રૂસના રાજનેતા ખ્રુશ્ચો માંધાતા સ્તાલિનના અમલના ગુનાઓનો ભાંડો ફોડ્યો, ત્યારે નવા રાજકર્તાઓ સમક્ષ સ્તાલિનરાજના જોરજુલમને લગતાં કેટલા ય કિસ્સા રજૂ થવા લાગ્યા. મોટા ભાગના કિસ્સા એકબીજાને મળતા આવતા હતા. એક જ કિસ્સો રજૂ કરવાથી સમજી શકાશે કે સ્તાલિનનો વિરોધ કરનારાઓની શી દશા થઈ હશે.
૧૯૫૪માં એક મહિલાને જેલમાંથી છોડાવવામાં આવી. અગાઉ તો એ પક્ષની સભાસદ પણ હતી. પત્રકારો એને ઘેરી વળ્યા અને એની ધરપકડનું કારણ પૂછ્યું. એ બહેને જણાવ્યું : “મારો પતિ પણ પાર્ટીનો આગેવાન ગણાતો. એ એક કારખાનામાં કામ કરતો.
એક દિવસ એ ઘેર જમવા ન આવ્યો, એટલે મેં એનો જમવાનો ડબ્બો કારખાને પહોંચાડ્યો. પછી તો દરરોજ મારે કારખાને ડબ્બો પહોંચાડવાનો થયો. હું સમજી ગઈ કે એને ચોવીસે કલાકની મજૂરીનો હુકમ મળ્યો છે.
“પરંતુ એક દિવસ કારખાનાના ઝાંપાવાળા ચોકીદારે ડબ્બો લેવાનો ઇન્કાર કર્યો. હું સમજી ગઈ કે હવે મારે ખાવાનું ક્યાં પહોંચાડવાનું હતું.”
“ક્યાં ?” પત્રકારોએ પૂછ્યું.
“જેલમાં ! અને તે દિવસથી હું રોજ જેલને ઝાંપે ખાવાનું પહોંચાડવા લાગી. પણ એક દિવસ જેલને ઝાંપે ડબ્બો લેવોનો ઇન્કાર થયો. હું સમજી ગઈ કે મારા પતિનું શું થયું હતું.”
“શું થયું હતું ?” પત્રકારોએ પૂછ્યું.
“જ્યાં હું ખાવાનું પહોંચાડી ન શકું, ત્યાં તેમને મોકલી દેવામાં આવ્યા હતા.”
“પણ ક્યાં ?”
“સ્વર્ગમાં.”
“પછી તમે ફરિયાદ ન કરી ?”
“ફરિયાદ કરું, ત્યારે પહેલાં તો મારી પણ ધરપકડ થઈ ગઈ.”
“કયા આરોપસર ?”
“પક્ષદ્રોહીને … અને રાષ્ટ્રદ્રોહીને ખાવાનું પહોંચાડીને રાષ્ટ્રદ્રોહમાં મદદ કરવાના આક્ષેપસર.”
(ખુલાસો : આ કિસ્સો રૂસનો છે, પુનઃ યાદ કરનાર : યશવંત મહેતા)
નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 13
![]()


અમેરિકાની ૧૭૭૬ની જેફોરસોનિયન લોકશાહી ક્રાંતિને લેનિને, “મહાન, સાચા અર્થમાં મુક્તિદાયી, સાચું ક્રાંતિકારી યુદ્ધ’’ ગણાવ્યું હતું, જેમાં વેપારીઓ, નાના ખેડૂતો, બગીચામાલિકો, શ્વેત અને અશ્વેત ખેડૂતોના સમૂહની પ્રમુખ ભૂમિકા હતી, તેને ૨૪૪ વર્ષ થયાં. આ ક્રાંતિએ અમેરિકાના નિર્બંધ મૂડીવાદી વિકાસના દરવાજા ખોલી કાઢ્યા પણ તેણે ઘરઆંગણાની અશ્વેતોની ગુલામી પ્રથા નાબૂદ ના કરી અને મૂળ નિવાસીઓને કોઈ ગણતરીમાં ના લીધા.
યહૂદી ઇતિહાસકાર, પુરાતત્ત્વશાસ્ત્ર અને સેલિબ્રિટી અધ્યાપક યુવાલ નોઆ હરારી, તેમના ‘બેસ્ટસેલર’ પુસ્તક ‘સેપિયન્સ’માં જણાવે છે કે સાઠ લાખ વર્ષ પહેલાં, વિશ્વની ધરા પર મનુષ્યબીજ પેદા થયું. તેમાંથી બે લાખ વર્ષો – પૂર્વે મનુષ્યપ્રાણી પાંગર્યું. માનવપ્રાણી કહી શકાય તેવો જીવ તેર હજાર વર્ષ પછી વિકસ્યો. ઇતિહાસકારો ને પુરાવિદોએ તેને ‘હોમો સેપિયન’ જેવી સંજ્ઞા આપી. પૃથ્વીના પટ પર તે ભમતો, રઝળતો, રખડતો, શિકાર કરીને ખાતો અને નદી કે સરોવરોના કિનારે કે પાસેનાં જંગલોમાં વૃક્ષો નીચે પડ્યો રહેતો. શિકાર અને જળાશયોનાં પાણી પર તે નભતો. ગામઠી ગુજરાતી ભાષામાં તેને જંગલી કે બર્બર કહેવાય છે. જો કે તેને જંગલી, બર્બર ગણવામાં વિવેક નથી. એને આદિમ જન કે આદિમાનવ કહેવો વધારે વાજબી ગણાય. મનુષ્યપ્રાણીના નીચલા દરજ્જાનાં રૂપો નષ્ટ થયાં, પણ આદિમ જન ટક્યો, જીવ્યો અને હજારો વર્ષ પછી તે આધુનિક માનવ તરીકે વિકાસ પામ્યો છે. જીવનના જુદા જુદા તબક્કાઓ પસાર કરી તે વિજ્ઞાન-ટેક્નોલૉજીપટુ બુદ્ધિશાળી માનવ બન્યો છે. સંભવતઃ પ્રાણીસૃષ્ટિમાં એ શ્રેષ્ઠ છે. જરૂરત પ્રમાણે એકથી બીજી જગ્યાએ તે સ્થળાંતરો કરતો રહ્યો છે. એ રીતે આખા વિશ્વમાં તે વસ્યો ને ફેલાયો છે. મૂળ બીજ એક, પણ જુદા જુદા દેશો-પ્રદેશોમાં જુદી ભૂગોળ, આબોહવા, વિવિધ ખોરાક, તાપમાન વગેરે કારણે એ ક્યાંક કાળો, ક્યાંક શ્યામવર્ણો, ક્યાંક લાલઘૂમ, ક્યાંક પીળો, ક્યાંક ઊજળો, ક્યાંક ધોળો કે ધોળિયો, એમ ચામડીના જુદા જુદા રંગોવાળો બન્યો. ક્યાંક બટકો, ક્યાંક મધ્યમ તો ક્યાંક ઊંચો-લાંબો બની રહ્યો. એક જ મૂળનો હોવાથી ભારતના વેદકાલીન ઋષિઓએ કહ્યું, ‘વસુધૈવ કુટુંબમ્’ – વિશ્વ એક કુટુંબ છે. We all are a ‘family of man’!
