દુનિયા વિષે હું શું લખું?
(છંદ : કટાવ)
લોકો કે’છે : “પ્રેમ-બ્રેમની વાતો છોડો, વાસ્તવની દુનિયાની તો કંઇ વાત લખો ને!”
ઈ કઇ દુનિયા, હેં? બોલો તો ! :
પૈસાલોભી ધનવાનોની? સત્તાલોભી નેતાઓની? નબળા ઉપર શૂરાઓની?
‘ધરમ અમારો સૌથી સારો’ – એમ કહીને,
જે પોતાને હિંદુ, મુસ્લિમ, ઇસઇ ગણાવી,
‘ભલમનસાઈ’ ’ને ‘સચ્ચાઈ’, ‘મદદ-પરસ્પર’, ‘હમદર્દી’ ’ને ‘પ્રેમસગાઈ’,
એવા જે સદગુણ માણસના (અને વળી સહુ પ્રાણીમાત્રના) તે સઘળા બસ લઈ ઓળવી,
માણસ-માણસ વચ્ચે ખાસ્સી — રંગભેદ ને ન્યાત-જાતની, એક પંથ ને બીજા પંથની –
ચણી દીવાલો,
ભોળા ભરમાઉં લોકોનાં ટોળાં પાડી, ઉશ્કેરીને હાંકી હાંકી,
“વિધર્મી”ઓની, “કાફીરો”ની, કત્લેઆમ સુધી દોરવતા ગુંડાઓની?
વાતો? ’ને તે હું ય કરું?
ના. ના. જાઓ, એવી “વાતો” કરનારા અનેક છે.
છાપાંમાં, ટીવીમાં જુઓ; વળી સાંભળો જઈ સંસદ કે ‘લોક’ અને હા ‘રાજ્ય’ નામની 
(અદભૂતોમાં શ્રેષ્ઠ ગણાતાં નટમંડળની) કોઈ સભામાં !
ત્યાં એ બધાં ય વારે તહેવારે કરતા રે’ ભાષણ પર ભાષણ
તેમાં જે “લોક બધાં”નાં ભાવિને ઉજ્જવળ કરવાની, તે “લોકો”ની,
–મજદૂરોની, ખેડૂતોની, મહિલાઓની,
ભૂખ્યાં-તરસ્યાં બેળેબેળે જીવતાં રે’વા મથનારાંની — 
થોડી યે જો “વાત” કરું તો 
રહે ફર્ક શો મારી કવિતામાં ને પેલાઓનાં ઠાલાં બણગાંઓમાં?
હું ય જરા તો જાણું (દિલમાં દાઝું) છું
આ ધરતી પર વસનારાં અગણિત ભૂખ્યાં-તરસ્યાં પેટ મહીંની આગ.
અરે ના. ધરાર ના છે;
મારે નથી પકવવી કોઈ ખીચડી એ બળબળતી આંચે એની;
નથી પ્રદર્શન કરવું મારે “હમદર્દી”ની “વાત” – અરે, ‘કવિતા” ય – કરીને.
દિલની સાચી દાઝ લઈને લખી ગયા છે ઘણા – કરાવું યાદ?
સાંભળો લોકગીતના ઢાળે:
“ધરતીને પટે પગલે પગલે, મૂઠી ધાન વિના નાનાં બાળ મરે;
અહો-રાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે…
ત્યારે હાય રે હાય કવિ તુને સાગર-તીર કેરાં શેને ગીત ગમે?”
(ઢાળ ચાલુ રાખો)
ગાઈ ગાઈ જગાડવાને કરુણા, મથતા રહ્યા વીર મેઘાણી સદા,
હવે એના જ નામે, ધનિકોના એજન્ટશા કૂડા નેતા જુઓ,
અહો-રાત મેળાવડા ભરી ભરી પકવાન પકાવવા ખેલ કરે..
ત્યારે કેવી રીતે કહું વાત ગરીબોની કોઈ કવિતામાં કેમ હવે?
એનાં ભીતરની નથી એબ ઉઘાડવી આ “દુનિયા”ની પાસ અરે!
હજુ રહીસહી એબ જાળવવી મારે એ દુખિયાંની ખાસ ખરે!
(મનહર)
જાણું છું તાકાત મારી થોડીક જ હતી અને
તે ય હવે ઝડપથી ક્ષીણ થતી જાય છે.
“દુનિયા”ની સામે મારું લગારે ય ગજું નથી,
તો ય હું એકાદ કામ કરી જવા ધારું છું:
હાથમાં કલમ છે (જે માએ રોપી આપી), તેની 
નવીન શાખાએ નવી કવિતાઓ ફૂટશે.
પ્રેરણાની હશે થોડી, બળાપાની પણ ખરી,
કોઈને એ ગમશે વા લાગશે એ આકરી.
એકાદી તો એવી હશે, (આશા કેમ છોડી દઉં?)
ફેરવશે પથારી જે નઠારા તમામની.
માયા મને “દુનિયા”ની હતી નહીં, અને નથી,
(દાવો લાગ્યો? ગાળ દેજો; મને નહીં વાગશે!)
ગમે તેવી હોય, કાળજામાં દાઝ્યે લખાતી આ
કવિતાથી શ્રાપ પેલી “દુનિયા”ને લાગશે.
* * *
૨૨ જૂન ૨૦૧૫
e.mail : 2bhabhai@gmail.com
 
 બધા પટેલ પટેલ ના હોય, પાટિલ પણ હોય, એટલે, ફિલ્મ ઇન્ડિયાવાળા, બાબુરાવ પટેલ પટેલ ખરા પણ પાટીદાર નહીં. એ પાટિલમાંથી પટેલ થઈ ગયેલા. કેમ થઈ ગયેલા? એનો જવાબ નથી. બહુ લાંબા સમયથી એવી માન્યતા ચાલી આવે છે કે બાબુરાવ પટેલ ગુજરાતી હતા. એમાં પાછું, એમને પરણેલી પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશીલા રાણીનું નામ પણ આપણને એમ માનવા પ્રેરે કે બાબુરાવની બીવી પણ કો’ક પાટીદાર સુશીલાબહેન છે. પટેલ અને સુશીલા ભેગાં થાય તો આપણને ‘ઘર-ઘર’ રમતાં હોઈએ તેવી ફીલિંગ થાય તે સ્વાભાવિક છે પરંતુ બાબુરાવ અને સુશીલા રાણી બંને જુદા જુદા ઘરના : કર્ણાટક અને મહારાષ્ટ્ર.