તા.૧-૦૫-૨૦ના “નિરીક્ષક”માં [તેમ જ અલબત્ત, ‘ઓપિનિયન”ની વેબસાઈટ પરે] ઉર્વીશભાઈનો લેખ “અને સરકારી નિષ્ફળતા ઢાંકવા માટે પણ?” વાંચતાં ધ્યાનમાં આવેલા મુદ્દા રજૂ કરું છું. વૈજ્ઞાનિક રીતે કોરોના-પૉઝિટિવ અથવા ઓછાં ચિહ્ન ધરાવતા દરદીને ઘરે ક્વૉરન્ટીન કરીને સારવાર આપી શકાય. પણ તેનો આધાર ઘણી બાબતો પર છે.
૧. વ્યક્તિ કોરોના પૉઝિટિવ છે તે ટેસ્ટ પછી ખબર પડે છે. ટેસ્ટ હૉસ્પિટલમાં કે લૅબોરેટરીમાં કે મ્યુનિસિપાલિટી દ્વારા થાય છે. આમ તો સારવાર લેવાની આવે ત્યારે દરદી પોતે નક્કી કરે છે કે સારવાર ખાનગીમાં લેવી કે સરકારીમાં. સારવાર ઘરે લઈ શકાય તેમ હોય તો આ હોસ્પિટલોના નિષ્ણાતોએ તે મુજબ સલાહ આપવી જોઈએ અને વીડિયો કૉલિંગની વ્યવસ્થા હોવી જોઈએ.
૨. માત્ર સલાહ આપવાથી જ ઘરે સારવાર લઈ શકાય તેવું નથી. જે ઘરમાં ચાર વ્યક્તિ હોય અને ઘર એક કે બે રૂમનું હોય ત્યાં આવું ક્વૉરન્ટીન શક્ય નથી. કોરોનાના ફેલાવાનો આધાર કુટુંબના સભ્યોની સ્વચ્છતા અને આરોગ્યની ટેવો પર પણ છે.
૩. કોરોનાના દરદીઓને કારણે આરોગ્ય સેવાઓ પર ભારણ વધતું હોય તો તે ઓછું કરવાની જવાબદારી સરકારી કે ખાનગી હૉસ્પિટલોની છે. તેમાં કોરોના-પૉઝિટિવ દરદી ભારરૂપ છે તે ભાવ હોવો ન જોઈએ.
૪. અત્યારે સરકારી હૉસ્પિટલમાં જે સારવાર મળે છે તેનાથી ઘણા દરદીઓને અસંતોષ હોય, તે દરદીઓ તો ખાનગી હોસ્પિટલ જ પસંદ કરવાના. આવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલો પણ પોતાની વ્યવસ્થા વધારીને લોકોને મદદરૂપ થાય તે જરૂરી છે.
આમ, કોરોનાના દરદીની ઘરે સારવારના પ્રશ્નનો ઉત્તર સરળ નથી. ખરેખર તો એના માટે જે કરવાનું છે તે તેની જવાબદારી તો સરકારી કે ખાનગી હોસ્પિટલોની છે. ગુજરાતની ૬.૫ કરોડની વસ્તીમાંથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ચારથી પાંચ હજાર કોરોના સંક્રમિત દરદીઓની વ્યવસ્થા કરી ના શકે તે આપણી આરોગ્ય સેવાઓ કેટલી નબળી છે તે દર્શાવે છે. આ મહામારીએ તેને મજબૂત કરવા માટેની અમૂલ્ય તક ઊભી કરી આપી છે. તેનો લાભ આપણો સમાજ લઈ શકે છે કે કેમ તે જોવું રહ્યું.
e.mail : jagdishparikh45@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020
![]()


ભારતમાં કોવિડ—૧૯ના દરદીઓની તપાસ, નિદાન અને સારવારની મોટા ભાગની જવાબદારી જાહેર આરોગ્યક્ષેત્ર દ્વારા નીભાવવામાં આવી છે. ભારતમાં ખાનગી આરોગ્યસેવાઓ ઘણા બહોળા ફલક પર પથરાયેલી હોવાને કારણે એમની પાસે અપેક્ષા હતી કે આ રોગચાળા દરમિયાન એ મોટો ફાળો આપશે.
પ્રતિવર્ષ પહેલી મે એટલે નાનકડો ઉત્સવ! ડફલી સાથે ક્રાંતિકારી ગીતો ગવાતાં, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્થિતિનું મજૂરસંદર્ભે મૂલ્યાંકન થાય. પણ આ વખતે લૉક ડાઉનના કારણે મે દિવસની ઉજવણી કયાં ય જોવા ન મળી! એના સામા છેડે લૉક ડાઉનના કારણે એકાએક ત્રાહિમામ્ થઈ ગયેલાં કામદારોનાં વરવાં ચિત્રો જોવાં મળ્યા. આમ કેમ બન્યું ?