માનવ જાતના ઇતિહાસમાં, સમયે સમયે, એવાં પુરુષો અને સ્ત્રીઓ પેદા થતાં રહ્યાં છે, જેઓ પોતપોતાનાં વિશેષ ક્ષેત્રમાં એક અમૂલ્ય શોધખોળ કે નવીન સાધનોનું અનોખું પ્રદાન કરીને જગતને સદીઓ સુધી પ્રગતિ અને સુખનાં સોપાનો ચડવાનો મારગ ચીંધી જાય છે. કેટલાંક વળી એવાં ય પાકે છે જેમનું જીવન તદ્દન સાધારણ મનુષ્યની માફક શરુ થાય અને સનાતન મૂલ્યોને પગલે ચાલતાં ચાલતાં તેઓ રેતીમાં પગલાં મૂકી જતાં હોય છે.
વીસમી સદીએ એવા એક મહામાનવને જોયો, જેના જીવન-કાર્યની અસરો કલ્પના ન કરી હોય તેવા લોકો પર, તેવા પ્રદેશોમાં અને ધાર્યું ન હોય તેટલા લાંબા સમય સુધી ટકી રહી હોય; અને તે છે મોહનદાસ કરમચંદ ગાંધી.
વ્યક્તિ જ્યાં જન્મે, ઉછરે અને વ્યવસાય કરે તે ગામ, પ્રાંત કે બહુ બહુ તો તે દેશમાં કોઈ ક્રાંતિકારી કાર્ય કરી શકે છે. ગાંધીજી કદી અમેરિકા નહોતા ગયા, છતાં ત્યાં તેમના વિચારો વિષે ઘણા લોકોને – ખાસ કરીને યુવા પેઢીને ઘણું આકર્ષણ છે. માર્ટિન લ્યુથર કિંગ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઓબામા પર ગાંધીજીના વિચારોનો પ્રભાવ તેમનાં કાર્યો પર સ્પષ્ટ દેખાયો છે. Cesar Chavezને પણ કેલિફોર્નિયાના ખેત મજૂરોના થતા શોષણ સામે અહિંસક પ્રતિકાર કરવાનું બળ મળ્યું, એ કદાચ થોડા લોકોને જાણ હશે. લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓ પર ગાંધીની પ્રેરણાથી થયેલ કાર્યો વિષે ઘણાને માહિતી નથી હોતી, પરંતુ તે વિષે વ્યવસ્થિત નોંધ જરૂર થઇ છે. આશ્ચર્યની વાત તો એ છે કે બાકીની કહેવાતી વિકસિત દુનિયા માટે અણજાણ્યા એવા દેશો પર પણ આ કર્મશીલનો પ્રભાવ પડેલો. આજે એક એવા દેશની વાત માંડવી છે.
British Guyana બ્રિટનના તાબા હેઠળનો મુલક હતો. દક્ષિણ અમેરિકાના ઉત્તરીય કિનારા પર આવેલો દેશ. ભારતથી લગભગ 14,419 કિલોમીટર દૂર.
બ્રિટિશ ગાયાનામાં ગાંધી વિચારની ચિનગારી કોણે અને ક્યારે પેટાવી તે જાણવું રસપ્રદ થઇ પડશે. જ્યારે ગુલામી પ્રથાનો ઔપચારિક રીતે કાયદેસર અંત આવ્યો ત્યારે માનવ જાતે એક અમાનવીય કૃત્યમાંથી છુટકારો મેળવ્યાનો માંડ હાશકારો અનુભવ્યો, ત્યાં તો તેની જગ્યા લેવા ભારત દેશમાંથી એગ્રીમેન્ટ ઉપર મઝદૂરોને આઘે આઘેના જાણ્યા-અજાણ્યા એવા દેશોમાં મોકલવાનું શરૂ થયું. કેરેબિયન અને બ્રિટિશ ગાયાનામાં મોકલાયેલા આવા બંધુઆ મઝદૂરોનું હિત ગાંધીજીના દિલમાં સતત ચિંતા પ્રેરતું હતું. તેમણે એવા હતભાગી મઝદૂર પર થતા અત્યાચારો દક્ષિણ આફ્રિકામાં નજરોનજર ભાળેલા અને અનુભવેલા. એગ્રીમેન્ટ પર મોકલવામાં આવતા મઝદૂરોની પ્રથાનો અંત લાવવા તેમણે 1910-1917 દરમ્યાન ભારત અને દક્ષિણ આફ્રિકામાં ચળવળ ઉપાડી જેની ફલશ્રુતિ એ ભયાનક શોષણ યુક્ત પ્રથાને રદ કરવામાં પરિણમી.
ઈંગ્લેન્ડમાં પેદા થયેલ સી.એફ. એન્ડ્રુઝ (જેને ગાંધીજીએ ‘દીનબંધુ’ તરીકે ઓળખાવ્યા હતા) પાદરી તરીકે ભારત મિશનરી બનીને ગયા, જ્યાં તેમને ભારતીય પ્રજા તરફ દાખવવામાં આવતું ઘમંડી વલણ અને જાતીય ભેદભાવનો પ્રત્યક્ષ અનુભવ થયો. પરિણામે તેઓ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય થવા લાગ્યા, એટલું જ નહીં, ગોપાલકૃષ્ણ ગોખલેએ તેમને ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની ચળવળમાં સહાયભૂત થવા મોકલ્યા. ત્યાંથી પરત થયા બાદ તેઓ નાતાલ અને ફિજીમાં બંધુઆ મઝદૂરની પ્રથાનો જોરદાર વિરોધ કરનારા રાષ્ટ્રીય નેતાઓ સાથે જોડાયા.
રવીન્દ્રનાથ ટાગોરને ઈ.સ. 1913માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત થયો. તેના થોડા વર્ષો બાદ ઈ.સ. 1929માં ટાગોર અને રેવરંડ એન્ડ્રુઝ વાનકુંવર – કેનેડા ગયેલા, જ્યાંથી સી.એફ. એન્ડ્રુઝ બ્રિટિશ ગાયાના ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનના નિમંત્રણથી ગાયાના ગયા. આ એસોસિયેશનની સ્થાપના 1916માં થઇ, જેનો રાજકીય અને સાંસ્કૃિતક હેતુ હતો ભારતીય મૂળના લોકોની અવદશા તરફ સારાયે દેશનું ધ્યાન દોરવું. ગાંધીજીના અનુજ બંધુ સમાન દીનબંધુ એન્ડ્રુઝ ત્રણ મહિના ગાયાનામાં રહ્યા અને તે દરમ્યાન કેટલાક હિન્દવાસીઓ જે સારી રીતે રહેતા હતા, તેમને મળ્યા અને સાથે સાથે જેઓ અમાનવીય દશામાં જીવતા હતા તેમના વિષે પણ જાત માહિતી એકઠી કરી. દીનબંધુ એન્ડ્રુઝની ગાયનામાં હાજરીની અસર ગાંધીજીના ભારતમાંના કાર્ય જેવી જ થઇ. ભારતમાતાના સંતાનો મોટી સંખ્યામાં તેમને સાંભળવા કલાકો સુધી પ્રતીક્ષા કરીને પણ એકઠા થતા અને ઇંગ્લિશમાં બોલી રહે બાદ હિન્દીમાં તેમનું વક્તવ્ય સાંભળવા ઉત્સુક રહેતા કેમ કે તેમને માતૃભૂમિ અને માતૃભાષાની ખોટ બહુ સાલતી હતી. તેમના માનમાં અપાયેલ ભૉજન સમારંભમાં 500 જેટલા અતિથિઓ આવ્યા. એન્ડ્રુઝે આપેલ અહેવાલ ‘Impression of British Guyana 1930’માં આફ્રિકા, ફીજી અને ભારતમાં બંધુઆ મઝદૂરને સહેવી પડતી કઠિનાઈઓ જેવી જ સ્થિતિ ગાયાનાના મઝદૂરોને ભોગવવી પડે છે તેવો સ્પષ્ટ ચિતાર આપ્યો.
ગાયાના ગયેલી ભારતીય પ્રજા પોતાના સામાજિક દૂષણો પણ સાથે લઈને ગયેલી. આથી ત્યાં પણ બાળ લગ્ન અને નિરક્ષરતા મોજુદ હતી. ધાર્મિક વિધિથી થયેલ લગ્નોને અમાન્ય ગણાયા જેથી તેમના સંતાનો પણ ગેરકાયદે ઠેરવાયાં. લેભાગુ પૂજારીઓ પ્રજાના નૈતિક ધોરણને ઊંચું ન લાવી શક્યા, જેથી અંધશ્રદ્ધા અને નૈતિક અધઃપતનનો ફેલાવો થયો. ધર્માંતરણની સંખ્યા વધી. સરકાર ખુદ ધાર્મિક તાટસ્થ્ય જાળવવાને બદલે મિશનરી કામને વેગ આપતી રહી. સરકારી વહવટી ખાતાંઓ અને પોલીસ ખાતામાં કોઈ ભારતીય હોદ્દેદાર નહોતા જે તેમની ભાષા કે તેમની રીત રસમ સમજી શકે. આવા મજૂરોના આવાસો માણસોને રહેવા માટે યોગ્ય નહોતાં, નિશાળમાં વર્ગની સંખ્યા એટલી મોટી કે શિક્ષણ તો નામનું જ મળે અને તેમાં ય કન્યાઓની સંખ્યા નહિવત. હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ક્રિશ્ચિયન પ્રાર્થના બોલવાની ફરજ પાડવામાં આવતી. પોતાનો ધર્મ બદલવાનો ઇન્કાર કરનારને ક્રિશ્ચિયનો દ્વારા ચાલતી શાળામાં નોકરી ન મળતી. ભારતથી આવેલા મઝદૂરોનું નામ અને ખાસ કરીને અનપઢ એવી મહિલાઓનું નામ મતદાર યાદીમાં દાખલ નહોતાં થયાં. આ પરિસ્થિતિનો તાગ મેળવીને દીનબંધુ એન્ડ્રુઝની હાલત શી થઇ હશે તે કલ્પી શકીએ. જો કે કેટલાક લોકોએ બીજાને સારો દાખલો બેસાડેલો, તેમાંના એક તે ડો. જંગ બહાદુર સિંઘ. તેઓ બ્રિટિશ ગાયાના ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ હતા. તેઓ પહેલા હિંદુ હતા જેમની વરણી નેશનલ એસેમ્બલીમાં થઇ. તેમણે 24 વખત સ્ટીમર માર્ગે ભારત અને ગાયાના વચ્ચે અવરજવર કરીને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી. જ્યારે અગ્નિદાહ દેવો હજુ કાયદેસર નહોતું ગણાતો તેવે સમયે તેઓ પહેલા ભારતીય હતા જેમને અગ્નિદાહ અપાયો.
14 જુલાઈ 1929માં દીનબંધુ એન્ડ્રઝે જ્યોર્જ ટાઉનમાં ધરમશાલાનું ઉદ્ઘાટન કર્યું. ગાયાના અને કદાચ કેરેબિયનમાંસહુથી લાંબા સમયથી ચાલતું આ માનવીય મિશન છે. દીનબંધુ એન્ડ્રુઝની મુલાકાતથી મઝદૂર પ્રજામાં નૈતિક બળ સાંપડ્યું અને નેતાઓને પણ પોતાના ઉદ્દેશોને વધુ મક્કમતાથી પાર પાડવાનું જોમ મળ્યું. મહાત્માના નિકટના મિત્રને મળવા પાડોશી દેશ સુરિનામથી પણ લોકો આવ્યા, એ આશાએ કે દીનબંધુ એન્ડ્રઝ ત્યાંના પ્લાન્ટેશનના માલિકોને અને સરકારને મઝદૂરોની આવાસ અને કામની સ્થિતિમાં સુધારો કરવા સમજાવે.
દીનબંધુ એન્ડ્રઝે 5 એપ્રિલ 1940માં આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો, પરંતુ તેમનું વિધાન હજુ એટલું જ સાચું લાગે છે: “હું એ ભૂલ્યો નથી કે ભારતના ગીચ વસ્તીવાળા અને મેલેરિયાગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ ગાયાનાની વિટંબણાઓથી ઓછી દુઃખદ છે. પણ જ્યારે કોઈ પ્રજા પોતાનું વતન છોડીને પોતાની જીવન રીતિ અને આદતોનુ બલિદાન આપે છે, ત્યારે એટલું તો અપેક્ષિત રહે જ કે સ્થળાન્તર કરીને જે જગ્યાએ તેઓ જાય ત્યાં ભૌતિક સગવડો અને સાધનો પોતે જેને છોડીને આવ્યા છે તેનાથી સારાં હોય.”
આપણે આશા રાખીએ કે ગાયાનામાં ભારત અને અન્ય દેશોમાંથી ગયેલ મઝદૂરો અને વ્યવસાયીઓની હાલત ઘણી સુધરી હોય. એટલું તો Ramnarine Sahadeo આપેલી વિગતો પરથી જોઈ શકાય છે કે ગાંધીનો જીવન સંદેશ દીનબંધુ એન્ડ્રુઝ દ્વારા છેક ગાયાના સુધી પહોંચી શક્યો. ગાંધીજીને વિશ્વ માનવ કઇં અમથા કહેશું?
(ગાંધી ફાઉન્ડેશન, યુ.કે. દ્વારા પ્રકાશિત થતા સામાયિક The Gandhi Wayમાં Ramnarine Sahadeoના લખેલ લેખમાંથી કેટલીક માહિતી સાભાર લેવામાં આવી છે.)
e.mail : 71abuch@gmail.com