World Labour Day (1st May) પર એક રચના
ગાઉ આઘો સવારનો ઉઘાડ
રાતના હોઠ, હોઠના ખૂણેથી નીતરતી લાળ
સ્ટ્રીટ લાઇટને આળસ ખાસ
આવે જાય આવે જાય
બગાસાં જેવો એનો પ્રકાશ
ઊંઘમાં નગર નગરમાં ઊંઘ
કૂતરાં ચકલાં માખ ઉંદર ઊંઘભરપૂર.
આવ્યું પોપચાંની બ્હાર ઊંઘનું માથું માંડ
ખોલીમાં થયો ધીમો ખખડાટ
ઊઠવું-ન-ઊઠવું ચંદીનું લાગ્યું તરવરવા
રંજીનું ડગલું ગીત ગતિનું લાગ્યું ગણગણવા.
કર્યા કોગળા છાલક મારી ધોયાં ઝટપટ મોઢાં
ઊની ચાના પીધા ફટફટ ઘૂંટા
ટાઢા રોટલાનાં ખાધાં બટબટ બટકાં
લીધા પ્લાસ્ટિકના બે કોથળા
ખોલીમાંથી નીકળ્યાં નાગા પગે બે ખોળિયાં.
પોળોની ગલીઓ સોસાયટીના રસ્તાઓ
રસ્તાના વળાંકો
વળાંકો પર મૂકેલા કચરાના ડબ્બાઓ
રસ્તાનો અંધાર
કૂવા જેવો ગલીનો અંધાર
અંધારમાં ઘૂસતો ક્યારેક લથ્થડિયો અંધાર
ખોળિયાંમાં ધ્રાસકો ઘાતક ઘૂસતો
ધબકાર બેચાર હાબકી જતો
ક્યાંક ઓચિંતુ કૂતરું ભસતું
અંદર બધું થથડી પડતું.
પોળોની ગલીઓ સોસાયટીના રસ્તાઓ
નગરના રોડ, રોડ પરની દુકાનો
ચાની કીટલી પાનના ગલ્લા
લાગે જાણે રૂપ બદલતાં :
કાગળ બનતાં કોથળી બનતાં
બનતાં થેલી મોટી-નાની
પૂંઠું બનતાં બૉક્સ બનતાં
બનતાં મીઠાઈનો ડબ્બો ખાલી-ખાલી
પતરું બનતાં તાર બનતાં, બનતાં ખીલો-ખીલી
બોતલ બનતાં દારૂની, દવાની છીંકણી રંગની બાટલી
લીટા મારેલી ડાયરી બનતાં પેન ન કશા કામની
રીફિલ બનતાં સહી વગરની, બનતાં ઢાંકણ-ઢાંકણી.
સીધી કમર વાંકી વળતી
આંખની કીકી આમતેમ ભમતી
આંગળી બધી વળતીહલતી
રૂપ પકડી કોથળે નાખતી
કોથળો ઝાલી ખભે નાખતી
બહાર કશું ન ઘટ્યા કરતું
કદ કોથળાનું વધ્યા કરતું
થતાં ખોળિયાં સીધાંવાંકાં
થાકતાં બેસતાં પોરો ખાતાં
થતાં ખોળિયાં વાંકાંસીધાં સીધાંવાંકાં.
ડગલું આઘો સવારનો ઉઘાડ
કચરાની ગાડીને ઘડીની વાર.
ખોલી બહાર ભરેલા કોથળા
ખોલી અંદર ઊંઘ્યાં ખોળિયાં.
બપોર ચડી
ખાઈ પરવારી પોપચાં નીચે કીકી સંતાડી બે ઘડી.
ઠાલવ્યા કોથળા ઊબડખાબડ આંગણામાં
પાડ્યાં છૂટાં
કાગળ કોથળી બૉક્સ પૂંઠાં
બોતલ બાટલી ખીલી ખીલા
પેન રિફીલ તાર પતરાં
ચા પીધી, છીંકણી તાણી
સાંજની ઘડી નજીક આવી
દનની મહેનત પળમાં લેતો કબાડી
રોકડી દસની ત્યારે માંડ ભાળી.
(‘ભીતર’ પદ્યનવલમાંથી)
e.mail : umlomjs@gmail.com