાંતર વિશ્વમાં રાજ કરતી હોય તેમ, એ મુદ્દે નાગરિકો સમક્ષ કશી ચોખવટ કરતી નથી. એટલું જ નહીં, સચ્ચાઈ બહાર લાવવા મથતા લોકોને જૂઠા પાડવાનો કે પછી તેમની સામે આડેધડ કાર્યવાહીનો દૌર ચાલુ જ રહ્યો છે. કોરાના હોય કે ચીન, સરકારની નિસબત એટલી જ જણાય છે કે વડાપ્રધાનની છબિ પર છાંટા ન ઉડવા જોઈએ અને છાંટા તો શું, આખેઆખું કાળી શાહીનું પીપડું રેડાઈ જાય, તો પણ પાળીતાં વાજિંત્રોએ તો મંગલગાન ચાલુ જ રાખવાં — કદી દેશપ્રેમના નામે, તો કદી રાષ્ટ્રવાદના નામે.
કોવિડ-૧૯ના કેસ વધી જ રહ્યા છે, પણ આરોગ્ય-મંત્રીને છેલ્લે ક્યારે જોયા હતા? રોજરોજ સરકારી અખબારી યાદીનો પોપટપાઠ કરતા પેલા લવકુમાર અગ્રવાલ પણ કેસોની સંખ્યા ધડાધડ વધ્યા પછી જોવા મળ્યા નથી. અર્થતંત્રમાં તળિયે છે. ‘મોદીનૉમિક્સ’(મોદી-અર્થશાસ્ત્ર)નો અંગ્રેજીમાં ફુલાવાયેલો વિરાટ ફુગ્ગો ફૂસ્સ થઈ ગયો છે. પણ પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાનો ઈજારો કોઈ કોમવિશેષનો થોડો છે? ‘હાર્વર્ડ’ અને ‘હાર્ડ વર્ક’ની બાલિશ તુકબંદીઓ વડાપ્રધાનને ફાવતો વિષય છે. પાંચ ‘સી’ ને ચાર ‘ઇ’ ને ત્રણ ‘પી’-ના પ્રાસ બેસાડવા માટે લખો યા મળો. પણ કશી મુદ્દાની-નક્કર-ભરોસાપાત્ર હકીકતની આશા અચૂક ઠગારી નીવડે છે.
અમેરિકાના ગણતરીબાજ ચક્રમ પ્રમુખ ટ્રમ્પ સાથેની વડાપ્રધાનની ‘દોસ્તી’ની મુઠ્ઠી પણ ખૂલી ચૂકી છે ને અંદરથી ફોંતરાં સિવાય કંઈ નીકળ્યું નથી. ભારતીય વિદ્યાર્થીઓને પાછા મોકલવાના ટ્રમ્પના તઘલકી નિર્ણયને અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓએ પડકાર્યો, ત્યારે ટ્રમ્પને પાછી પાની કરવી પડી. બાકી, વડાપ્રધાનની કશી શરમ તેમના ભાઈબંધે ભરી નહીં. ચીની પ્રમુખ સાથે ભાઈબંધીના ભરમ પછી તે લદ્દાખમાં ઊંઘતા ઝડપાયા. હજુ પણ ચીની સૈન્ય અમુક વિસ્તારોમાં લાઇન ઑફ કન્ટ્રોલથી ભારતની બાજુએ છે. ‘દોભાલનો ફોન ગયો ને બધું પતી ગયું’ – એવા દાવા, સરકારની આબરૂ પ્રમાણેના, હવાઈ નીવડ્યા છે. પરંતુ સરકાર આ મુદ્દે કશું બોલતી નથી. આ જ પલટન વિપક્ષમાં હોત તો? ભોગ આપણા કે સરકારનો કાંઠલો પકડે એવો વિપક્ષ પણ દેખાતો નથી.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 01
![]()


મામાસાહેબ ફડકે તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેના દેહવિલય(તા. ૨૯મી જુલાઈ ૧૯૭૪)ને આજે તો પોણા પાંચ દાયકા થવા આવ્યા છે. આજની પેઢી માટે તો એ કદાચ પાઠયપુસ્તકનું એક પાનું હશે. પરંતુ જેમણે ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ તરીકે પોતાની ઓળખ આપી છે, તે મામાસાહેબ ફડકે દલિતશિક્ષણના જ નહીં આભડછેટ નાબૂદી અને દલિતોદ્ધારના ભેખધારી હતા. અસ્પૃશ્યતા નિવારણને જીવનધ્યેય બનાવનાર તથા અનેક દલિત વિદ્યાર્થીઓના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર મામાસાહેબ ખરા અર્થમાં ‘અવધૂત’ હતા.
દલિતોનાં શિક્ષણ અંગે મામાસાહેબમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ હતી. આત્મકથામાં તેમણે લખ્યું છે, ‘હું શિક્ષણ આપતો હતો તે સાક્ષરતા વધારવા માટે ન હતું, પણ જીવન સુધારવા માટે હતું. પરીક્ષા પાસ કરે અને છોકરા ધંધે વળગી જાય એવું મારું ધ્યેય ન હતું.’ ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ. ભારતનો સૌ પ્રથમ ગાંધીઆશ્રમ ગોધરામાં શરૂ થયેલો. ઈ.સ.૧૯૨૨માં અમદાવાદમાં કૉન્ગ્રેસનું અધિવેશન યોજાયું હતું. મામાસાહેબે તેમાં જન્મે સફાઈ કામદારો વિના જ સઘળી સફાઈનું કામ સંભાળ્યું હતું. મામાના મુખીપણાએ જે સ્વંયસેવકોએ સફાઈ કામ સંભાળ્યું તેમનો ફોટો પાડવા ગાંધીજી સૂચવ્યું. અનિચ્છાએ મામા તૈયાર થયા. બ્રાહ્મણ, વાણિયા અને મુસલમાન જ્ઞાતિના સફાઈ કામદારો બનેલા સ્વંયસેવકોની એ તસવીર વીતેલા જમાનાના આદર્શોનું ઉત્તમ સંભારણું છે. ૧૯૨૪માં મામાસાહેબના અધ્યક્ષપણામાં બોરસદમાં અંત્યજ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘હિંદુમાંથી અસ્પૃશ્યતાનો રિવાજ જો બંધ કરવો હોય તો તે આપણું ખોબા જેટલા માણસોનું કામ નથી. પણ વયોવૃદ્ધો, પુરુષો, સ્ત્રીઓ, વેપારીઓ, મજૂરો, અને કારીગરોને ગળે વાત ઉતારવી જોઈએ. અસ્પૃશ્યતાનું નિવારણ એ સ્વરાજની એક શરત છે, એટલું જ કહ્યે વાત ગળે ઉતરી શકે નહીં’.