રતિલાલ બોરીસાગર
સૂક્ષ્મ હાસ્ય માટે વિખ્યાત હાસ્યલેખક અને અભ્યાસનિષ્ઠ વિદ્વાન વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
રતિલાલ બોરીસાગર
સૂક્ષ્મ હાસ્ય માટે વિખ્યાત હાસ્યલેખક અને અભ્યાસનિષ્ઠ વિદ્વાન વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે…
જૂઓ વિડીયો
![]() |
![]() |
સરકારી સન્માન મેળવવા માટે જિગર જોઇએ. પહેલાં અરજી કરો, પછી સરકારી ધારાધોરણોમાંથી ખરા ઉતરો, સંસ્થાકીય-પ્રવૃત્તિકીય રાજકારણની ગલીઓમાંથી હેમખેમ નીકળો અને બધું થઇ જાય પછી પણ સન્માન સમારંભમાં સન્માનના નામે થતાં અપમાનો હસતા મોંએ વેઠી જાવ…કારણ કે સરકારી એવોર્ડમાં પ્રધાન એકલા જ ‘પ્રધાન’ અને બાકીના સૌ ગૌણ રહેવાના.
આ બધું ગયા રવિવારે અમદાવાદમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલા દલિત સાહિત્ય અને પત્રકારત્વના એવોર્ડ સમારંભ વિશે સાંભળીને વધુ એક વાર યાદ આવ્યું. આખો કાર્યક્રમ દલિત કવિ નીરવ પટેલ, સાહિલ પરમાર અને એક દલિત પત્રકાર નટુભાઇ ગોહિલને એવોર્ડ તથા રોકડ રકમ વડે સન્માનિત કરવાનો હતો, પણ કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં ક્યાંય એવોર્ડવિજેતાઓનાં નામ નહીં. કાર્યક્રમમાં ત્રણ એવોર્ડવિજેતાઓને સ્ટેજ પર બેસાડવાની જગ્યા તો નહીં જ. પહેલી હરોળમાં પણ તેમનું સ્થાન નહીં.
છતાં નીરવભાઇએ લાઇફટાઇમ એચિવમેન્ટ પ્રકારનો રૂ.50 હજારનો અને સાહિલભાઇ-નટુભાઇએ રૂ.25-25 હજાર તથા સન્માનપત્ર ઉત્સાહભેર સ્વીકાર્યાં.
એવોર્ડ લેનાર માટે આ તો કઠણાઇનું છેલ્લું ચરણ હતું. અગાઉ આઠ-દસ મહિના પહેલાં એવોર્ડની જાહેરાત થઇ ગયા પછી નીરવ પટેલ સિવાયના સૌને સત્તાવાર જાણ કરી દેવામાં આવી, પણ સત્તાધીશોને વીંધી નાખે એવી કવિતા લખનારા નીરવભાઇનું નામ જાણે નવેસરથી વિચારણા હેઠળ મુકાયું હોય એવી હવા ઉભી થઇ. ન સરકાર તરફથી કોઇ ખુલાસો, ન નીરવભાઇ તરફથી સરકારના વલણ અંગેનો કચવાટ. આખરે તેમનું નામ પણ જાહેર થયું અને સમારંભમાં હાજર રહીને બીજી હરોળમાં બેસીને તેમણે એવોર્ડ સ્વીકાર્યો.
કવિતા આમ તો મારી ‘લેન’ નહીં. છતાં નીરવભાઇ-સાહિલભાઇની ઘણી કવિતાઓ વાંચીને ફક્ત ડોલી જ નહીં, હાલી ગયો છું. પોતાની પ્રિયતમાના સૌંદર્યની વાસ્તવિક ઉપમાઓ સાથે સરખામણી કરતી સાહિલભાઇની કવિતા ઘણી વાર વાંચી હશે. એવી જ રીતે, નીરવભાઇની ઘણી કવિતાઓ એટલી ધારદાર હોય કે મંટો જેવા લેખકની વાર્તાની ચોટ જેવો ઘા પડે. એવી એક ટૂંકી કવિતા આ પોસ્ટના અંતે મૂકી છે. નરસિંહ મહેતા-શામળીયાની હૂંડી અને ‘સૌનો બેલી ભગવાન’ જેવાં બિનદલિત બની ચૂકેલાં પ્રતીકો-અભિવ્યક્તિઓ, દેખીતી રીતે અમાનવીય લાગે એવી સ્થિતિ અને તેની પાછળ રહેલી જ્ઞાતિગત ભેદભાવની ક્રૂર વાસ્તવિકતા કેવી નાટ્યાત્મક છતાં સચોટ લાગે છે. (મંટોપ્રેમીઓને તેની ‘શ્યાહ હાશિયે’ની વાર્તાઓ યાદ આવે જ.)
કાર્યક્રમ પછી મંચ પરના કેટલાક મહાનુભાવો મંચ પરથી નીચે પણ ઉતર્યા વિના નાસ્તો કરવા બેસી ગયા. એવોર્ડની સંખ્યા વધારે હોય ને પ્રમાણપત્રો જથ્થાબંધ હોય તો એવોર્ડ આપનારી સંસ્થાઓનું ભલું પૂછવું. ચવાણું કાઢવા માટે ડીશો ખૂટે તો કોરાં પ્રમાણપત્રોનો પણ સદુપયોગ કરી લે. એક વાર ફ્રેમ થઇ ગયેલું પ્રમાણપત્ર તો એટલા કામનું પણ રહેતું નથી.
મારો શામળિયો
મારા શામળિયે મારી હૂંડી પૂરી-
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ…
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડડ્ મસાણે-
મારા ભંગિયાનોય બેલી ભગવાન !
નીરવ પટેલ (2006ના દલિત કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’માંથી )
ચૂંટણી પંચે પાંચ તબક્કામાં મતદાનનો કાર્યક્રમ જાહેર કરી દીધો હોય અને પંદરમી લોકસભાની ચૂંટણી માટે દેશજનતાએ તડેપેંગડે હોવું જોઈએ ત્યારે કમનસીબી એ છે કે વ્યાપક પ્રજાવર્ગ સક્રિય હિસ્સેદારીને બદલે નિષ્ક્રિય પ્રેક્ષકગીરીમાં ફેરવાઈ રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમની પૂરી વિગતો આવે તે પહેલાં ( અને એપ્રિલ – મે ચૂંટણીમહિનાઓ હોવાના છે તે જાણવા છતાં) એપ્રિલ ૧૦થી મે ૨૪ લગીનો આઈપીએલ ટી – ૨૦નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે દિવસો દેશમાં સ્વભાગ્યનિર્ણય સારુ જીવલગ જાહેર બહસના હોવા જોઈએ તે લોકોને ભળતી અગ્રતાવશ નાને પડદે ચોંટાડી રાખનારા બની રહેશે એમ જ ને, કે બીજું કૈં.
આ નાનો પડદો અને આ ચોવીસ કલાકના ચેનલબાજો, સૌ હમણાં 'સ્લમડૉગ મિલિયને'ર' બાબતે ત્રિકાળસંધ્યાનેય ટપી જતાં જે ચાલુ પડી ગયાં હતાં ! પી. સાઈનાથે ક્યારેક લખ્યું હતું કે દરેકને દુકાળ વહાલો હોય છે. દેખીતી રીતે જ, 'ઉદ્યોગ'ની શોધમાં ભમતા ભૂતોની 'કદર'રૂપે આમ લખાયું હતું. તમને પણ, મુંબઈગરાને ધારાવીમાં કે અમદાવાદીને લાંબા સમય લગી જુગલદાસની ચાલીમાં, રૂબરૂ કળી પાડવું ચાહે તો ન ગમે – લંડન સ્લમ્સના એના અભ્યાસમાં માર્ક્સસખા એન્જલ્સે જે સંવેદનબધિર એકાકીપણાની ( 'અનફીલિંગ આઈસોલેશન'ની) નોંધ લીધી હતી, ત્યાં જ કેમ જાણે સમય થંભી ગયો હોય એવું દુર્દૈવ વાસ્તવ છતાં – દરેકને ફિલ્મી પડદે ચાલચિત્રણ કે ઝોંપડપટ્ટી ઝગઝગાટ ગમે છે. એમાં પણ ઝોંપડપટ્ટીનો છોકરો કરોડપતિ બની જાય, ક્યા કહના…. શય્યાસુખ વગરની સુહાગરાત, બીજું શું.
લોકસભાની ચૂંટણીની ચર્ચા કરતાં કરતાં આપણે ક્યાં આ નાનામોટા પડદાની પારાયણ માંડી બેઠા, તમને થશે. ભાઈ, જમાનો બડો જાલિમ છે અને આવાંતેવાં અનેક વ્યવધાને કરીને તે આપણી અગ્રતાઓને ગોથું ખવડાવી શકે છે. માટે આ માથાકૂટ.
તમે જુઓ કે જ્યારે સ્લમડૉગિયું હઈસોજંબે ચાલતું હતું ત્યારે આ ચોવીસના ( કદી પચીસના નહીં થઈ શકતા ) ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઈન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. ક્ષુધાંકને ક્ષેત્રે પણ ભારતની એક રીતની સિદ્ધિ તો હતી અને છે જ : દુનિયામાં રોજ રાતે લગભગ ભૂખ્યા જેવા સૂતા (અંડર નરિશ્ડ) લોકો પૈકી સત્તાવીસ ટકા તો આપણે ત્યાં જ છે. આ દેશમાં જે અપોષણ, કુપોષણ છે તેને પરિણામે અહીંના બાળકો (પાંચ વરસથી નીચેનાં) પૈકી સુડતાળીસ ટકા જરૂરી જીવનપ્રદ વજન ધરાવતાં નથી. તેમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનનાં. ('અંડરવેઈટ' માટે કદાચ અવૈજ્ઞાનિક છૂટ લઈને કરેલા આ પ્રયોગ માટે 'શબ્દાર્થપ્રકાશ' – સાથીની ક્ષમા ચાહું છું.) ગમે તેમ પણ, ભૂખગ્રસ્ત ભારતની ચિંતા ન તો આ દિવસોમાં જોવા મળે છે, ન તો ચૂંટણીબહસના દિવસોમાં જોવા મળશે. રૂડા પ્રતાપ આઈપીએલ ટી – ૨૦ ના.
૧૪મી લોકસભા પૂરા કદની હિસ્સેદારીનો ને ધોરણસરની ચર્ચાનો પૂરો હિસાબ તો શું, ઘણાખરા કિસ્સામાં પાસ – માર્ક્સ પૂરતો પણ આપી શકી નથી. પાંચ વરસની પૂરી મુદત આ ગૃહે પૂરી કરી, પણ ૩૬૫ x ૫ દિવસોમાંથી તે કેવળ અને કેવળ ૩૩૨ દિવસ જ માત્ર મળી શક્યું છે. એમાં પણ સ્પીકર સોમનાથ ચેટરજીએ એમના હંસગાનવત્ જે બધી વાતો તહેદિલથી કરી અને સંભારી એ મુજબ ૪૨૩ જેટલા કલાકો ધાંધલધમાલધાંધિયામાં ઠાલા વેડફાઈ ગયા છે. મતલબ, પેલા ૩૩૨ દિવસમાંથી પણ મારેતમારે સહેજે ૬૦ દિવસ બાદ કરવાના રહે. જેના નામમાં જ વિચારવિનિયમ ને ચર્ચાવિચારણાનો ભારઝલો સંકેત છે ( 'ટુ પાર્લે' પરથી સ્તો 'પાર્લમેન્ટ' એ શબ્દ આવ્યો છે), તેણે કેટલા ઓછા દિવસ કામ કર્યું છે !
અને એ કામગીરીનું ધોરણ? સોમનાથદા કહે છે કે ગૃહની કાર્યવાહી અંગેની 'નિયમાવલી'માં ૩૭૪ (એ)ની જે જોગવાઈ છે – ચોક્કસ સંજોગોમાં સ્વયંનિર્ણીત નિલંબન (ઓટોમેટિક સસ્પેન્શન)ની – તેને અમલી બનાવવાનો સમય આવી ગયો છે. સોમનાથદાએ તે ઉપરાંત, 'તમે પ્રજાના એક પૈસા સારુયે લાયક નથી' એવું આ પ્રકારના સાંસદોને કહેવા સાથે ઉમેર્યું છે કે પ્રજા તમને નવી લોકસભામાં પાછા નહીં મોકલે.
શાપ વિશે, સતી અને શંખણીનો હવાલો આપતી એક કહેતી આપણે ત્યાં ચાલતી આવેલી છે. પણ સ્પીકર મોશાયના સંદર્ભમાં આપણે સ્વાભાવિક જ એ સંભારવાની ન હોય. એમાં પણ આ તો આપણને મળતાં મળે એવા સ્પીકર છે જેમણે પોતે ગૃહે એકમતીથી પસંદ કરેલ અધ્યક્ષ છે એ નાતે માતૃસંસ્થા (માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ)ના આદેશ છતાં પદત્યાગ કરવા બાબતે નન્નો ભણી જાણ્યો છે.
આ વિગતો જાણી ત્યારે મને પહેલી – બીજી લોકસભાના સંદર્ભમાં એ.કે ગોપાલને કરેલી એ નુક્તેચીનીનું સ્મરણ થઈ આવ્યું હતું કે ગૃહની ચર્ચાઓમાં જેઓ મુદ્દલ ભાગ નથી લેતા તેમાંના ઠીક ઠીક લોકો સત્તાવાર વિદેશપ્રવાસ માટેનાં પ્રતિનિધિમંડળોમાં બિનચૂક પસંદગી પામતા હોય છે.
પણ આ મૌનમુખરો વિશે – જે કોઈ એક પક્ષનો ઈજારો નથી અને જેઓ યથાપ્રસંગ પક્ષાતીત હોઈ શકે છે, એમને વિશે – ફરિયાદ શું કરવી. કોને કરવી. તેઓ તો માનો કે પોતાનું વજૂદ પૂરવાર નથી કરી શકતા, પણ એમને ચૂંટનારને નાતે સવાલ તો મારાતમારા વજૂદનો પણ છે સ્તો. ૧૪મીથી ૧૫મી લોકસભા માટેના આ નિર્ણાયક સંક્રાન્તિદિવસોમાં, આટલીએક વાતો એ આશાએ કે બહુ મોડું થાય તે પહેલાં આપણે હોલીવુડ – બોલીવુડના સંમિશ્રણ જેવી (એમ. જે. અકબરના શબ્દોમાં 'હોબોવુડ'ની ) અનવસ્થામાંથી, કહો કે મૂર્છામાંથી, બહાર આવીએ અને પડદે નહીં પણ પ્રત્યક્ષ ખેલી જાણીએ. ચૂંટણીના આટાપાટા, રાજનીતિ અને રણનીતિના રંગઢંગ, સમીકરણો અને ધ્રુવીકરણોના પેચ, પહેલા, બીજા, ત્રીજા મોરચાની કવાયત, આ બધું યથાપ્રસંગ ચર્ચીશું અને ચર્ચતા રહીશું પણ એમાં ભલીવાર નહિ આવે જો હમણાં ગઈ તે મૂર્છા નહિ ઊતરી હોય તો.