આપણા દેશમાં ગરીબીની ચર્ચા થતી આવી છે, બેરોજગારીની ચર્ચા થતી આવી છે, બંને સમસ્યાના નિવારણની યોજનાઓ ઘડાતી આવી છે, પણ કામધંધો હોવા છતાં, ખૂબ મહેનતમજૂરી કરવા છતાં, કોઈ વ્યક્તિ, કુટુંબ કે વર્ગ ગરીબ રહી જ જાય છે. એમનું શું? તે અંગે મુદ્દાસરની વાત માંડે છે ‘ડાઉન ટુ અર્થ’ના મૅનેજિંગ ઍડિટર રિચાર્ડ મહાપાત્ર …
ભારતમાં આપણને ઘણી વખત નવાઈ લાગે છે કે અતિ મહેનત કરતાં લોકો ગરીબાઈમાં શા માટે જીવે છે! આ વાત શ્રમજીવીઓ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કામદારોને વધુ લાગુ પડે છે, જેઓ રોજનું કમાઈને રોજ ખાય છે. ભારતમાં સારી એવી ટકાવારીમાં લોકો કામ કરતાં હોવા છતાં ગરીબીમાં સબડે છે. ચોક્કસ, તેમને નિયમિત કે દરરોજ કામ મળતું ન હોય એવું બની શકે છે, પરંતુ કૃષિ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી ઓછું આર્થિક વળતર મળતું હોવાના કારણે અત્યારે સરકાર માટે ગ્રામીણ વિસ્તારોમાં નારાજગી, સૌથી મોટો પ્રશ્ર બની રહ્યો છે ને હવે રોજગારી પર ગંભીરતાપૂર્વક ચર્ચા શરૂ થઈ છે.
રોજગારી પરની આ ચર્ચામાં સમસ્યા એ છે કે મોટે ભાગે તે બે સમાધાન આસપાસ આવી કેન્દ્રિત થઈ જાય છે : એક, માળખાગત સુવિધા પર સરકારી ખર્ચ મારફતે રોજગારીનું સર્જન કરવું અને બીજું, યુવાનોને કેટલીક રોજગારદક્ષતા પૂરી પાડે એવું કૌશલ્ય વિકસાવવું. તેમાં રોજગારીનું સર્જન કરવા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અપર્યાપ્તિ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ યોજનાઓ વર્ષોજૂની છે અને એ બજારની લાક્ષણિકતાઓ સાથે સુસંગત નથી થઈ રહી. એ વાત પરથી તે સાબિત થાય છે કે આપણી યુવાપેઢીમાં બેરોજગારીનો દર ખાસ્સો ઊંચો છે અને જે લોકો કામધંધો મેળવે છે તે બધા પણ સારું કે સંતોષપૂર્વકનું જીવન જીવવા સક્ષમ નથી.
રસપ્રદ બાબત એ છે કે, ભારતની સમસ્યા એ વિશ્વની સમસ્યા જેવી છે કે પછી તમે કહી શકો કે વૈશ્વિક પ્રવાહને સુસંગત છે. આંતરરાષ્ટ્રીય શ્રમસંસ્થા (આઈ.એલ.ઓ.) દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઍમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ ફોર યુથ મુજબ, વર્ષ ૨૦૧૭માં વિશ્વમાં યુવાપેઢીમાં બેરોજગારીનો દર ૧૩.૧ ટકા પર સ્થિર હતો, જે વર્ષ ૨૦૧૬માં ૧૩ ટકા થયો. વર્ષ ૨૦૧૮માં આ રિપોર્ટમાં ધારણા વ્યક્ત કરવામાં આવી છે કે, યુવાપેઢીમાં બેરોજગારોની સંખ્યામાં થોડો વધારો થશે. પણ રિપોર્ટમાં સાથે-સાથે એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, વિકાસશીલ દેશોમાં ૩૯ ટકા યુવાન કામદારો મધ્યમ કે અતિ ગરીબીમાં જીવે છે. તેનો અર્થ એ થયો કે તેઓનું જીવન દરરોજ ૩.૧૦ ડૉલરથી ઓછી આવક પર નભે છે. કઠણાઈ એ છે કે, વિકાસશીલ દેશોમાં ૧૬.૭ ટકા યુવાન કામદારો દરરોજ ૧.૯૦ ડૉલરથી ઓછી આવક પર નભે છે, જે અમેરિકામાં અતિ ગરીબીરેખા ધરાવતા સમાજની વ્યક્તિની દૈનિક આવક ગણાય છે.
જો કે આ પ્રવાહ વિકસિત દેશોમાં પણ જોવા મળ્યો હતો. ભારતની જેમ આ મોટા ભાગના ‘કામધંધો ધરાવતા પણ ગરીબ’ કામદારો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો, કામધંધો ધરાવતા ૭૫ ટકા યુવાનો અસંગઠિત ક્ષેત્રની રોજગારી ધરાવે છે. આ દર પુખ્તો વચ્ચેના દર કરતાં પ્રમાણમાં વધારે છે. વિકસિત દેશોમાં કામધંધો ધરાવતા ૯૫ ટકા યુવાનો અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા છે. અન્ય એક નિરાશાજનક પ્રવાહ એવો પણ જોવા મળ્યો છે કે આઈ.એલ.ઓ.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તેમ, યુવાનો પુખ્તો તરીકે બેરોજગાર રહેવાની સંભાવના ત્રણ ગણી છે. “આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લાં થોડાં વર્ષોમાં પુખ્તો અને યુવાનોમાં બેરોજગારીનો દર તાજેતરમાં બહુ થોડો બદલાયો છે, જે શ્રમબજારમાં યુવા લોકો માટે બિનલાભદાયક સ્થિતિ હોવાનું સૂચવે છે.” પાંચમા વાર્ષિક રોજગારી-બેરોજગારી સર્વે, ૨૦૧૫-૧૬ના જણાવ્યા મુજબ, સમગ્ર ભારતમાં શૈક્ષણિક સ્તરમાં વૃદ્ધિ થવાની સાથે બેરોજગારીનો દર ૧૮થી ૨૯ વર્ષની વયજૂથમાં પણ વધારો થયો છે.
ભારતની રોજગારી મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રોમાં જોવા મળે છે, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને કૃષિમાં દૈનિક વેતનમાં નોંધપાત્ર ટકાવારી ધરાવે છે. આ ક્ષેત્રો મારફતે ભવિષ્યની રોજગારીની માંગ પૂરી કરી શકાય? વિકાસમાં જે ફરક રહ્યો છે, એને ધ્યાનમાં રાખીએ તો ભારત માળખાગત કાર્યક્રમોમાં હજુ ઘણું રોકાણ કરી શકે છે અને માંગ સંતોષવા જાહેર વેતન-કાર્યક્રમોમાં વધારો કરી શકે છે. પણ તેમાં કામ મેળવનારા લોકોને ગરીબીરેખામાંથી બહાર કાઢવા એ બાબત પડકારજનક છે.
તો પછી આ સમસ્યાઓનું સમાધાન શું છે? પ્રથમ, અસંગઠિત ક્ષેત્રની રોજગારીને બેરોજગારને સમકક્ષ દરજ્જો ન આપવો જોઈએ. તેના બદલે આ ક્ષેત્રોમાં સારી રીતે મહત્તમ રોજગારીનું સર્જન થાય એવી વ્યૂહરચના અપનાવવી જોઈએ. અત્યારે સંગઠિત ક્ષેત્રે અસંગઠિત ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં કામદારોને સમાવવા પડશે અને એનો કોઈ વિકલ્પ જણાતો નથી. અને બીજું, જ્યારે આપણે કૌશલ્યવિકાસની વાત કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોનું કૌશલ્ય કાયદેસર કૌશલ્ય ગણતા નથી. તેના બદલે આપણે તેમને નવી કુશળતાઓ શીખવવા ભાર મૂકવો જોઈએ, જેથી તેઓ સમયની સાથે તાલ મેળવવાની શરૂઆત કરશે. તેનાથી રોજગારીનું સર્જન અને રોજગારીની પ્રક્રિયા લાંબી થઈ શકે છે. ટૂંકમાં, કહીએ તો, આપણે રોજગારીનું સર્જન કરવાની રીત વિશે નવેસરથી વિચારવાની જરૂર છે.
(મૂળ રૂપે Down to Earthમાં પ્રકાશિત આલેખ સ.પ્રે.સ.માંથી સાભાર, અનુવાદ : કેયૂર કોટક)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 05