હું આમ તો વિદેશી
દેશીઓના શ્વાસે-ઉચ્છવાસે
આવી પહોંચ્યો વિમાનની પાંખે
ને તમે પાછો પોંખ્યો
હવે પોંખ્યો એટલે ફૂલ્યો ફાલ્યો
આમ તો હું વિદેશી
વૈશ્વિકીકરણને વાયરે
વિદેશીઓના સથવારે
નીકળ્યા'તા પાછા કલ્યાણ(!) કરવા
આમ તો હું વિદેશી
એરપોર્ટના બારણે
ઘડીક રોકાયો, પછી પોંખાયો
બસ! પછી તો નીકળી પડ્યો લટારે
લટાર તો યાત્રા બનતી ગઈ
જો કે યાત્રા રોકવા કર્યું ઠેરઠેર લૉક ડાઉન
પણ લોકોના તો ટોળેટોળાં
મારા દુશ્મન બિચારા મારે હવાતિયાં
પણ તમારા દેશમાં તો ભારે ભીડ
ભીડ રોટલાંની, ભીડ નાણાંની
અને ભીડ સંવેદનાની
હું તો વિદેશી
હોઈ શકું નઠોર અને નિર્દય
પણ તમે તો સવાયા નીકળ્યા
રીતસરના દોડાવ્યા હોં લોકોને
ભલેને પડે પગમાં છાલા
હતી પેટમાં ભૂખ અને માથે ધૂપ
યાત્રા તો એ લોકોએ કરી
એક- બે નહીં લાખોએ
હું તો ભૈ વિદેશી
નાત-જાતને ધરમમાં હું ન જાણું
પણ તમે તો સવાયા હોં
સાવ કોરા કપાળે કરી દીધાં કલંકનાં ટીલાં
હું તો વિદેશી
ડૉકટર અને નર્સ ભલે ને મારા દુશ્મન
તમે તો સવાયા એમને ય હરાવ્યા
અને મારી યાત્રાને કહ્યું 'તથાસ્તુ'
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020