કારખાનામાં મજૂરોની ખેંચ છે, વેપારમાં ઘરાકી નથી, કચેરીઓ ખૂલી છે પણ મુલાકાતીઓને પ્રવેશ નથી. શાળામાં શિક્ષકોને ભણાવવા સિવાયનાં કામ કરવાનાં છે, અધ્યાપકો ઑનલાઈન ભણાવવાના પાઠ શીખી રહ્યા છે, હિંમત કરીને કામધંધે ઘરની બહાર નીકળનારનું કલેજું પણ કોરોનાના ચેપની બીકે ફફડે છે … આવા માહોલમાં સરકારમાબાપ આપણને કહે કે પ્રેરક નારા બોલતા રહો. દુકાન ખોલતાં વંદે માતરમ્ અને બંધ કરતાં જનગણમન ગાવ — તો માની શકાય? પણ ગૌમૂત્ર, થાળી, તાળી, દીવા, મીણબત્તી, પુષ્પવર્ષાથી કોરોના સામે લડતા દેશમાં આવા ફતવાની નવાઈ ન લાગવી જોઈએ.
પ્લેગની મહામારી પછી નવેસરથી બેઠી થયેલી અને તે કારણે દુનિયા આખીમાં પંકાયેલી નર્મદનગરી સુરત એના હીરા અને કાપડવણાટ ઉદ્યોગથી જાણીતી છે. સુરતની ૧૭૦ કાપડબજારમાં લગભગ ૬૫ હજાર દુકાનો આવેલી છે. આજકાલ અમદાવાદ પછી સુરત કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. હીરાબજારના ૬૦૦ અને કાપડબજારના ૩૦૦ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર અને ફૅડરેશન ઓફ ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનની બેઠક પછી મહાનગરપાલિકાએ આ મહિનાના આરંભે કેટલાક દિશાનિર્દેશ જારી કર્યા છે. તે મુજબ કાપડબજારના લોકોએ દુકાન ખોલતાં અને બંધ કરતાં રોજ સવાર-સાંજ રાષ્ટ્રગીત ગાવાનું છે, વેપાર કરતાં કરતાં વચ્ચે વચ્ચે “હારશે કોરોના, જીતશે સુરત” અને “એક લક્ષ્ય અમારું છે, કોરોનાને હરાવવાનું. છે” જેવા પ્રેરક નારા બોલતા રહેવાનું છે. ઉપરાંત, રોજેરોજ એવા શપથ જાહેરમાં બોલીને લેવાના છે કે તે મહામારી રોકવાના સરકારના બધા જ નિર્દેશોનું પાલન કરશે અને મહામારીનો ફેલાવો રોકવા તમામ પ્રયાસ કરશે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાપાણીને આવા નિર્દેશોમાં કશું અજુગતું લાગતું નથી. તેમના મતે રાષ્ટ્રીય એકતાની ભાવના માટે રાષ્ટ્રગીત ગાવું જોઈએ. મહામારી સામે લડવા માટે એક યુદ્ધઘોષ કરવા નારા બોલવા જરૂરી છે.
અંગ્રેજોના જમાનાની આપણી નોકરશાહી રાજસી ચરિત્ર ધરાવે છે, પણ દેશના પ્રધાનસેવકની તે બહુ પ્યારી છે. એટલે મહામારીના આ દિવસોમાં રાજકીય નેતૃત્વ ગાયબ છે અને સર્વત્ર અફસરોનું રાજ છે. થોડા અપવાદોને બાદ કરતાં આ સરકારી બાબુઓ જનતાથી જોજનો દૂર છે અને ભાગ્યે જ તેમનાં સુખદુ:ખનો વિચાર કરે છે. તટસ્થને બદલે તરફદાર વહીવટી તંત્ર રાજકીય આકાઓને ખુશ રાખીને રાજનેતાઓના હુકમોનું પાલન કરવાને બદલે પોતે જ હુકમ કરતું બની જાય છે. પાયાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ તંત્ર હવે શપથ, સૂત્રો અને રાષ્ટ્રગાનથી કોરોના ભગાડે તેમાં અને કોરોનામાતાનાં બાધાઆખડીદોરાધાગામાં કોઈ ફરક ખરો?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 01
![]()


વર્ષ 1972ની એક ઉનાળુ સાંજ. ગરમ લૂ હજુ માંડ નરમ પડી હતી અને અમે કેટલાક મિત્રોએ હૉસ્ટેલમાંથી નીકળીને બેંક રોડ પર આવેલા, પ્રખ્યાત શાયર ફિરાક ગોરખપુરીના ઘરની વાટ પકડી. જીવતેજીવ દંતકથા બની ગયેલા ફિરાકના ઘરે થતાં સાંધ્યમિલન અમારા જેવા વિદ્યાર્થીઓ માટે સાહિત્ય, સંસ્કૃતિ, ભાષા, સમાજ જેવા વિષયોમાં સજ્જતા કેળવવાના અવસર બની રહેતા.
તેમણે અમને ભારતીય ગામડાં પર થયેલી ઐતિહાસિક ચર્ચાઓથી વાકેફ કર્યા. તેમણે અમને મહાત્મા ગાંધીના પુસ્તક 'હિંદ સ્વરાજ' અને ગામડાં પ્રત્યેના ગાંધીજીના પક્ષપાતપૂર્ણ પ્રેમ તથા અવાસ્તવિક આગ્રહની વિરુદ્ધ ડૉ આંબેડકરે દલિતોના દૃષ્ટિકોણથી ગામડાંની વાસ્તવિકતા દર્શાવીને કરેલી ઉગ્ર, કડવી પણ તાર્કિક દલીલો જણાવી. ગાંધીજીના મતે ગામડાં સ્વર્ગ સમાન હતાં અને એ સમયના ભારતીય સમાજમાં જે દૂષણો હતા તે માત્ર આધુનિક ટૅક્નોલોજીના કારણે હતાં. ગાંધીજીનું સપનું હતું કે ગામડાં આત્મનિર્ભર બને. ગામડાં તેમની જરૂરિયાતની તમામ ચીજોનું ઉત્પાદન જાતે કરે, ગામની પંચાયત કે નીતિનિયમો જ નહીં, લડાઈઝઘડામાં ન્યાય કરવાનું માળખું પણ તેનું પોતાનું હોય, ગામની ખેતીવાડીમાં એ જ ઓજારો-યંત્રોનો ઉપયોગ થાય, જે ગામના સુથાર-લુહારે બનાવેલા હોય. તે માનતા હતાં કે રેલવેના કારણે કૉલેરા ફેલાય છે. એટલે રેલવેને તો બંધ જ કરી દેવી જોઈએ.
ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર ૮૦ વર્ષ વટાવી ચૂકેલા જેલવાસી કવિ વારાવારા રાવને કોરોના લાગુ પડ્યાના સમાચાર આવ્યા. વિદ્રોહી કવિતાના એ સર્જકની તબિયત લથડી છે, પણ તેમને જામીન પણ આપતા નથી. (આ સમાચાર મુખ્ય ધારાનાં કહેવાતાં પ્રસાર માધ્યમોમાં ચમકતા નથી કે ઘણે ભાગે તો તેનો સમ ખાવા પૂરતો ઉલ્લેખ થતો નથી, એ પણ એક સમાચાર છે.) બીજી તરફ દિલ્હીની ચૂંટણીમાં ખુલ્લેઆમ ખૂની ભાષા બોલનારા, શાહીન બાગમાં જઈને બંદૂક ફોડનારા કેટલાક સામે કેસ થયા નથી, તો બીજા જામીન પર મુક્ત છે. કોરોનાની મહામારીના સંકટ વખતે પણ સરકાર જે રીતે કર્મશીલો પ્રત્યે કિન્નાખોરી દર્શાવવાનું ચાલુ રાખ્યું છે એ તેના આપખુદ માનસને પ્રગટ કરે છે. કટોકટીનો ઉત્સાહપૂર્વક વિરોધ કરતા રહેલા વડાપ્રધાન અને એમની સરકાર આજે સવાઈ કટોકટીનું નિર્માણ કરી રહ્યાં છે.