ઓબામાને ચિમ્પાન્ઝીરૂપે કેરિકેચરવાની અખબારી ચેષ્ટા વિશે વિગતોમાં નહીં જતાં માર્ટિન લ્યુથર કિંગ ત્રીજાની એટલી પ્રતિક્રિયા સંભારવી બસ થઈ પડશે કે અશ્વેત ઓબામાને સ્થાને કોઈ શ્વેત પ્રમુખ હોત તો આવું ન બન્યું હોત. અખબારી સ્વાતંત્ર્ય અલબત્ત પોતાને સ્થાને છે, પણ ટીકાટિપ્પણનો સ્રોત અગર અભિવ્યક્તિ જો વંશીય કે અન્ય પૂર્વગ્રહદૂષિત પરિવેશથી પ્રભાવિત હોય તો તે પણ એક બુનિયાદી મુદ્દો બની રહે છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના 'આઈ હેવ અ ડ્રીમ' થી તે ઓબામાના 'યસ, વી કેન' લગીની દેખીતી તો અશ્વેત અમેરિકાવાસીઓની પણ વસ્તુત: સૌ અમેરિકાવાસીઓની એટલી જ મનુષ્યજાતિ સમસ્તની આ યાત્રા ઓબામાએ પ્રમુખપદે શપથ લીધા તે સાથે બેલાશક પૂરી નથી થતી. સાર્વભૌમ રાષ્ટ્રો ઘરઆંગણે અને બાકી દુનિયામાં ગેરબરાબરીનો જે દોરદમામ ચલાવે છે, એના ભાલ પરથી ઓબામાઈ અક્ષત કુમકુમ ક્યારે ખરી પડે, કંઈ કહેવાય નહીં. કદાચ, રાષ્ટ્ર – રાજ્ય – વાદ પોતાના અંજીરપાંદ લેખેય ઓબામા ઘટનાને શોષી અને પોષી પણ શકે.
માર્ટિન લ્યુથર કિંગ ત્રીજાની ભારતયાત્રા ટાંકણે સહજ એવા આનંદ સાથે આ પ્રગટ ચિંતન માટેનો ધક્કો એમના સહયાત્રી, બલકે પિતૃપ્રતિમા શા વડા સાથી જૉન લુઈસના કેટલાક ઉદ્ગારોથી આવી મળેલો છે. જૉન લુઈસે કહ્યું કે એક અમેરિકન નાગરિક તરીકે, રિપીટ, એક અમેરિકન નાગરિક તરીકે હું માનું છું કે અફઘાનિસ્તાન અને ઈરાકમાં અમારી સરકારે લશ્કર મોકલ્યું એ ખોટું હતું, અને હવે પાછું ખેંચવામાં વિલંબ ન કરવો જોઈએ.
તો, સત્તા ને સંપત્તિ તેમ વર્ણ ને વર્ગ તથા વંશને ધોરણે ગેરબરાબરી સામેની જે લડાઈ છે તે કોઈ ગાંધી અગર કોઈ માર્ટિન લ્યુથર કિંગને જ નહીં, કોઈ લિંકન અને કોઈ ઓબામા સુદ્ધાંને સાંકડા દાયરામાં વિચારવાની છૂટ આપી શકે નહીં. જૉન લુઈસે જે એમ કહ્યું કે જ્યાં સુધી આર્થિક વિષમતાની ખાઈ પુરાશે નહીં ત્યાં સુધી સંપૂર્ણ નિ: શસ્ત્રીકરણ પણ સધાશે નહીં તેનું રહસ્ય આ છે.
મુદ્દે હિંસા – અહિંસાની ગાંધીસમજ તલવારબાજી અને રક્તપાતમાં સીમિત અને આબદ્ધ કદાપિ નહોતી. શોષણમાત્ર હિંસાનું જ નહીં, બિલકુલ જળોની પેઠે જામેલું અવર રૂપ છે. જૉન લુઈસને આ કહેવાનો અધિકાર સવિશેષ છે, કેમકે કિંગ ત્રીજાની જેમ એ કોઈ ગાદીએ આવેલ જણ નથી. એંશી વરસના લુઈસ કૉંગ્રેસમેન (અમેરિકી સાંસદ) છે એ પણ એમની ખરી અને પૂરી ઓળખ નથી. એ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના સાથી રહ્યા છે, અને ૧૯૬૩માં લિંકન મેમોરિયલ (વૉશિંગ્ટન ડીસી) ખાતે કિંગે જ્યારે 'આઈ હેવ અ ડ્રીમ'નું ઐતિહાસિક ઉદ્બોધન કર્યું ત્યારે જે દસ સાથીઓ હતા એમના પૈકી જીવિત એકમાત્ર એ છે. ચાલીસેક વાર ધરપકડ વહોરવાનું , એકથી વધુ વાર મરણતોલ માર ખમવાનું ને પોલીસ વાનમાં તેમજ જેલમાં 'મુક્તિનું વરદાન' માણવાનું એમનું સદ્ભાગ્ય રહેલું છે.
જૉન લુઈસ અને ગાદીવારસ કિંગ ત્રીજા જે ભૂમિકાએ નભીને વાત કરે છે તે થર્મોમીટરની પેઠે માત્ર વાતાવરણને ઝીલનાર – નોંધનારની નહીં પણ થર્મોસ્ટારની પેઠે વાતાવરણને પ્રભાવિત કરી નિયમનમાં આણનારની. એમનું ડ્રીમ એ કોઈ ડિંડિમ નહીં, ક્રમબદ્ધ કદમમાં ફેરવાઈ રહ્યું છે.
ઓબામામાં ચિમ્પાન્ઝીનું આરોપણ કરવું તે નવાં પરિવર્તનોની સંભાવના વચ્ચે વ્યુત્ક્રાન્તિ શું વરતાય છે. એક રીતે એ પણ ઠીક જ છે; કેમકે વ્યુત્ક્રાન્તિની પ્રત્યેક ચેષ્ટા, ઉત્ક્રાન્તિથી સમુત્ક્રાન્તિ લગીની બાકી મજલ વાસ્તે સ્મૃતિ – ઘંટારવ બની રહે છે.