આપણે વાત કરતા હતા ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવવા માટેનાં સોપાનોની. વિશ્વગુજરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએને? શાસનની દેખીતી ભૂલો કે તેણે ઇરાદાપૂર્વક ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણાંમાં આવી જાય. ઓશિયાળી વ્યકિત પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યોવ્યવહાર કરનાર પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિદ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈઅ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઇષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠાં રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારી ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે.
આ અંગે મારી એક ચિંતા વ્યકત કરવા ઇચ્છું છું. ગુજરાતીના 'શિષ્ટ' સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેરવિખેર થતાં સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે, અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું? કોઈક કહેશે કે આમાં અ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજયવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા રહેતા કે 'અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ અને સારુ લાયક નથી બની.'
જે પોતાને સાહિત્યકાર માને છે તેની જવાબદારી સમાજના અંગેઅંગ સાથે પોતાની દયભાવના જોડવાની છે. ગુજરાતી સાહિત્યકારની કલમે સમગ્ર ગુજરાતનાં હર્ષશોક, વેદના-આનંદ, આશા-આશંકા, મનોકામના ને મનોરથો મુખર થવાં જોઈએ. પાંચ કરોડ જનતા વતી બોલવાની જવાબદારી ગાંધીનગરમાં વિરાજમાન કોઈ એક વ્યકિતની નહિ, પણ ગિરાગુર્જરીના સૌ સેવકોની હોવી જોઈએ. એમ ન થાય ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય ગમે તેટલો ગર્વ ભલે લેતું, ગૌરવ લઈ શકે નહીં.
ગુજરાતી સાહિત્યનું ગજું આપણે વિશ્વસાહિત્ય સુધી લઈ જવું છે. એનું એક પગલું આપણા વ્યકિતત્વને તપાસી, કઠોર આત્મપરીક્ષણ કરી, એને સ્વચ્છ, ઉદાર અને ઉદાત્ત બનાવી આખા ગુજરાતી સમાજની ઊર્મિઓને અભિવ્યકિત આપતું કરવું એ છે.
આપણે ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું લાવવું હશે તો ગુજરાતની પ્રજાના ગંભીર પ્રશ્નો અંગે આપણી નિસબત કેળવવી પડશે. જે પ્રજાનાં સુખદુ:ખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાનાં પાપ-પુણ્યને પોતાનાં ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યકિતગત નિસબતની વાત કહેવા ઇરછું છું. એને વ્યકિતગત એટલા સારુ કહું છું કે બીજા એમાં ભાગીદાર ન હોય તો હું તેને આપણી નિસબત ન કહી શકું. જોકે, હું ઇચ્છું ખરો કે આપણા સૌની, ગુજરાતના સૌ વિચારવંતોની તે નિસબત બને. મને સન ૨૦૦૨માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે, આમ કહેતાં મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારુ ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને લાગ્યા કરે છે. સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગાએ પણ માણસાઈને હેઠે ઉતારે એવું કત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય તે પણ એ કૃત્ય સારુ અમુક અંશે જવાબદાર બને છે. ભરેલા સરોવરનું પાણી કોઈ જગાએ ખાલી થાય તો તેથી આખા સરોવરના પાણીની સપાટી નીચી જાય, તેમ સમાજમાં કયાંય પણ પાપ થાય તો તેનાથી આખા સમાજનું નૈતિક સ્તર એટલું નીચે જાય છે. હું મારી જાતને ૨૦૦૨ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. ૨૦૦૨ના મહાપાતકમાં જે લોકો રેલગાડીમાં બળી મર્યા, તે તથા બીજા જે મૃત્યુ પામ્યા, જે આગમાં હોમાયાં, જેમનાં ઘર બળ્યાં, જેમનાં માસૂમ બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં, જેમની દીકરીઓને આગમાં ફેંકવામાં આવી, એમને સારુ કોઈ પણ સહૃદયને દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાના વધુ ઊંડાણમાં જઈએ તો આ ઘટનાના શિકાર બનનારાંઓ સારુ જેમ રડવું આવે એમ છે, તેમ એના શિકારી સારુ પણ રડવું આવે એમ છે. જે બળી મૂઆં કે બીજી રીતે કતલ થયાં તે તો ગયાં તે ગયાં, પણ જેણે હિંસા આચરી અને જેમણે એ હિંસા આચરવા દીધી એનો અંતરાત્મા તો આજ લગી ડંખતો હશે. એણે એને અંગે માફી માગી હોય તોપણ એના અંતરને કોઈક ખૂણે એના પાપનો ડંખ તો હશે. એના હૈયાની હોળી પેલી એક દિવસની હોળી કરતાં ઓછી નહીં હોય. હું કબૂલ કરું છું કે આ મારી શ્રદ્ધાનો વિષય છે. બાહ્ય ઘટનાઓ એને કોઈ વાર ખળભળાવી શકે છે, કોઈ વાર હચમચાવી શકે છે, પણ એને ઉખાડી નથી શકતી.
આપણે એ પણ સમજવું જોઈએ કે પાપ એ મારકાપ, હત્યા, બાળઝાળ, બળાત્કાર જેવાં કર્મોથી થાય છે, પણ એ કૃત્યને ટેકો આપવા સારુ જયારે એનું તત્ત્વજ્ઞાન બને ત્યારે તે પાપ બેવડાય છે. વેર વાળવું એ જયારે સ્વાભાવિક માનવામાં આવે ત્યારે વળી એ પાપ ત્રણગણું થઈ જાય છે. અને જે શરમજનક ઘટના છે તેનો જયારે ગર્વ લેવામાં આવે છે ત્યારે તે પાપ ચોગણું થાય છે.
આવા ઘોર પાપમાંથી આપણે સાવ તાજેતરના ઇતિહાસમાંથી પણ પસાર થયાં છીએ. સમાજના પાપને હું જેટલે અંશે મારુ માની શકું છું તેટલે અંશે આ પાપનો હું મને પોતાને પણ ભાગીદાર માનું છું અને એમાંથી મુકત થવાના મારાથી બનતા પ્રયાસો મેં કર્યા છે.
વર્ષ ૨૦૦૭ના પાછલા ભાગમાં એક સામાજિક પાપ બંગાળના નંદીગ્રામમાં થયું ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો-કેટલાકે સરકારી માનચાંદ પાછા આપીને એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુઘટર્ના નંદીગ્રામના ગોળીબારથી સેંકડોગણી વધારે અમાનવીય હતી. તે વખતે આપણું પણ હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે 'ભાવભૂમિ' પ્રકાશિત કરીને આપી શકીએ ખરા? ગુર્જરગિરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલા પાણીમાં છે તે તપાસવું પડશે. જે સત્ય ખાતર કાંઈક ખોવા તૈયાર હશે તેનામાં જ ખમીર દેખાશે.
(ગાંધીનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ આપેલા અઘ્યક્ષીય ભાષણના સંકલિત અંશો)
આવતી કાલે: સમાજના સળગતા પ્રશ્નો અને સાહિત્યકાર અંગેના નારાયણભાઈ દેસાઈના વધુ વિચારો.