સાંજે ઘરમાં પગ મૂકતાં જ આલાપે પત્નીને કહ્યું , “મારા માટે કોફી બનાવ. આજે હું ખૂબ જ થાકી ગયો છું. મારે આજે કામ પર બહુ મોટું પ્રેઝેંટેશન હતું. અપેક્ષા, ત્યારે મને એવું લાગતું હતું કે આખી કંપનીની સમસ્યાનો ભાર જાણે મારા જ માથે ના હોય ……”
ત્યાં તો બેડરૂમમાંથી અવાજ આવ્યો, “બેટા આલાપ, મારી છાતીમાં દુ:ખે છે, લાગે છે કે મારે હોસ્પિટલ જવું પડશે.”
આલાપે કહ્યું, “પપ્પા, તમારી બી.પી.ની દવા લઈને થોડીવાર સૂઈ જાવ. સારું લાગશે. હું આજે ખૂબ જ બીઝી હતો ને થાકી ગયો છું. બેચાર દિવસે તમારી તબિયત વિશેની ફરિયાદ હોય છે.”
ત્યારે પિતાએ કહ્યું હતું, “બેટા, ચારપાંચ દિવસથી મારી દવા ખલાસ થઈ છે.”
આલાપે કહ્યું, “પપ્પા, કાલે તમને દવા લાવી આપીશ. આજે સૂઈ જાવ.”
“ભલે, બેટા,” કહીને તેઓ સૂઈ ગયા.
સવારે આલાપ પિતાના રૂમમાં ગયો, ત્યારે તેઓ બેહોશ પડ્યા હતા. આલાપ એમને લઈને હોસ્પિટલમાં ગયો ત્યારે ડોક્ટરે કહ્યું, “ખૂબ મોડું થઈ ગયું છે. એમને હાર્ટ એટેક અને સાથે સ્ટ્રોક પણ આવ્યો છે !”
બે દિવસની બિમારી ભોગવીને એના પિતા ગુજરી ગયા. થોડાક દિવસ પછી આલાપ અને એની પત્ની એના પપ્પાની રૂમ સાફ કરતા હતા. આલાપ રૂમમાંથી બધી વસ્તુઓ કાઢીને ટ્રેશમાં નાંખતો હતો. ત્યાં એના હાથમાં એક પાકિટ આવ્યું. એમાંથી એના પપ્પાના હાથે લખેલી ડાયરી મળી. પાનાં ફેરવતાં તે ઓચિંતાનો અટકી ગયો. આલાપ શિક્ષક પિતાની જૂની ડાયરી વાંચવા લાગ્યો. એમણે લખ્યું હતું, આજે આલાપ પાંચ વર્ષનો થયો. અમે એની વર્ષગાંઠ નિમિત્તે એના બાલમંદિરાનાં મિત્રોને બોલાવીને પાર્ટી રાખી હતી .મિત્રો સાથે રમતાં રમતાં આલાપ પડી ગયો. મિત્રોના ગયા પછી મારો પગ દુ:ખે છે એમ કહી એણે રડવાનું શરૂ કર્યું.
અમે જોયું તો એનો પગ ખૂબ સૂજી ગયો હતો. તે ઊભો પણ નહોતો થઈ શકતો, મેં અને એની મમ્મીએ એને ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. ઠંડી ખૂબ જ હતી. શિયાળાની મોડી રાતે આ નાનકડાં ગામમાં કોઈ વાહન મળે નહીં. મેં આલાપને ખભે ઉપાડીને ઝડપથી ચાલવા માંડ્યું, એની મમ્મી પણ મારી પાછળ પાછળ હાંફતી ને લગભગ દોડતી હતી. તે મને વિનવતી હતી ને કહેતી હતી કે, એકલા એને ઉપાડીને તમે થાકી જશો, મને થોડીવાર આપો ને હું કહેતો એ માંડ શાંત થયો છે. એની ઊંઘ બગડશે. ભલે મારી પાસે રહેતો ! માંદા દીકરાને તેડીને ચાલનારા બાપને ક્યારે ય થાક ન લાગે સમજી !
અને અમે એ રાતે અઢી કિલોમીટર ચાલીને ડોક્ટરને ત્યાં પહોંચ્યાં હતાં. આલાપની આંખો ભરાઈ આવી, તે આગળ ન વાંચી શક્યો ! એની આંખ આગળ ફ્રેક્ચરવાળા પગને કારણે એને તેડીને ફરતાં મમ્મી પપ્પાનાં ચહેરાં દેખાયાં. તે હાથ જોડીને કહી રહ્યો હતો, “પપ્પા, હું એટલો નહોતો થાક્યો કે હું તમને ગાડીમાં ના લઈ જઈ શકું …… મને માફ કરશો ને, પપ્પા ? પપ્પા, મને માફ ……!”
બોસ્ટન, અમેરિકા
૧૬-૨-૨૦૨૫
e.mail : inamdarvasudha@gmail.com