પાડોશી દેશ નેપાળના વિનાશક ભૂકંપની પ્રથમ માસિક તિથિએ તા. ૨૫-૫-૨૦૧૫ના રોજ હું નેપાળની મુલાકાતે હતો. નેપાળ જવાનું હોવાથી સૌ કોઈ ટકોરતા હતા કે ‘મૂર્ખ છો કે નેપાળ જાવ છો!’, ‘ત્યાં તે વળી અત્યારે જવાતું હશે!’. ‘ત્યાં તો ખાવા-પીવાની વ્યવસ્થા નથી!’ વગેરે … આ બધા અભિપ્રાયો ભૂકંપના વિનાશક હેવાલોના લીધે બંધાયેલા હતા.
સિનોલી બૉર્ડરથી અમારી યાત્રા નેપાળના પાટનગર કાઠમંડુ જવા શરૂ થઈ. સિનોલીમાં ધરતીકંપની અસર નહોતી. કાઠમંડુ જવાનો પાકો પર્વતીય સડકમાર્ગ પણ અત્યંત સરસ હતો. તૂટી ગયો હોય, રિપૅર થતો હોય કે ડાઇવર્ઝન અપાયું હોય તેવું અમારી સિનોલીથી કાઠમંડુ સુધીની ૨૫૦ કિલો મિટરને લગભગ ૯ કલાકની બસયાત્રામાં જણાયું નહીં. કાઠમંડુની સ્થિતિ પણ રાબેતા મુજબની લાગી. ભારતમાં બેઠા-બેઠા જે નેપાળના ભૂકંપનું ભયંકર ચિત્ર મનમાં ઉપસેલું હતું, તેના કરતાં સાવ જુદું જ ચિત્ર જોવા મળ્યું. ક્યાંક લોકો મોં પર માસ્ક બાંધીને ફરતા જણાયા પણ પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર બધું જ સ્થાનિક કક્ષાએ રાબેતા મુજબ હતું.
શહેરમાં ઘણી જગ્યાએ પડી ગયેલાં મકાનો નજરે પડતાં હતાં. પણ તે બધાં મોટા ભાગે, ખૂબ જૂનાં, કાચાં, માટીનાં ચણતરવાળાં હતાં. ગ્રામીણ વિસ્તારોમાં પણ આવાં મકાનોને જ વ્યાપક નુકસાન થયું છે. લગભગ બે લાખથી વધુ ઘર પડી ગયાં હોવાના અહેવાલ ત્યાંનાં અખબારોમાં છપાયા હતા. જાનહાનિ પણ સાત હજાર જેટલી થઈ હોવાનું સ્થાનિક લોકો કહેતા હતા.
આવા ભયાનક ચિત્રથી પ્રવાસીઓની સંખ્યા સાવ ઘટી ગઈ છે. એક એવી છાપ છે કે નેપાળમાં રોજ ભૂકંપ આવે છે, અમારા ત્રણ દિવસના રોકાણમાં કોઈ આફ્ટરશૉક પણ નહોતો આવ્યો. મહિના પહેલાં અહીં વિનાશક ભૂકંપ આવ્યો હશે, તેવું કોઈ ચિત્ર દેખાતું નહોતું. સ્થાનિકોનું કહેવું હતું કે ભારતીય મીડિયાએ નેપાળના ભૂકંપના અતિશયોક્તિભર્યા અહેવાલો આપ્યા હતા. એકના એક તૂટેલા મકાનની તસવીરો દિવસો સુધી બતાવી હતી. ભારતીય મીડિયાએ દોરેલું ચિત્ર વાસ્તવિક ચિત્રથી સાવ જુદું જ હતું. નેપાળ દસ વર્ષ સુધી બેઠું નહીં થઈ શકે, તેવા અહેવાલો તદ્દન અતિશયોક્તિ-ભરેલા હતા. કદાચ, આના કારણે જ કદાચ ભારતીય મીડિયાને નેપાળમાંથી ભારત સરકારે પાછું બોલાવી લીધું હશે.
ભારતીય મીડિયામાં કેટલીક જગ્યાએ એવા અહેવાલો પણ આવ્યા હતા કે નેપાળ સરકારે નેપાળયાત્રા પર ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ મૂક્યો છે. આ અહેવાલ તદ્દન ખોટા અને બિનપાયેદાર હતા. અત્યંત સરળતાથી પહેલાની માફક અમે ભારત-નેપાળ સિનોલી બૉર્ડરથી નેપાળમાં કશી રોકટોક વિના પ્રવેશ્યા હતા.
સ્થાનિક લોકોનું એવું પણ કહેવું હતું કે મીડિયાના અહેવાલોને કારણે પ્રવાસીઓની સંખ્યા હાલ સાવ ઘટી ગઈ છે, જેની માઠી અસર નેપાળના ધંધા-રોજગાર ઉપર થઈ રહી છે. નેપાળી પ્રજાનો મોટા ભાગનો વેપાર પ્રવાસીઓ પર આધારિત છે. ભારતીયો અહીં વિશેષ પ્રમાણમાં આવે છે. નેપાળમાં ભારતીય રૂપિયામાં ખરીદી થઈ શકે છે. ભારતના ૧૦૦ રૂપિયા બરાબર નેપાળના ૧૬૦ રૂપિયા થાય છે. અહીં મોટા ઉદ્યોગો નથી. ગ્રામીણ પ્રજાનો મોટો આધાર ખેતી પર રહ્યો છે, એટલે પ્રવાસીઓની સંખ્યા ભૂકંપના ભયને કારણે સાવ નજીવી થઈ જતાં પ્રજામાં એક પ્રકારની નિરાશા છે. મહિના બાદ, હાલ સુધી બંધ કેટલીક દુકાનો હવે ખૂલી રહી છે. જે ભારતીય વેપારીઓ હતા, તે દુકાનો બંધ કરીને ભારત જતા રહ્યા હતા, તેમાંના ઘણા હજી સુધી આવ્યા નથી. નેપાળના માર્ગો પર બહારના યાત્રીઓની પ્રવાસી બસોની સંખ્યા નજીવી થઈ ગઈ છે. આમ, મીડિયાના અતિશયોક્તિભર્યા અહેવાલોની નેપાળના અર્થતંત્ર પર અસર પડી છે. સ્થાનિક લોકો પ્રવાસીઓને કહેતા હતા કે તમે ભારત જઈને ભૂકંપનું સાચું ચિત્ર રજૂ કરજો અને લોકોને કહેજો કે ભય વિના નેપાળના પ્રવાસે આવે. જોડે ઘણા સ્થાનિકો દુઃખની ઘડીએ ભારતે કરેલી સહાયતાની સરાહના પણ કરતા હતા.
કાઠમંડુ ઉપરાંત પોખરા પ્રવાસીઓની શ્રેષ્ઠ પસંદગી છે. ત્યાં પણ પ્રવાસીઓની ચહલપહલ વિના સમગ્ર નગર સૂનું લાગતું હતું. અહીંથી બરફથી છવાયેલ કૈલાસ-માનસરોવરનો હિમાલયનો ભાગ જોઈ શકાય છે.
નેપાળમાં હિન્દી અખબારો મળતાં નથી, પણ ત્યાંનાં નેપાળી અખબારોમાં ભૂકંપ બાદના પુનર્નિર્માણની નીતિ, ગતિ અને પડકારોની ચર્ચા આવે છે. કાઠમંડુ જતાં રસ્તામાં મનોકામના દેવીનું સુંદર મંદિર છે. ભારતીય મીડિયાએ મહિના પહેલાં અહેવાલો આપ્યા હતા કે આ મંદિર ધ્વંશ થઈ ગયું છે. વાસ્તવમાં મંદિર અકબંધ છે પણ ત્યાં પહોંચવાનો રોપ-વે ક્ષતિગ્રસ્ત થયો છે. કેમ કે, રોપ-વેનો માર્ગ લાંબો અને કઠિન પર્વતીય વિસ્તારનો છે.
આટલા ભૂકંપ પછી પણ ભાગ્યે જ ક્યાંક કાટમાળ દેખાયો. નજરને ગમે તેવી વાત અહીંની સ્વચ્છતાની છે. શહેરો-નગરો અત્યંત સ્વચ્છ હતાં. નેપાળમાં જાહેરમાં પેશાબ કરવા પર પ્રતિબંધ છે અને દંડ થાય છે. અહીં આપણી જેમ કોઈ ઊભા-ઊભા પેશાબ કરતું જોવા મળતું નથી. જ્યારે આપણે ત્યાં ભૂકંપ નથી આવ્યા એવાં પણ રામ, કૃષ્ણ અને શિવજીનાં ધામો જેવાં કે અયોધ્યા, હરિદ્વાર, મથુરા, ગોકુળ, વૃંદાવન, બનારસ, અલાહાબાદ સાવ ગંદાં-ગોબરાં, ઠેર-ઠેર કચરાના ઢગવાળાં અને ખુલ્લી ગટરોવાળાં જણાયાં. અયોધ્યા કે જ્યાં રામ જન્મ્યા હતા, ત્યાં રાત્રે વીજળીનાં કોઈ ઠેકાણાં નથી હોતાં. હોટલોએ પણ જનરેટર તૈયાર રાખવાં પડે છે. તેની સામે ભૂકંપ બાદ પણ નેપાળ સ્વચ્છ અને પાયાની સુવિધાઓથી સજ્જ છે. જો કે, વારેઘડીએ આવતા આફ્ટરશૉકને કારણે લોકોમાં હજુ ભીતિની લાગણી અને નિરાશા જોવા મળે છે.
અહીં પણ મંદિરો આગળ ભિક્ષુકો જોવા મળ્યા, પણ ભારત કરતાં સાવ ઓછી સંખ્યામાં હતા. હિંદુ મંદિરો પણ બૌદ્ધમંદિરો જેવાં કાષ્ટનાં અને સાદાં છતાં ભવ્ય છે. અનેક વિવિધતાઓથી ભરપૂર પહાડી પ્રદેશ નેપાળમાં ૮૧ ટકા હિંદુઓ અને ૯ ટકા બૌદ્ધો છે. ૧૨૫ જાતિઓ અને ૧૨૩ જેટલી લોકભાષા છે.
૬૦ ટકા લોકો ખેતી પર નિર્ભર છે, જ્યારે ૨૩ ટકા લોકો નેપાળની બહાર છે. નવાઈની વાત તો એ છે કે દુકાનો મોટા ભાગે બહેનો ચલાવે છે. પૂછતાં જાણવા મળ્યું કે પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા દોઢ ટકો વધુ છે. ખેતીમાં ૫૨ ટકા ચોખા, ૨૦ ટકા ઘઉં તથા ૨૪ ટકા મકાઈનો પાક લેવાય છે. આમ રોજિંદી ખાણીપીણીમાં આપણાથી બહુ મોટો ફરક નથી. એટલે સૌ નિર્ભય બનીને પહેલાં પેઠે નેપાળના પ્રવાસે જાય, પશુપતિનાથના દર્શન કરે અને કુદરતી સૌંદર્ય માણે. પશુપતિનાથ સાવ અકબંધ છે.
૨૫, અખંડાનંદ સોસાયટી, નવા વાડજ, અમદાવાદ-૩૮૦ ૦૧૩
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 07-08