રમૂજી રમખાણ (હઝલસંગ્રહ) : સૂફી મનુબરી : પ્રકાશક – પોતે : 2009
બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અરધી સદીનો ગણાય. 12મી ફેબ્રુઆરી 1977ના રોજ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઈ. આ ગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમમાં જે આછુંપાતળું ગુજરાતી સાહિત્યસર્જન થયું તેનું મૂલ્યાંકન કરતાં 1993માં સુમન શાહે કહેલું કે, આજે ઇંગ્લૅન્ડમાં ગુજરાતી સાહિત્યને નામે જે લખાય / છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય ‘પ્રાથમિક’ કક્ષાનું છે. બ્રિટિશ ગુજરાતી સાહિત્યની કોઈ વિશિષ્ટ, મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી અલગ એવી મુદ્રા ઉપસી નથી કેમ કે સુમન શાહ કહે છે તેમ, બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા તમામ સંદર્ભોમાં વિસ્તરીને વ્યક્ત થતો નથી.
આ નિરીક્ષણ મહદ્દ અંશે તાટસ્થ્યપૂર્ણ અને યથાર્થ છે. અલબત્ત, સૂફી મનુબરીની હઝલો આમાં અપવાદરૂપ ગણી શકાય. હઝલકાર સૂફી 1963માં દેશાટન કરી ભારતથી ઇંગ્લૅન્ડ આવી વસેલા. સાથે કાચીપાકી ગુજરાતી ભાષા – ભરુચી બોલી – અને હઝલસમ્રાટ બેકાર તથા શેખચલ્લીની હઝલનો વારસો. યુનાઇટેડ કિંગ્ડમમાં એમનું હઝલસર્જન મંદગતિએ પણ અવિરત ચાલતું રહ્યું.
તળ ગુજરાતના સાંસ્કૃિતક સંસ્કારો અને ‘બ્રિટિશ કલચરલ ટૃૅડિશન્સ’ના મુકાબલાથી જે વૈચિત્ર્ય સર્જાય છે તે સૂફીની હઝલો અને મુક્તકોમાં પ્રતિબિંબિત થાય છે, અને તેથી જ મુખ્યપ્રવાહની ગુજરાતી હઝલથી નોખી ‘ફ્લેવર’ની આ હઝલો આસ્વાદ્ય બને છે.
બ્રિટિશરાજ દરમિયાન ભારતમાં બ્રિટિશ સંસ્કૃિતના પગરણ થયાં ત્યારે આ ભેળસેળ વિશે હઝલકાર બેકારે આ મુક્તક લખેલું :
દૃષ્ટિમર્યાદાને તારી શું કહું ?
પૂર્વપશ્ચિમ એકતા તો થાય છે
દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે
એમાં તારા બાપનું શું જાય છે ?
સૂફીએ આ હઝલપ્રણાલીને આગળ ધપાવી અને એમાં વિલાયતી પરિમાણ ઉમેર્યું. આ હઝલોમાં બ્રિટિશ ગુજરાતી સમાજના વ્યંગચિત્ર ઉપરાંત એનું દસ્તાવેજીકરણ પણ મળે છે.
1960-70ના ગાળામાં બ્રિટનની મિલોમાં કામદારોની અછત ઊભી થઈ તે પૂરવા સેંકડો વસાહતીઓ ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવી વસ્યા, એમાંના એક તે આ હઝલકાર સૂફી. પચીસ વર્ષની યુવા વયે પોટલાંબિસ્તરા સાથે લંડનના હિથરો અૅરપોર્ટે ઊતર્યા ત્યારે ખિસ્સામાં ભારતથી હૂંડિયામણમાં મળેલા અઢી પાઉન્ડ,
ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો
ગોદડી સાથે અઢી પાઉન્ડ પણ લાવ્યો હતો
આ ગુજરાતી વસાહતીઓ લેંકેશાયરનાં કાપડ નગરોમાં વસ્યા અને ‘આઇરની’ એવી કે બ્રિટિશરાજ વખતે જે મિલોના વિલાયતી કાપડનો ગાંધીજીએ બહિષ્કાર કરેલો તે જ મિલોમાં મજૂરી કરતા થયા. પાઉન્ડ રળવા રાતપાળીએ કરે,
વીવીંગ એનું કામ છે ને મિલ એનું ધામ છે
જૉબ પર લાગ્યો છે એ બાંધી કફન પરદેશમાં
ભારતમાં જે દરબાર હતા તે અહીં મિલના સંચા પર દોડાદોડી કરતા કામદાર થઈ ગયા,
એક સાંધે એકવીસ તૂટે છે ડૉફીંગ ફ્રેમ પર
થઈ ગઈ હાલત કફોડી આપણા દરબારની
આ વસાહતીઓમાં થોડા ભારતથી ભણીને આવેલા ગ્રેજ્યુએટ પણ હતા,
અંતે સૂફી થઈ ગયા ડોફર ને વીવર જોઈ લ્યો
થઈ ગયું બી.એ. ને એમ.એ.નું પતન પરદેશમાં
‘વર્ક’ ઉપરાંત ‘વેધર’નો ત્રાસ. હાડ થિજાવી દે એવી ઠંડી અને બરફવર્ષા. ઠૂઠવાઈને હીટર પાસે બેસી રહેવાનું,
જરી હીટરની પાસેથી મને હટવું નથી ગમતું
તમારા સમ જીવન વિન્ટરમાં ઠંડુગાર લાગે છે
ત્રીજું ‘ડબ્લ્યુ’ તે ‘વુમન’. સોનેરી વાળ અને ભૂરી આંખોનું કામણ. માદરેવતન ભુલાવી દે એવું,
બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો
ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો
ઇંગ્લૅન્ડની મૅડમના બોબ્ડહૅર જોઈને સૂફી
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો
ભાષાની ય મોંકાણ. ગુજરાતી જેમતેમ છૂટે નહીં,
યુ.કે.માં વીસ વરસોથી વસે છે આપણી બીબી
છતાં એને ‘બળી ગ્યું’ બોલવાની એ જ આદત છે
પણ આ ‘બળી ગ્યું’ સાથે ય એણે ‘પ્લીઝ’, ‘થેંક યૂ’ જેટલું અંગ્રેજી તો શીખવું પડે. એની જરૂર ડગલે ને પગલે,
અરધો ડઝન ઘરેથી નીકળતાં જ થઈ ગયું
ઝાંપે જતાં જતાંમાં ડઝન થાય ‘થૅંક યૂ’
વળી પડોશમાં કોઈ અળવીતડો અંગ્રેજ રહેતો હોય તો વડછટ પણ થાય, ત્યારે ઇલાજ બતાવતાં આ હઝલકાર કહે છે,
ઝાઝો ન કર વિચાર, એની મેતે ભાગશે
મરચાંનો કર વઘાર, એની મેતે ભાગશે
હઝલકાર સૂફી કહે છે કે, સાઠ-સિત્તેરના ગાળામાં ગુજરાતથી બ્રિટન આવી વસેલા લોકો વર્ક-વુમન-વૅધરની ‘અફરાતફરી’માં ઘરડા થઈ ગયા – શેખચલ્લીના શબ્દોમાં,
આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા
જોતજોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા
અને બ્રિટનમાં આ ‘રિટાયર્ડ એશિયન’ની જે અવદશા થાય છે તેનો ટૃૅજિ-કૉમિક ચિતાર સૂફીની હઝલમાં મળે છે,
મારાં ઘરવાળાં કહે છે : બ્હાર નીકળતો નથી
બ્હાર નીકળું તો કહે છે લોક કે, ઠરતો નથી
ઠપકો આપે છે મને ઘરવાળી સાંભળતો નથી ?
ભલભલાનું આવ્યું ને કેમ તું મરતો નથી ?
અને હવે સમસ્યા છે ગુજરાતના સંસ્કાર લઈ અહીં આવી વસેલી જૂની પેઢી અને બ્રિટનમાં જન્મી ઊછરેલી સૅલ્ફ-સૅન્ટર્ડ – સ્વકેન્દ્રી, ઇન્ડિવિડ્યુઆલિસ્ટિક – વ્યક્તિવાદી, તેજતર્રાર નવી પેઢી વચ્ચેના અંતરની, ઘર્ષણની. બ્રિટનનિવાસનું સરવૈયું કાઢતાં સૂફી કહે છે,
આવીને ઇંગ્લૅન્ડમાં કાંદા કશા કાઢ્યા નથી
દેશી મારું છોકરું અંગ્રેજ જેવું થઈ ગયું
બ્રિટનની મુક્ત જીવનશૈલીની અસર જીવનસંગિની ઝીલે ત્યારે આ હઝલકારને લાગે છે કે, બધું ઊલટસૂલટ થઈ ગયું છે,
દેશ બદલાતાં જુઓ આ વેશ બદલાઈ ગયો
બાયડી થઈ ગઈ ભમરડો ને ભમરડી ભાયડો
બ્રિટિશ ગુજરાતી યુવાપેઢી વડીલોના સૂચનને બ્રહ્મવાક્ય ગણતી નથી. એ તરત પૂછે છે : વ્હાય – કેમ ? વડીલોથી આ સહેવાતું નથી. સૂફી કહે છે,
વાતેવાતે પૂછે : વ્હાય ?
મારું માથું ફાટી જાય
અમથી અમથી એ રિસાય
ઘરમાં કાયમ ધાંધલ થાય
હઝલકાર સૂફી કહે છે કે, પાઉન્ડ મજબૂત છે એટલે બ્રિટનના ગુજરાતીઓ સમૃદ્ધ છે,
સંપત્તિની ચિંતા નથી. ચિંતા છે સંતતિની.
જૂની-નવી પેઢી વચ્ચેની ખાઈ – જનરેશન ગૅપ મોટી થતી જાય છે અને તેમની વચ્ચેનું વૈચારિક ઘર્ષણ વધતું જાય છે. આનો નિર્દેશ કરતાં એક મુક્તકમાં ઘરાળુ ઉપમા પ્રયોજી સૂફી કહે છે,
બાપદીકરો રહે છે યુ.કે.માં
બેઉની વચ્ચે રોજ ફાઈટ છે
બાપ છે લેંઘાના જેવો ઢીલો
દીકરો જીન્સ જેવો ટાઈટ છે
આ સમીક્ષામાં હઝલકાર સૂફી મનુબરીની હઝલોમાં ભાષાકર્મની કે રૂપનિર્મિતિની ચર્ચા કરી નથી. ‘રમૂજી રમખાણ’ પુસ્તક બે કારણે અગત્યનું લાગ્યું છે : એક તો એ દ્વારા સૂફીએ બ્રિટનમાં આપણી હઝલપ્રણાલી ને જીવંત રાખી છે અને બીજું, એમાં વિનોદી, હળવી શૈલીમાં બ્રિટિશ ગુજરાતી સમાજનું કૅરિકચર – વ્યંગચિત્ર પ્રસ્તુત થયું છે.
200 Haliwell Road, BOLTON BL1 3QJ
e.mail : ghodiwalaa@yahoo.co.uk